૨૯ જુલાઈએ કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે ને તે સંસદની મંજૂરી મેળવી લેશે તો ૨૦૨૧થી લાગુ થાય એમ બને. ૩૪ વર્ષે શિક્ષણની નીતિ બદલવાનું સૂઝ્યું છે તે આવકાર્ય છે. બીજું, આઝાદી પછી કદાચ પહેલીવાર માતૃભાષા અને પ્રાદેશિક ભાષાનું આટલું મહત્ત્વ શિક્ષણ નીતિમાં સ્વીકારાયું છે. આટલાં વર્ષોમાં અંગ્રેજી આપણા લોહીમાં એટલું ઘૂસી ગયું છે કે માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવાની વાત કેટલી સ્વીકારાશે તે પ્રશ્ન જ છે.
સી.બી.એસ.ઈ. એવા વિદ્યાર્થીઓ માટે છે જેમના વાલીઓની બદલી ભારતમાં ગમે ત્યાં થાય છે. ધારો કે કોઈ અધિકારીની ગુજરાતથી બંગાળમાં બદલી થાય છે ને એના સંતાનને અમદાવાદની સ્કૂલમાંથી કલકત્તાની સ્કૂલમાં જવાનું થાય છે તો માતૃભાષામાં શિક્ષણ કેટલું ખપ લાગે તે વિચારવાનું રહે. જેને ગુજરાતીમાં શિક્ષણ અપાતું હોય તેણે કલકત્તા જઈને બંગાળી શીખવાનું થાય, કારણ ત્યાંની માતૃભાષા તો બંગાળી છે ! હવે એ જ વાલીની વરસેકમાં ચેન્નાઈ બદલી થાય છે તો તેણે ત્યાંની માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શીખવાનું? એમ કરવા જાય તો વાલી ને વિદ્યાર્થીની શી દશા થાય તે સમજી શકાય એવું છે. પણ, આ સી.બી.એસ.ઈ. પૂરતો જ પ્રશ્ન છે ને ત્યાં માતૃભાષા એક નથી. એવી સ્થિતિમાં અંગ્રેજી કે હિન્દીમાં જ શિક્ષણ આપવાનું વધારે હિતાવહ ગણાય. અહીં માતૃભાષાનો આગ્રહ રાખી શકાય નહીં.
વારુ, જે એક જ રાજ્યમાં છે ત્યાં જે તે પ્રદેશની ભાષા કે માતૃભાષામાં શિક્ષણ આપવામાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ. જો કે માતૃભાષામાં શિક્ષણ, પ્રિ-પ્રાયમરી કે પાંચ ધોરણ સુધી સીમિત ન થવું જોઈએ. ગુજરાત જેવામાં તો તે ૧૨ ધોરણ સુધી વિસ્તરવું જોઈએ.
આ તબક્કે પ્રિ-પ્રાયમરી કે આંગણવાડીનો વિચાર પણ કરવા જેવો છે. આમ તો નવી શિક્ષણ નીતિ પ્રમાણે એનું શિક્ષણ માતૃભાષામાં કે પ્રાદેશિક ભાષામાં જ થવું જોઈએ, પણ એ વ્યવહારુ કેટલું તે પ્રશ્ન છે. સાધારણ રીતે તો માતાપિતા એવી ઘેલછાનો શિકાર હોય છે કે તેમનું બાળક અંગ્રેજી જ શીખે. કે.જી.-નર્સરી નામો જ જુઓને. તે અંગ્રેજીનો જ મહિમા કરે છે. તેને કોઈ સંસ્થા પૂર્વ પ્રાથમિકને નામે ઓળખાવતી નથી. સંસ્થાનું નામ પણ મોટે ભાગે અંગ્રેજીનો જ મહિમા કરતું હોય છે. નવી શિક્ષણ નીતિમાં પૂર્વ પ્રાથમિક શિક્ષાનો વિચાર થયો છે. એનો અર્થ એવો થાય કે સરકારે પૂર્વ પ્રાથમિકની વ્યવસ્થા હાથમાં લીધી છે. અહીં પ્રશ્ન ફીનો આવવાનો. અત્યારની સ્થિતિ એવી છે કે એવી સંસ્થાઓ ખાનગી રહે ચાલે છે ને એની તગડી ફી લેવાય છે. હવે જો પ્રાથમિક શિક્ષણ મફત આપવાનું સરકાર ઠરાવી બેઠી હોય તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ સરકાર મફત કરવાની છે? એ મફત કરવું જોઈએ, કારણ સરકારે નવી નીતિમાં તેનો ઉલ્લેખ એમ કર્યો છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ તેની જવાબદારી છે.
એકાદ દિવસ પર જ વડા પ્રધાને ટ્વીટર પર ભારતીય ભાષાઓનો મહિમા કરતા કહ્યું છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અપાતાં, બાળક સહેલાઈથી બધું શીખી શકશે. એ સાચું છે. કેટલી બધી ભાષાઓનો ખજાનો ભારત પાસે છે! હું નથી માનતો કે કોઈ દેશ પાસે આટલું ભાષા વૈવિધ્ય હશે. એ પણ સારી વાત છે કે સંસ્કૃત પણ ગંભીરતાથી શીખવાશે. વડા પ્રધાને લોક્લનું મહત્ત્વ તો સ્વીકાર્યું જ છે, તે સાથે જ ગ્લોબલનો સ્વીકાર પણ કર્યો છે. અહીં જ વૈશ્વિક કક્ષાનું શિક્ષણ મળી રહે તો વિદેશ જતું યુવાધન દેશમાં જ રહે એ મોટો લાભ છે. વિદેશની યુનિવર્સિટીઓને અહીં આમંત્રિત કરીને, વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપવા ઘણી વિદેશી ભાષાઓ શીખવવાની વાત પણ વડા પ્રધાને કરી. જો કે ચીની ભાષાને છેલ્લી ઘડીએ પડતી મૂકવાની વાત બરાબર નથી. એ ખરું કે ચીના ખરાબ છે એટલી ચીની ભાષા ખરાબ નથી, છતાં એ પોલિસી હોય તો તેને માન આપવું જ રહ્યું.
એટલું છે કે એક આદર્શ તરીકે આ પોલિસીમાં કેટલુંક ખરેખર સારું છે, પણ આપણા ભ્રષ્ટ તંત્રોમાં એ કેટલું પ્રેક્ટિકલ છે તે જોવાનું રહે. એક તરફ લાખો શિક્ષિત બેકારો છે. તેની સામે શાળા પાસે પૂરતી સંખ્યામાં શિક્ષકો નથી. આવું કરનારા શિક્ષણ વિભાગના જ અધિકારીઓ છે. પૂરતાં પાકાં મકાનો શાળાઓ માટે નથી, ત્યાં વિદેશી યુનિવર્સિટીઓને અહીં શિક્ષણ આપવા તેડવાની વાત કેટલી ગળે ઊતરે? એ બધું મફતમાં થવાનું છે? એને માટેનું જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ તેની ત્રેવડ છે ખરી? કે એને અહીં બોલાવીને અછતનો પાઠ આપણે ભણાવવા માંગીએ છીએ? સવાલોનો સવાલ તો એ પણ છે કે જો એ વ્યવસ્થા એમને માટે સરકાર ઊભી કરવાની હોય તો એવી વ્યવસ્થા અહીંના લોકોને માટે કરવામાં દુખાવો કેમ થાય છે? એ યુનિવર્સિટીઓ અહીં આવીને મફત ભણાવવાની છે? તો એમ સમજવું કે હુંડિયામણ કમાવવાની નવી સગવડ આપવાની સરકારની ગણતરી છે? જો વિદેશી યુનિવર્સિટીઓ અહીં આવીને રોકાણ કરવાની હોય તો એ નફો કોનામાંથી રળશે? કે આ બધું દયા, દાન ધરમમાં થવાનું છે? આપણા ધંધા મંદા ચાલતા હોય ત્યાં વિદેશીને ધંધાની સગવડ ઊભી કરવાનું યોગ્ય ખરું? એમાં વળી અત્યારે આત્મનિર્ભરતાનો વાવર ચાલે છે ત્યાં વિદેશી યુનિવર્સિટીઓને તેડવાથી કયો હેતુ સરશે?
વારુ, જે આપણી સંસ્થાઓ છે તેનું શું કરવાનું છે? એને સુધારવાની છે કે એ બંધ કરીને વિદેશી સંસ્થાઓ માટે દરવાજા મોકળા કરી આપવાના છે?
નવી શિક્ષા નીતિમાં એક વાત એવી પણ છે કે આર્ટ્સ કે સાયન્સ જેવું જડ વિભાજન હવે નહીં રહે. ઘણી વખત એવું બને છે કે કોઈ વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવે ને સમય જતા ન ફાવે ને વિદ્યાર્થી કોમર્સ કે આર્ટ્સમાં જવા માંગે તો તેણે નવો પ્રવેશ જે તે વિદ્યાશાખામાં લેવો પડે. નવી નીતિમાં એવું નથી. કોઈ વિજ્ઞાનનો વિદ્યાર્થી સંગીત કે અર્થશાસ્ત્ર શીખવા માંગે છે કે કોઈ ગુજરાતી ભણતો વિદ્યાર્થી ફિઝિક્સ પણ શીખવા માંગે છે તો તે ગુજરાતી સાથે જ ફિઝિક્સ શીખી શકે એવી સગવડ ઊભી કરવામાં આવશે. આવું બધું થઈ શકે તો તેનો આનંદ જ થાય, પણ ફરી પેલો સવાલ આવે કે એ પ્રેક્ટિકલ કેટલું છે? જરા વિચારો કે આપણે ત્યાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સની સ્પષ્ટ ઓળખ દાયકાઓથી ધરાવતી કોલેજો છે. ત્યાં કોલેજો કે સ્કૂલોમાં, એકમાં અનેકની અનુકૂળતા કરવાનું સહેલું છે? એક દાખલો જોઈએ. એક વિદ્યાર્થી કોમર્સ કોલેજમાં અર્થશાસ્ત્ર શીખે છે. એને એકાએક કેમિસ્ટ્રી શીખવાનું મન થયું ને તે અર્થશાસ્ત્ર સાથે કેમિસ્ટ્રી શીખવા માંગે છે તો કોમર્સ કોલેજે કેમિસ્ટ્રી શીખવવાની વ્યવસ્થા કરવાની રહે. તેણે કેમિસ્ટ્રી શીખવવા માટે સ્ટાફની, લાઈબ્રેરીની, લેબોરેટરીની એમ બધી જ વ્યવસ્થા ઊભી કરવી પડે. આ સહેલું છે? એવી જ રીતે બોટની શીખતા કોઈ વિદ્યાર્થીએ ફાઈન આર્ટ્સનો કોર્સ કરવો છે, તો સાયન્સ કોલેજે ફાઈન આર્ટ્સની કોલેજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સમાંતરે ઊભું કરવું પડે. એ સહેલું છે?
ધારો કે ૨૦૨૧થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવે છે તો અત્યારની જે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની કોલેજો છે ને તે એક બેની સંખ્યામાં કે એકાદ શહેરમાં જ છે એવું નથી. આખા દેશમાં તે હજારોની સંખ્યામાં છે. તેનું શું કરવાનું? તેને ભંગારમાં કાઢવાની છે? એના પાટિયાં બદલીને સરકાર કહે છે તેમ આર્ટ્સમાં વિજ્ઞાન કે વિજ્ઞાનમાં કોમર્સની વ્યવસ્થા કરીને કોલેજે તેની આર્ટ્સ કે કોમર્સ કે વિજ્ઞાનની હાલની ઓળખ ગુમાવીને નવો અવતાર ધારણ કરવાનો છે ને એ સહેલું છે? વ્યવહારુ છે? આ રીતે સ્નાતક થયેલાઓને જે ડિગ્રી અપાશે તે કયા નામથી અપાશે? વિદ્યાર્થીને સામાન્ય ડિગ્રી આપવાની થશે? તે વિજ્ઞાન શીખ્યો છે કે સંગીત તે પણ તરત ખબર નહીં પડે. આપણામાં એટલી સમજ તો છે કે મદ્રાસી હોટેલમાં આપણે ગુજરાતી થાળી નથી માંગતા. ગુજરાતી થાળી ખાવી હોય તો મદ્રાસી હોટેલમાં જતા જ નથી. ધારો કે એમાં બેસી પણ જઈએ ને એમ થાય કે ગુજરાતી જ ખાવું છે તો ત્યાંથી ઊઠીને ગુજરાતી થાળીની હોટેલે જ પહોંચીએ છીએ. પણ એ મુદ્દે મદ્રાસી હોટેલવાળા સાથે ઝઘડો નથી કરતા કે ગુજરાતી થાળી કેમ નથી?
એવાં કેટલાંય લોકો છે કે વિજ્ઞાનના સ્નાતક થયા પછી જુદી સંસ્થામાં જઈને સંગીત કે પેઈન્ટીંગ શીખ્યા હોય. એમાંના કોઈએ સાયન્સ કોલેજમાં તબલાં ઠોકવાનો આગ્રહ નથી રાખ્યો, પણ સરકારને એવું થયું છે કે એકમાં છો બીજું ઘૂસતું! એણે થોડું ભણવા/ભણાવવાનું છે કે સંતાપ? પણ એમાં બાવાના બે ય બગડી શકે તે ધ્યાનમાં રાખવા જેવું છે. કળા, સાહિત્ય કે વિજ્ઞાન કોઈને માટે પણ શીખવાની વ્યવસ્થા થવી જ જોઈએ. એનો વાંધો જ નથી, પણ એમાં કોલેજો કે સ્કૂલોની ખીચડી કરવાથી કયો વિશેષ હેતુ સરે છે તે નથી સમજાતું.
૦
e.mail : ravindra21111946@gmail.com
સૌજન્ય : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 ઑગસ્ટ 2020