8 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે અમદાવાદના નવજીવન ખાતે ‘દલિત પેન્થર’ ચળવળના સંદર્ભમાં ઘનશ્યામ શાહ / ચંદુ મહેરિયા / પ્રકાશ ન. શાહ / મનીષી જાની / વાલજીભાઈ પટેલ /રાહુલ પરમાર / જે.વી. પવારને સાંભળવાનો મોકો મળ્યો.
દલિત પેંથર ચળવળ શું છે? દલિત પેંથરે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કેવી કેવી લડાઈઓ લડી? દલિતોને કઈ રીતે આંદોલિત કર્યા? કઈ રીતે ‘સત્તા’એ તેમની પર જુલમ કર્યો? નાગરિક સંગઠનોએ કેવી ભૂમિકા ભજવી? વગેરે બાબતોની ટૂંકી જાણકારી વક્તાઓએ આપી.
દલિત એક્ટિવિસ્ટ વાલજીભાઈ પટેલ સાથે ફોન પર વાતચીત થયા કરે, સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક હતો પરંતુ આજે પ્રથમ વખત મળવાનું થયું. પંક્તિ દેસાઈ / મનીષી જાની / કિરણ ત્રિવેદી / હેમંતકુમાર શાહ / ચંદુ મહેરિયા / દલપત ચૌહાણ / મધુ ગંગાબેન / મિતાલી સમોવા / યોગેન્દુભાઈ વગેરે મળ્યા. બીજા અનેક ફેસબૂક મિત્રોને મળવાનું થયું.
કાર્યક્રમના અંતે નવજીવન ખાતે ગુજરાત દલિત પેંથરની ઐતિહાસિક ભૂમિકા અંગેના પ્રદર્શનનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના દલિત પેંથર એક્ટિવિસ્ટ જે.વી. પવારના હસ્તે કરવામાં આવ્યું. પંક્તિ દેસાઈએ ખૂબ શ્રમપૂર્વક ગુજરાતમાં દલિત પેંથરનો ઇતિહાસ પ્રદર્શન દ્વારા આપણી સમક્ષ મૂક્યો છે. આ પ્રદર્શન થકી ગુજરાતની દલિત પેન્થર ચળવળના ઇતિહાસના ફોટાઓ / પ્રેસ નોટ્સ / પત્રવ્યવહાર / પત્રિકાઓ / કાર્ટૂન / સામયિકો અને પ્રકાશનો જેવા વૈવિધ્યસભર ઐતિહાસિક દસ્તાવેજોના માધ્યમથી આલેખવાનો, જીવંત બનાવવાનો આ એક નાનકડો પ્રયાસ છે. ઉપરાંત ચળવળ સાથે સંકળાયેલ નેતાઓ અને અનેક લોકોના યોગદાનને રજૂ કરવાનો પણ આશય છે. તે માટે મહાનગરો, નગરો અને ગામડાઓની અસંખ્ય મુલાકાતો અને ક્ષેત્રકાર્ય કરીને સામગ્રી એકત્ર કરવામાં આવી છે. પંક્તિ દેસાઈ કહે છે : ‘ઐતિહાસિક દસ્તાવેજો સભર આ પ્રદર્શન એ દલિત સમાનતા / સામાજિક આંદોલનો અને ગુજરાતના સામાજિક રાજકીય ઇતિહાસમાં રસ ધરાવતા સંશોધકોને નવો દૃષ્ટિકોણ પ્રદાન કરનારો મૂલ્યવાન સ્રોત બની રહેશે.’
આ પ્રદર્શન 8 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી 2025 સુધી બપોરના 12થી રાત્રે 9 સુધી ગૂજરાત વિદ્યાપીઠ પાછળ, નવજીવન કાફે ખાતે ખૂલ્લું રહેશે. દલિતો / આદિવાસીઓ / પછાત વર્ગ / નિસબત ધરાવતા નાગરિકો / પત્રકારત્વના વિદ્યાર્થીઓ / એક્ટિવિસ્ટ / સ્પર્ધાત્મક પરીક્ષા આપતા યુવાનોએ આ પ્રદર્શન અવશ્ય નિહાળવું જોઈએ અને દલિત ચેતનાનો પરિચય મેળવવો જોઈએ.
અમેરિકાના શ્યામવર્ણી લોકોના ‘બ્લેક પેંથર’ આંદોલનમાંથી (1966) પ્રેરણા લઈને મહારાષ્ટ્રના યુવા દલિત સાહિત્યકારો અને કર્મશીલોએ 1972માં મહારાષ્ટ્રમાં દલિત પેંથરની સ્થાપના કરી. દલિત પેંથર તેની સીમા વળોટી 14 એપ્રિલ 1974ના રોજ ગુજરાત પહોંચ્યું. દલિત પેન્થર આંદોલનની સહજ પ્રાથમિકતા અત્યાચાર અને અનામત હતી. અત્યાચાર / હત્યાકાંડના બનાવોમાં વિરોધ અને ન્યાયની માંગણી માટે દીર્ઘ લડતો લડતા દલિત પેન્થરે લોકશાહી અને બંધારણીય ધારાધોરણો જાળવીને પોતાના વિરોધને સૌથી ઉગ્ર રીતે વ્યક્ત કરવાનું કામ કર્યું છે. અત્યાચારથી ત્રસ્ત થઈને તેણે નાગરિક અધિકારો પરત કરવાનું આંદોલન કર્યું હતું. દલિતોનું સાચું રાજકીય પ્રતિનિધિત્વ રાજકીય અનામતથી શક્ય નથી એટલે રાજકીય અનામતની ખુરશીનું દહન, ગામડું અને પંચાયતી રાજ દલિતોને વિશેષ રંજાડે છે એટલે પંચાયતી રાજની નાબૂદી, રહેવા અને જીવવા માટે જમીન અને રોજી, લઘુત્તમ વેતન, ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય, મહિલાઓની સલામતી અને મુક્તિ, નામાંતર સંઘર્ષ, રિડલ્સ વિવાદ, અનામતનો બચાવ, અમલ તેનો વિસ્તાર-વૃદ્ધિ માટેના આંદોલનો અને આંબેડકર જયંતીની ઉજવણી જેવા કાર્યક્રમો અને આંદોલનો દ્વારા તેણે દલિતોમાં નવી જાગૃતિ આણી છે. આ માટે સમાચાર, વિચાર અને કવિતાનાં સામયિકો પ્રગટ કર્યાં હતાં. અનેક ચડાવઉતાર વચ્ચે દલિત પેંથરની કૂચ ગુજરાતમાં જારી છે.
મનીષી જાનીએ સચોટ રીતે કહ્યું : ‘દલિત પેંથર એટલે પોતાનો ઇતિહાસ અને વર્તમાન જાતે લખવાની શરૂઆત !’
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર