= = = = કશા પણ નામીચા સમ્બોધન વિનાનો સમ્બન્ધ હોય એ વસ્તુ ઉત્તમ છે. અને, સમ્બોધનો ભાષામાં કે ભાષાથી જ શું કામ? આંખોથી વરતાઈને સમ્બન્ધાઈ જઈએ, હાવભાવથી જ સમજાઈ જઈએ, વર્તનથી જ કાયમના થઈ જઈએ, એવું કેમ નહીં? = = = =
આજકાલ ‘બેબી’ સમ્બોધન બહુ સાંભળવા મળે છે – ‘હાય બેબી ! – યુ લૂક બ્યુટિફુલ – યુ લૂક પ્રેટી – હલો બેબી, આઈ લવ યુ’. પોતાની ગર્લફ્રૅન્ડને કે પ્રિયાને તેમ જ સગી પત્નીને ‘બેબી’ કહેવાનું ચાલુ થયું છે. પુરુષો કાલા થવા લાગ્યા છે. એક રીતે સારી વાત છે.
આમ તો ‘બેબી’-નો મૂળ અર્થ છે, ‘બાળક’. ‘બેબીબૉય’, ‘બેબીગર્લ’ કહીને છોકરો છે કે છોકરી તેની ચોખવટ કરાતી હોય છે. તો શું તેઓ ગર્લફ્રૅન્ડને કે પ્રિયાને બાળક સમજતા હશે? પટાવતા હશે? કોઈ નારીવાદીએ એઓને તતડાવ્યા નહીં હોય કે સ્ત્રીને તમે બેબી ગણો છો, સમજો છો શું …
પણ સાવ એવું નથી. કહી શકાય કે ‘બેબી’ સમ્બોધન પ્રેમ બતાવવા માટે જ છે. એમ બોલનારને સારું લાગે તેમ સાંભળનારને પણ સારું જ લાગતું હશે. પંચાવન વરસના મીઠાલાલને અંદર લડ્ડુ ફૂટતા હશે ને બાવનની સોમીને લજવાતાં-લજવાતાં ય થતું હશે કે હું ય મૂઈ હજી કેટલી જુવાન છું …
‘બેબી’ શબ્દનો આ બદલાતો રંગ, એટલે કે અર્થ, સમાજે સમજવો જોઈશે.
અંગ્રેજોના અને અંગ્રેજીના પ્રભાવને કારણે કેટલીક ગુજરાતી નવલકથાઓમાં ‘ડાર્લિન્ગ’, ‘સ્વીટહાર્ટ’ અને ‘સ્વીટી’-ને સ્થાને ‘મીઠડી’ કે ‘માધુરી’ વાંચવા મળેલું. મને યાદ છે, ‘અર્લિ ફિફ્ટીઝ લગી ઘણા લોકો ‘લવ’ શબ્દ બોલતાં શરમાતા’તા. એને સ્થાને ધીમે ધીમે ‘પ્રેમ’ કે ‘પ્રીતિ’ બોલતા થયા. આમ તો, ‘વ્હાલાનો સંદેશો આવ્યો છે’ બોલાતું’તું પણ ‘લવલેટર આવ્યો છે’ બોલાવા લાગ્યું.
Picture Courtesy : Amazon.com
પણ આપણી નજર ક્યાંક ચૉંટી ગઈ હોય તો આપણને બાકીનું દેખાતું નથી હોતું. એવી એકાંગી દૃષ્ટિમતિને લીધે પ્રેમની કોઈ પણ વાતમાં આપણને ‘સૅક્સ’ દેખાય છે. રસ્તે વયસ્ક ભાઈ-બેન હાથમાં હાથ નાખી જતાં હોય, કે બાપ અને વયસ્ક દીકરી સિનેમા જોવા જતાં હોય કે રેસ્ટોરાંમાં કૉફી પીતાં હોય, લોકોને એક જ સૂઝે છે – લફરું છે – બન્ને વચ્ચે ઍફેર ચાલે છે …
હા, જમાનો ખરાબ છે, કંઈ પણ હોઈ શકે, એવી આશંકા જરૂર થઈ શકે છે, કેમ કે દુષ્કર્મો થયે જાય છે. તેમ છતાં, વિચારવાનું એટલું જ છે કે આપણે ડરી ડરીને સંકોચાયેલું કે ઠિંગરાયેલું તો નથી જીવતાં ને … જીવનનો સહજ ઉલ્લાસ આછોપાછો તો નથી થઈ ગયો ને …
બાકી ‘પ્રેમ’ અને ‘લવ’ બન્નેના અર્થસંકેતોનું ગુચ્છ રમણીય છે. એમાં, ઘણા સંકેતો છે :
એક છે, ‘સ્નેહ’. મૂળે તો, એ છે, ચીકણો પદાર્થ. ‘સ્નેહાર્દ્ર’ કહીએ છીએ ત્યારે એમ કહેવા માગીએ છીએ કે સ્નેહથી ‘આર્દ્ર’ એટલે કે ‘ભીનાં’ છીએ. હૃદયની ભીનાશ. સ્નેહ-નો એક અર્થ છે, ‘ગ્રન્થી’ – ગાંઠ. ગૉરમા’રાજ છેડા ગંઠાવે છે ત્યારે એમને અને છેડા ગાંઠનારને આશા હોય છે કે બન્ને જણાં સ્નેહથી ગંઠાયેલાં રહેશે. પ્રેમીઓ એ ગાંઠથી જોડાયાં હોય છે.
‘સરસ્વતીચન્દ્ર’કારે અને કવિશ્રી ન્હાનાલાલે એ જમાનામાં એમની શબ્દસૃષ્ટિઓમાં સ્નેહલગ્નની ઘણી તરફેણ કરેલી, કેમ કે દેહલગ્નથી થતી બરબાદીઓ એમણે જોઈ હતી.
બીજો સંકેત છે, ‘વાત્સલ્ય’ અથવા ‘વ્હાલ’ : દાખલા તરીકે, મા-નો દીકરા પ્રત્યેનો અને બાપનો દીકરી પ્રત્યેનો પ્રેમ, વ્હાલ છે. અને એમાં, એવું જરૂરી નથી કે બાપ કે મા બાયોલૉજિકલ ફાધર કે મધર જ હોવાં જોઈએ. બાયોલૉજિકલ ભલે પણ તદ્દન આગવી અને પ્યૉર હ્યુમન રીલેશનશિપ લગી આપણે ક્યારે પ્હૉંચીશું? ‘વાત્સલ્ય’-માં મૂળ શબ્દ છે, ‘વત્સ’. ‘વત્સ’-નો અર્થ ‘બાળક’ તો છે જ પણ ‘વત્સ’-નો અર્થ ‘વાછરડું’ પણ છે. સમજુકાકીને એમની ભૂરી અને ભૂરીનું વાછડું બહુ ‘વ્હાલું’ હતું. વાછડાની ડોક પંપાળતાં થાકતાં ન્હૉતાં. નાનપણમાં મેં મારા મિત્ર સિકંદરને એની બકરીને બચ્ચીઓ કરતાં વારંવાર જોયેલો. સમ્ભુ ગોવાળિયો બુચકારા બોલાવીને ઢોરાં હાંકતો, પરોણો ઘૉંચતાં એનું મૉં કચવાતું, એના જીવને દુ:ખ થતું …
પરન્તુ હવે તો એવો સમય ચાલ્યો છે કે બાપ વયસ્ક દીકરીને બચ્ચી કરતાં ખંચકાય છે, એ દીકરી પણ બાપને કદી ચૂમી નથી શકતી. મા વયસ્ક દીકરાને ભેટતાં વિચારે છે. નતમસ્તક વિદ્યાર્થિનીને આશિષ આપવા માગતા અધ્યાપકનો હાથ માથે અડતાં પહેલાં, અધ્ધર રહી જાય છે. નિકટનાં સમ્બન્ધીઓ જ હવે સહજતા ગુમાવી રહ્યાં છે.
અને આજકાલના ચૅટિન્ગમાં તો નથી જરૂર ‘સ્વીટી’-ની કે ‘ડાર્લિન્ગ’-ની. ઇમેઇલમાં લેટર જરૂર લખાય છે, પણ અન્તે ‘લવ’ કે ‘અફૅક્શન’ કે ‘રીગાર્ડ્સ’ લખવાની જરૂર નથી પડતી. તમે લખો તો ઓલ્ડ-ફૅશન્ડ્ ગણાવ. કહેવાય કે તમે સોશ્યલ મીડિયાને સમજતા નથી; એ તો ફાસ્ટ કૉમ્યુનિકેશન માટે છે. બરાબર, પણ જો ફાસ્ટ છે તો બે શબ્દ ઉમેરવામાં કયું મૉડું થઇ જાય છે? ફાસ્ટ પણ સોશ્યલ હોઈ શકે છે, એ ઝીણી વાત સ્વીકારવા તેઓ તૈયાર નથી.
સવાલ એ છે કે તો પછી એ સમ્બોધનોની જરૂર ક્યાં છે. મોટો સવાલ એ છે કે એની જરૂર છે ખરી.
બીજો શબ્દ ચલણી બન્યો છે એ છે ‘ફક’. એ પરથી બનેલો ‘ફકિન્ગ’ પણ બહુ વપરાય છે. એનો અર્થ કોણ ન જાણતું હોય? અંગ્રેજી ન્હૉતાં જાણતાં એ પણ હવે જાણતાં થઈ ગયાં છે. ગાળ આપવાનો જ હેતુ હોય તો જુદી વાત; બાકી, વપરાશને બરાબર સમજો તો સમજાય કે એમાં આવા આવા અર્થસંકેતો છે – બાપ રે – સાલો – હરામી – નક્કામો – માથું ખાય છે. વગેરે.
અમુક લોકો ‘ફક’ ‘ફકિન્ગ’ બોલે કે આપણા લોકો ગાળવાચક શબ્દો વાક્યના પ્રારમ્ભે બોલે ને છેવાડે પણ બોલે ત્યારે એ લોકોના મનમાં એ સંજ્ઞાઓના કશા વાચ્યાર્થ નથી હોતા, એ એમની એક લઢણ કે ટેવ હોય છે. એમાં એમને બરાબર વ્યક્ત થયાની મજા આવતી હોય છે. અનેક દાખલાઓમાં એમ સાચું હશે. પણ એ સંજ્ઞાઓ ઝીલનારાં ને સાંભળનારાં બીજાંઓ શું અનુભવતાં હશે? નથી ખબર.
હમણાંનો હું લગભગ રોજ એક દેશી કે વિદેશી મૂવી જોઉં છું. એમાં ‘ફક’-નો, ‘ફકિન્ગ’-નો, તેમ જ ગુજરાતી ભારતીય શબ્દોનો ભરપૂર ઉપયોગ જોવા મળે છે. જો કે આપણા એ શબ્દો તરત સમજાય એવી ખુલ્લા અને ચોખ્ખા અર્થની ગાળો જ છે. સ્ત્રીને જ લાગુ પડતા એ પ્રયોગો મૂવીની ભારતીય સ્ત્રી-કલાકારો પણ સહજપણે કરવા લાગી છે.
સાહિત્યકલામાં આ સ્તરનું જીવન-વાસ્તવ અનિવાર્યપણે જેટલું આવી શકે એટલું સારું છે, પણ સામાજિકોના વ્યાપક વર્ગને સારું લાગતું હશે? ‘સામાજિક’ એટલે ‘પ્રેક્ષક’ અને ‘સામાજિક’ એટલે, સમાજમાં વસનારાં અને માનનારાં, સૌ કોઈ.
ભાષાવિજ્ઞાનમાં પહેલું હું એ શીખેલો કે ભાષા પરિવર્તનશીલ છે. ભણાવતી વખતે પણ એ વીગત ધ્યાનથી ભણાવતો’તો. બીજું એ શીખેલો ને શીખવતો’તો કે શબ્દો યાદૃચ્છિક છે – આર્બિટ્રરી. એ પ્રાણીને ‘ગાય’ શું કરવા કહીએ છીએ એનું કોઈ વૈજ્ઞાનિક કારણ નથી, પણ જેવી બોલનારની ઇચ્છા -યદૃચ્છા, એટલે કે મનુષ્યઇચ્છા, એનું કારણ છે. પહેલી વાર બોલનારને ઇચ્છા થઈ હશે, મરજી થઈ હશે, કે આને ‘ગૌ’ કહું કે ‘ગાય’ કહું કે ‘કાઉ’ કહું. પછી એ શબ્દો, આમ તો ધ્વનિઓ, વપરાશને કારણે રૂઢ થઈ ગયા હોય છે ને જેવા બોલાય કે તરત ગાયને તાદૃશ કરી આપે છે. શબ્દો છે, વસ્તુઓની ચિત્તછબિઓ – ઇમેજીસ. શબ્દો છે, વસ્તુઓનાં વિભાવન – કન્સેપ્ટ્સ.
તો આમાં પણ ‘બેબી’ કહેનારાની ઇચ્છાને જ કારણ ગણાય. ‘ફક’ અને ‘ફકિન્ગ’-માં નવા અર્થસંકેતો સંભરી શકાય છે એનું કારણ પણ એમ બોલનારાંની ઇચ્છા છે એમ જ માનવું રહ્યું.
બીજું એમ બનતું હશે કે એ સંજ્ઞાઓના અર્થ સંદર્ભ પ્રમાણે થતા હશે અને સંદર્ભ બદલાતાં બદલાતા હશે. સસરાની હાજરીમાં જમાઈ પોતાની વાઇફને ‘બેબી’ ક્હૅતો હશે? સિવાય કે સાસુસસરા ઠીકઠીક યન્ગ હોય ને તેઓશ્રી પણ એમની વાઇફને – પેલાની સાસુને – ‘બેબી’ ક્હૅતા હોય. કોઇ પોતાની સગી દીકરીને ‘ફક યુ’ ન સંભળાવે, સિવાય કે દીકરી પણ ફાર ઍડવાન્સડ્ હોય.
સંદર્ભથી અર્થોને આપોઆપ વિશેષતા મળે છે તેમ એ બાપડા આપોઆપ મર્યાદામાં પણ આવી જતા હોય છે. ભાષાવિજ્ઞાનમાં શબ્દાર્થનું શાસ્ત્ર છે તેમ સંદર્ભનું પણ શાસ્ત્ર છે.
જો કે હું તો ઇચ્છું કે કશા પણ નામીચા સમ્બોધન વિનાનો સમ્બન્ધ હોય એ વસ્તુ ઉત્તમ છે. અને, સમ્બોધનો ભાષામાં કે ભાષાથી જ શું કામ? આંખોથી વરતાઈને સમ્બન્ધાઈ જઈએ, હાવભાવથી જ સમજાઈ જઈએ, વર્તનથી જ કાયમના થઈ જઈએ, એવું કેમ નહીં? આપણી પાસે એ બધી બિનભાષિક સગવડો ક્યાં નથી …
પણ ભારતીય પરમ્પરામાં દરેક પારિવારિક સમ્બન્ધને સમ્બોધવા માટેનાં નામ છે. એ દરેકની વ્યાખ્યા થયેલી છે – વ્યાખ્યા વિશેષતા સૂચવે છે તેમ મર્યાદા પણ સૂચવે છે. અદ્ભુત છે એ સંજ્ઞાઓ : વડદાદા-વડદાદી. દાદા-દાદી. પુત્ર-પ્રૌત્ર. પુત્રી-પ્રૌત્રી. કાકા-કાકી. મામા-મામી. માસા-માસી. ભાઈ-ભાભી. બહેન-બનેવી. ભત્રીજા-ભત્રીજી. ભાણા-ભાણી. આગળ વધતાં, સાસુ-સસરા. નણંદ-ભોજાઇ. જેઠ-જેઠાણી. એથી આગળ વધતાં, સાળા-સાળાવેલી અને સૌથી અઘરી સંજ્ઞા, સાઢુ ! આવી સુગ્રથિત કુટુમ્બજાળ મારી માન્યતા છે કે વિશ્વના એક પણ સમાજમાં નહીં હોય ને તેથી વિશ્વની એક પણ ભાષામાં નહીં હોય.
સવાલ એ જ છે કે આટલાં બધાં સુ-વ્યાખ્યાયિત સમ્બોધનો છે તેમ છતાં સમ્બન્ધો તૂટીફૂટીને વેરવિખેર થઈ જાય છે કેમ. છૂટાં પડી જવાનું કે વિખૂટાં થઈ જવાનું ઇચ્છી શકાય છે કેમ.
મને રસ છે, માનવીય સમ્બન્ધોમાં; એ સમ્બન્ધોને દૃઢ કરી આપતાં સમ્બોધનોમાં. હું પહેલેથી એક જ વાત કરી રહ્યો છું કે સમ્બન્ધોમાં કશું પણ લૂઝ ન જોઈએ; ન જોઈએ એટલે, ન જ જોઈએ …
= = =
(May 7, 2021: USA)