Opinion Magazine
Number of visits: 9448336
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શહેરીકરણથી જ્ઞાતિવ્યવસ્થા નબળી પડી છે?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 May 2022

ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતના ગામડાંને સંકુચિતતા, અજ્ઞાન, કોમવાદ, સામંતશાહી અને જાતિપ્રથાનું કેન્દ્ર માનતા હતા. તેથી તેમણે કથિત અસ્પૃશ્યોને ગામડાં છોડી શહેરોમાં વસવા આહ્વાન કર્યું હતું. બાબાસાહેબને મતે જ્ઞાતિની નાબૂદીમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ મહત્ત્વનું કારક બની શકે છે. જ્ઞાતિ નિર્મૂલનની આ આંબેડકરી આશા આઝાદીના અમૃતકાળમાં વાસ્તવિકતાની સરાણે ચકાસવા જેવી છે.

ભારતનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. ૨૦૦૧માં ૨૭.૮૧ ટકા, ૨૦૧૧માં ૩૦.૧૬ ટકા અને ૨૦૧૮માં ૩૩.૬ ટકા વસ્તી શહેરોમાં વસે છે. ૨૦૦૧માં દેશમાં ૫,૧૬૧ શહેરો હતા, જે ૨૦૧૧માં વધીને ૭,૯૩૬ થયા છે. એક અંદાજ મુજબ આ દાયકાના અંતે દેશની ચાલીસ ટકા વસતિ શહેરોમાં વસતી હશે. ૨૦૨૫ સુધીમાં તમિલનાડુની સાઠ ટકા તો ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકની પચાસ ટકા વસતિનું શહેરીકરણ થયું હશે.

શહેરોમાં જ્ઞાતિનું સામંતી વાતાવરણ હોતું નથી. ગામડાંની તુલનામાં શહેરમાં જ્ઞાતિગત ઓળખ પ્રચ્છન્ન રહી શકે છે. સરકારી અને અન્ય નોકરીનાં સ્થળો, જાહેર પરિવહન, શાળા-કૉલેજ, મોલ, થિયેટર અને મોટા જાહેર મંદિરો વગેરેમાં આભડછેટ પાળી શકાતી નથી. જ્ઞાતિગત ધંધાને બદલે કહેવાતા ઉજળા ધંધાની પણ તક મળી શકે છે. ગામડાં કરતાં શહેરમાં નોકરી-ધંધાના સ્થળોએ જાતિ ઓગળી જઈ શકે છે. આ બધાં કારણોસર દલિતોનું ગામડાં છોડી શહેરોમાં વસવું પ્રમાણમાં ઓછું તકલીફદાયક છે. શહેરો તેમને સારું શિક્ષણ અને રોજગાર તો મેળવી આપે છે તેમની જ્ઞાતિગત ઓળખને પણ ભૂંસી શકે છે.

ડૉ. આંબેડકરની સલાહ અને શહેરીકરણના આટલા બધા ફાયદા પછી દલિતોનું શહેરીકરણ મોટા પાયે થયું હોવું જોઈએ, પરંતુ હકીકત કંઈક જુદી જ છે. રાજધાની દિલ્હીમાં શહેરની કુલ વસતિમાં ૧૫.૭૬ ટકા, પચરંગી મહાનગર મુંબઈમાં ૬.૪૬ ટકા, નાગપુરમાં ૧૯.૮ ટકા, ચેન્નઈમાં ૧૬.૭૮ ટકા, બેંગલુરુમાં ૧૧.૩૭ ટકા અને કોલકાતામાં ૫.૩૮ ટકા જ દલિતો આવી વસ્યા છે. દીર્ઘ ડાબેરી શાસન ધરાવતા પશ્ચિમ બંગાળમાં દલિતોની વસતિ ૨૩ ટકા છે, પરંતુ નવજાગરણ અને સમાજસુધારાના કેન્દ્ર કોલકાતામાં દલિત વસ્તી માંડ પાંચ ટકા જ છે.

ગુજરાતના ચાર મોટા શહેરોમાંથી અમદાવાદની કુલ વસ્તીમાં ૧૦.૭ ટકા, રાજકોટમાં ૬.૫ ટકા, વડોદરામાં ૬.૬૨ ટકા અને સુરતમાં ૨.૫ ટકા જ દલિતો છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યની કુલ વસ્તીમાં દલિતોનું પ્રમાણ ૬.૭૪ ટકા છે તેના કરતાં વધુ પ્રમાણમાં દલિતો એક માત્ર અમદાવાદમાં જ વસ્યા છે.

ભારતનું ભાગ્યે જ કોઈ એવું ગામ હશે કે જ્યાં દલિતોનો વસવાટ ગામથી અલગ ન હોય. તો શું શહેરોમાં દલિતો જ્ઞાતિભેદ વિના સૌની સાથે વસી શકે છે ? જૂન ૨૦૧૮માં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ’, બૅંગુલુરુએ પ્રકાશિત કરેલ ભારતના મેટ્રો સિટીઝમાં વસવાટ અને પાડોશ તરીકે દલિતો સાથે આચરાતો સામાજિક ભેદભાવ ગ્રામીણ ભારત કરતાં જરા ય ઉતરતો નથી. નવીન ભારતી, દીપક મલગન અને અંદલીબ રહમાનનું સંશોધન જણાવે છે કે “દેશના સાત સૌથી મોટાં શહેરોમાં વસવાટમાં સામાજિક-આર્થિક કરતાં જ્ઞાતિના આધારે વધારે ભેદ છે.” આ સંશોધકોના અભ્યાસનો આધાર ૨૦૧૧ની બ્લોકવાઈઝ થયેલી વસ્તી ગણતરી છે. અગાઉ વૉર્ડવાર થતી વસ્તી ગણતરી કરતાં આ વસતિગણતરીમાં ઓછી વસતી આવરી લેવામાં આવતી હોઈ તેમાં કેટલી દલિત વસ્તી છે તે તારવવું વધુ સહેલું બન્યું હતું.

ગામડાંની જેમ દેશના મહાનગરોમાં દલિતોની વસ્તી જુદી હોવાનું કે શહેરની બિનદલિત વસ્તીમાં બહુ ઓછા દલિત વસતા હોવાનું બ્લોકવાર વસ્તી ગણતરીના આંકડાઓ પરથી પુરવાર થયું છે. આઈ.આઈ.એમ., બૅંગલુરુ પ્રકાશિત અભ્યાસનું તારણ છે કે કોલકાતાના ૬૦ ટકા મહોલ્લાઓમાં એક પણ દલિત નથી. આઈ.ટી. ક્રાંતિ માટે સુખ્યાત દેશના આધુનિક શહેર બૅંગલુરુની આધુનિક નવી વસાહતોમાં કોઈ દલિતનો વસવાટ શક્ય બન્યો નથી.

શહેરોના સૌથી સલામત, સૌથી સ્વચ્છ, સૌથી મોંઘા, સૌથી સસ્તા, સૌથી પ્રદૂષિત એવા જે વિભિન્ન રેંકિંગ થાય છે તે મુજબ દેશના સૌથી વધુ અલગ દલિત વસતિના શહેર તરીકેનો પ્રથમ ક્રમ ગુજરાતના રાજકોટના ફાળે જાય તેમ છે. ૮૭.૬ ટકા સાક્ષરતા ધરાવતા અને ૮૯.૯ ટકા હિંદુ વસતિના શહેર રાજકોટમાં ૮૬,૨૬૫ દલિતો વસે છે. પરંતુ રાજકોટ શહેરની ૮૦ ટકા વસતિમાં એ કપણ દલિત વસતો નથી.

દલિતોને શહેરી વસ્તીની બહાર વસાવવાનું સૌથી વધુ ચલણ ધરાવતા ગુજરાતમાં સૌરાષ્ટ્રનાં ઘણાં શહેરોમાં દલિતોની અલગ વસ્તી બહારપુરા કે સામાકાંઠે તરીકે વસાવી છે. મિશ્ર વસવાટ અને તેને કારણે જાતિનો નાશ શહેરોમાં થઈ શક્યો નથી. આર્થિક રીતે સક્ષમ દલિતો જ્યારે મકાનની ખરીદી માટે જાય છે ત્યારે શહેરોની કથિત સવર્ણ સોસાયટી કે ફ્લેટમાં તેમને જાકારો મળે છે. માલિક કે બિલ્ડર તેમને આડકતરી રીતે, સીધી રીતે કે ક્યારેક કાયદાની બીકે  ઠાવકાઈથી ના પાડે છે.

એકલા અમદાવાદ શહેરમાં જેમાં માત્ર દલિતો જ વસતા હોય તેવી દલિતોની અલગ આશરે ચારસો હાઉસિંગ સોસાયટીઓ છે. દલિતોનું પોતાના જાતભાઈઓ સાથે અલગ વસવાનું કારણ ન તો તેમની પસંદગીનું છે કે ન તો દલિત અસ્મિતાની કોઈ સભાનતાથી છે. કથિત ઉજળિયાત હિંદુ સમાજના દુર્ભાવપૂર્ણ વલણનું તે પરિણામ છે. ગુજરાત અને ભારતના શહેરોમાં ગરીબ દલિતો અલગ ચાલીઓ-ઝૂંપડપટ્ટીઓમાં અને સંપન્ન દલિતો અલગ સોસાયટીઓ – ફ્લેટ્‌સમાં રહે છે. જાણે “ઘેટો(ghetto)માં રહેવું અને જીવવું તે દુભાયેલા દલિતોની જાતિ-ધર્મે સર્જેલી નિયતિ છે.

શહેરોમાં દલિતોને માત્ર વસવાટમાં જ નહીં શિક્ષણ અને વ્યવસાયમાં પણ જ્ઞાતિના કારણે ભેદભાવ સહન કરવા પડે છે. અર્થશાસ્ત્રના અધ્યાપક અસદ ઈસ્લામ અને અન્યએ ૨૦૧૭માં ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની મોબાઈલ સેવાના દરદીઓ અને ડૉકટરો વિશે સર્વેક્ષણ કર્યું હતું.

કાનપુરના ચાળીસ સ્થળોએ મોબાઈલ આરોગ્ય સેવાના આ સર્વેમાં દરદીને અપાયેલા વિકલ્પો પરથી જાણવા મળ્યું હતું કે ઉચ્ચ જ્ઞાતિની અટક ધરાવતા પણ ઓછો અનુભવ અને ઓછી નિષ્ણાત ડિગ્રી ધરાવતા ડોકટરની સરખામણીએ નીચલી જ્ઞાતિની અટકના વધુ અનુભવી અને નિષ્ણાત ડૉકટરની દરદીઓ ઓછી પસંદગી કરતા હતા. અર્થાત દરદી માટે ડોકટરની ડિગ્રી, અનુભવ અને નિષ્ણાતપણું નહીં તેમની જ્ઞાતિ રોગના નિદાન અને સારવાર માટે મહત્ત્વની હતી.

દલિતોને ડૉકટર થયા પછી જ નહીં મેડિકલના શિક્ષણ દરમિયાન પણ ભેદભાવ સહેવા પડે છે. એઈમ્સ દિલ્હીમાં દલિત વિધ્યાર્થીઓ સાથે આચરાતા ભેદભાવ અને તેને કારણે તેમની આત્મહત્યા અંગે તપાસ કરવા યુ.જી.સી.ના પૂર્વ ચેરપર્સન સુખદેવ થોરાટ સમિતિની રચના સરકારે કરી હતી. થોરાટ સમિતિએ રાજધાનીની સૌથી મોટી હોસ્પિટલ અને તબીબી સંસ્થાનમાં દલિત વિદ્યાર્થીઓની કનડગત અને ભેદભાવ અંગે ચોંકાવનારા તારણો રજૂ કર્યા હતા. સમિતિના રિપોર્ટ મુજબ દલિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં બિનદલિતને બદલે દલિત સાથે જ રહેવાની ફરજ પડે છે. ૮૫ ટકા દલિત વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે મેડિકલની પરીક્ષામાં સુપરવાઈઝર તેમને ઓછો સમય આપતા હતા, આંતરિક મૂલ્યાંકન પરીક્ષા વખતે ૭૬ ટકા દલિત વિદ્યાર્થીઓની જ્ઞાતિ જાણવા પરીક્ષક પ્રયત્ન કરતા હતા અને ૮૪ ટકા દલિત વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો. થોરાટ સમિતિએ તેના અહેવાલમાં એવી ટિપ્પણી કરી હતી કે, “વિજ્ઞાનના નિયમો ભણનારા, વૈજ્ઞાનિક અભિગમ કેળવવાને બદલે વાસ્તવિક જીવનમાં જ્ઞાતિને પ્રાધાન્ય આપીને પોતાની જ્ઞાતિગત ઉચ્ચતા જાળવી રાખવા માગે છે.”

દિલ્હી યુનિવર્સિટીના ૨,૦૦૦ વિદ્યાર્થીઓના સર્વેના તારણમાં, ‘દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની પ્રકૃતિ અનામત વર્ગના વિદ્યાર્થીઓના બહિષ્કરણની હોવાનું’ નોંધી જણાવ્યું છે કે, “એક કુલીન વિશ્વ વિદ્યાલયમાં શહેરી પૃષ્ઠભૂમિવાળા વિદ્યાર્થીઓ વચ્ચે મોટા પાયે જાતિઆધારિત ભેદભાવ મોજુદ છે.” રોહિત વેમુલાથી પાયલ તડવીની આત્મહત્યાઓ તેનું જ પરિણામ છે. ભારતની સાયન્સ, ટેકનોલોજી અને મૅનેજમેન્ટની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવર્તતા સામાજિક ભેદભાવોએ પૂરવાર કર્યું છે કે વિજ્ઞાન, તકનિકી અને પ્રબંધનનું શિક્ષણ ગ્રહણ કરનારા પણ જાતિ નિરપેક્ષ બની શક્યા નથી. દલિતોનો શહેરોમાં પણ જાતિભેદથી પૂર્ણ છૂટકારો થઈ શકતો નથી.

અમદાવાદ – મુંબઈની કાપડમિલો હોય કે કોલકાતાની શણની મિલો, દલિતો તેમાં પણ આભડછેટ અને જાતિપ્રથાનો ભોગ બન્યા છે ડો. આંબેડકર સાચું જ કહે છે કે ‘જાતિપ્રથા એ માત્ર શ્રમનું વિભાજન નથી શ્રમિકોનું વિભાજન છે’. જો કે ગટરસફાઈ જેવું જ્ઞાતિગત અને જોખમી કામ શહેરોમાં પણ દલિતોના માથે જ મરાયું છે. ૨૬થી ૩૦ માર્ચના પાંચ જ દિવસોમાં લખનૌ અને રાયબરેલી (ઉ.પ્ર), બીકાનેર (રાજસ્થાન) નૂંહ (હરિયાણા) અને દિલ્હીમાં અનુક્રમે ૨, ૨, ૪, ૨ અને ૬ એમ કુલ ૧૬ દલિતોના ગટરમાં અંદર ઉતરી સફાઈ કરાવવાને કારણે મોત થયા હતા. શહેરોમાં વળી ક્યાં ભેદભાવ કે આભડછેટ જેવું કંઈ છે તેમ કહેનાર જ્ઞાતિગત ગટરસફાઈનાં કામ અને મોત અંગે મૌન રહે છે.

વિશ્વ બૅંકના મતે ભારતમાં આડેધડ, અસ્તવ્યસ્ત અને અઘોષિત શહેરીકરણ થયું છે. નિયોજિત, સતત અને સમાવેશી શહેરીકરણ જાતિવ્યવસ્થાને અટકાવી શકે છે. બહોળી વસતિને એક જ જગ્યાએ વસાવીને કે એક સાથે રાખીને માનવીય વ્યવસ્થામાં સુધારો લાવી શકાય છે સમાજ પરિવર્તનમાં તે ઉત્કૃષ્ઠ ભૂમિકા ભજવી શકે છે ગાંધીનગર અને ચંદીગઠનો આ દૃષ્ટિકોણથી અભ્યાસ કરતાં પણ નિરાશા જ સાંપડે છે. ગાંધીનગરમાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓને સંપૂર્ણ કમ્પ્યૂટરાઈઝ ડ્રોથી વસવાટ માટેની જમીન ફાળવાઈ હોવા છતાં દલિતોને એક જથ્થે દૂરના કે અવિકસિત સેકટરોમાં અને એક જથ્થે જમીન ફાળવાય તેવું જાતિગત ભેદ સિવાય કઈ રીતે શક્ય છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢ અને ગુજરાતનું પાટનગર ગાંધીનગર રહેઠાણ અને પાડોશની બાબતમાં સર્વસમાવેશી બની શક્યા નથી. એવું જ મહારાષ્ટ્રના લાતૂર અને ગુજરાતના કચ્છના ભૂકંપ પછીના જાતિઆધારિત પુનર્વસનનું  છે.

૧૯૭૦માં રાષ્ટ્રીય અખબારોમાં દલિતોની લગ્ન વિષયક જાહેરાતોનું પ્રમાણ ૧.૫ ટકા હતું, તે ૨૦૧૦માં વધીને ૧૦ ટકા થયું છે. જ્યાં શહેરીકરણ વધુ છે તેવા રાજ્યોમાં આંતરજ્ઞાતીય લગ્નોનું પ્રમાણ વધારે છે અને શહેરી મધ્યમવર્ગમાં દલિતોનો પ્રવેશ અને પ્રભાવ શક્ય બન્યો છે તે સ્વીકારીને પણ કહેવું પડશે કે  ભારતની જડ જાતિપ્રથા આધુનિકીકરણ, શહેરીકરણ અને કુદરતી આફતને પણ ગાંઠ્‌યા વિના અકબંધ રહે છે.

ગાંધીજીએ કહ્યું હતું, “અંત્યજોનો પ્રશ્ન કોઈપણ રીતે આ પેઢી દરમિયાન અથવા આવતી કેટલીક પેઢીઓ દરમિયાન નહીં પણ હમણા જ ઉકેલવાનો છે. નહીં તો તે કદી ઉકલવાનો નથી.” ગામડાં કે નાનાં નગરોમાં જ નહીં મહાનગરોમાં પણ આઝાદીના પંચોતેર વરસો પછીની વર્ણગત વિભાજીતતાની વાસ્તવિકતા પછી પ્રશ્ન થાય છે કે શું ભારતમાંથી જ્ઞાતિ વ્યવસ્થા અને તેના બાહ્ય સ્વરૂપ જેવી અસ્પૃશ્યતા ક્યારે ય નાબૂદ થશે નહીં ? ડૉ. રામમનોહર લોહિયા કહેતા હતા તેમ “જાતિ વો હે જો કભી જાતી નહીં” કાયમી સત્ય બની રહેશે ?

Email : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 06-07

Loading

16 May 2022 admin
← ભારતીય પ્રસાર-માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા
પિતા કે પતિનું નામ સ્ત્રીને કામનું કેટલું? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved