Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમતોલ માનવીય શિક્ષણને સમર્પિત કુમારભાઈ

યોગેન્દ્ર વિ. ભટ્ટ|Opinion - Opinion|31 May 2021

કુમારભાઈના નામે વધુ પરિચિત એવા સ્વ. હેમેન્દ્રભાઈ વિ.ભટ્ટ, ગુજરાતના અર્વાચીન અને ગાંધીયુગના એક સમન્વિત, પક્વ, સુફળ જેવા હતા. પિતાજી વિષ્ણુભાઈ ભાવનગરની સુખ્યાત ’દક્ષિણામૂર્તિ’માં પ્રારંભે સ્વ. નાનાભાઈ-ગિજુભાઈના વિદ્યાર્થી અને પછી ત્યાં જ સહકાર્યકર રહ્યા, માતા રસિલાબહેન પણ પછી દક્ષિણામૂર્તિ બાલઅધ્યાપન મંદિરનાં તાલીમાર્થી બન્યાં હતાં. કુમારભાઈને આદરણીય ગિજુભાઈના ખભે તેમ જ બાલમંદિરમાં રમવાનું – ઘડાવાનું પરમ સદ્ભાગ્ય મળ્યું હતું.

કંઈક દેખાવડા અને પ્રથમ પુત્ર તરીકે જન્મીને લાડમાં ઊછર્યા હોવાથી ઘરમાં મોટાભાઈ તરીકે જવાબદારી – ચિંતા સાથે સ્વમાન – સ્વીકાર વિષે થોડા જાગૃત રહેતા લાગતા. જો કે પત્રોેમાં મોટા ભાગની વ્યક્તિઓને એ આખરી સહી કરવા સાથે વંદન જ પાઠવતા. બચપણમાં લાડના ભાગ તરીકે જ લોકભારતીમાં પાડોશી ન.પ્ર. બૂચ દંપતીનું પણ ખાસ્સું હેત તે પામેલા. ચિત્રકામની તેમને કુદરતી બક્ષિશ મળેલી. તરુણવયે ગુજરાતના મોટા ચિત્રગુરુ સોમાલાલ શાહ પાસે ચિત્રની, ખોડીદાસ પરમાર સાથે જ ’તાલીમ લેવા જતાં, પણ પછી પીંછી છૂટી ગઈ. ખોડીદાસભાઈ ઘણીવાર એ માટે અફસોસ વ્યક્ત કરતા. ભાવનગર-અમદાવાદ હાઈસ્કૂલ પછી ’વેડછી આશ્રમ’. પછી ’ગૂજરાત વિદ્યાપીઠ’, અને પછી ગુજરાત યુનિવર્સિટી એમ એમનું ભણતર-ગણતર ચાલ્યું. ગિજુભાઈનાં સ્નેહ-સંસ્કાર-કૌશલની દીક્ષા ઉપર જુગતરામકાકા અને મગનભાઈ દેસાઈ જેવા મહાનુભાવોના સંપર્ક – પ્રભાવનો પણ લાભ મળ્યો. ’સ્નાતક’ તરીકે વિદ્યાપીઠમાં ઘણું ઘડાયા. અનેક સારા મિત્રો પણ મળ્યા. પોરબંદરમાં બી.એડ્. કર્યું અને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર ડૉ. કે.જી. દેસાઈ પાસે એમ.એડ્. પણ પૂરું કર્યું અને શિક્ષણક્ષેત્રની કામગીરીમાં જ સ્થિર થયા. 

આરંભ સર્વોદય આશ્રમ, શાહપુર(જૂનાગઢ)થી થયો, ત્યાં લોકશાળામાં અને પછી અધ્યાપન મંદિરમાં અધ્યાપક અને આચાર્ય તરીકે ફરજ બજાવી. વિદ્યાર્થીઓ તેમને ચાહતા, માન આપતા. શાહપુરમાં સ્વ.ઇસ્માઇલભાઈ નાગોરી અને સ્વ.અકબરભાઈ નાગોરી પાસે ત્યારે ઉત્તમ યુવાન શિક્ષકોનું જૂથ હતું. તે કાયમ રહ્યું હોત તો તે સંસ્થાએ ભવિષ્યમાં કદાચ ઘણું નામ કાઢ્યું હોત. કુમારભાઈ દંપતી શાહપુરમાં ઘણો લાંબો સમય રહ્યાં તેમાં અકબરભાઈ નાગોરી દંપતીના સૌજન્યનો ય ઘણો ફાળો રહ્યો. મોરારિબાપુ જેવા વ્યક્તિવિશેષ પણ, પોતાના ભૂતકાળના, શાહપુરના તાલીમાર્થી તરીકેના દિવસોને યાદ કરીને, શિક્ષક કુમારભાઈને અવારનવાર ભાવપૂર્વક યાદ કરીને, જાહેરમાં એ વિષે ઉલ્લેખ કરતા રહ્યા છે, અને અમસ્થા પણ, ખાસ સંભારીને ફોન કરીને અનેક વાર ખબરઅંતર પૂછતા રહ્યા છે. કુમારભાઈ પણ મુરારિબાપુના સૌજન્ય અને વિકાસ-સિદ્ધિ માટે કદરપૂર્વક રાજીપો અનુભવતા રહેતા હતા.

શાહપુર (જૂનાગઢ) પછી કુમારભાઈ ’શ્રેયસ’ – અમદાવાદમાં સ્વ. લીનાબહેન (સારાભાઈ) મંગલદાસ પાસે શિક્ષણકાર્યમાં દાયકાઓ સુધી જોડાયેલા રહ્યા. પૂરી નિષ્ઠા-તૈયારીપૂર્વક સમર્પિત થઈને શક્ય એટલું ઉત્તમ કામ-પરિણામ સાધવું … એ કુમારભાઈનો સ્વભાવ હતો, અને શ્રેયસની પરંપરા-અપેક્ષા હતી. એટલે એમનો સહજ સંવાદ-મેળ રચાયો. કાર્ય કરવાનો સંતોષ એ કુમારભાઈની મુખ્ય જરૂરિયાત હતી. એમાં કોઈ પણ પક્ષે મૂંઝવણ-મુશ્કેલી જેવું લાગે, ત્યારે સ્થળ-કામગીરી અંગે ક્યારેક ફેરફાર પણ કરી લેતા.

થોડોક સમય બી.એમ ઇન્સ્ટિટ્યૂટમાં પણ વિશિષ્ટ પ્રકારનાં બાળકો સાથે કામગીરી કરી. પણ ધ્યાન ખેંચે એવી બાબત એ કે પોતાની તબિયત સંદર્ભે આરામની જરૂર હોય અને તક-શક્યતા હોય તો પણ એ જરૂરી પૂરતો આરામ કરી ન શકતા. સાવ આરામને બદલે થોડું ઘણું કામ કરવાથી મારા સ્વાસ્થ્યમાં લાભ થશે એમ જ એમને લાગતું! ૮૭ વર્ષે પણ લગભગ આ જ મનઃસ્થિતિ જળવાયેલી રહી.

કોઈ પણ સંજોગોમાં તેમણે કામની ગુણવત્તા અને કાર્યસંતોષ ન છોડ્યાં. સંપૂર્ણતાના આ આગ્રહને કારણે ક્યારેક એ કોઈને કડક વ્યવસ્થાપક-વહીવટકાર પણ લાગ્યા હોય … એવો સંભવ છે. અન્યનાં કામો કે રજૂઆતમાં અધૂરપ લાગે તો એમનો ’ક્રિટિક’ જાગૃત થઈ જતો. સ્વકેન્દ્રીપણું, બેજવાબદારી, અવ્યવસ્થા જેવું કઈ લાગે ત્યારે, તેમનું મન પાછું પડી જતું. પરંતુ જ્યાં સચ્ચાઈ, નિખાલસતા, નક્કરતા, સહજતા જુએ ત્યાં પૂરા પ્રસન્ન થઈ જતાં … પછી એ રજૂઆત આદિવાસી-સેવિકા ખડકીની બહેન સુજાતા શાહની પણ હોય …. અને ધર્મશાળાના દલાઈ લામાના સાથી રિમ્પોછેની પણ હોય !  

વિશિષ્ટ સ્તરના બૌદ્ધિક તેમ જ વૈચારિક કાર્યક્રમોમાં પણ એમને સામાજિક સભાનતા સાથેનો ઘણો રસ પડતો.

અમદાવાદમાં પ્રો. પુ.ગ. માવળંકરના હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટના આવા કાર્યક્રમોમાં તેઓ વારંવાર શ્રવણલાભ લેવા જતા. જરૂર જણાય ત્યારે વ્યવસ્થામાં મદદરૂપ બનવા પણ તૈયાર રહેતા. આને કારણે માવળંકર તરફથી ખાસ્સી સદ્ભાવ-મૈત્રીની લાગણી પણ તેઓ પામેલા. આ જ રીતે ગૂજરાત વિદ્યાપીઠના મહત્ત્વના કાર્યક્રમોમાં પણ તેઓ હાજર રહેવાનું પસંદ કરતા અને તેથી ત્યાંના મહામાત્ર રામલાલભાઈ પરીખનો સદ્ભાવ પણ તેઓ પામેલા.

શરીર અને મનથી વિશિષ્ટ જરૂરિયાતવાળા, વંચિત, તેમ જ નિરાધાર બાળકો માટે એ હંમેશાં ખૂબ જ સંવેદનશીલ હતા, એ માટે પૂરા જાગૃત-ચિંતિત-સક્રિય રહેતા હતા. આવાં સૌ બાળકો માટે એમની સહાનુભૂતિ હંમેશ રહેતી. ’શ્રેયસ’ અને ’બી.એમ’માં બાળકો સાથેનાં આ પ્રકારનાં કામોમાં સંકળાવાનું તેમને ઘણું ગમતું. મૂંઝાયેલા-ગૂંચવાયેલા-અકળાયેલાં, બાળકો અને તરુણો સાથે નિરાંતે પ્રેમથી, શાંતિથી નિખાલસ વાતો કરીને તેમને પૂરા સ્વસ્થ બનાવવાના કામમાં તેમને ઘણો રસ-સંતોષ મળતો.

તે સમયગાળામાં ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે કામગીરી મેળવવાની તેમની પાસે ડિગ્રી, લાયકાત, ક્ષમતા અને તક હોવા છતાં તેમણે નાની વયનાં બાળકો-તરુણોનાં શિક્ષણ-ઘડતરનાં કામોમાં જ સક્રિય રહેવાનું પસંદ કર્યું … એ બાબત પણ નોંધપાત્ર લેખાય. ’શ્રેયસ’ અને સ્વ. લીનાબહેનની વિશિષ્ટ શૈક્ષણિક કામગીરી સાથે જોડાઈ રહેવાનો એ જાણે કોઈ વિશિષ્ટ ઋણાનુબંધ લઈને આવ્યા હતા. એક વાર બહાર જઈને પાછા સહજ રીતે ’શ્રેયસ’માં જ ગોઠવાયા હતા. સ્વ. લીનાબહેન તેમની કામગીરીથી ખૂબ સંતુષ્ટ હતાં. કુમારભાઈ છેવટે પથારીવશ થયાં ત્યાં સુધી ’શ્રેયસ’ સંસ્થા સાથેનું તેમનું અવરજવરવાળું અનુસંધાન ચાલુ જ રહ્યું.

એમણે નિવાસસ્થાન બહાર બદલ્યું હતું, પણ શ્રેયસનાં બાળકો અને શિક્ષણે તેમના મન-ચિત્તમાં કરેલું નિવાસ સ્થાન બદલાયું નહોતું. આમ ’શ્રેયસે’ એમના મન-ચિત્તમાં કરેલું નિવાસસ્થાન બદલ્યું નહોતું.

