
રવીન્દ્ર પારેખ
સાધારણ રીતે સ્ત્રી સંદર્ભે આરોપ પુરુષ પર હોય ત્યારે શંકાની સોય તેના તરફ જ તકાયેલી રહે છે. લોકો કે કાયદો પણ સ્ત્રી તરફ જ સહાનુભૂતિથી જુએ એમાં નવાઈ નથી, કારણ શારીરિક શોષણનાં મામલામાં પુરુષ જવાબદાર હોય એવાં ઢગલો ઉદાહરણો મળી રહે એમ છે. સ્ત્રીઓનું અનેક રીતે એટલી હદે શોષણ થતું રહ્યું કે કાયદાએ સ્ત્રી કેન્દ્રી થવાની ફરજ પડી. એ જરૂરી પણ હતું. એવું ન થાય તો સ્ત્રીનાં શોષણનો સિલસિલો અટકે એમ ન હતો. આજની તારીખે પણ સ્ત્રીઓ સાથેની છેડછાડ, લગ્નનો વાયદો કરીને થતી છેતરપિંડી, દુષ્કર્મની ફરિયાદોમાં જરા જેટલી પણ ઓટ આવી નથી, બલકે, સ્ત્રીઓનાં શોષણનાં નવા નુસખા અજમાવાતા હોવાનું મીડિયામાં ચર્ચાતું રહે છે. એમાં એક ફેક્ટર એ ઉમેરાયું છે કે સ્ત્રીઓ પણ શિક્ષિત થઈ છે અને જાહેર ક્ષેત્રોમાં તેનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. કેટલાંક ક્ષેત્રોમાં તો તે પુરુષ સમોવડી જ નથી થઈ, તેનાથી આગળ પણ નીકળી છે. તે પુરુષો સાથે સ્પર્ધામાં ઊતરી શકે એવી સક્ષમ થઈ છે.
કેરિયર ઓરિએન્ટેડ ઘણી સ્ત્રીઓ લગ્નને નકારતી કે લગ્નેતર સંબંધને સ્વીકારતી પણ થઈ છે. લિવ ઇન-નો વિકલ્પ પણ કેટલીક સ્ત્રીઓને માફક આવ્યો છે. આ બધું સારું છે કે ખરાબ તેમાં ન પડીએ, પણ અપરાધની બાબતે પણ સ્ત્રી પુરુષની બરાબરી કરતી થઈ છે. કેટલી ય એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં પત્નીએ દહેજનો ખોટો કેસ કરીને સાસરિયાંને સળિયા ગણાવ્યા હોય. લગ્નેતર સંબંધમાં પતિથી છાનો પ્રેમ સંબંધ વિકસાવ્યો હોય ને પતિને ખબર પડતાં વાત મરવા-મારવા પર આવી ગઈ હોય એવું પણ બન્યું છે. એક રીઢા ગુનેગારમાં હોય એવી લુચ્ચાઈ ને ખંધાઈ હવે સ્ત્રીઓમાં શોધવી પડે એમ નથી. સ્ત્રી કરુણાની મૂર્તિ નથી એવું નથી, તેની મમતા આજે પણ ખૂટી નથી, તેનાં સમર્પણ ને ત્યાગનો જોટો આજે ય જડે એમ નથી, પણ છેવટે તો તે માનવ છે. એક મનુષ્યમાં હોય તેવાં દુર્ગુણો તેનામાં પણ હોય તો આશ્ચર્ય ન થવું જોઈએ. તેણે પણ આ દુનિયામાં જ જીવવાનું છે ને રોજિંદા જીવનમાં આવતા પડકારો ઝીલવાના છે. જીવવું તો તેણે ય છે ને જીવે છે. જીવવા માટે જે કરવું પડે તે, તે ય કરે છે …
રોજિંદા જીવનમાં પુરુષો દ્વારા થતી સ્ત્રીઓની છેતરપિંડીની કોઈ સીમા નથી. એનાં એટલાં ઉદાહરણો છે કે ગણતરી કરતાં પાર ન આવે. હવે એવી છેતરપિંડીમાં સ્ત્રીઓ પણ કદાચ પાછળ રહેવા માંગતી નથી, કારણ બધી બાબતોમાં સ્પર્ધા કરનારી સ્ત્રીઓ આ મામલે પણ પુરુષોથી પાછળ ન રહે એમ બનવાનું. એવો એક કિસ્સો જોવા જેવો છે –
અલ્હાબાદ હાઇકોર્ટમાં એક કેસ ચાલ્યો, જાતીય સતામણીનો. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે કાયદાઓ ભલે સ્ત્રીઓનાં હિતની સુરક્ષા માટે હોય ને પુરુષે અનેક વાર સ્ત્રીઓનાં હિતોને જોખમમાં મૂક્યાં હોય, તો પણ એ શક્ય છે કે દરેક વખતે પુરુષ ખોટો ન હોય. કેસ હતો, લગ્નનું ખોટું વચન આપીને પાંચ વર્ષ સુધી જાતીય સતામણી કરવાનો. સાધારણ રીતે આરોપો ખોટા સાબિત કરવાની કે પુરાવાઓ રજૂ કરવાની જવાબદારી આરોપીની હોય છે, પણ અલ્હાબાદ હાઇકોર્ટે પુરાવાઓ રજૂ કરવાની જવાબદારી ફરિયાદીની પણ છે એવી ટકોર કરી. એમાં કોઈ શક નથી કે યૌન અપરાધોમાં સ્ત્રીઓનાં સન્માન અને ગરિમાનું રક્ષણ આપતા કાયદાઓ મહિલા કેન્દ્રી જ હોય, પણ કોર્ટનું માનવું છે કે જે તે ઘટનાનું આકલન પણ થવું જોઈએ. જાતીય સતામણી સંબંધિત કાયદાઓ સ્ત્રી કેન્દ્રી હોય તે સમજી શકાય એવું છે, છતાં આ કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો. આરોપી વિરુદ્ધ એસ.ટી.-એસ.સી.નો કેસ પણ હતો.
પીડિતાએ 2019માં કેસ કરતાં જણાવ્યું હતું કે લગ્નનું વચન આપીને આરોપી તેની સાથે શરીર સંબંધ બાંધતો રહ્યો અને પાછળથી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી, એટલું જ નહીં, તેની જાતિ સંબંધે અપમાનિત પણ કરી. આરોપી વિરુદ્ધ 2020માં ચાર્જશીટ દાખલ થયું. ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલ્યો ને કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો અને માત્ર આઇ.પી.સી.ની કલમ હેઠળ જ દોષી ઠેરવ્યો. જો કે, એથી પીડિતાનાં મનનું સમાધાન ન થયું ને તેણે ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો. આરોપીનું કહેવું હતું કે સંબંધો પરસ્પરની મરજીથી બંધાયા હતા. તેણે મહિલા સાથે લગ્નની ના એટલે પાડી કે તે યાદવ સમુદાયની હતી એવી તેણે કહેલી વાત સાચી ન હતી ને તે અન્ય જાતિની હતી. સમગ્ર રેકોર્ડની તપાસ દરમિયાન એ વાત પણ બહાર આવી કે પીડિતા અગાઉથી જ પરિણીત હતી અને તેનાં લગ્ન 2010માં એક પુરુષ સાથે થઈ ચૂક્યાં હતાં અને લગ્નનાં બે વર્ષ પછીથી, તેનાં પતિથી તે અલગ રહેતી હતી, તે તો ઠીક પણ તેનો કોર્ટમાં કેસ દાખલ થયો ત્યાં સુધી પહેલું લગ્ન અસ્તિત્વમાં હતું ને પૂર્વ પતિ સાથે છૂટાછેડા થયા ન હતા ને આરોપી સાથે સંબંધો બાંધ્યા હતા. આ સ્થિતિમાં આરોપીએ પીડિતાને લગ્નનું વચન આપીને છેતરી હોવાનો વાંધો ટકે એમ ન હતો, કારણ લગ્નની બાબતમાં સંતાડવાનું તો પીડિતાના કિસ્સામાં વધુ હતું.
આમ તો પીડિતાની ફરિયાદ છેતરાયાંની હતી, પણ તેણે પહેલાં લગ્નની વાત ન કરીને આરોપીને છેતર્યો હતો. બંને અલ્હાબાદ, લખનૌની હોટેલોમાં, લોજમાં દિવસો સુધી સાથે રહ્યાં હતાં. એ ઉપરાંત તેણે જાતિ અંગે પણ આરોપીને અંધારામાં રાખ્યો હતો. હાઇકોર્ટે વિશેષ ટિપ્પણી કરતાં એ વાત નોંધી હતી કે આજે પણ સમાજમાં કોઈ સંબંધને લગ્નમાં ફેરવવો હોય તો જાતિની બાબતો જરૂરી છે. હાઇકોર્ટે એ બાબતે પણ ટકોર કરી કે પીડિતાને જાતિ છુપાવવાનું કયું કારણ હતું ને તે છુપાવવાનું કેમ જરૂરી હતું તે સાબિત કરવામાં તે નિષ્ફળ ગઈ હતી. ખરેખર તો એ નક્કી નહોતું થઈ શકતું કે કોણ, કોને મૂર્ખ બનાવતું હતું? હાઇકોર્ટે નિર્ણયમાં જાહેર કર્યું કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યોગ્ય હતો. સાધારણ રીતે આવા કિસ્સાઓમાં આરોપી દોષી જણાતો હોય છે, પણ આ મામલામાં દુષ્કર્મના આરોપ માટે પુરુષ જવાબદાર ન હતો ને પીડિતાએ મૂકેલા આરોપો સાચા ન હતા. ટૂંકમાં, પુરુષ ખોટો ન હતો ને સ્ત્રી વધારે જવાબદાર હતી.
અહીં જોઈ શકાશે કે સ્ત્રી-પુરુષ વિષેની આપણી ધારણાઓથી સાવ ઊલટી જ વાત સામે આવે છે. સાધારણ રીતે તો પુરુષ લગ્નની લાલચ આપી નામુકર જતો જોવા મળે છે, પણ અહીં મહિલા જાતિ છુપાવે છે, એટલું જ નહીં, તે પરિણીત છે તે વાત પણ છુપાવે છે. આરોપીએ તેને લગ્નનું વચન આપીને છેતરી છે એવો આરોપ છે, પણ હકીકત એ છે કે તે પોતે પરિણીત છે ને એ લગ્નનો ભંગ થયો નથી એ વાત ન જણાવીને તેણે આરોપીને છેતર્યો છે. એ આઘાતજનક છે કે કોર્ટમાં કેસ દાખલ કરવા છતાં ફરિયાદીને એ વિશ્વાસ છે કે તે કોર્ટની આંખમાં પણ ધૂળ નાખી શકશે. વારુ, ટ્રાયલ કોર્ટનો ચુકાદો તેની તરફેણમાં આવ્યો નથી ને તેની સમગ્ર છેતરપિંડી ઉઘાડી પડી જાય છે, તો પણ તે ત્યાં અટકતી નથી ને હાર્યો જુગારી બમણું રમે એ રીતે તે હાઇકોર્ટનો દરવાજો પણ ખટખટાવે છે. ખબર નથી પડતી, તેને એવું કઈ રીતે લાગે છે કે કોર્ટનો ચુકાદો તેની ફેવરમાં આવશે? એ રીતે તો તે કેસ દાખલ કરીને કોર્ટને પણ સાચી હકીકતથી વાકેફ નથી કરતી, બીજા શબ્દોમાં તે કોર્ટને પણ છેતરવાની કોશિશ કરે છે. તેને કદાચ એમ છે કે દુષ્કર્મનો આરોપ મૂકવાથી આરોપીની વિરુદ્ધમાં ચુકાદો આવશે, કારણ કાયદાઓ સ્ત્રી કેન્દ્રી છે ને સાધારણ રીતે ચુકાદો પીડિતા તરફી જ આવે છે તો એ રીતે તેનાં તરફી પણ આવશે એવા ભ્રમમાં તે છે, પણ એવું બનતું નથી ને કોર્ટ નિષ્પક્ષ રહીને યોગ્ય તે નિર્ણય આપે છે ને અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈને રહે છે. આ ચુકાદો એવા પુરુષો માટે આશીર્વાદરૂપ છે જેઓ નિર્દોષ છે ને દુષ્કર્મને નામે કસૂરવાર ઠરતાં હોય છે. એ મોટું આશ્વાસન છે કે કોર્ટ આજે પણ નિષ્પક્ષ ચુકાદાઓ આપે છે ને નિર્દોષનો વાળ પણ વાંકો થવા દેતી નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 23 જૂન 2024