લેખકે પોતાના લેખનને વફાદાર રહેવું જોઈએ કે વાચકને? આ સવાલનો સાચો અને પ્રામાણિક જવાબ મેળવવો અઘરો છે. બીજો સવાલ છે, વાચકે પોતાના વાચનને વફાદાર રહેવું જોઈએ કે લેખકને? આનો સાચો જવાબ મેળવવો પણ અઘરો છે. આનું મુખ્ય કારણ એ કે માન્યતા અને વ્યવહાર વચ્ચે બહુ મોટો ફરક હોય છે, જેનો નિખાલસ સ્વીકાર કરવો અઘરો હોય છે.
વાચનને વફાદાર હોય એવા વાચકોનાં લક્ષણ શું? આમ પૂછતાં જ એક ચહેરો નજર સમક્ષ ઊપસી આવે. એ વાચક એટલે કુકેરીનાં ડાહીબહેન પરમાર. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૪ના ગુરુવારે બપોરે તેમનું ટૂંકી બીમારી પછી અવસાન થયું. તેમના અવસાનના સમાચાર મળતાં જ તેમની સાથેનો ચારેક વરસ જૂનો પરિચય કોઈ ચિત્રપટ્ટીની જેમ નજર સમક્ષ ફરી ગયો.
ડાહીબહેનને કંઈ એવા મરમી અને વિદ્વાન વાચક ન કહી શકાય, કે જે પોતે કેટલું વાંચ્યું છે, એની દુહાઈઓ છાશવારે આપતાં રહે અને પોતાના વાચનપ્રેમનો રાગ આલાપ્યા કરે. ડાંગ જિલ્લામાં ચીખલીની નજીક, ઉમરા જવાના રસ્તે આવેલા કુકેરી ગામમાં રહેતાં એક નિવૃત્ત શિક્ષિકા હતાં એ. પેન્શનની આવક. પતિ ચંદ્રસિંહ પણ નિવૃત્ત શિક્ષક. બંને દીકરીઓ યોગ્ય ઠેકાણે પરણાવી દીધી હતી, એટલે પતિ-પત્ની બંને એકલાં જ રહેતાં હતાં. આ ગામમાં પોસ્ટ-ઑફિસ પણ ન હતી. એ માટે તેમણે ખાસ ચીખલી જવું પડે. આવી વિપરીતતાઓ છતાં ય ડાહીબહેન પુસ્તકો ખરીદીને મંગાવતાં.
‘ગુજરાતમિત્ર’ સહિત અન્ય સ્રોતમાંથી તેમને નવાં કે સારાં પુસ્તક અંગેની માહિતી મળે એટલે ડાહીબહેન ફોનથી જે-તે પ્રકાશક કે લેખકનો સંપર્ક કરે, સંબંધિત પુસ્તકની કિંમત પૂછે. તેમનો ખાસ આગ્રહ રહેતો કે પોતે મનીઑર્ડરથી નાણાં મોકલે, એ નાણાં પ્રકાશક કે વિક્રેતાને મળે, એ પછી જ તેમણે પુસ્તકો મોકલવાં. તેમના આટલા પરિચયે કોઈ નાણાં મળતાં પહેલાં સીધેસીધાં પુસ્તકો મોકલી આપવાનું કહે, તો ડાહીબહેન ભડકી ઊઠે. તેમનો આગ્રહ એવો જ રહેતો કે પોતે મોકલેલાં નાણાં મળે, એ પછી જ પુસ્તકો મોકલવાં. આમ તો આ કંઈ એવી મોટી વાત કે મોટો ગુણ ન કહેવાય. પણ આ લખનારને તેનો બરાબર અનુભવ પોતે લખેલા પુસ્તક ‘ક્રાંતિકારી વિચારક’ વખતે થયેલો. વડોદરાના પ્રો. રાવજીભાઈ પટેલ(મોટા)ની જીવનકથાના આ પુસ્તકના અનેક ઠેકાણે પ્રકાશિત થયેલાં અવલોકન પછી ઘણી શૈક્ષણિક સંસ્થાઓ તેમ જ અન્ય શૈક્ષણિક અગ્રણીઓએ આ પુસ્તક મંગાવ્યું હતું. પણ એ પછી તેમાંના ઘણા લોકો આ પુસ્તકનાં નાણાં મોકલવાનું ‘ભૂલી ગયા હતા.’ આવા સંજોગોમાં ડાહીબહેનની આ પ્રકૃતિ બહુ દુર્લભ જણાય.
પુસ્તક મંગાવીને વાંચ્યા પછી અચૂક એ વિશે વાત કરતાં અને પોતાને જે બાબત ન સમજાઈ હોય એ વિષે પૂછપરછ કરતાં. વાતો કરવી તેમને બહુ ગમતી, એટલે ઘણી વાર પુસ્તક સિવાયની વાતો પણ લંબાણથી કરતાં.
‘ક્રાંતિકારી વિચારક’ પુસ્તક વાંચ્યા પછી તેમણે બહુ સહજભાવે ટિપ્પણી કરતાં કહેલું, ‘પુસ્તક સરસ છે, પણ તમે અંદર વાતચીતમાં અમુક અંગ્રેજી વાક્યો એમનાં એમ મૂક્યાં છે. અમારાં જેવાને એમાં હમજણ ની પડે. તમે કૌંસમાં એનું ગુજરાતી લખ્યું હોત, તો હારું થાત!’
કશું ય લખીએ ત્યારે આપણે મનમાં અમુક પ્રકારના કે અમુક કક્ષાના વાચકોને જ નજર સમક્ષ રાખતા હોઈએ છીએ. આવું માનવું કેટલું ભૂલભરેલું હોય છે, એનો પહેલવહેલી વાર ખ્યાલ એ વખતે આવ્યો. લખતી વખતે કદી સપને ય વિચાર્યું ન હતું કે કુકેરી જેવા ગામનાં ડાહીબહેન જેવા વાચક પાસે મારું આ પુસ્તક પહોંચશે. એક વાચકે આપેલો આ અત્યંત મહત્ત્વનો પાઠ હતો.
આ પાઠ એટલો યાદગાર બની રહ્યો છે કે હવે કંઈ પણ લખતી વખતે મનમાં એ જ વિચાર હોય કે ડાહીબહેન આ વાંચી શકશે કે કેમ? ‘જેનનેક્સ્ટ’ને આવું જ ચાલે, એમ ધારીને આજકાલ ગુજરાતી લિપિમાં અંગ્રેજીના શબ્દપ્રયોગો તો ઠીક, આખેઆખા ફકરા ઉતારનારા લેખકમિત્રો કેટલા મર્યાદિત લોકોને લક્ષમાં રાખીને લખે છે, એ વિચાર આવ્યા વિના રહે નહીં! લખાણમાં બને એટલી સરળતા હોવી જોઈએ અને વાત ગમે એવી અઘરી કેમ ન હોય, રજૂઆત શક્ય એટલી સરળ હોવી જોઈએ, એનો સૈદ્ધાંતિક પાઠ ગુરુ રજનીકુમારે આપેલો, જેનો વ્યાવહારિક પાઠ શીખવ્યો ડાહીબહેને.
એકાદ વરસ અગાઉ તેમને રૂબરૂ મળવાનું બન્યું હતું. એ નિમિત્તે કેટલાંક પુસ્તકો તેમને ભેટરૂપે આપ્યાં. પણ તેમણે ધરાર એના પૈસા ચૂકવી દીધા. પુસ્તક પૈસા વિના લેવાય જ નહીં, એવી સ્પષ્ટ સમજણ તેમનામાં હતી અને આ સમજણનો કશી દાંડી પીટ્યા વિના તે અમલ કરતાં હતાં.
તેમને ઘેર ‘નિરીક્ષક’ પણ આવતું હતું. એ ફરી શરૂ કરાવવામાં કંઈક મુશ્કેલી હતી. એ નિમિત્તે તેમનો સંપર્ક ફોન દ્વારા પ્રકાશભાઈ(ન. શાહ)નાં પત્ની નયનાબહેન સાથે કરાવવામાં નિમિત્ત બનવાનું થયું. નયનાબહેન સાથે તેમનો નિયમિત સંપર્ક સ્થપાઈ ગયો. બંને અવનવી વાતો કરતાં. પોતાના વિસ્તારની વાતો ડાહીબહેન એવી આંતરદૃષ્ટિથી કરતાં કે એક તબક્કે નયનાબહેને તેમને ખાસ આગ્રહ કરવો પડ્યો કે તે કંઈક લખીને મોકલે. જો કે, ‘મને એ ની ફાવે’ એમ કહીને ડાહીબહેન એ માટે તૈયાર ન થયાં.
‘સાર્થક પ્રકાશન’ના મિત્રો કાર્તિક શાહ અને બિનીત મોદી સાથે પણ તે નિયમિત ફોનસંપર્ક રાખતાં હતાં. તેમનો પુસ્તકપ્રેમ જોઈને બિનીત મોદીએ ‘ગૂર્જર ગ્રંથરત્ન’ની ઑફિસમાં કાયમી સૂચના આપી રાખી હતી કે ડાહીબહેનનો કોઈ પણ ઓર્ડર હોય તો તેના પર ખાસ ધ્યાન આપવું. ડાહીબહેનનાં પુસ્તકોની ખરીદીનો હિસાબ વાર્ષિક ધોરણે થાય, એવી સુવિધાની ઑફર પણ બિનીતે ડાહીબહેન સમક્ષ મૂકી હતી, પણ ઉધારીનું વાંચન તેમને ખપતું જ ન હતું.
પોતાનાં સગાંઓને આપવા માટે પણ તે એક જ પુસ્તકની એકથી વધુ નકલ મંગાવતાં. ધાર્યું હોત તો પોતાની ખરીદેલી એક જ નકલ તે વારાફરતી સૌને આપી શકતાં હતાં, પણ ના! તે પોતાના વાચનને વફાદાર હતાં. પુસ્તક પોતે જ વસાવવાનું હોયને!
આવા વાચકોની પ્રજાતિ અમસ્તીય દુર્લભ છે, તેમાં ડાહીબહેન જેવાની વિદાયથી મોટી ખોટ વરતાશે!
e.mail : bakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.17