
સુમન શાહ
કોઈ મને પૂછે કે – તમે કઈ સંસ્કૃતિમાં જીવો છો, તો હું શું કહું એને? આમ તો તરત કહી દેવાય કે ભારતીય કે અમેરિકન, અથવા ભારતીય-અમેરિકન. પણ એ બીજો પ્રશ્ન પૂછે કે ભારતીય એટલે શું, અમેરિકન એટલે શું, તો એના શા ઉત્તરો આપવા?
પણ એ ભાઈને એક પ્રશ્ન હું પૂછું કે સંસ્કૃતિ એટલે શું, તો એ મને શો ઉત્તર આપશે?
અને જો ઉત્તર આપશે તો સૌ પહેલાં ધર્મને કેન્દ્રમાં મૂકશે. પણ હું એને પૂછું કે ધર્મ કોને કહેવાય, તો માથું ખંજવાળીને કહેશે, વેદો પુરાણો. કંઈક વધારે જાણતો હશે તો ઉમેરશે, ઉપનિષદો.
ગઈ કાલે એ ભાઈ ફરીથી મળ્યો. મને કહે, પ્રાથમિકથી માંડીને કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ધર્મનું શિક્ષણ આપવાથી સંસ્કૃતિનો વિકાસ થાય. કેળવણીથી ધર્મસંસ્કાર મજબૂત થાય, ખીલે. સંસ્કારોનો વિકાસ એટલે સંસ્કૃતિ. હવે એના ચિત્તમાં ધર્મ + કેળવણી + સંસ્કારોની ખીચડી રંધાતી હતી. મેં એને પૂછ્યું : તમે કઈ યુનિવર્સિટીમાં ભણેલા? : ના રે, હું તો મૅટ્રિક પાસ છું. પણ એક આર્ટિકલ વાંચ્યો, એમાં આવુંબધું લખેલું છે : મેં કહ્યું, ભલે, આવજો, મળતા રહીશું.
સંસ્કૃતિ વિશેની લોકમાન્યતામાં ‘આવુંબધું’ છે. સંખ્યાબંધ લોકો ધર્મના શિક્ષણનો આગ્રહ કરવા લાગ્યા છે, એ કાજે ગીતા બાઇબલ અને કુરાનને ધરી રહ્યા છે. થોડું વધુ જાણનારા લોકો ઋષિના આશ્રમોને ગુરુકુળ પ્રથાને બૉમ્બે બરોડા પૂણે જેવાં કીર્તિવન્ત વિદ્યાધામોને યાદ કરે છે.
સંસ્કૃતિરક્ષા અને જ્ઞાનસંવર્ધન માટે આજકાલ એક શબ્દ રણકતો થયો છે, knowledge systems. મિનિસ્ટ્રી ઑફ ઍજ્યુકેશને ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ્સ IKSની સ્થાપના કરી છે. સદીઓ દરમ્યાન વિકસેલા ભારતીય જ્ઞાનવારસાના પુન:પ્રસરણ અને દૃઢીકરણ માટેની એ વ્યવસ્થાનું સ્વાગત થવું જોઈએ.
અસ્તિત્વ, ચેતના અને તર્કબુદ્ધિના વિષયમાં શોધન-સંશોધન શીખવતાં વેદાન્ત, ન્યાય, સાંખ્ય; આર્યભટ્ટ અને ભાસ્કરની યાદ આપતી વૈદિક ગણિતવિદ્યા; ગ્રહો-ઉપગ્રહોની ગતિવિધિ સાથે સંકળાયેલી જ્યોતિષવિદ્યા; સ્થાપત્યકલાનો પરામર્શ આપતું વાસ્તુશાસ્ત્ર; સમગ્ર આયુર્વેદ; કૃષિશાસ્ત્ર; અર્થશાસ્ત્ર; રાજનીતિશાસ્ત્ર; ભાષાના વૈજ્ઞાનિક પદ્ધતિના નિદર્શનોમાં પ્રાચીનતમ એવું પાણિનીનું વ્યાકરણ કે ભરત મુનિથી માંડીને અભિનવગુપ્ત આનન્દવર્ધન કુન્તક જગન્નાથ કે વિશ્વનાથ વડે વિકસેલું સ્વયંસમ્પૂર્ણ કાવ્યશાસ્ત્ર — આ સઘળા બહુમૂલ્ય વારસામાં મને કે કોઈપણ બુધી જનને રસ પડે જ પડે. એટલે IKS માટે ભારતવાસી વિદ્વાનો અને અધ્યેતાઓએ અથાગ પરિશ્રમ કરવો પડે એ હકીકત છે, અને એ વિશે બહુ કહેવું મને જરૂરી નથી લાગતું.
અન્યથા, એ માત્ર વારસો છે, માત્ર સ્મૃતિ છે, માત્ર ભૂતકાળ છે, માત્ર ઇતિહાસ છે. એ હકીકત વિશે પણ વધુ કહેવું બિનજરૂરી છે.
સવાલ ઊભો રહે છે કે સંસ્કૃતિ એટલે શું? ધર્મ અને અન્ય વિષયના જ્ઞાની હોવું તે? ના! હું જો ધર્માનુસારી આચરણ નથી કરતો, હું જો જ્ઞાનાનુસારી જીવન નથી જીવતો, તો હું શી રીતે સંસ્કારી? કઈ સંસ્કૃતિનો અનુયાયી? લોકો મન્દિરો મસ્જિદો ને દેવળોમાં સંસ્કૃતિ ભાળે છે. પણ એ તો મકાનો છે. ઘરના ખૂણે પૂજાપાઠ સ્તુતિ કે પ્રાર્થના કરતો એક સામાન્ય જન મન્દિરે નથી જતો, તો એને શેમાં ગણીશું?
સંસ્કૃતિની વ્યાખ્યામાં રાજાઓ અને રાજશાસન પણ આવે. અશોક અને અકબરે યુદ્ધો કરીને સૅંકડોને હણ્યા પણ રાજ સાચવ્યું ને પ્રજાને સુરક્ષિત રાખી. બન્ને ગ્રેટ ગણાયા. એ ગ્રેટનેસનું કઈ સંસ્કૃતિ સાથે જોડાણ છે? ભલે, લોકશાહીમાં શું? ધોરી માર્ગો? સુરક્ષિત વાહનવ્યવસ્થા? ઓછા દરના કરવેરા? એ છે સંસ્કૃતિવિકાસ? એના વાહક રાજકારણીઓ મતપ્રાપ્તિ પછી જાતે એવું શું કરે તો સંસ્કૃતિરક્ષક કહેવાય?
અમેરિકામાં પાર્કમાં મળી જતી ગર્ભવતી ભારતીય મહિલાને હું પ્રણામ ન કરી શકું કે અમેરિકન પડોશીની સેરેબ્રલ પાલ્સી ધરાવતી બાળકી માટે પ્રાર્થના ન કરી શકું, તો હું શી રીતે ભારતીય સંસ્કૃતિજન? અમદાવાદનો એક મજૂર સવારથી સાંજ સુધી પૂરી પ્રામાણિકતાથી શરીરશ્રમ કરે છે, એ સંસ્કારી નથી તો શું છે? વડોદરાનો એક સાહિત્ચચિન્તક સવારથી સાંજ સુધી પશ્ચિમની દુનિયાની જ્ઞાનસરિતાઓએ સરજેલા જ્ઞાનસાગરમાં નિમજ્જિત રહે છે, એ સંસ્કારી નથી?
વાત એમ પણ છે કે મનુષ્ય આજે ઇતિહાસનું માત્ર ગૌરવજ્ઞાન નથી કરી શકતો. હું વર્તમાનને અને દૈનંદિનીય વાસ્તવિકતાને તાબે થઈને જ જીવી શકું છું.
‘ટેસ્લા’ કારમાં ‘હનુમાનચાલીસા’ સાંભળું તે સાથે ‘વોલ્માર્ટ’ પ્હૉંચી જઉં એ દરમ્યાન વડોદરામાં મિત્ર જોડે વ્હૉટ્સૅપિન્ગ પણ કરી લઉં. AI – આધારિત વિજ્ઞાન અને ટૅક્નોલૉજિએ આજે માણસના ભાણામાં અનેક વસ્તુઓ પીરસી દીધી છે.
એનું એક પરિણામ છે ભૂતકાળ સાથે સતત વિકસતો વિચ્છેદ – discontinuity with the past. બીજું પરિણામ છે સમજદારી અને કાર્ય વચ્ચે વિચ્છેદ – a split between understanding and action. મને હવે ખબર છે કે ગીતામાં કર્મફળનો સિદ્ધાન્ત છે – કર્મ કરવું પણ એના પરિણામને વિશે ઉદાસીન રહેવું. આ વાત મારી સમજદારીમાં બરાબર બેસી ગયેલી છે, એ માટે મારે ગીતાપારાયણ કરવાની, એટલે કે એ actionમાં ઊતરવાની હવે જરૂર નથી. વાત એ રીતે વિકસે છે કે ક્રમે ક્રમે હું કર્મફળના સિદ્ધાન્ત વિશે જ ઉદાસીન થઈ જઉં છું! મને એ માત્ર એક philosphical narrative લાગે છે, અને એ પછી ક્રમે ક્રમે હું કર્મફળના સિદ્ધાન્તનો પ્રતિસિદ્ધાન્ત anti-thesis શોધવા માંડું છું!
અમેરિકામાં માણસ ઘરની બહાર પગ મૂકે એટલે એનું નાગરિકજીવન શરૂ થાય છે. એ કયો ધર્મ કઇ જાતિ કે વંશસૂચક કઇ અટક ધરાવે છે એ વીગતો ગૌણ બની જાય છે. આ નગરસભ્યતાથી ઊભી થતી સંસ્કૃતિમાં એકે ય ધર્મ નથી. ધર્મનો અર્થ કર્તવ્ય duty કરીએ, તો પેટમાં શું દુખે? ધર્મ એટલે, ફરજ, જવાબદારીનું પાલન. હું ચાલવા નીકળું છું તો ચીની દમ્પતી મને પૂછે કે આટલા દિવસથી કેમ દેખાતા ન્હૉતા, દક્ષિણ ભારતની કે તળ અમેરિકાની વ્યક્તિ કશા જ વિશિષ્ટ ઓળખાણ વિના પૂછે કે કેમ દેખાતા નથી, તો એ સંસ્કારી નથી? મને એ દમ્પતીનાં કે એ વ્યક્તિઓનાં નામોની ય ખબર નથી, એમને પણ મારા નામની ખબર નથી.
આને માનવસંસ્કૃતિ કહેવાનો રિવાજ હતો. પણ ત્યારે માનવસંસ્કૃતિનું રસાયણ સરેરાશ માનવ્ય હતું. નગરસભ્યતાથી ઊભી થયેલી સંસ્કૃતિમાં તો વૈયક્તિક માનવ્ય શિરમોર સત્ય છે.
હું સંસ્કૃતિની ચીલાચાલુ વ્યાખ્યામાં બેસે એવું નથી જીવતો એટલે કહી દઉં કે મારે કોઈ સંસ્કૃતિ નથી, તો ચાલે? હું પેલા ભાઈને પૂછીશ, જો મળશે તો.
= = =
(260725USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર