Opinion Magazine
Number of visits: 9450561
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 29

દીપક મહેતા|Opinion - Opinion|2 February 2020

મુંબઈમાં કિલ્લો તોડ્યો, ટાવર બાંધ્યો, કોણે?

અમેરિકન સિવિલ વોરે અને ગવર્નરે

રાજાબાઈ ટાવરના રખેવાળને ઊંઘ આવી ગઈ એટલે ટાવરની રોશની વહેલી સવાર સુધી ચાલુ રહી અને તેથી કોટ વિસ્તારનાં ઘણાંખરાં સરકારી મકાનોની રોશની પણ ચાલુ રહી – ૧૯૫૦ની આ વાત આપણે ગયે વખતે કરી હતી. એક જમાનામાં મુંબઈની સૌથી ઊંચી ઈમારત હોવાનું માન આ રાજાબાઈ ટાવરને મળ્યું હતું. માત્ર આ ટાવરને જ નહિ, મુંબઈના આખા કોટ વિસ્તારને અમેરિકાના આંતર વિગ્રહ – સિવિલ વોર – સાથે સીધો સંબંધ છે એમ કોઈ કહે તો તમે માનો? પણ એ હકીકત છે. આજે પણ જે કોટ વિસ્તાર તરીકે જ ઓળખાય છે તે વિસ્તારને ફરતો કોટ કહેતાં કિલ્લો, કહેતાં ફોર્ટ અંગ્રેજોએ બાંધ્યો હતો. કોટની અંદરના ભાગમાં મોટે ભાગે અંગ્રેજો રહેતા હતા અને સરકારી ઓફિસો હતી. ‘દેશી’ઓ બહાર કોટમાં, એટલે કે કોટની બહારના વિસ્તારમાં રહેતા હતા અને તેમની જુદી જુદી બજારો પણ ત્યાં ઊભી થઈ હતી. પણ કવિએ કહ્યું છે ને કે ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.’ વખત જતાં મુંબઈ શહેરના વિકાસ આડે અવરોધરૂપ બનવા લાગ્યો એ કિલ્લો. વળી જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે આવતા જે હુમલાખોરોથી બચવા માટે એ કોટ બાંધ્યો હતો તેમના હુમલાઓનો ભય હવે રહ્યો નહોતો. એટલે કોટનો કશો અર્થ રહ્યો નહોતો.

મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરે

૧૮૬૨માં સર બાર્ટલ ફ્રેરે મુંબઈના ગવર્નર બન્યા. તેમના ધ્યાનમાં કોટની દિવાલોની નિરર્થકતા તરત આવી ગઈ. એટલે એ દીવાલો તોડી પાડવાનો હુકમ આપ્યો જેથી મુંબઈ શહેરનો વિકાસ થઈ શકે. ફ્રેરેનો જન્મ ૧૮૧૫ના માર્ચની ૨૯મી તારીખે. અવસાન ૧૮૮૪ના મે મહિનાની ૨૯મી તારીખે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરીમાં જોડાઈને ૧૮૩૪માં મુંબઈ આવ્યા અને કોર્ટના ‘રાઈટર’ તરીકે જોડાયા. ૧૮૩૫માં પૂનાના આસિસ્ટન્ટ કલેકટર બન્યા. ૧૮૪૨માં મુંબઈના ગવર્નર સર જ્યોર્જ આર્થરના પ્રાઈવેટ સેક્રેટરી બન્યા. ૧૮૫૦માં સિંધ(એ વખતે બોમ્બે પ્રેસિડન્સીમાં તેનો સમાવેશ થતો હતો)ના ચીફ કમિશ્નર બન્યા ૧૮૬૨માં તેઓ મુંબઈના ગવર્નર બન્યા અને ૧૮૬૭ સુધી એ પદે રહ્યા.

