Opinion Magazine
Number of visits: 9507202
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્મરણ શ્યામજીનું, એમને એક સો છાસઠમે, સાદર, સવિનય…અને સતર્ક!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 October 2023

વંદન, આજે (ચોથી ઓક્ટોબરે) એમના 166મા જયંતી પર્વે.

સરસ માન તો શ્યામજી કૃષ્ણવર્માને. સનદ 2015માં પરત કરતાં ઇનર ટેમ્પલે આપ્યું. એના પદાધિકારીએ કહ્યું કે અમારો આ સર્વાનુમત નિર્ણય છે. શ્યામજી રાષ્ટ્રવાદી હશે, ટેરરિસ્ટ નહોતા. એમને બારમાંથી કમી કરવાપણું નહોતું. કેમ કે એમણે કોઇ ક્રિમિનલ કામગીરી કરી નહોતી. હકીકતે, એ સમયે એમને કોઇએ ધોરણસર સાંભળ્યા જ નહોતા.    

પ્રકાશ ન. શાહ

વચ્ચે વાતવાતમાં અમદાવામાં સેકન્ડહેન્ડ પાઠ્યપુસ્તકોની દુકાન, મહાજન બુક ડીપોનું સ્મરણ કરવાનું બન્યું હતું. એ રીચી રોડ (ગાંધી માર્ગ) પર ફર્નાન્ડીઝ પુલ નીચે હતી. સાઠ-સિત્તેર વરસ પાછળ જઇને સંભારું છું તો રિલીફ રોડ (તિલક માર્ગ) પર પથ્થર કૂવાથી શરૂ થતો ટુકડો સાંભરે છે. પોપ્યુલર? અને પીપલ્સ બે મજેનાં પુસ્તકઠેકાણાં હતાં. ત્યાં ‘એન્કાઉન્ટર’નું વાર્ષિક લવાજમ (આખું અઢાર રૂપિયા) ભર્યાનું યાદ છે. આ જ ફૂટપાયરી પર જૂનાંનવાં અંગ્રેજી પુસ્તકો પણ મ‌ળતાં. એમાં એકવાર ધનવંત ઓઝાનું ‘વિલ્કીઝ વન વર્લ્ડ’ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જોવાનાં બન્યાં. ઇન્દુચાચાની ઠીક ઠીક પૃષ્ઠસમૃદ્ધ વિગતખચીત પાકા પૂંઠાની ચોપડી પડી પડી વણખપી ત્યારે રૂપિયે રૂપિયે મળતી. પછી તો રસ પડ્યો અને અમે મિત્રોએ ઇન્દુચાચાને અમારી યુવા પ્રવૃત્તિ અન્વયે શ્યામજી વિશે વાર્તાલાપ સારું નિમંત્ર્યા. એ તારીખનાં ઓસાણ છૂટી ગયાં હતાં, પણ આ લખવા બેઠો ત્યારે એમની આત્મકથાના છઠ્ઠા ભાગમાં ડાયરીનાં પાનાં જોતાં જડ્યું કે 1961ની 18મી ઓક્ટોબરે પ્રેમાભાઇ હોલમાં એમણે આ વાર્તાલાપ આપ્યો હતો. એમના વાર્તાલાપમાં જ એમણે આ પુસ્તક લેખનની જવાબદારી ભણાવનાર સરદાર સિંહ રાણાના ક્રાંતિકાર્યનોયે ખયાલ આવ્યો હતો. અલબત્ત, આજે 2003ની વીરાંજલિ યાત્રાની મોદીપહેલ અને પૂર્વસાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ સરદારસિંહની વેબસાઇટ સુલભ કરી તે પછી આ નામો સ્વાભાવિક જ પરિચિત થયેલાં છે. (જો કે, સરદારસિંહ રાણાએ ઇન્દુલાલને બોમ્બ-તાલીમ સારુ રશિયા મોકલ્યાની વાત ઇતિહાસ સમ્મત જણાતી નથી.)

ખાસ કરીને લંડનના ‘ઇન્ડિયા હાઉસ’થી અને ‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્રથી, વિદેશની ધરતી પર જંગે આઝાદીના એક કર્મી ને કલમી તરીકે શ્યામજી સુપ્રતિષ્ઠ છે. દેશની એમની કામગીરી રિયાસતી દીવાન તરીકેની તેમ આર્ય સમાજના અગ્રણી અને પંડિત તરીકેની રહી. કાશીના પંડિતોએ કોઇ બ્રાહ્મણ નહીં એવી પ્રતિભાને ‘પંડિત’ તરીકે વિધિવત્ પોંખી હોય તે શ્યામજી હતા. સ્વાતંત્ર્યસંગ્રામ સાથે આ કચ્છીમાડુનું આગળ પડતું સંધાન અલબત્ત એમના વિદેશવાસ પછીનું છે. એમણે ઊભું કરેલું ‘ઇન્ડિયા હાઉસ’ મેડમ કામાથી માંડી વિનાયક દામોદર સાવરકર સહિતનો હિંદવી જોવનાઇનું આંગનથાણું હતું. વતનમાં દયાનંદે સંમાર્જેલ શ્યામજીની બ્રિટનવાસની વિચારમાનવજત ઠીક ઠીક પ્રમાણમાં હર્બર્ટ સ્પેન્સરને આભારી છે. ‘આક્રમણનો પ્રતિકાર’, શ્યામજી સ્પેન્સરને ટાંકીને કહેતા, ‘વાજબી છે એટલું જ નહીં અનિવાર્ય આદેશવત્ છે.’ બાય ધ વે, એમણે લંડનના જે વિસ્તારમાં ‘ઇન્ડિયા હાઉસ’ ખડું કર્યું એની બરાબર સામે હાઇગેટ સિમેટ્રી છે જેમાં સ્પેન્સર ને માર્ક્સ સહિતના વીરલાઓ પોઢેલા છે.

1905માં વતનઆંગણે બંગભંગના દિવસોમાં ને દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનાં ઊગું ઊગું કિરણોના ગાળામાં જ લંડનમાં ‘ઇન્ડિયા હાઉસ’ ઊભું થયું. મદનલાલ ઢીંગરાના વીરકર્મથી માંડી સ્ટુટગાર્ટમાં પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની વાત હોય કે 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામની પચાસીનો અવસર હોય, બધાંનું પગેરું તમને ‘ઇન્ડિયા હાઉસ’માં મળશે. ભારત બહાર સાવરકર જે કોળ્યા તે તિલકની ભલામણે શ્યામજીદીધી સ્કોલરશિપને કારણે.

‘ધ ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ પત્ર 1905માં, શરૂ શરૂમાં માસિક રૂપે લંડનથી, પછી પેરિસથી, અનિયમિત થતે થતે છેલ્લે છેલ્લે જીનીવાથી એમ 1922 સુધી પ્રગટ થતું રહ્યું.

આ પત્ર પોતાને સ્વાતંત્ર્યના તેમ જ રાજકીય, સામાજિક ને ધાર્મિક સુધારાના પત્ર (ઓર્ગન) તરીકે ઓળખાવતું. ક્રાંતિકારી હત્યાઓનું એ બેધડક સમર્થન કરતું. અલબત્ત, શ્યામજીનું પોતાનું (જેમ સાવરકર વગેરેનું હશે, તેવું) કોઇ સીધું સંધાન એમાં નહોતું. જીનીવામાં એમનાં છેલ્લાં વર્ષો સ્વાસ્થ્યવશ સ્વાભાવિક જ ખાસ સક્રિય નહોતાં. વતનપ્રેમમાં ઝૂરતા આ જીવે જીનીવાની એક સંસ્થામાં સ્વખર્ચે પોતાનાં ને પત્ની ભાનુમતીનાં અસ્થિ સચવાય એવી વ્યવસ્થા કરી હતી અને સૂચના આપી હતી કે હિંદ આઝાદ બને ત્યારે ત્યાં તે મોકલવાં. 2003ની વીરાંજલિ યાત્રાની આ પૃષ્ઠભૂ છે. હવે તો કચ્છમાં યુનિવર્સિટીનું નામ અપાયેલું છે અને ક્રાંતિતીર્થનુંયે નિર્માણ થયેલું છે. વળી ભારત સરકારે ખાસ ટપાલ ટિકિટ તો છેક 1989માં પ્રગટ કરી હતી.

સન્માન્ય શ્યામજીના મહિમામંડનની જોડે જોડે આઝાદીના ઓછા જાણીતા લડવૈયાઓને સંભારવાનો આવકાર્ય ઉપક્રમ છે તો કંઇક અતિરંજની રજૂઆતથી બાકીનાં ઠીક ઠીક સ્થાપિત વ્યક્તિત્વો કરતાં આગળ ધરવાની આ ઐતિહાસિક ગણતરી પણ જણાય છે. એમને માટે 2003માં ખાસ આગળ કરાયેલો પ્રયોગ ‘ક્રાન્તિગુરુ’ આ સંદર્ભમાં જોવાતપાસવા જેવો છે. પૂર્વ સાવરકરની ક્રાંતિકારી પ્રતિભા લંડન પહોંચ્યા પહેલાની અંકે થયેલી છે. ઉત્તર સાવરકરના હિંદુત્વ થીસિસને અને શ્યામજીની વૈચારિક ભૂમિકાને છત્રીસનો સંબંધ છે. 1930ના માર્ચની 30મીએ જીનીવામાં શ્યામજીને દેહ છોડ્યો તે પછીની એક નોંધપાત્ર અંજલિ બેઠક ભગતસિંહ અને સાથી કેદીઓએ લાહોર જેલમાં યોજી હતી, પણ ભગતસિંહની જેલ નોટબુક્સ જોતાં તેના પર શ્યામજીના ચિંતનનો કોઇ ખાસ પ્રભાવ જણાતો નથી.

‘ક્રાન્તિગુરુ’ કહેતાં જો સશસ્ત્ર ક્રાન્તિના કોઇ એકાન્તિક સમર્થનનો ખયાલ હોય તો તે દુરસ્ત નથી; કેમ કે અસહકારનો વિશાળ પાયા પરનો પ્રયોગ પણ શ્યામજીના અભિગમમાં સ્વીકાર્ય હતો. 1920-21ના વિરાટ ઘટનાક્રમ પછી શ્યામજી ઇચ્છતા હતા કે એમની યોજના અન્વયે લંડન મોકલવાના વક્તાઓ ગાંધીજી સૂચવે. 1930ના દાંડીકૂચના લોકજુવાળે એમને અતિશે આંદોલિત-ઉલ્લસિત કર્યા હોત. પણ એ ઝંઝાવાતી એટલી જ ઠંડી તાકાતના દિવસોમાં શ્યામજી બહારની દુનિયાથી બેખબર એવી બિલકુલ મરણોન્મુખ અવસ્થામાં હતા.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 04 ઑક્ટોબર 2023

Loading

4 October 2023 Vipool Kalyani
← સમાજઘડતરના આધારસ્તંભો
જૂની મૂડી: ૧  →

Search by

Opinion

  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved