Opinion Magazine
Number of visits: 9449393
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == / [4]

સુમન શાહ|Opinion - Opinion|10 December 2021

મારા FB મિત્રોમાં વિદ્યાર્થીમિત્રો ઘણા છે. એમાં એક-બે મિત્રમંડળી પણ છે. એ લોકો અવારનવાર મને, સર, આ વિશે લખો ને અમારે એ જાણવું જરૂરી છે, એમ કહેતાં હોય છે. છેલ્લા કેટલાક વખતથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર વિશેની વિનન્તી ચાલ્યા કરી છે. એ તો ગહન વિષય છે. પણ 'મારી વિદ્યાયાત્રા'માં મારાં લેખનની વાત કરતી વખતે મેં એના જે થોડા નિર્દેશ કર્યા છે તે અહીં મૂકું છું :

'હું લખતો થયો, લખું છું, લખતો રહીશ' પ્રકરણનો એક અંશ અહીં રજૂ કરું છું :

હું સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ભણ્યો છું, ભણાવ્યું ય છે. અધ્યયન-અધ્યાપનના એ અનુભવોથી પણ લેખનને વિશેની મારી દૃષ્ટિ વિકસી છે.

‘નાટ્યશાસ્ત્ર’-માં ભરત મુનિએ આપેલું ‘રસસૂત્ર’ હું કાયમ ભણાવતો. સૂત્ર એમ છે કે – વિભાવ અનુભાવ અને સંચારીભાવના સંયોગથી રસનિષ્પત્તિ થાય છે. મને સમજાયેલું કે હું વાર્તા લખું એમાં મારે આ ભાવોનો સંયોગ કરવો રહે, મારો વાચક એ સંયોગને સમજે, એ પણ પોતાની સર્જકતાથી સંયોગ કરે, તો રસની નિષ્પત્તિ થાય. અને મારી વાર્તા સ-ફળ થઈ કહેવાય. એને રસાનુભવ થાય અને આનન્દ મળે. ટૂંકમાં, મારે ભાવોને એવી રીતે સંયોજવાના જેથી વાચક એમાં જોડાય, પૂરો સક્રિય થાય, અને મારો એ સર્જનવ્યાપાર રસરૂપને વરે.

ભાવોનું એ રીતે રસમાં રૂપાન્તર થાય એ ખરું, મારી અને મારા વાચકની સર્જકતા અનુસાર એ સિદ્ધ પણ થાય, પરન્તુ એ બધું થવાનું તો ભાષાની ભૂમિકાએથી, ઉચિત શબ્દોની અર્થવત્તાથી થવાનું. કેમ કે છેવટે તો કોઈ પણ રચના એક ભાષિક હસ્તી હોય છે. મને એવો સાર પકડાયેલો કે મારી વાર્તામાં સર્વેસર્વા ને કોઈપણ પરિણામ બાબતે નિર્ણાયક બનનારી કોઈ વસ્તુ હશે, તો તે છે ભાષા !

ક્રમે ક્રમે મને પ્રશ્ન એ થયેલો કે લેખન વિશે શીખવા મળે એવા ભાષાવિષયક ઠેકાણાં કયાં – એવાં કે જ્યાંથી મને એવા સંકેતો મળે જેથી હું કંઈ ને કંઈ શીખી શકું. અને મેં સારવેલું કે એ સંકેતો રસ અને ધ્વનિ સમ્પ્રદાયમાંથી મળવાની શક્યતા નહિવત્ છે. એટલા માટે કે એમાં રસાનન્દને લક્ષમાં લેવાય છે કેમ કે સામાન્યત: એ બન્ને સમ્પ્રદાયો અનુભવલક્ષી છે. એટલે પછી એમાંથી મુક્ત થઈને મારી લેખનપરક સૂઝબૂઝ, રીતિ અલંકાર અને વક્રોક્તિ સમ્પ્રદાયો વિશે ઠરી કેમ કે એ ત્રણેય સમ્પ્રદાયો અનુભવને નહીં પણ અનુભવને પ્રગટાવનારી ભાષાને લક્ષમાં લે છે.

સાહિત્યનું માધ્યમ ભાષા છે – મીડિયમ, તેમ ભાષા એનું ઉપાદાન પણ છે – મટિરિયલ. મેં વિચાર્યું કે લેખક તરીકે મારે મારી સર્વ શક્તિઓને એ બે હકીકતો વિશે જોડવાની જરૂર છે. એમ કરવું મારા માટે આવશ્યક છે એટલું જ અનિવાર્ય છે.

Short note about Kalidas in sanskrit language.

Pic Courtesy : Brainly.com

સંસ્કૃત કાવ્યશાસ્ત્રના કેન્દ્રમાં રસ છે પણ રસની પ્રકૃતિ સૂચવનારું તત્ત્વ ધ્વનિ પણ એમાં છે. રસ અને ધ્વનિ બન્ને સમ્પ્રદાયો કાવ્યવિચારની પરમ સીમા દર્શાવે છે એ ખરું, એ પણ ખરું કે બન્ને ખૂબ જ ધ્યાનાર્હ છે. પરન્તુ જુઓ કે – રીતિને કાવ્યનો આત્મા કહેનારા વામન આદિ કાવ્યશાસ્ત્રીઓ – અલંકારને કાવ્યનું સર્વસ્વ ગણનારા ભામહ આદિ આલંકારિકો અને રસસિદ્ધ કાવ્યનું જીવિત – પ્રાણ – તો વક્રોક્તિ છે એમ કહેનારા કુન્તક આદિ કાવ્યાચાર્યો પણ એટલા જ ધ્યાનાર્હ છે. મારી દૃષ્ટિ તો એમ કહે છે કે એ ત્રણ સમ્પ્રદાયોના ઉમેરણથી જ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સુસમ્પન્ન થયું છે.

જુઓ, રસ અનુભવ છે પણ રીતિ એ અનુભવને જન્માવનારો એક અતિ આવશ્યક વ્યાપાર છે. આચાર્ય વામન રીતિને કાવ્યનો આત્મા કહે છે પણ તરત જણાવે છે કે ‘વિશિષ્ટા પદરચના રીતિ’ અને ઉમેરે છે કે ‘વિશેષો ગુણાત્મા’.

રસ અનુભવ છે પણ એ અનુભવને જન્માવનારું એક અતિ મહત્ત્વનું તત્ત્વ તો અલંકાર છે. સાહિત્યકૃતિ કર્ણમંજુલ હોય છે. એ મંજુલતા જન્મે છે, શબ્દાલંકારોથી. સાહિત્યકૃતિ અર્થસમ્પન્ન હોય છે. એ સમ્પન્નતા જન્મે છે અર્થાલંકારોથી.

અને જુઓ, કોઈ પણ અલંકારની પ્રકૃતિ સૂચવનારું તત્ત્વ વક્રોક્તિ છે. જ્યારે માણસ વક્ર અને તેથી સુન્દર લાગે એવું બોલતો હોય છે, ત્યારે રસપ્રદ લાગે છે, વધારામાં એ કવિ પણ ભાસે છે. કાવ્યના સમગ્ર વ્યાપારને કુન્તક વક્ર ગણે છે.

રીતિ અલંકાર અને વક્રોક્તિ ભાષાના ગુણો છે. માધુર્ય વગેરે ગુણોના અનુલક્ષમાં પ્રાસાદિક કે કઠોરતા વગેરે ગુણોના અનુલક્ષમાં નારીકેલપાક આદિ રીતિઓનો વિચાર થયો છે. ભામહે ‘કાવ્યાલંકાર’-માં ૩૯ અલંકાર વર્ણવ્યા છે. દણ્ડિએ ‘કાવ્યાદર્શ’-માં ૩૫ અલંકારોની નિરૂપણા કરી છે. અલંકારવિષયક સંસ્કૃત ગ્રન્થોમાં બધા મળીને ૧૪૦-થી વધુ અલંકાર દર્શાવાયા છે. કુન્તકે ‘વક્રોક્તિજીવિતમ્’-માં વક્રોક્તિના ૬ પ્રમુખ પ્રકાર વર્ણવ્યા છે. શબ્દાલંકારોના મૂળમાં પદ-પૂર્વાર્ધ આદિ વક્રોક્તિઓ છે, તો અર્થાલંકારોના મૂળમાં વાક્યવિન્યાસ વક્રોક્તિ છે. કુન્તક તો પરિચ્છેદ અને સમગ્ર રચનાવિષયક પ્રબન્ધ-વક્રતાની પણ વાત કરે છે.

આ બધા ભાષિક ગુણો ખરેખર તો ભાષિક રૂપો છે – linguistic forms. ઉપર આંકડા આપીને દર્શાવ્યું એમ એ રૂપોની શક્યતાઓ અપાર છે. લેખકની સર્જકતાને ભાષા મૉકળું મૅદાન અર્પે છે. એ મૅદાન જીવન જેટલું વિશાળ છે.

મેં પશ્ચિમનો સાહિત્યવિચાર પણ જાણ્યો છે. ‘ન્યૂ ક્રટિસિઝમ’ ભણાવ્યું છે. એ વિશે લખ્યું છે. એ વિદ્યાવ્યાસંગથી પણ લેખનને વિશેની મારી દૃષ્ટિ વિકસી છે. એક આધુનિકતાવાદી વિચારક તરીકે હું ભરત-કથિત વિભાવાદિને સામગ્રી – કન્ટેન્ટ – અને સંયોગને સર્જનાત્મક રૂપ – ફૉર્મ – ગણું છું, creative form. પણ કહું કે એ એક નથી, અનેક છે, અન્તહીન છે. જો કે એને પણ ધારણ તો કરે છે, મૅટાફર મૅટોનમિ ઇમેજ સિમ્બલ વગેરે ભાષિક રૂપો ! એ બધાં, રીતિ અલંકાર અને વક્રોક્તિનાં ભાઈભાંડું જ છે.

હું સમજવા લાગેલો કે ભાષિક રૂપોને મારે સર્જનાત્મક રૂપો સાથે સંયોજવાં જોઈશે, ને તો જ હું ભાષા અને કલા વચ્ચે મનોરમ્ય સાયુજ્ય રચી શકીશ.

કાવ્યશાસ્ત્રનું અપર નામ અલંકારશાસ્ત્ર છે. અતિશયોક્તિ એક અલંકાર તો છે જ પણ તાત્ત્વિક રીતે જોતાં અલંકારમાત્ર અતિશયોક્તિ છે. એથી પણ આગળ વધીને એમ કહેવાય કે સાહિત્યકલા પોતે પણ અલંકાર જ છે અને એક અર્થમાં અતિ પણ છે.

ઍરિસ્ટોટલે કહેલું એમ સાહિત્ય કશુંક અતિ છે. એમાં સારાં જનોને વધારે સારાં અને નરસાંને વધારે નરસાં બતાવાય છે. જીવનમાં માથાભારે માણસ મળી આવે છે પણ દસ માથાંવાળો – દશાનન – નથી મળતો, સાહિત્યમાં મળે છે. બળિયો મળી આવે છે પણ વીસ ભુજાવાળો નથી મળતો, સાહિત્યમાં મળે છે. હાથી હોય છે પણ ૭ સૂંઢવાળો તો સાહિત્યમાં જ હોય છે.

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પાસેથી મને બીજું પણ ઘણું શીખવા મળ્યું છે. તે કાળે કવિપદવાંછુ માટે પિંગળ અને ‘અમરકોશ’-નું અધ્યયન અનિવાર્ય હતું. જુઓ ને, આપણા નર્મદને પિંગળ શીખવું જરૂરી લાગેલું. જાણીતું છે કે એણે ગોરધન કડિયાને પટાવીને એના પટારામાંથી ‘છન્દરત્નાવલિ’ મેળવી લીધેલું. રામનારાયણ પાઠક-વિરચિત ‘બૃહદ પિંગળ’ મેં બરાબર જોયેલું. કદાચ એટલે જ હું છન્દથી ભાગી ગયો હોઈશ ! કાવ્યપાઠ અને કાવ્યગાનની તાલીમ મેળવવી પણ ત્યારે એક અનિવાર્યતા હતી. સમુચિત પાઠ વખતે દરેક વર્ણનું કદ-માપ સચવાય છે અને ગાન વખતે દરેકનું સ્વ રૂપ, એટલે કે નાદ, ધ્વનિ સચવાય છે.

મને આજે પણ કાવ્યપાઠ કરવો ગમે છે બલકે એથી હું મારી વાર્તાઓનું પણ કલાત્મક પઠન કરતાં શીખ્યો છું. ‘અમરકોશ’ મેં વાંચ્યો નથી પણ જાણ્યું છે કે પર્યાયો અને અર્થચ્છાયાઓની એમાં સદૃષ્ટાન્ત ચર્ચાઓ છે.

આચાર્ય મમ્મટે યશ ધન વગેરે ૬ 'કાવ્યપ્રયોજનો' ગણાવ્યાં છે. મારે નક્કી કરવાનું હતું કે સાહિત્ય લખીને હું કયું પ્રયોજન પાર પાડવા માગું છે. સાહિત્યકાર તરીકેનો યશ તો કોને નથી જોઈતો? પણ લખીને હું પૈસાદાર થવા માગું છું તો આ મલકમાં થવાશે કે કેમ એનો, મને થયું, મારે તોલ બાંધવો જોઈશે. કહી દઉં કે મેં ધનના કે વ્યવહારજ્ઞાનના કે શિવેતરક્ષયના પ્રયોજનથી કદી નથી લખ્યું. આનન્દનું પ્રયોજન રાખ્યું છે ને મારું લેખન કાન્તાની રીતેભાતે મારા વાચકને ઉપદેશ આપે તેનો મને વાંધો નથી હોતો. પણ હું જાતે કાન્તા બનું ને મારી વાર્તામાં ઉપદેશને વણી લઉં એવી ચતુરાઈ મેં કદી કરી નથી.

'કાવ્યહેતુ'-ની વાત કરતાં આ કાવ્યાચાર્યોએ ‘પ્રતિભા’, ‘વ્યુત્પત્તિ’ અને ‘અભ્યાસ’ એમ ત્રણ કાવ્યહેતુ ગણાવ્યા છે. અહીં ‘હેતુ’ એટલે કે કારણસમવાય, કાવ્યસર્જનનાં પરિબળો. પ્રતિભા ઈશ્વરે આપી હોય, તો હોય. પણ ન આપી હોય તો એમાં આપણો કશો વાંક નથી હોતો. રવીન્દ્રનાથ ૭ વર્ષની વયે પયાર છન્દમાં કશુંક રચી શકે, પણ હું કંઈ એવો ‘પ્રોડિજી’ એટલે કે, અજબગજબ, થોડો છું? નથી. મારાથી કે બીજા સાહિત્યકારોથી સમ્પ્રાપ્ત જીવનમાં જે કંઈ લખાય એનો જ મહિમા છે.

પ્રતિભાનો આંધળો મહિમા ગાનારા કોઈ કોઈ કાવ્યશાસ્ત્રીઓએ એમ પણ કહ્યું છે કે પ્રતિભા વિનાનાએ લખ્યું હશે તો એ ઉપહસનીય થશે. ઉપહસનીય એટલે હસી કાઢવા જેવું. હાસ્યાસ્પદ. આપણે ત્યાં આજકાલ આપણી આસપાસ એ પ્રકારનું હસી લેવાને ઘણી ઘણી તકો છે પણ આપણે નથી હસતા. શાણા થઈને લિટરરી કલ્ચરનો મલાજો પાળીએ છીએ : ચલાવી લેવાનું. બધા સરખા ન હોય. આપણા આ કવિ કેટલા પ્રતિભાશાળી છે, એમને માણો.

મને પ્રતિભાશાળીમાં ગણાઈ ગયેલાનાં લેખનો જરૂર ગમે પણ હું એના બાહ્ય ઠાઠમાઠથી અંજાઈ ન જઉં. કેમ કે પ્રતિભા એની આપ-સરજત નથી હોતી ને તેથી મારાથી એનો બારોબારિયો મહિમા નથી થતો. દાઢી-વાળ વધારવાથી ને સુષ્ઠુ સુષ્ઠુ વાણીનો વિલાસ કરવાથી કોઈ પ્રતિભાશાળી દેખાતો થાય એથી હું સાવધ રહું છું. રવીન્દ્રનાથ રવીન્દ્રનાથમાં કે બૉર્હેસ બૉર્હેસમાં ફર્ક હોય છે.

‘અભ્યાસ’ એટલે રોજે રોજનો મ્હાવરો, રિયાઝ. અંગ્રેજી શબ્દ છે, પ્રૅક્ટિસ. સર્જકે પોતાની વર્કશોપમાં અહર્નિશ પરોવાયેલા રહેવું તે. હરિપ્રસાદ ચૉરસિયા ભલે કશી તાકીદ ન હોય, રોજ સવારે બાંસુરીવાદન કરે તે. વાન ગોઘ ભલે કશું કારણ ન હોય, મન પડે ત્યારે ત્યારે ચીતરવા માંડે તે. પણ આપણા સરેરાશ સાહિત્યકારને એ નથી ફાવતું. એને થાય છે, હથોટી આવી ગઈ છે પછી એવી ખટપટ શું કામ કરવી. એટલે એ તો, બધા લખતા હોય એમાં સીધો જ જોડાઈ જાય છે.

૬૦-૫૫ વર્ષ પર આધુનિકતાએ આપણે ત્યાં પોતાનાં સત બતાવવા માંડેલાં એ અરસામાં આપણા સાહિત્યકારોને એની કેવી તો લ્હૅ લાગેલી ! કવિ કે કવયિત્રી અછાન્દસ જ લખે. નાટ્યકાર નાટક ઍબ્સર્ડનું જ ગોઠવે. વાર્તાકાર વાર્તામાં ઘટનાનો લોપ કરે જ કરે. નિબન્ધકાર નિબન્ધમાં અતીતરાગી કલ્પનોની ભરતી કરે પછી જ ટાઢો પડે. દરેકને બા, બાપુ ને દાદા સાંભરે જ સાંભરે ! દરેકે નાનપણમાં રામાયણ-મહાભારતની કથાઓ સાંભળી જ હોય ! હિહિ કરતો ક્હૅ – મારી ‘પોસ્ટઑફિસ’ સાલી ખુલ્લી રહી ગયેલી ! એને થાય, હાલ ટાઇવાળા જ્ઞાનીઓ જેનાં વખાણ કરતાં થાકતા નથી એ અનુ-આધુનિકતામાં હું ય ઝંપલાવું. અનુ-આધુનિક ગણાઈશ, વટ પડશે !

આજે પણ ચાલુ ગાડીએ ચડી સાહિત્યજંગ જીત્યાની વ્હિસલો વગાડવાની પ્રવૃત્તિ ફાલી છે. એટલા માટે કે કડક ટીકા નામનું લાલ ફાનસ બતાવનારા મોવડી વિવેચકો જૂના વેઇટિન્ગરૂમમાં નિદ્રાધીન છે …

પણ મને 'અભ્યાસ' નામક કાવ્યહેતુમાં રસ પડેલો છે. અભ્યાસ એટલે કલાની નિર્હેતુક સાધના. સાધના વડે સાહિત્યકાર પોતાની કલાને જીવન્ત રાખે છે અને એ રીતે પોતાના જીવનને અર્થવતું કરે છે. મને ક્યારે મનમાં બેસી ગયું, યાદ નથી, કે મારે પણ રોજે રોજ લખવાનો અભ્યાસ કરવો જોઈશે. મારી જીવનશૈલીમાં એની એક રિવાજ રૂપે સ્થાપના થવી જોઈશે. એ દિવસથી આ ઘડી લગી મેં એ રિવાજ પાળ્યો છે. આટલાં વરસે આશ્ચર્ય પણ થાય છે કે રોજ સવારે હું એ કરતો રહ્યો છું તે શી રીતે ચાલ્યું છે …

પણ ‘વ્યુત્પત્તિ’-ને શરૂઆતમાં હું એક સામાન્ય જાણકારી સમજતો’તો. એમ કે સાહિત્યકારને પુષ્પોની, પંખીઓની, ઋતુઓની ખબરો હોવી જોઈએ. પણ પછી વ્યુત્પત્તિ-વિચારને મેં મારી રીતે ઘટાવ્યો છે : વ્યુત્પત્તિ એટલે વિદ્વત્તા – અંગ્રેજી શબ્દ છે, erudition : સર્જકે જાણવું રહે કે દેશ દુનિયા સમાજ કેમ ચાલે છે; પ્રકૃતિ શું છે, મનુષ્યપ્રકૃતિ શું છે, સંસ્કૃતિ શું છે, મનુષ્યપુરુષાર્થ શો છે, માનવનિયતિ શું છે – વગેરે વગેરેનું જ્ઞાનભાન, સૂઝબૂઝ, તે વ્યુત્પત્તિ.

સાહિત્યકાર વ્યક્તિની વ્યુત્પત્તિ તે એના જીવનના તમામ સંદર્ભોને વિશેની જાગૃતિ, સાવધાની, તકેદારી, કહો કે, સમ્પ્રજ્ઞતા. મને સમજાયું હતું કે મારી એ સમ્પ્રજ્ઞતા લોકલને વિશે તેમ જ યુનિવર્સલને વિશે હોવી જોઈશે. હું ગુજરાત અને ભારતને જાણીને બેસી રહું તે નહીં ચાલે.

મારે મને આવડતી ભાષા ઉપરાન્તના અન્ય ભાષાના વિશ્વભરમાંથી ઉપલબ્ધ સાહિત્યને સમજવું જોઈશે. વાંચી-લખીને હું જેમ મારા અંગત સમયનો ધબકાર અનુભવું છું તેમ મારે જાગતિક સમયને – ટાઇમસ્પિરિટને – પણ અનુભવવો જોઈશે.

સમગ્રપણે એમ કહેવાય કે જિવાતા દેશકાળ અંગે કલાકાર જીવને હોય એવી ભારોભારની નિસબત તે વ્યુત્પત્તિ.

આ નિસબત કશા ચૉક્કસ કારણ સાથે જોડાય છે ત્યારે ‘પ્રતિબદ્ધતા’ બની જાય છે. અને ત્યાંથી વાત એક જુદો જ વળાંક પકડે છે…

(December 10, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

10 December 2021 admin
← મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == [3]
યુનાઇટેડ નેશન્સના સંપોષિત વિકાસના લક્ષ્યાંક અને જે.સી.કુમારપ્પાના સ્થાયી વિકાસની વિભાવના →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved