જ્યારે મુંબઈમાં પૈસાની રેલમછેલ હતી ત્યારે ફોર્ટ કેમ તોડી નખાયો?
કોણ આજે રહે બંધ બારણે?
આવ, આવ, જો જગત–પ્રાંગણેઃ
સાગર હિલ્લોળે, વન ડોલે,
વીજ ચડી છે વિરાટ ઝૂલે;
દુરે, સીમે, નવ નવ મોલે
ધરતીનું દિલ ખોલે.
કવિ પ્રહ્લાદ પારેખનું આ ગીત બોમ્બેના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે(૧૮૧૫-૧૮૮૪)એ તો ક્યાંથી સાંભળ્યું હોય? પણ તેઓ ૨૪ એપ્રિલ,૧૮૬૨ના દિવસે બોમ્બેના પહેલવહેલા તાજનિયુક્ત ગવર્નર બન્યા અને એક પછી એક બંધ દરવાજા ખોલવા જ નહિ, તોડવા માંડ્યા. એક રીતે જુઓ તો માથાભારે માણસ. લંડનમાં બેઠેલા બડેખાંઓની પણ સાડીબારી ન રાખે. ગવર્નરના સિંહાસન પર બેઠા અને તરત નક્કી કર્યું કે આ મુંબઈ શહેરને વધુ સ્વચ્છ, નિરોગી, સોહામણું, ધબકતું બનાવવું છે. પણ શું કરવું, કેટલું કરવું, એ નક્કી કેમ કરવું? એટલે અધિકારીઓને પૂછ્યું : મું’બઈ શહેરની વસતી કેટલી?’ ‘એ તો ખબર નથી, સાહેબ.’ ‘કેમ? અહીં વસતી ગણતરી નથી થતી?’ ‘ના સાહેબ, આજ સુધીમાં ક્યારે ય થઈ નથી’. ‘તો આપણે કરાવીએ.’ મુંબઈ સરકારે આ અંગે ઠરાવ કરી દિલ્હી નામદાર વાઈસરોયને મોકલી આપ્યો. થોડા વખતમાં મંજૂરી મળી ગઈ. પણ સાથે લખેલું કે આ અંગેનાં કાગળિયાં લંડનના હાકેમોને જાણ ખાતર મોકલીએ છીએ.
મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે
ગવર્નર જનરલની મંજૂરી મળી કે તરત વસતી ગણતરીની તૈયારીઓ શરૂ. એક જ દિવસમાં ભીતરકોટ અને બહારકોટમાં રહેતા લોકોની ગણતરી કરી લેવી એવું નક્કી થયું. વસતી ગણતરી માટેનાં સાધનો, માણસો, બધું નક્કી. વસતી ગણતરીના ઠરાવેલા દિવસને આઠ-દસ દિવસ બાકી હતા અને દિલ્હીથી વાઈસરોયનો સંદેશો. લંડનના હાકેમોએ તમારી દરખાસ્ત નામંજૂર કરી છે, એટલે વસતી ગણતરીનું કામ બંધ. તરત જ ફ્રેરેએ અધિકારીઓને બોલાવ્યા. વાત જણાવી. અધિકારીઓ કહે : ‘તો આજથી બધી તૈયારી બંધ કરી દઈએ ને?’ ‘ના. લંડન જે કહે છે તે મુંબઈ સરકારને બંધનકર્તા છે. પણ કોઈ ખાનગી કંપની કે સંસ્થા તો વસતી ગણતરી કરી શકે ને? એ કાંઈ રાજદ્રોહી કામ નથી કે આપણે કોઈને તે કરતાં અટકાવી શકીએ.’ અને નિર્ધારિત તારીખે, નિર્ધારિત રીતે પહેલી વાર મુંબઈની વસતી ગણતરી થઈ. હા, એ સરકારે નહોતી કરાવી, એક ‘ખાનગી સંસ્થા’એ કરાવેલી.
આ ગવર્નરસાહેબને એક ટેવ. પરદુઃખભંજન રાજા વીર વિક્રમની જેમ અવારનવાર નગરચર્યા કરવા નીકળી પડે. એ વખતનું મુંબઈ બે ભાગમાં વહેંચાયેલું : ભીતરકોટ એટલે કે કોટ કહેતાં ફોર્ટની અંદરનું મુંબઈ, જ્યાં મોટે ભાગે અંગ્રેજો અને થોડા બહુ માલેતુજાર પારસીઓ રહે. બીજું મુંબઈ તે ‘બહારકોટ,’ એટલે કે કોટ કહેતાં ફોર્ટની બહારનો વિસ્તાર, જ્યાં રહે ‘દેશી’ લોકો. કેટલાક અંગ્રેજોના લખાણમાં એને માટે ‘બ્લેક ટાઉન’ શબ્દો પણ વપરાયેલા જોવા મળે છે.
આવી નગરચર્યા દરમ્યાન બહારકોટનું એક મકાન તેમના ધ્યાનમાં આવ્યું. હજી તો ચાર-પાંચ મહિના પહેલાં ત્રણ-ચાર માળનું હતું. અને આજે સાતમો માળ ચણાતો હતો. ગયા એ મકાનમાં, અને મળ્યા માલિકને. પૂછ્યું : ‘તમને એવી તે શી જરૂર પડે છે કે ત્રણ માળના મકાન પર આજે સાતમો માળ ચણાવો છો? જવાબ મળ્યો : ‘નામદાર, અહીં નીચે કેટલી ગંદકી છે, જીવજંતુનો ત્રાસ છે એ તો તમે જાણો જ છો. એને કારણે આજ સુધીમાં મારાં ત્રણ બાળકો નાની ઉંમરમાં જ મરી ગયાં. હવે ફરી મારી ઘરવાળીને સારા દિવસ છે. આ બાળકને નીચેની ગંદકી અને રોગચાળાથી બને તેટલું દૂર રાખવા માગું છું, એટલે આ સાતમો માળ બંધાવું છું. મને આશા છે કે આ વખતે મારો છોકરો બચી જશે.’
આ સાંભળીને ફ્રેરેસાહેબ તો સડક થઈ ગયા. પણ પછી તરત વિચાર્યું : આ ગંદકી અને રોગચાળાનું કારણ છે કોટ ફરતી બાંધેલી ખાઈ. તેમાં વાસી, ગંદુ,ગંધારું પાણી ભરાઈ રહે છે. જેને લીધે રોગચાળો ફેલાય છે. એટલે પહેલી વાત એ કે આ ખાઈ હવે પુરાવી દેવી. પણ ખાઈ તો હતી કોટની દીવાલોની આસપાસ. એ દીવાલો … અને તેમના મનમાં બત્તી થઈ : માત્ર ખાઈ નહિ, આ આખો કોટ કહેતાં ફોર્ટ હવે જર્જરિત, નક્કામો અને બિનઉપયોગી થઈ ગયો છે. હવે એણે કોઈના હુમલાથી રક્ષણ કરવાનું નથી, કારણ હવે આ મુંબઈ પર હુમલો કરવાનો વિચાર કોઈને સપનામાં પણ આવી શકે તેમ નથી.
પણ કેમ વારુ? આ કોટ એવી રીતે બંધાયો હતો કે જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે થતા હુમલાનો સામનો કરી શકે. આપણે જેને પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ કહીએ છીએ અને અંગ્રેજો જેને ‘સિપોય મ્યુટિની’ કહેતા એ ૧૮૫૭ની ઘટના પછી આખા દેશમાં કોઈ એવી સત્તા રહી નહોતી જે જમીનમાર્ગે મુંબઈ પર હુમલો કરવાનું સપનામાં પણ વિચારી શકે. અને યરપમાં પણ ગ્રેટ બ્રિટનનો ડંકો વાગતો હતો. મહારાણીના રાજ્યની ઓળખ ‘જ્યાં સૂર્ય કદિ આથમતો નથી’ એવા સામ્રાજ્ય તરીકે અપાતી હતી. એટલે કોઈ યુરોપીય સત્તા દરિયાઈ માર્ગે આક્રમણ કરી શકે તેમ નહોતું. અમેરિકા તો પોતે જ આંતર વિગ્રહમાં સપડાયેલું હતું.
અને ગવર્નર ફ્રેરેએ નક્કી કરી નાખ્યું : ન રહેગા બાંસ, ન બજેગી બાંસૂરી. પહેલાં કોટ તોડો. પછી એનો કાટમાળ વાપરી ખાઈ પૂરો. પણ સરકારી અમલદારો હંમેશાં સાત ગળણે ગાળીને પાણી પીએ. કહે : ‘સાહેબ, પણ આ માટે લંડનની મંજૂરી? અગાઉ આ કોટ અને ખાઈ બાંધતી વખતે કેવો પાઈ પાઈનો હિસાબ લંડને મુંબઈ પાસે માગ્યો હતો! આ બધું કામ કરવાનો ખરચ?’ ગવર્નર કહે : ‘જુઓ, પહેલી વાત એ કે એ વખતે વેપારી કંપનીની સરકાર હતી. હવે તાજની સરકાર છે. એટલે આ સરકાર ફક્ત નફા-નુકસાનનો વિચાર કરી ન શકે. લોકોનું હિત પણ જોવું જ પડે. બીજું, આ બંને કામ માટે આપણે સરકારી તિજોરીનો એક પાઉન્ડ પણ વાપરશું નહિ.’ ‘તો કામ કઈ રીતે થશે?’ ‘કોટ પાડ્યા પછી, ખાઈ પૂર્યા પછી, ઘણી જમીન છુટ્ટી થશે. એ જમીન આપણે વેચી દેશું. મને ખાતરી છે કે બધો ખરચ બાદ કર્યા પછી પણ આપણી પાસે પૈસા વધશે. એટલે તાજના રાજનો તો એક રૂપિયો પણ વપરાશે નહિ.’
અગાઉ ડોંગરીના કિલ્લાને તો ડાઈનેમાઇટ ચાંપીને એક દિવસમાં ફૂંકી માર્યો હતો. પણ અહીં એમ થઈ શકે તેમ નહોતું. કારણ કોટની અંદર અને બહાર, લોકોની પુષ્કળ વસતી, અને તેમની માલમિલકત. જે.સી.બી. અને બુલડોઝર જેવાં સાધનો એ વખતે નહિ. એટલે મજૂરો રોકી, પાવડા-કોદાળી વડે કોટ તોડવાનું ૧૮૬૨માં શરૂ થયું અને ૧૮૬૪માં પૂરું થયું. કાટમાળથી ખાઈ પણ પૂરાઈ ગઈ. આજે તો હવે મુંબઈના આ ફોર્ટની એકાદ ઈંટ પણ ક્યાં ય જોવા મળતી નથી. હા, સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના કમ્પાઉંડમાં આવેલી એક દીવાલને ઘણા ટુરીસ્ટ ગાઈડ મુંબઈના કોટની દીવાલ તરીકે ખપાવી દે છે. પણ એ દીવાલ તો આપણે ગયે વખતે જેની વાત કરેલી એ ફોર્ટ જયોર્જની છે. અને હા, છૂટી થયેલી જમીન ખરીદવા માટે તો પડાપડી જ થઈ. અને કેમ ન થાય? એ વખતે મુંબઈમાં પૈસાની અભૂતપૂર્વ રેલમછેલ હતી, અમેરિકન આંતરવિગ્રહણે પ્રતાપે.
માન્ચેસ્ટરની કપડાની મિલો
હેં? અમેરિકન આંતરવિગ્રહને અને મુંબઈને શું લાગેવળગે? વાત જાણે એમ છે કે એ વખતે કોટન મિલ્સની દુનિયાનું પાટનગર હતું ગ્રેટ બ્રિટનનું માન્ચેસ્ટર. મુખ્યત્વે અમેરિકાથી રૂ માન્ચેસ્ટર જાય. ત્યાંની મિલોમાં કાપડ વણાય. અને જાય હિન્દુસ્તાન સહિત અનેક દેશોમાં. ૧૮૬૧ના એપ્રિલની ૧૨મી તારીખે અમેરિકન આંતરવિગ્રહ શરૂ થયો. પરિણામે માન્ચેસ્ટરને અમેરિકાથી મળતું રૂ બંધ. પણ એટલે કાંઈ મિલો તો બંધ કરાય નહિ. એટલે મગાવો રૂ હિન્દુસ્તાનથી. અગાઉ પણ આપણા દેશનું રૂ બ્રિટન જતું, પણ બહુ ઓછું. પણ હવે તો મુંબઈમાં રૂના ભાવ આસમાને ગયા. કહે છે કે મુંબઈના લોકોએ ઘરનાં ગાદલાં-ઓશિકાં ફાડી ફાડીને તેમાંનું રૂ પણ વેચી નાખેલું. રૂના વેપારીઓને નાણાં ધીરવા માટે રાતોરાત નવી નવી બેંકો ફૂટી નીકળી. ઊંચા વ્યાજે આડેધડ લોન આપવા લાગી. નફો ઘણો, એટલે બેન્કોના શેરના ભાવ આસમાને. સાથોસાથ આખું શેરબજાર ઊંચકાયું. મુંબઈમાં પૈસાની રેલમછેલ. બેન્કોની સાથોસાથ ‘રેકલમેશન કંપની’ઓ ફૂટી નીકળી. મુંબઈના જુદા જુદા ભાગોમાં દરિયો પૂરીને જમીન નવસાધ્ય કરવા માટે. લોકોએ આંખ મીચીને એમાં પણ પૈસા રોક્યા.
હવે તમે જ કહો, આખું મુંબઈ પૈસાથી ફાટફાટ થતું હોય, વેપારધંધા માટેની જગ્યાની માગ વધતી જતી હોય, ત્યારે જરીપુરાણા કોટની દીવાલો વચ્ચે આ સોનાપરી જેવી નગરી કઈ રીતે પૂરાઈ રહે? એટલે જ્યારે કોટની દીવાલો પાડી, ખાઈ પૂરી, ત્રણ દરવાજા માટીમાં મળ્યા ત્યારે મુંબઈના લોકો તો કવિ નર્મદની પેલી પંક્તિ ગણગણતા હતા : ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં નવ કરશો કોઈ શોક.’
ફુવારાના એનગ્રેવિંગ પર છાપેલું નામ: ફ્રેરે ફાઉન્ટન
અને ગવર્નર સર બાર્ટલ ફ્રેરેએ માત્ર કોટ તોડાવ્યો એટલું જ નહિ. બને તેટલી મદદ બેન્કોને કરી, રેકલમેશન કંપનીઓને કરી, નાનામોટા વેપારીઓને કરી. એ વખતના શેરના સટ્ટાના બેતાજ બાદશાહ તરીકે જાણીતા શેઠ પ્રેમચંદ રાયચંદને ગવર્નર સાથે ઘરોબો. એટલે બેન્કોને, શેર બજારને, રૂના વેપારીઓને સીધી નહિ તો ય આડકતરી મદદ કરી ગવર્નરે. જે જગ્યાએ કોટનો ચર્ચગેટ નામનો દરવાજો ઊભો હતો એ જ સ્થળે એક સરસ મજાનો ફુવારો બનાવવાનું નક્કી થયું, એ ચર્ચગેટની યાદગીરીમાં. અને કોટનાં બંધન તોડીને મુંબઈને મુક્ત કરાવનાર ગવર્નર સર બાર્ટલ ફ્રેરે પ્રત્યેનો આભાર વ્યક્ત કરવા માટે એ ફુવારાને ‘ફ્રેરે ફાઉન્ટન’ નામ આપવાનું નક્કી થયું. એ ફુવારો બની ગયા પછી ૧૮૭૧માં બ્રિટનમાં પ્રગટ થયેલા એના એનગ્રેવિંગમાં નીચે ‘ફ્રેરે ફાઉન્ટન’ એવું નામ પણ છાપ્યું છે. પણ ફુવારાની નીચે જે તકતી મૂકેલી છે તેમાં નથી ફ્રેરેનું, કે નથી ફ્લોરાનું નામ. માત્ર This Fountain એટલું જ લખ્યું છે.
ફુવારા નીચે ચોડેલી તકતી પર નથી ફ્રેરેનું નામ કે નથી ફ્લોરાનું નામ, લખ્યું છે માત્ર ‘ધીસ ફાઉન્ટન’
એ તકતીમાં જણાવ્યા પ્રમાણે આ ફુવારો બાંધવાનો ખરચ ૪૭,૦૦૦ હજાર રૂપિયા, જેમાંના ૨૦,૫૦૦ શેઠ ખર્શેદજી ફરદુનજી પારેખ નામના પારસી વેપારીએ આપેલા. પણ પછી કોઈક કારણસર ફ્રેરેનું બન્યું ફ્લોરા. આ ફાઉન્ટન ૧૮૬૯ના નવેમ્બરની ૧૮મી તારીખે ખુલ્લો મૂકાયો ત્યારે સર બાર્ટલ ફ્રેરે મુંબઈના ગવર્નર નહોતા. ૧૮૬૭ના માર્ચની છઠ્ઠી તારીખે તેઓ સ્વદેશ પાછા ગયા હતા. મુંબઈનો કોટ ભલે પડ્યો, પણ કોટ પડ્યા પછી પણ આજ સુધી એ આખો વિસ્તાર ઓળખાય છે ફોર્ટ કે કોટના નામે જ. પણ પેલો કોયડો તો વણઉકેલ્યો રહે જ છે : આ ફુવારાનું નામ ફ્રેરે ફાઉન્ટનને બદલે ફ્લોરા ફાઉન્ટન કેમ પડ્યું? છે કોઈ વાચકમિત્ર પાસે આ કોયડાનો જવાબ? તો લખી મોકલજો.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 01 જૂન 2024)