હરિયાણાના ગુરુગ્રામની ઝૂંપડપટ્ટીમાં છેલ્લા આઠ વરસથી રહેતાં, પત્ની અને બે બાળકોના ૩૦ વરસના પિતા, નામે મૂકેશે આત્મહત્યા કરી છે. મૂકેશ મૂળે બિહારના ગયા જિલ્લાના એક ગામના. મજૂરીની શોધમાં તે છેક હરિયાણા આવી રહ્યા. કલરકામ કરી ઘર ચલાવતા હતા. લૉક ડાઉનને કારણે બેકાર હતા. છેલ્લા ચાર દિવસથી ભૂખ્યા હતા. પત્ની-બાળકોની ભૂખ મિટાવવા કંઈ કરી શકે તેમ નહોતા. એટલે તેમણે ઝાડ પર લટકીને જીવનનો અંત આણ્યો. મેઘાલયનો અનાથ યુવાન એલ્ડ્રિન લિંગદોહ રોજીરોટી માટે તાજનગરી આગરામાં આવી વસેલો. અહીંની એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. લૉક ડાઉનને લીધે કામ બંધ થયું. ખાવાના ફાંફાં પડવા માંડ્યાં. એટલે તેણે આત્મહત્યા કરી.
બાવીસ વરસનો દલિત યુવાન રોશનલાલ યુ.પી.ના લખીમપુરના તેના ગામે પાછો તો આવ્યો. તે કોરોના નૅગેટિવ હોવાનું પૂરવાર થયું, તોમય પોલીસની ધોંસ અને મારથી તેણે જીવનનો અંત આણવો પડ્યો. અસમ ઈન્ડસ્ટ્રીઅલ સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બખ્તરુદીને સિલચર જિલ્લાના સોના બારીઘાટ ગામના માર્કેટમાં લૉક ડાઉનનો અમલ શું કરાવ્યો કે લોકોએ તેને મારી નાંખ્યો. બિહારના સીતામઢી જિલ્લાના મધાઉસ ગામે પાંચ સ્થ્ળાંતરિત મજૂરો મહારાષ્ટ્રથી પોતાના ગામ આવ્યા હોવાની ખબર આપનાર યુવાનને પેલા પાંચેયે ભેગા મળીને મારી નાંખ્યો. ૫૦ વરસના નરેશ શિંદે એમ્બ્યુલન્સના ડ્રાઈવર હતા. તેઓ દરદીઓને લઈને જતા હતા. મુંબઈ-પુણે હાઈવે પરની ચોકી પરના પોલીસોએ તેમને રોક્યા અને તે દરદીઓ નહીં, પણ મુસાફરો લઈ જાય છે એમ કહીને તેમને માર માર્યો. માથામાં ભારે ઈજાથી કણસતાં કણસતાં તેમણે દવાખાને જવા ઘણી કાકલૂદી કરી ત્યારે પાસે હતા એ બધા પૈસા પડાવી લઈને છોડ્યા, પણ એ પોતાનો જીવ બચાવી ન શક્યા.
બિહારના ભોજપુર જિલ્લાના જવાહર ટોલામાં ૧૧ વરસના દલિત બાળક નામે રાહુલ મુસહરનું, લૉક ડાઉન પછી ઘરમાં ખાવા દાણો નહોતો એટલે, ભૂખમરાથી મોત થયું. લૉક ડાઉન પછી ઘરે જવાની કોઈ સગવડ નહોતી તો પગપાળા નીકળેલા ચાર લોકો તામિલનાડુમાં જંગલ રસ્તે જતા હતા, ત્યારે જંગલની આગ તેમને ભરખી ગઈ. પોલીસથી બચવા કશ્મીરના મજૂરોએ પણ અજાણ્યો ખતરનાક પહાડી રસ્તો પસંદ કર્યો. થોડા દિવસો પછી પાંચ ફૂટ બરફ નીચે ઢંકાયેલા તેમના મૃતદેહ હાથ લાગ્યા. ઉત્તર પ્રદેશના અલીગઢના ૪૫ વરસના સંજયકુમાર ટી.બી.ના દરદી હતા. લૉક ડાઉનમાં દવાખાના બંધ હતા. એટલે દવા ન મળતાં તેમણે દમ તોડ્યો. ૫૫ વરસનાં લક્ષ્મીબાઈને મધ્ય પ્રદેશના ઉજ્જૈનની ગાર્ડી મેડિકલ કૉલેજ હૉસ્પિટલે લાવવામાં આવ્યાં, પણ હૉસ્પિટલના આઈ.સી.યુની ચાવી જ કોઈ પાસે નહોતી. ગંભીર હાલતમાં તેમણે એમ્બ્યુલન્સમાં જ આંખ મીંચી દીધી. આવું જ મોત ભોપાલની ગૅસ ટ્રૅજેડી હૉસ્પિટલમાં ૬૮ વરસનાં મુન્નીબાઈને મળ્યું.
ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ગામે મૂળે યુ.પી.ના રામપુરના બુઝુર્ગ ગામના ૧૦ મજદૂરો ફસાયા હતા. તેમાંનો એક યુવક નીતેશ સતત માનસિક તણાવમાં રહેતો હતો. ઘરે જવાતું નહોતું અને ખાવાનાં સાંસાં હતાં. “મન નહીં લગનેકે કારણ મૈં આત્મહત્યા કરને જા રહા હું’ એવો મૅસેજ મૂકીને તે માછણ ડેમમાં ડૂબી મર્યો. ૫૫ વરસના જગદીશભાઈ કાનજીભાઈ ધંધુકિયા રાજકોટના મવડી પ્લૉટની સોસાયટીમાં રહેતા હતા. અપરણિત જગદીશભાઈ ઈંટભઠ્ઠામાં કામ કરતા હતા. લૉક ડાઉનથી કામ બંધ હતું. માનસિક હાલત નબળી અને ગરીબીનો ભાર તેમને આત્મહત્યા કરવા મજબૂર કરી ગયો. કર્ણાટકના બેલ્લારી, બિહારના ભોજપુર અને આંધ્રના સાઈબરાબાદ ઉર્ફે હૈદરાબાદમાં લૉક ડાઉન પછીના ભૂખમરાથી મોતના બનાવો નોંધાયા છે. મધ્યપ્રદેશના માહેશ્વરી તાલુકાના એક ગામનો આદિવાસી યુવક રાશન લેવા નીકળ્યો હતો, પણ પોલીસના બેરહેમ મારનો ભોગ બની મરી ગયો.
કન્નોજ યુ.પી.ના એક ગામના શેરસિંહ ગુજરાતથી ચાલતા ઘરે જવા નીકળ્યા હતા. ૪૦ લોકોનો એમનો સમૂહ હતો. રસ્તામાં ભૂખ અને થાકથી તેમને લોહીની ઊલટી થઈ અને અવસાન પામ્યા. દિલ્હીમાં હોમ ડિલિવરી બૉય તરીકે કામ કરતા, ૩૯ વરસના ત્રણ બાળકોના એક પિતા ૨૦૦ કિલોમીટર ચાલતા ઘરે પહોંચ્યા, પણ ભૂખ અને થાકથી જીવતા ન રહી શક્યા. હરિયાણાના ત્રણ કામદારો અને બે બાળકો લૉક ડાઉન પછી ઘરે ચાલતા જતાં હતાં. તે રસ્તામાં રોડ એક્સિડન્ટમાં માર્યાં ગયાં. ૧૮ મહિનાના બાળક સાથે સાત સ્થળાંતરિત મજૂરો હૈદરાબાદમાં રોડ અકસ્માતમાં માર્યા ગયા. આવી જ રીતે મુંબઈ વિરાર રોડ પર ચાલતા જતા ૭ મજૂરો માર્યા ગયા હતા.
“હિંદુસ્તાનકો બચાનેકે લિયે” અને” કોરોનાકા પ્રભાવી મુકાબલા” માટે પ્રધાન સેવકે કશી તૈયારી વિના જે લૉક ડાઉનનું પગલું ભર્યું તેના કારણે ગરીબોની જે હાલત થઈ છે તેની એક ઝલક ઉપરના બનાવોમાં જોવા મળે છે. “ધ પ્રિન્ટ”માં પત્રકાર શિવમ્ વિજ, સંશોધકો કનિકા શર્મા, તેજેસ જીએન અને અમન દ્વારા એકઠી કરાયેલી માહિતીના આધારે લખે છે તે મુજબ, ૧૩મી એપ્રિલ સુધીમાં કોરોનાને કારણે મરનારાંનો આંકડો ૩૩૧નો હતો, તો લૉક ડાઉને જે સ્થિતિ પેદા કરી હતી તેને કારણે ૧૯૫ લોકોના મોત થયાં હતાં! સૌથી વધુ ૫૩ લોકોનાં મોત ભૂખ, થાક, તબીબી સહાયના અભાવને લીધે થયાં હતાં. લૉક ડાઉન પૂર્વે જ ટ્રેન અને બસ સેવા બંધ થઈ ગઈ હતી. ઘણાં મજૂરોએ ચાલતાં જ ઘરે જવા માંડેલું. રસ્તામાં થયેલા અકસ્માતોમાં ૩૫ લોકોના મોત થયાં હતાં ૩૯ લોકોએ લૉક ડાઉનને કારણે સર્જાનાર સ્થિતિની ચિંતામાં જીવ ગુમાવ્યો હતો. કોરોનાકાળમાં પણ કેટલાક લોકોએ સ્વયંભૂ જમાદારી કરીને હિંસક અપરાધ આચરી ૭ લોકોને આ દરમિયાન મારી નાખ્યા હતા. દારૂ ન મળવાથી તેના કાયમી બંધાણીઓ મરાયા હતા, તો. પોલીસ અને પાડોશીઓને કારણે પણ લોકો મરાયા હતા.
આ એવા લોકો હતા જે ન તો ધર્મસ્થળે યાત્રા કરવા ગયા હતા કે ન તો કોટાની શિક્ષણ ફેકટરીમાં ભણવા ગયા હતા. તેઓ ટ્વીટર પર ‘સ્ટે બૅક હોમ’નું અભિયાન ચલાવી શકે એમ નહોતા. હા તેઓ પગપાળા માઈલોના માઈલો ચાલીને જઈ શકે તેમ હતા. કોટાના પેલાં સંપન્ન વર્ગનાં બાળકો માટે મોદી-યોગીએ મોકલેલી ૩૦૦ બસો તેમની તહેનાતી કરવાની નહોતી. તેમના જીવની તો કોઈ કિંમત જ નહોતી. કેમ કે તેમને ખાતરી હતી કે તેઓ તેમને ગમે તેટલા રંજાડે, મત તો તે તેમને જ આપવાના છે. અગાઉનો નોટબંધીનો અનુભવ સરકાર અને શાસન પાસે હતો. બીજા દેશોની જેમ આપણા દેશમાં ‘સ્ટે એટ હોમ’ કે ‘વર્ક ફ્રોમ હોમ’ કરી શકાય તેમ નથી. દેશમાં કરોડો મજૂરો બીજાં રાજ્યોમાં પેટિયું રળે છે. કુલ કામદારોના ૯૦ ટકા અસંગઠિત ક્ષેત્રમાં અસ્થાયી મજૂરી પર નભે છે.
પ્રધાન સેવકના દિલમાં તેમની પ્રાથમિકતા તેમના ત્રીજા રાષ્ટ્રજોગ સંબોધનમાં નહીં, બ્લૉક ડાઉન પૂર્વે જ હોવી જોઈતી હતી. ૧૩મી એપ્રિલ સુધીમાં એકત્ર કરાયેલો ૧૯૫નો આ મૃત્યુ આંક બીજા તબક્કાના લૉક ડાઉન પછી વધ્યો હશે. ૧૯ દિવસના બીજા લૉક ડાઉનમાં ગરીબોની હાલત વધુ કફોડી થઈ છે અને આ આંકડા પણ વધતા ગયા છે. સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવની ગણતરી અનુસાર લૉક ડાઉનને કારણે રોજગાર ગુમાવીને ગરીબ બનનાર લોકોની સંખ્યા, ઓછામાં ઓછી એક કરોડ થવાની છે. જો સરેરાશ પાંચ વ્યક્તિનું કુટુંબ ગણીએ તો પણ પાંચ કરોડ લોકો રોજીરોટી વગરના બન્યા છે. લૉક ડાઉનના આર્થિક ઝટકાથી જો મૃત્યુદરમાં માત્ર ૦.૧ ટકાનો પણ વધારો થાય તો ગરીબી અને ભૂખમરાથી મરનારા લોકોની સંખ્યા ૫૦ હજાર હશે, જે ભારતમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા કરતાં અનેક ગણી વધારે છે. ભારતમાં લોકો કોરોનાથી મરે છે અને ગરીબો કોરોના ઉપરાંત અવિચારી લૉક ડાઉનના કારણે ઊભી થયેલી હાલાકીના કારણે પણ મરે છે.
(વધુ વિગતો માટે જુઓ ટ્વીટર થ્રેડ www.twitter.com/-kanikas-/stat)
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 ઍપ્રિલ 2020