
રવીન્દ્ર પારેખ
શિક્ષણને મામલે ગુજરાત સરકારે સર્વનાશ વહોરી લીધો હોય એવી સ્થિતિ છે.
એવામાં યોગાનુયોગ આજે શિક્ષક દિન આવ્યો છે, તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ … ગાવાનું મન થાય, પણ એ ગમે એટલા ભાવથી ગાઈએ તો પણ મજાક કરતાં હોઈએ એવું લાગે. દિન વધુ ‘દીન’ લાગે એ દશા આપણે શિક્ષકોની કરી છે.
નવી શિક્ષણ નીતિને નામે રોજ શિક્ષણ વિભાગને તઘલખી વિચારો આવે છે ને તેના અમલના તે તરત જ આદેશો આપે છે. તઘલખને સારો કહેવડાવે એવો એક નિર્ણય એ આવ્યો કે ધોરણ ૩થી 8માં એકમ કસોટી રદ્દ કરીને, 18 ઓગસ્ટથી ત્રિમાસિક કસોટી ફરજિયાત કરવામાં આવી અને ગમ્મત જુઓ કે ૩થી 8માંથી કાઢી નંખાયેલી એકમ કસોટી, ધોરણ 9થી 12માં ફરજિયાત કરવામાં આવી. આમાં લાંબો વિચાર કરવાનો નથી, એટલે તેનો અમલ પણ 11 સપ્ટેમ્બરથી જ કરવાની જાહેરાત 4 સપ્ટેમ્બરના સમાચારમાં કરવામાં આવી છે. આ એકમ કસોટીમાં એકવાક્યતા પણ નથી. એકમ કસોટીના માર્ક્સ માત્ર 9 અને 11 ધોરણની વાર્ષિક પરીક્ષામાં જ ધ્યાને લેવાશે. ટૂંકમાં, બોર્ડની પરીક્ષાઓને તેની સાથે કોઈ લેવાદેવા નથી. એકમ કસોટીના માર્ક્સ બોર્ડની પરીક્ષાઓમાં ધ્યાને લેવાના જ ન હોય, તો એ ધોરણોમાં એકમ કસોટી લેવાથી કયો હેતુ સરશે? બને કે જેમ 3થી 8માંથી ગઈ તેમ એકમ કસોટી 9થી 12માંથી પણ જાય. જરૂર તો એક પરિપત્રની જ છે ને ! એ તો કોઈ પણ તઘલખ ગમે ત્યારે બહાર પાડી શકે એમ છે. એક તરફ ભણાવવા માટે સ્કૂલોનાં, વર્ગોનાં, શિક્ષકોનાં ઠેકાણાં નથી ને છાશવારે પરીક્ષાઓ લેવાતી રહે છે. પરીક્ષા એ જ શિક્ષણ – એવું સૂત્ર હવે પ્રચલિત થયું છે.
40,000થી વધુ શિક્ષકોની કાયમી ભરતી 2017થી અટવાયા જ કરે છે ને કામચલાઉ શિક્ષકોથી ફિક્સ પગારે કામ લેવાય છે. આ હાલત સુધરતી નથી. શિક્ષકોનો દુકાળ સ્કૂલોમાં જ છે એવું નથી. યુનિવર્સિટીઓમાં પણ અધ્યાપકોની ભરતી થતી નથી, એટલે થોડી જગ્યાઓ માટે જાહેરાત આવે છે, તો હજારોની સંખ્યામાં અરજીઓ ખડકાય છે. કાલના જ સમાચાર છે કે વીર નર્મદ યુનિવર્સિટીમાં અધ્યાપકોની 75 જગ્યાઓ માટે 2,000થી વધુ અરજીઓ આવી છે. 2016થી જ નર્મદ યુનિવર્સિટીમાં ભરતી થઇ નથી, ત્યાં 75 જગ્યાઓ ભરવાનું યુનિવર્સિટીને યાદ આવ્યું એ પણ કંઇ નાનીસૂની વાત નથી. અધ્યાપકોની દરિદ્રતા તો જગજાહેર છે, પણ અધ્યાપકોની ભરતીમાં પણ દરિદ્રતા દાખવવાનું સરકાર ચૂકતી નથી. આ મામલે સરકાર એટલી રીઢી થઈ ચૂકી છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ખરાબ રીતે ઝાટકણી કાઢી છે. એથી સરકારને કેટલો ફેર પડશે, એ તો સરકાર જાણે, પણ સુપ્રીમ કોર્ટે અધ્યાપકોની ભરતી અને પગાર બાબતે ચિંતા કરવી પડે એવી સ્થિતિ તો ગુજરાત સરકારે ઊભી કરી જ છે.
હાઈકોર્ટે, સમાન કામ, સમાન વેતનને અનુલક્ષીને સમાન પગારનો નિર્દેશ આપતા, ગુજરાત સરકાર અપીલમાં ગઈ હતી, પણ સુપ્રીમે એ અપીલ ફગાવી દઈને સરકારની રીતિ-નીતિની ઝાટકણી કાઢી હતી. શિક્ષણને મામલે ગુજરાતમાં જે લાલિયાવાડી ચાલે છે, એથી સુપ્રીમે આંચકો અનુભવ્યો હતો. આમ તો આખા દેશમાં શિક્ષકોની સ્થિતિ ઠીક નથી, પણ ગુજરાતમાં તો બદથી બદતર છે. સુપ્રીમે ભારે નારાજગી સાથે જણાવ્યું કે શિક્ષકને સન્માનનીય વેતન ન મળતું હોય તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર … ગાવાનો કોઈ અર્થ નથી. ગુજરાતનાં શિક્ષણ વિષેની કેટલીક વાતો સુપ્રીમને કદાચ પહેલી વખત જાણવા મળી હોય તો નવાઈ નહીં !
જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે શિક્ષકો આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય નિર્માણ કરે છે. એવા શિક્ષકો સાથે આવો વ્યવહાર અક્ષમ્ય છે. કોઈ પણ દેશ માટે તેના શિક્ષકો શરીરની કરોડરજ્જુ સમાન છે. શિક્ષકો જ વિચારો અને નૈતિક મૂલ્યો દ્વારા ભવિષ્યનો દિશા નિર્દેશ કરે છે. એ ગંભીર ચિંતાનો વિષય છે કે શિક્ષકોનાં યોગદાનને પરખવામાં આવતું નથી કે તેની કદર કરવામાં આવતી નથી. શિક્ષકોને નોંધપાત્ર વેતન ન મળે તો જ્ઞાન કે બૌદ્ધિક સફળતાને પણ સાચું સ્થાન નહીં મળે. વધારે ઉલ્લેખનીય ને ચિંત્ય બાબત તો એ છે કે હાઇકોર્ટે તેના ચુકાદામાં સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતનું પાલન કરવાનો સ્પષ્ટ નિર્દેશ રાજ્ય સરકારને આપ્યો જ હતો, પણ તેની સામે અપીલમાં જવાનું સરકારને યોગ્ય લાગ્યું. એ કેવી રીતે શક્ય છે કે સમાન કાર્ય, સમાન વેતનના સિદ્ધાંતની વિરુદ્ધ સુપ્રીમ ચુકાદો આપે?
સુપ્રીમે રાજ્ય સરકારને સમાન કામ, સમાન વેતનને અનુરૂપ નિર્ણય આપીને, તેની મનસ્વી રીતિ-નીતિ સંદર્ભે પુનર્વિચારણાની ફરજ પાડી છે. સુપ્રીમે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે શિક્ષકો સાથેના આ પ્રકારના ખરાબ વર્તન અને અન્યાયને કારણે દેશની વિદ્વત્તા પર ભારે અસર પડે છે. સુપ્રીમે રીતસરનો બળાપો ઠાલવતાં કહ્યું છે કે સમાનતાના દાવાઓ અને ખુલાસાઓ વચ્ચે એ વાત ભારે દુ:ખ પહોંચાડે છે કે કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરને માંડ ૩૦,૦૦૦નું જ વેતન મળે છે ને રેગ્યુલર હોય તે પ્રોફેસરોને સવાથી દોઢ લાખ જેટલો પગાર ચૂકવાય છે. એ કેવળ શોષણ છે કે કરાર આધારિત શિક્ષક કે અધ્યાપક કામ તો કાયમી જેટલું જ કરે છે, પણ તેમને કાયમી કરતાં હજારો રૂપિયા ઓછો પગાર અપાય છે, જે સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતની ઠેકડી ઉડાવવા બરાબર છે. કરાર આધારિત પ્રોફેસરોને ચૂકવાતા પગાર સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં એ ચિંતા પણ સુપ્રીમે કરી કે આટલા ઓછા પગારમાં એ પ્રોફેસર પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવતો હશે? સુપ્રીમે એ અફસોસ પણ વ્યક્ત કર્યો કે કરાર આધારિત પ્રોફેસરોને બે દાયકાથી આટલો ઓછો પગાર ચૂકવાય છે.
આ જ સ્થિતિ કરાર આધારિત શિક્ષકોની પણ છે. કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકોને તો કરાર આધારિત પ્રોફેસરો કરતાં પણ ઓછો પગાર ચૂકવાય છે. એ શિક્ષકો કેવી રીતે ઘર ચલાવતા હશે એ પણ પ્રશ્ન જ છે. લાગે છે એવું કે કરાર આધારિત શિક્ષકો કે અધ્યાપકો રાખીને સરકાર એટલે કારભાર ચલાવે છે કે ઓછા પગારમાં કામ થાય અને કાયમીનો પગાર બચાવાય. શિક્ષકોની કાયમી ધોરણે ભરતી ખાસ થતી નથી, એમ જ અધ્યાપકોની પણ નિમણૂકો ટાળીને કરાર આધારિત અધ્યાપકોથી કામ કઢાય છે. એવું નથી કે શિક્ષકો, અધ્યાપકો મળતા નથી, પણ તેમની ભરતીમાં થતી કરકસર દ્વારા જગ્યાઓ ભરાય જ નહીં તેની કાળજી રખાય છે. કરાર આધારિત શિક્ષકો, અધ્યાપકો મળી રહેતા હોય તો કાયમી જગ્યા માટે ન મળે એવું બને, ખરું? સુપ્રીમે એ મુદ્દે પણ ટકોર કરી કે 2,72૦ ખાલી જગ્યામાંથી ફક્ત 923 પોસ્ટ પર જ કાયમી ભરતી થઈ છે. 158 એડહોક અને 902 કરાર આધારિત ભરતી આસિસ્ટન્ટ પ્રોફેસરોની થઈ છે, જ્યારે 737 જગ્યાઓ હજી પણ ભરવાની બાકી જ છે.
શિક્ષકો, અધ્યાપકોની ભરતી ન કરવાથી જ અસરકારક શિક્ષણ આપી શકાય, એવું સરકારને કઈ રીતે લાગે છે, તે સમજાતું નથી. એકાદ ખાલી પડેલી વિધાયક કે સાંસદની જગ્યા માટે પેટા ચૂંટણી યોજવાનું ચુકાતું નથી, તો હજારો ખાલી જગ્યાઓ રાખીને શિક્ષણની અવદશા નોતરવાનો અર્થ જ એ છે કે સરકારને શિક્ષિતોની જરૂર નથી. શિક્ષિત હશે તો વિચારશે, વાંધા પાડશે ને એકહથ્થુ શાસનમાં તડ પડશે, એટલે નાછૂટકે કામચલાઉથી સરકાર કામ કાઢે છે. સુપ્રીમની વાતો પરથી એવું લાગે છે કે આ કામચલાઉ શિક્ષકો, અધ્યાપકોની યોજના ગુજરાતમાં જ છે. સુપ્રીમની ઘણી પ્રતિક્રિયાઓ એમાંથી આવી છે કે કરાર આધારિત અધ્યાપકોને આટલો ઓછો પગાર મળે છે.
સીધો સવાલ તો એ છે કે એકસરખું કામ કરતી બે સમકક્ષ વ્યક્તિને પગાર સરખો કેમ નહીં? કોઈ વિધાયક, કોઈ સાંસદ, કોઈ મંત્રી ઓછો પગાર નથી લેતો, તો શિક્ષક કે અધ્યાપકને કરાર આધારિત રાખીને, ઓછો પગાર ચૂકવવામાં સરકાર કઈ દેશસેવા કરી રહી છે? ગુરુને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશની સાથે રાખીને પ્રાર્થના કરતાં હોઈએ, તો ઓછા પગાર દ્વારા શિક્ષકો, અધ્યાપકોનું શોષણ કરીને, આપણે કયું સન્માન કરીએ છીએ તે કોઈ કહેશે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 સપ્ટેમ્બર 2025