૧૮૬૧માં અમેરિકાની સિવિલ વોર શરૂ થઇ તેથી હિન્દુસ્તાન – અને ખાસ કરીને મુંબઈથી રૂની નિકાસ રાતોરાત ખૂબ વધી ગઈ. તેને પરિણામે એ વખતે મુંબઈમાં પૈસાની, સોનાચાંદીની રેલમછેલ થઈ હતી. એટલે કિલ્લો તોડીને શહેરનો વિકાસ કરવા માટેની આ સોનેરી તક હતી અને સર બાર્ટલ ફ્રેરેએ એ તક ઝડપી લીધી. પણ ફક્ત કિલ્લો તોડવાથી જ શહેરનો વિકાસ બહુ નહિ થઈ શકે એ વાત પણ તેમના ધ્યાનમાં આવી. મુંબઈ તો હતું સાત ટાપુનું બનેલું શહેર. તેના વિકાસ માટે જમીન કાઢવી ક્યાંથી? પણ ફ્રેરે લીધેલી વાત મૂકવામાં માનતા નહોતા. દરિયો છે તો શુ થયું? આપણે દરિયો પૂરીને – રેકલમેશન કરીને – જમીન મેળવીએ. પણ આ કાંઈ સરકારનું કામ નહોતું. પણ મુંબઈના લોકો તો આ કામ કરી શકે ને? અને અત્યારે મુંબઈમાં તો ધનના ઢગલા થયા છે, તો તેનો ઉપયોગ આ માટે કેમ ન થઈ શકે? આજે જે હોર્નિમેન સર્કલ તરીકે ઓળખાય છે તે એ વખતે એલ્ફિન્સ્ટન સર્કલ તરીકે ઓળખાતું. ત્યાંનાં ઘણાંખરાં મકાનો ૧૮૬૧ અને ૧૮૬૫ વચ્ચેની મુંબઈની જાહોજલાલી દરમ્યાન બંધાયેલાં. પહેલાં તો ત્યાં સપાટ મેદાન હતું જ્યાં રૂની ગાંસડીઓ બંધાતી અને તેનો વેપાર થતો.

પ્રેમચંદ રાયચંદના હસ્તાક્ષરમાં લખાયેલો પત્ર

એ વખતે મુંબઈના વેપારી જગતના બેતાજ બાદશાહ ગણાતા હતા પ્રેમચંદ રાયચંદ. વેપારીઓ જ નહિ સરકારી અમલદારો, સમાજના અગ્રણીઓ, સહુ તેમનો પડ્યો બોલ ઝીલતા. એટલે ગવર્નરે પ્રેમચંદ રાયચંદને મળવા બોલાવ્યા અને દરિયો પૂરીને જમીન મેળવવા માટે એક કંપની કાઢવાનું સૂચન કર્યું.  પ્રેમચંદ શેઠને નેટિવ સ્ટોક બ્રોકર્સ એસોસિયેશનના કામનો અનુભવ હતો. પૈસા હતા, વગ હતી. એ વખતે અંગ્રેજી બોલી-વાંચી શકે તેવા તેઓ એકમાત્ર શેર બ્રોકર હતા. ૧૮૬૦ સુધીમાં તેઓ લખપતિ બની ચૂક્યા હતા. (એ વખતે એ મોટી વાત હતી) ગવર્નર સાથે વાટાઘાટ કર્યા પછી બેકબે રેકલમેશન કંપની કાઢવાનું નક્કી થયું. આ કંપનીએ ૧૫૦૦ એકર જેટલી જમીન નવસાધ્ય કરવી તેમ ઠરાવ્યું. અને એ કંપનીના ચીફ પ્રમોટર કોણ, તો કે પ્રેમચંદ રાયચંદ. ભલે સીધી રીતે નહિ તો આડકતરી રીતે સરકારનો આ કંપની પર કાબૂ તો રહેવો જોઈએ ને? એટલે ગવર્નર ફ્રેરેએ આ નવી કંપનીના ૪૦૦ શેર ખરીદ્યા. લોકોને તો પ્રેમચંદશેઠ પર એવો આંધળો વિશ્વાસ કે તેમનું નામ પડતાં જ આ નવી કંપનીના શેર મેળવવા માટે પડાપડી થવા લાગી. ૫૦૦ રૂપિયાનો એક શેર. લોકો તેના ચાર-પાંચગણા ભાવ આપવા તૈયાર હતા. તેની દેખાદેખીથી બીજી પણ રેકલમેશન કંપનીઓ નીકળી. પણ સાચા અને પાકા વેપારીઓ કાંઈ પોતાને પૈસે શેર ખરીદે નહિ. તો શેર ખરીદવા પૈસા કોણ ધીરે? એ વખતે આખા મુંબઈ ઈલાકાની સૌથી મોટી બેંક હતી મુંબઈમાં આવેલી બેંક ઓફ બોમ્બે. ગવર્નરે પ્રેમચંદશેઠને એ બેંકના એક ડિરેક્ટર બનાવી દીધા. પણ ગવર્નરે આં કંપનીના શેર ખરીદ્યા છે એ વાતની ખબર લંડનમાં બેઠેલા અધિકારીઓને પડી. એટલે હિન્દુસ્તાનની સરકારે એ શેર વેચી નાખવાનો ગવર્નરને આદેશ આપ્યો એટલે એક શેરના ૫૦૦૦ના ભાવે એ શેર વેચાયા. એ રકમ એશિયાટિક બેંકિંગ કોર્પોરેશનમાં થાપણ તરીકે મૂકવામાં આવી. પણ આ એશિયાટિક બેંકિંગ કોર્પોરેશનની સ્થાપના કોણે કરી? તો કહે પ્રેમચંદ રાયચંદે. એટલે હવે મુંબઈના વેપારી જગત પરની તેમની પકડ વધુ મજબૂત બની. પ્રેમચંદશેઠની મીઠી નજર પડે તો માણસ ન્યાલ થઈ જાય. જે બે બેંકો સાથે તેઓ જોડાયા હતા તેમાંથી લોન મેળવવા માટે શું કરવું? શેઠસાહેબ સાદા કાગળની ચબરખી પર લખી આપે. એ લઈને બેંકમાં જાવ એટલે પૈસા હાજર, અલબત્ત ઊંચા વ્યાજે. લોકોને એ રીતે લોન લેવામાં વાંધો નહોતો દેખાતો કારણ જે રીતે શેરના ભાવ વધતા જતા હતા એ જોતાં વ્યાજની રકમ તો નફાની ચપટી જેટલી થશે એમ લોકો માનતા. અને બેંકોને લાગતું હતું કે ઊંચે વ્યાજે લોન આપીને આપણે ઢગલો પૈસા મેળવી લેશું.

બોમ્બે બેંક

રૂના વેપારીઓ

કવિએ કહ્યું છે ને કે ‘ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થશે કાલે.’નહોતી રૂના વેપારીઓને ખબર, નહોતી બેંકોને ખબર કે નહોતી મુંબઈ સરકારને ખબર કે અમેરિકાની સિવિલ વોર ૧૮૬૫ના મે મહિનાની પહેલી તારીખે પૂરી થઈ જવાની છે. એટલે હિન્દુસ્તાનના રૂની નિકાસનો પરપોટો ફૂટી જવાનો છે, એટલે ભયંકર મંદી આવવાની છે, એટલે વેપારીઓ, રેકલમેશન કંપનીઓ, બેંકો, બધાં રાતોરાત પાયમાલ થઈ જવાનાં છે. અરે, બેતાજ બાદશાહ શેઠ પ્રેમચંદ રાયચંદે પણ આવું તો નહોતું ધાર્યું.  બીજા બધાની જેમ તેમણે પણ લગભગ સર્વસ્વ ગુમાવ્યું. બેંક ઓફ બોમ્બે કેમ ફડચામાં ગઈ તે અંગે તપાસ કરવા સરકારે એક સમિતિ નીમી. તેણે પોતાના અહેવાલમાં જણાવ્યું કે પ્રેમચંદ રાયચંદ જે આડેધડ રીતે લોન આપવા બેન્કને ભલામણ કરતા હતા તેણે મોટો ભાગ ભજવ્યો હતો. જો કે પ્રેમચંદ શેઠે પોતાનું અંગત બધું દેવું ધીરે ધીરે ચૂકવી દીધું. રાખમાંથી ફરી જન્મેલા ફિનિક્સ પક્ષીની જેમ ફરી વેપારમાં પગભર થયા, પણ પહેલાંની પ્રતિષ્ઠા, પહેલાંની જાહોજલાલી પાછી ન આવી. પણ જ્યારે પૈસાની રેલમછેલ હતી ત્યારે એમણે સખાવત કરવામાં પાછું વાળીને જોયું નહોતું. છોકરીઓ માટે સ્કૂલ શરૂ કરવી છે? પ્રેમચંદશેઠ પૈસા આપશે. નવી લાઈબ્રેરી કાઢવી છે કે જૂનીને વધુ સમૃદ્ધ કરવી છે? પ્રેમચંદશેઠ છે ને? અને તેઓ માત્ર મુંબઈમાં જ દાન નહોતા આપતા. ગુજરાતની પણ અનેક સંસ્થાઓને સખાવત કરી હતી. અરે, છેક કલકત્તા યુનિવર્સિટીને પણ દાન આપ્યું હતું.

રાજાબાઈ ટાવર બંધાતો હતો ત્યારે

આવા દાનવીર મુંબઈ યુનિવર્સિટીને દાન ન આપે એવું બને? તેની શરૂઆતથી આજ સુધી મુંબઈના (હવે મહારાષ્ટ્રના) ગવર્નર હોદ્દાની રૂએ તેના ચાન્સેલર હોય છે. એટલે ગવર્નર ફ્રેરે જેના ચાન્સેલર હોય તે યુનિવર્સિટીને તો પ્રેમચંદશેઠ દાન આપે જ ને! ૧૮૫૭માં આ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે તેની પાસે પોતાનું મકાન નહોતું. એટલે તેની શરૂઆત ટાઉન હોલના મકાનમાં થઈ હતી. વર્ગો ત્યાં લેવાતા અને મેટ્રિકની તથા બીજી પરીક્ષાઓ પણ ત્યાં જ લેવાતી. આ નવી યુનિવર્સિટીને તેનાં પોતાનાં બે મકાનો બાંધવા માટે ઉદાર હાથે દાન આપનાર બે ગુજરાતીઓ હતા — સર કાવસજી જહાંગીર અને શેઠ પ્રેમચંદ રાયચંદ. સરસાહેબે કોન્વોકેશન હોલ માટે દાન આપ્યું અને પ્રેમચંદશેઠે લાઈબ્રેરી અને ટાવર માટે દાન આપ્યું. આ બંને ઈમારતની ડિઝાઈન બ્રિટનમાં તૈયાર થઈ હતી. એ બાંધવાનું કામ પણ બ્રિટિશ કંપનીને આપવા ધાર્યું હતું. પણ પહેલી  કંપનીએ ખર્ચનો જે અંદાજ આપ્યો તે ખૂબ વધુ હતો. કોન્વોકેશન હોલ માટે રૂપિયા સાડા બાર લાખ અને લાઈબ્રેરી અને ટાવર માટે ૧૫ લાખ. આટલો ખર્ચ કોઈને પોસાય તેમ નહોતો. એટલે મુંબઈ સરકારના આસિસટન્ટ આર્ચિટેક્ટની મદદ મગાઈ. તેમણે મૂળ ડિઝાઈનમાં ઓછામાં ઓછા ફેરફાર કર્યા. અને કોન્વોકેશન હોલના બાંધકામ માટે ખર્ચનો અંદાજ આપ્યો ૪ લાખ, ૧૫ હજાર ૮૦૪ રૂપિયા અને લાઈબ્રેરી તથા ટાવર માટે અંદાજ આપ્યો પાંચ લાખ ૨૮ હજાર ને ૯૩ રૂપિયા. લાઈબ્રેરી અને ટાવર માટે પ્રેમચંદ રાયચંદે યુનિવર્સિટીને ચાર લાખ રૂપિયાનું દાન આપ્યું, જે એ વખતે ઘણી મોટી રકમ કહેવાય. તેની ઈમારત બાંધતાં ચાર વર્ષ લાગ્યાં અને ૧૮૭૮ના નવેમ્બરમાં તેનું બાંધકામ પૂરું થયું. ત્યારે અગાઉના અંદાજ કરતાં વધુ ખર્ચ થયો હતો – પાંચ લાખ ૪૭ હજાર ૭૦૩ રૂપિયા. એટલે કે અંદાજ કરતાં ૧૯૬૧૦ રૂપિયા વધુ. ત્યાં સુધીમાં રૂની નિકાસના અને શેર બજારના ફુગ્ગા તો ક્યારના ફૂટી ગયા હતા. પણ આટલાં વર્ષો દરમ્યાન પ્રેમચંદશેઠના ચાર લાખ રૂપિયાનું જે વ્યાજ આવ્યું હતું તેમાંથી આ વધારાની રકમ ચૂકવાઈ શકી હતી. ૧૮૮૦ના ફેબ્રુઆરીની ૨૭મી તારીખે સર કાવસજી જહાંગીર કોન્વોકેશન હોલ, યુનિવર્સિટી લાઈબ્રેરી, અને ટાવરનું વિધિપૂર્વક ઉદ્ઘાટન થયું. એ પ્રસંગે ટાવર પર રોશની કરવાનું નક્કી થયું હતું. ત્યારે મુંબઈમાં હજુ વીજળી તો આવી નહોતી એટલે ચાર હજાર રૂપિયાને ખર્ચે ટાવરને દીવાઓથી શણગારવામાં આવ્યો હતો. પણ એ દીવાનો ઝળકાટ થોડી મિનિટ જ ટક્યો હતો. કારણ જોરથી પવન ફૂંકાયો અને ઘણાખરા દીવા બુઝાઈ ગયા!  દાન આપતી વખતે એક પત્ર દ્વારા પ્રેમચંદ રાયચંદે ટાવર સાથે તેમની માતાનું નામ જોડવાની વિનંતી કરી હતી. તેમનાં અંધ માતાનું નામ હતું રાજાબાઈ. એટલે ટાવરને રાજાબાઈ ટાવર એવું નામ આપ્યું. એક લોકવાયકા એવી છે કે પોતાનાં અંધ માતા ટાવરના ડંકા સાંભળીને કેટલા વાગ્યા તે જાણી શકે એટલા ખાતર પ્રેમચંદશેઠે આ ટાવર બંધાવ્યો હતો. આજે પણ કોટ વિસ્તારના ઘણા ભાગોમાં આ ટાવરના ડંકા સંભળાય છે. પણ પ્રેમચંદશેઠ અને તેમનું કુટુંબ તો રહેતાં હતાં છેક ભાયખલામાં, પ્રેમચંદશેઠે બંધાવેલ ‘પ્રેમોદ્યાન’ નામના બંગલામાં. અને કોટ વિસ્તારમાં આવેલા રાજાબાઈ ટાવરના ડંકા ઠેઠ ભાયખલામાં સંભળાય એ શક્ય જ નથી. આ પ્રેમોદ્યાન બંગલો આજે પણ હયાત છે. અત્યારે તે ‘રેગીના પાસીસ’ તરીકે ઓળખાય છે અને નજીકમાં આવેલ ગ્લોરિયા ચર્ચ ત્યાં  છોકરીઓ માટેની સ્કૂલ ચલાવે છે.

પ્રેમચંદ રાયચંદનો બંગલો પ્રેમોદ્યાન

આમ, અમેરિકન સિવિલ વોરે મુંબઈને ભેટ આપી કોટ વિસ્તારના વિકાસની અને રાજાબાઈ ટાવરની. કોન્વોકેશન હોલ સાથે જેમનું નામ જોડાયું છે તે સર કાવસજી જહાંગીર રેડીમની વિશેની વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 01 ફેબ્રુઆરી 2020

Loading

2 February 2020 admin
← શાહીનબાગની સ્ત્રીઓ
47 વર્ષ પછી યુરોપિયન સંઘમાંથી બ્રિટનની વિદાય સંઘમાંથી કાશી ગયું →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved