
રવીન્દ્ર પારેખ
જન્મ આપવાનું કામ પ્રાણીઓમાં માદાને અને મનુષ્યોમાં નારીને ભાગે આવ્યું, એટલે સંતાન સાથે સીધું અને પહેલું જોડાવાનું પ્રાણીઓમાં માદાને અને મનુષ્યોમાં સ્ત્રીને આવ્યું. ઉછેરની જવાબદારી પણ મનુષ્યોમાં સ્ત્રીને ભાગે આવી, એટલે બાળકનાં ઘડતરનું શ્રેય પણ સ્ત્રીને જ આપવાનું થાય. મા જન્મ પહેલાંથી બાળક સાથે જોડાય છે ને પિતા તે પછી જોડાય છે, પણ બાળક પર પ્રભાવ પિતાનો વધુ પડે છે. પિતાનું જોઈને બાળક શીખે છે. તે જુએ છે કે આર્થિક પાસું પિતા પાસે ને અન્ય જવાબદારીઓ માતા પાસે છે. તે એ પણ જુએ છે કે માતા પણ પિતાના પ્રભાવ હેઠળ છે, એટલે પિતાની અસરો તે વધુ ઝીલે છે. માતા બાળકીને પોતાનાં જેવી ઘડવા મથે છે, તો પિતા પુત્રને પોતાના જેવો બનાવવા મથે છે, એને લીધે સમય જતાં દીકરીમાં સ્ત્રીત્વ અને દીકરામાં પુરુષત્વનાં લક્ષણો પ્રગટ થવાં લાગે છે. દીકરીમાં કે દીકરામાં રહેલો ફરક શરૂઆતમાં પ્રગટતો નથી, પણ જેમ જેમ ઉછેર થાય છે તેમ તેમ એ ભેદ આંખે ઊડીને વળગે એમ સ્પષ્ટ થતો આવે છે.
સંતાન જેમ જેમ મોટું થાય છે, તેમ તેમ તે માબાપની ટેવ-કુટેવ પણ જાણે છે, સમજે છે ને તેની નકલ કરવા પણ મથે છે. માતા સાડી પહેરે છે, તો દીકરી પણ સાડી પહેરવા મથે છે. મા રસોઈ કરે છે તો તેનું જોઈને દીકરી પણ રસોઈ શીખે છે. માતાને અન્ય કોઈ આવડત હોય કે કોઈ કળા હસ્તગત હોય તો દીકરી પણ તેવું કરવા મથે છે ને જેમ જ્ઞાન કે શિક્ષણ વધે છે, તેમ તે તેની રીતે આગળ વધે છે.
એવું જ દીકરો પિતા પાસેથી શીખીને તેના જેવું કરવા મથે છે, પણ દીકરાને માટે મૂંઝવણ એ છે કે તે જાણી શકતો નથી કે પિતા ખરેખર કરે છે, શું? પિતા નોકરીએ કે ધંધે જાય છે, ત્યારે તે ઘરે હોતા નથી ને દીકરો ઘણા બધા કલાક ઘરમાં હોય કે સ્કૂલ-કોલેજમાં હોય તો તેનું પિતાને ઘરમાં મળવાનું ઓછું જ બને છે. વારુ, જેટલો સમય પિતા બહાર હોય તેટલો સમય પિતાની નોકરી કે ધંધાની કામગીરીની જાણ પુત્રને લગભગ હોતી નથી. માતા પણ નોકરી કે વ્યવસાય કરતી હોય તો દીકરી કે દીકરો, બંને તેની કામગીરીથી લગભગ અજાણ હોય છે. એ સિવાય માતા ઘરમાં હોય તો દીકરી તેની ઘરકામની જવાબદારીઓથી પણ પરિચિત થાય છે, એવો પરિચય પિતાની, ઘરની કે બહારની જવાબદારીઓનો સંતાનોને ખાસ થતો નથી. ઘરમાં સંતાનો જે જુએ છે તે માતા કે પિતાની ટેવો-કુટેવો. પિતા ચાની કે દારૂની ટેવ ધરાવતા હોય, માતા જોડે ઝઘડતા હોય, માતા પર હાથ ઉપાડતા હોય, તો સંતાનો તે જુએ છે, સમજે છે ને શીખે છે. એની સારી-ખરાબ અસરોથી સંતાનો મુક્ત રહી શકતાં નથી. પિતાનું જોઈને દીકરો વ્યસની થઈ શકે છે કે પિતાને માતા પર હાથ ઉપાડતા જોઇને દીકરી એ સ્વીકારતી થાય છે કે પતિ હોય તે પત્ની પર હાથ પણ ઉપાડે ને એ રીતે તેની માનસિકતા ઘડાતી હોય છે.
પોતાનું સંતાન પોતાની નબળાઈઓનો ભોગ બને એવું તો કોઈ માબાપ ન ઈચ્છે, પણ એને માટે પૂરતી કાળજી માબાપે લેવાની રહે. આમ તો એનો એક ઉપાય એ છે કે માબાપે સંતાનોની હાજરીમાં પોતાની નબળાઈઓ પ્રગટ ન થાય તેની કાળજી રાખવી. પિતા દીકરાની હાજરીમાં શરાબ પીતો હોય તો, તે પિતાની ગેરહાજરીમાં શરાબ પીવાની કોશિશ કર્યા વગર ભાગ્યે જ રહેશે. એવું જ માતાની કોઈ કુટેવ દીકરી ન જ અપનાવે એવું માની શકાય નહીં. એટલે એ કાળજી માબાપે લેવાની રહે કે પોતાની કુટેવનો ભોગ સંતાનો ન બને. એ ઉપરાંત પણ માબાપે એ કાળજી લેવાની રહે કે પોતાનું સંતાન લાગણીહીન કે સંવેદનહીન ન બને. એ તો જ શક્ય છે કે માબાપ સંવેદન સભર હોય, લાગણીશીલ હોય. માબાપ નિષ્ઠુર હશે તો સંતાન પણ નિર્દય કે નિષ્ઠુર થયા વગર ભાગ્યે જ રહેશે. બાળક સંવેદનહીન હશે ને સ્માર્ટ પણ હશે, તો તેની પ્રવૃત્તિઓ ગુનાહિત થવાની તકો વધે છે. વધારે સારું તો એ છે કે માબાપ, બાળક સંવેદનશીલ બને એ દિશામાં ગંભીર પ્રયત્નો કરે. બાળકને ગુનાહિત બનતું માબાપ જુએ તો મનોવૈજ્ઞાનિકને ત્યાં લઈ જતાં પહેલાં એક વાર પોતાની વર્તણૂક જરૂર ચેક કરે, બને કે કારણ અને ઉપાય ઘરમાંથી જ મળી રહે.
માબાપ જો સંવેદનશીલ ન હોય તો સંતાનો સંવેદનશીલ બને એવી આશા રાખી ન શકાય. માબાપ કોઈ સાથે ભળતાં ન હોય, ઘરમાં પણ એકલાં રહેવાનું પસંદ કરતાં હોય, તો બાળક પણ અતડું ને અંતર્મુખ બનશે. તે ભાગ્યે જ કોઈમાં ભળશે કે કોઈ સાથે કમ્યુનિકેટ કરશે. તે સમૂહમાં નહીં ભળે, બલકે તેને એકલાં રહેવું વધુ ફાવશે. તે કોઇની તકલીફમાં પણ મદદ નહીં કરી શકે, કારણ આજુબાજુનાં વાતાવરણમાં તેને ભાગ્યે જ રસ પડશે. આવું એટલે બને છે કે માબાપે સંતાનો સંવેદનશીલ બને એ દિશામાં લગભગ વિચાર્યું જ નથી હોતું. માબાપ સંવેદનશીલ નથી એટલે બાળક સંવેદનહીન બનતું હોય છે. બને છે એવું કે બાળક અન્યોની લાગણી તો નથી જ સમજી શકતું, પણ તે પોતાને પણ સમજી નથી શકતું. પરિવારમાં હોવા છતાં, પરિવાર વિષે કે તેની લાગણી વિષે, સંતાનોમાં, તેવી સમજ વિકસે એવું બન્યું જ ઓછું હોય છે.
બાળક ખીલતું, ખિલખિલાતું રહે એ દરેક માબાપે જોવાનું રહે છે. માબાપ જેટલું વર્ચસ્વ ઊભું કરશે, ધાક જમાવશે, તો સંતાન એટલું કરમાશે. તેનો અર્થ એવો પણ નથી કે બાળકને છૂટો દોર આપી દેવો. મુદ્દો એટલો જ છે કે બાળક મૂંઝાય નહીં તેનું ધ્યાન માબાપ રાખે. કોઈ પણ વાત સંતાન અચકાયા વગર માબાપને કરી શકે એટલી મોકળાશ સંતાન પાસે હોવી જોઈએ. બાળક એવું ત્યારે કરી શકે, જો માબાપ સંતાનને આવકારતાં હોય. માબાપ વચ્ચે મનમેળ છે, મોકળાશ છે, એવું સંતાનને લાગશે, તો બાળક પણ નિર્ભય થઈને માબાપ પાસે પોતાની વાત મૂકશે. માબાપે બાળકને ચીજ વસ્તુઓ આપીને જ રહી જવાનું નથી, તેમણે બને એટલાં ‘પોતાને’, બાળકોને આપવાના છે, મતલબ કે બને એટલો સમય માબાપે સંતાનો સાથે ગાળવાનો છે. બાળક માટે માબાપ કોઈ પણ પળે તત્પર હોય એ જરૂરી છે, તે ત્યાં સુધી કે બાળક કૈં ખોટું કરીને આવે તો પણ તેની વાત ખુલ્લાં મને કરી શકે તેવી મોકળાશ પરિવારે તેને આપી હોય.
કમભાગ્યે એવું ઓછું જ બને છે. કોઈ ભૂલ થતાં પિતા મોટે ભાગે તો બાળકને ઠપકારે કે ફટકારે જ છે. ક્યારેક ગાળો દે છે. કોઈનો કાળ કોઈના પર નીકળતો હોય એવું પણ બને છે. ખીજ પત્ની પર કાઢવી હોય કે ચીડ પતિ પર હોય, ત્યારે બાળક હાથમાં આવી જતું હોય છે ને વગર વાંકે ટીપાઈ જતું હોય છે. એનું પરિણામ એ આવે છે કે સંતાન સંકોચાઈને રહે છે. વાત કહેતાં અટકે છે. એકલું મૂંઝાતું હોય છે ને વ્યક્ત થવાના ખરા ખોટા માર્ગ અપનાવતું રહે છે. પરિણામે, તે કદીક અંતર્મુખ કે સંવેદનહીન પણ બને છે. આગળ જતાં આ સંવેદનહીનતા, નિષ્ઠુરતા કે નિર્દયતામાં પરિણમે છે. સંતાન વ્યક્ત થતાં અટકે છે અથવા અભિવ્યક્તિના અમાનવીય માર્ગો અપનાવે છે.
માનવીમાં અભિવ્યક્તિની ઊણપ, એ પોતાને કે અન્ય માટે ક્યારેક વધુ હિંસક કે ઘાતક પરિણામો આપે છે. મંદિરોમાં કે કોઈ કળા પ્રદર્શનીમાં મૂર્તિઓ જોઈએ છીએ, તો તેની મુદ્રાઓ અને ભાવોને જોઈને આપણે અભિભૂત થઈએ છીએ, આનંદિત થઈએ છીએ ને શિલ્પકારની પ્રશંસા કરીએ છીએ, સાથે એ પણ જાણીએ છીએ કે શિલ્પ કે મૂર્તિ, એ ધાતુ, આરસ કે માટી કે રેતી જ છે. આવી નિર્જીવ ધાતુ કે માટી જો આટલા ઉત્કૃષ્ટ ભાવ પ્રગટ કરી શકતી હોય, તો આપણે તો મનુષ્યો છીએ, આપણે કેવી રીતે ભાવ કે સંવેદનહીન થઈ શકીએ? આપણે સ્વ છીએ, સ્વ. નથી. જે કેવળ સ્વમાં કેન્દ્રિત છે, તે સ્વર્ગસ્થ જ છે. જે સ્વમાં છે તેણે સર્વસ્વ થવાનું છે ને સર્વના થવાનું છે. સ્વથી સર્વ સુધી જે વિસ્તરે છે તે જ સર્વસ્વનો અનુભવ કરી શકે છે ને કરાવી શકે છે, ખરું કે નહીં?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 16 જૂન 2024