સ્વરાજઆશ્રમ, વેડછીમાં ૧૯૫૦માં તેમણે ખાદી ધારણ કરેલી તે ચકાચક અમદાવાદમાં ય, અમદાવાદની સારી – સુખ્યાત પણ કંઈક શહેરના ઉપલા ’ક્રીમી લેયરવર્ગ’ સાથે જોડાયેલી ’શ્રેયસ’ સંસ્થામાં દાયકાઓ સુધી ખાદીનો ડ્રેસકોડ હોવાથી પણ ખાદી એમને માટે જીવનભર સહજ હતી અને વધુ સહજ બની રહી. અને જીવનના અંત સુધી તેઓ તેને વળગી રહ્યા, કદાપિ તેમાં બાંધછોડ ન કરી. વળી આખરી માંદગીના હૉસ્પિટલના બિછાનેથી પણ એમણે એમના શ્રેયસનાં શિક્ષણકાર્યની ફાઇલો મંગાવવાનું ઇચ્છ્યું હતું.

હા, સાદગી સાથે તેઓ સ્વચ્છતા, સુઘડતા અને કલાગત સુંદરતાના ચાહક હતા … એટલે પોતાના પોશાક, રહેણીકરણી, ઘર અને સંસ્થા-કામોમાં કશું જ બિનજરૂરી ચલાવી લેવાનું તેમને જરા પણ ગમતું નહીં. સફેદ ખાદીનાં કફની-લેંઘો સમયાંતરે તેમની એક આગવી ઓળખ પણ બની રહી.

વર્ષો પહેલાં તેમની જૂની સીધી સાદીકફની પણ તેના કટ-સિલાઈ-માપ સારુ માટે હું મારા ગામડાના દરજીના માર્ગદર્શન માટે લઈ જતો !

ત્રણ-ચાર મહિના થાય એટલે ઘરમાં પથારીઓ-ટેબલો-પુસ્તક, ઘોડા, બૅગો, રેડિયો, ટી.વી. બધું ય રૂમમાં નવા આયોજનથી ગોઠવવા ઉત્સુક થઈ જાય. રૂટિન જીવનવ્યવસ્થામાં આવી સાદી રીતે ય થોડો નાવીન્ય રસ લાવી શકાય છે, તે જોઈને અમે પણ એવા ફેરફારો અમારા ઘરમાં શરૂ કરેલા!

તેમનું સ્ત્રી-દાક્ષિણ્ય પણ ધ્યાન ખેંચે તેવું. ગૃહિણીનાં રોજબરોજનાં કામોમાં મદદ કરવા તે તત્પર હોય. મહેનતવાળાં થકાવનારાં કામો તો પોતે જ કરે, કોઈ કામનો છોછ નહીં, ગૃહિણીની સગવડ-અગવડ, સલામતી, આરામ, સન્માન બધું સચવાય એ અંગે ડગલે ને પગલે સચિંત દેખાય. રમૂજ અને ક્યારેક હળવી ગમ્મત પણ કરે. સાથે જમવાનું હોય, ત્યારે ભાણાં પીરસાઈ ગયા પછીયે, પત્ની જ્યાં સુધી જમવાનું શરૂ ન કરે ત્યાં સુધી પોતે પ્રથમ કોળિયો પણ હાથમાં ન લે. એમને આમ કરતાં જોઈને અન્યો પણ શિષ્ટાચારે અટકી જતા.

કુમારભાઈ, કામની ગુણવત્તા અને સંતોષકારક પરિણામનો આગ્રહ છોડ્યા વિના, જીવનભર નાનામોટા વિદ્યાર્થીઓના સાહજિક, સમતોલ અને માનવીય શિક્ષણ-ઘડતરની મશાલ લઈને સતત આગળ વધતા જ રહ્યા.

ક્યારેક તેનાં સુખદ પરિણામો જોઈને આનંદ, સંતોષ અને સાર્થકતા પણ અનુભવતા.

પૂરાં પચાસ વર્ષ પહેલાંની વાત. શ્રેયસના બાલગ્રામમાં કાંતા કાનન નામની નાની દીકરી વિચરવા-વિકસવા નિવાસમાં આવેલી. કન્યા ઘણી પ્રાણવાન-શક્તિભરી … એટલે પોતાનાં બાળસહજ પરાક્રમો-તોફાનોથી બધાને મથાવ્યા કરતી. કુમારભાઈએ પણ તેના સ્વસ્થ વિકાસઘડતરમાં રસ લીધેલો. મોટી થઈને ભણીગણીને તે કન્યા બહારના જગતમાં ગઈ. એની રીતે આગળ પણ વધી … અને દક્ષિણમાં શ્રી શ્રી રવિશંકરના બૅંગાલુરુ-આશ્રમે-કેન્દ્રના વ્યવસ્થાપકમંડળની એક કુશળ અને મહત્ત્વની માનનીય સભ્ય બની રહી. તેને વર્ષો બાદ શ્રેયસ અને હેમેન્દ્રભાઈ ખૂબ યાદ આવ્યાં. એણે પ્રયત્નો કરીને સરના સંપર્કનંબરો મેળવ્યા … છેલ્લા દિવસોમાં અચાનક એક દિવસે એ ફોનમાં ટહુકી ! મને ઓળખી ? હું બાળપણમાં તમને બધાને થકવનારી પેલી તોફાની કાંતા કાનન બોલું છું! અને પછી એણે નિરાંતે પોતાની વાતો કરી, કુમારભાઈ દંપતીની વૃદ્ધાવસ્થાની, તબિયતની મુશ્કેલીની વાતો જાણી … તબિયતનાં ખબરઅંતર પૂછ્યા. ઘણા સમયે મળવાનું થતાં થોડી લાગણીશીલ બની … અને પછી કહે – સર, હવે તમારે બીજો કશો જ વિચાર કરવાનો નથી, બીજે ક્યાં ય જવાનું નથી. તમે બંને અહીં અમારાં આશ્રમ-કેન્દ્રમાં રહેવાં આવી જાઓ. તમારી બધી વ્યવસ્થા-જવાબદારી હું જ કરીશ. વિમાનસેવા શરૂ થાય એ માટે આ કોરોનાનું જરા શાંત થવા દો. હું જ તમારા માટે પ્લેનની ટિકિટ બુક કરાવીને જ તમને મારી સાથે લઈ જવા માટે જાતે જ ત્યાં આવીશ. તમે તૈયાર રહેજો. હું ફોન કરીશ અને તમને ગમશે પણ ખરું. બોલો ક્યારે આવો છો? … આ સાંભળી કયો શિક્ષક ધન્યતા ન અનુભવે? કાંતાબહેનને પણ આદરણીય સર અને બહેનને બૅંગાલુરુ લઈ જવાની પોતાની હોંશ અધૂરી રહી ગયાનો અફસોસ તો થશે! 

એમણે એમના પોતાના જીવનના અને શૈક્ષણિક કામગીરીના અનુભવો લખવાનું શરૂ કર્યું હતું. તે પૂરું થઈ શક્યું હોત, તો સારું થાત. પણ ઈશ્વરેચ્છા બલિયસી !

એમના માતૃ-પિતૃ-શ્વશુરપક્ષમાં વિશાળ પરિવારના જનોમાં પણ એ જુદા તરી આવતાં હતાં. તેમના સૌ સ્વજનો માટે હાર્દિક દિલસોજી અને સદ્ગત માટે શાંતિપ્રાર્થના !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 10-11

Loading

31 May 2021 admin
← ‘અટક’ : ઓળખ અને જ્ઞાતિગુમાનના આટાપાટા
ભરત દવે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved