ગાઝા એકોક્તિઓ
અશટાર થિયેટર, પૅલૅસ્ટાઈન
૧.
અલા હજ્જાજ
યુદ્ધના પ્રથમ દિવસથી જ મને હતું કે આ યુદ્ધ પણ અગાઉના યુદ્ધો જેવું જ હશે . . . આના જેવું નહીં હોય. અમારા ઘરો નષ્ટ કરી દેવાયા છે, અમે વિસ્થાપિત થઈ ગયા છીએ અને અમારા વહાલાંઓ શહીદ થયાં છે. આ બધું થયાં છતાં અમે હજુ કહીએ છીએ કે જીવનમાં આશા છે, અમે બધી બાબતમાં વિશ્વાસ ગુમાવી બેઠાં છીએ, અમારી જાતમાં પણ વિશ્વાસ ગુમાવી બેઠાં છીએ, તેમ છતાં જ્યારે અમારામાંનો કોઈ શહીદ થાય છે, અમે કહીએ છીએ : વિજય હાથવગો છે અને અમે વિજય ચોક્કસ મેળવીને રહીશું.
હું શુજા’એહ વસાહતનો અલા’ છું. ૨૦ દિવસ કે એથી વધુ દિવસોથી મેં ઘર છોડ્યું છે અને આ દરમ્યાન મેં ઘણી યાતનાઓ ભોગવી છે, લોકોનાં પોત પારખ્યાં છે; તમને પ્રેમ કરનારા, તમારી દરકાર કરનારા અને એટલી હદે ઘૃણા કરનારા કે તમે મૃત્યુ પામો તો પણ એમને પડી ના હોય.
આક્રમણના પ્રથમ દિવસ દરમ્યાન અમારાં સગાંવહાલાં અમારા ઘેર આવ્યાં. મારા ફુઆ ઈસ્લામિક ચળવળના નેતા હતા. એમને સાથે લઈને મારા ફોઈ અમારા ઘેર આવ્યાં, હા . . . હા . . . હા!! અમે આઘાત પામ્યા. એમને સમજણ નહોતી કે અમને પૂરેપૂરું જોખમ છે.
એક કલાક બાદ ઘર ખાલી કરવા, કબજો કરનારાઓના ફોન અમારી ઉપર આવવા લાગ્યા. અમે ઘર છોડીને રસ્તા પર દોડવા લાગ્યા. ક્યાં જવું એનો ખ્યાલ નહોતો અમને. અમે અમારી ગાડીઓ કાઢી અને દુર્ઘટના તો એ બની કે ગાડીમાં મારા ફુઆ સાથે બેસવાનો વારો આવ્યો. મને લાગ્યું કે નક્કી અમે માર્યા જવાના . . . પરંતુ એવું બન્યું નહીં અને મેં નવું જીવન પ્રાપ્ત કર્યું. ખુદાનો અહેસાન કે ખરાબ થતું આટલેથી જ અટકી ગયું.
અમે અલ નાસર વસાહતમાં અમારાં સગાંને ઘેર પહોંચ્યાં અને ૧૫ દિવસ ત્યાં રહ્યાં. ત્યાર બાદ અમે અલ થલાથીની સ્ટ્રીટ પર રહેતાં બીજાં સગાંને ત્યાં ગયા. ત્યાં મારા શ્વાસમાં ગૅસ જતો રહ્યો અને ૧૦ દિવસ સુધી મારે હોસ્પિટલમાં રહેવું પડ્યું. ખુદાનો અહેસાન કે ખરાબ થતું આટલેથી અટકી ગયું.
થોડા વખતે મારા બે પિતરાઈ ભાઈઓ શહીદ થયા. એમની રૂહને શાંતિ મળજો. એટલે અમે શુજા’એહમાં અમારા ઘેર પાછા ફર્યા, પરંતુ અમારા ઘરની એકેય બારી કે દીવાલ અકબંધ નહોતી. ગટર લાઈન પણ બરબાદ થઈ ગયેલી હતી. માત્ર આગલી દીવાલ ઊભી હતી. ખુદાનો અહેસાન કે ખરાબ થતું આટલેથી અટકી ગયું.
હુમલા દરમ્યાનની પ્રત્યેક ક્ષણે અમે ડરેલા રહેતા અને મૃત્યુ માટે તૈયાર રહેતા. હું ખરેખર ઈચ્છું છું કે અમારા ભાગે વધારે યુદ્ધો જોવાના ના આવે, કારણ કે અમે સાચેસાચ થાકી ગયા છીએ અને જીવવા માગીએ છીએ. અમે સપનાં જોવાં માગીએ છીએ. વિશ્વભરના બાળકોની માફક અમારું ભવિષ્ય બનાવવા માગીએ છીએ. અમારા માટે શું આ વાજબી હક નથી? કે પછી એ મેળવવા માટે અમારી પર પ્રતિબંધ છે? મારા પ્રશ્નનો જવાબ જોઈએ છે મને; અમારા હક વાજબી છે કે નહીં?
૨.
અશરફ અલ સોસ્સી
એ ય! સાંભળે છે? તારા ઘરની બાજુમાં બોંબમારો થયો છે કે શું?
એ ય! ખુરશી પર બેઠેલાં બહેન, તારા બગીચા પર ધાડ પડી છે કે શું?
એ ય! રસ્તાના છેડે ઊભેલી સુંદર યુવતી, તારા પગ નીચે રૉકૅટ ફૂટ્યું છે કે શું?
એ ય! ભાઈ, તમારા બાથટબ પર દરોડો પાડતી બખતરગાડીનો અવાજ કેટલો મોટો હતો?
શેની ઉતાવળ છે?
ટૂંક સમયમાં આપણા બધાં પર દરોડો પડશે અને જો હજુ તમારા પર દરોડો ના પડ્યો હોય, તો આજ નહીં, તો કાલે પડશે.
સાચું કહું તો હજુ મારા લીરેલીરા ઊડી નથી ગયા, પણ વધું સાચું કહું તો મારે એવો અંત જોવો પણ નથી.
આમ છતાં, મને મન છે કે મારી પર ધાડ પાડનારા પર બોંબ પાછા ઉછાળું.
૩.
માહમુદ બલાવી
દરરોજ સમાચારમાં આપણે ગાઝા વિશે સાંભળીએ છીએ, અમારું અર્થતંત્ર બહુ સારું છે અથવા અમારે ત્યાં વિશ્વની અજાયબીઓમાંની એક છે, એટલે નહીં અને એટલે તો બિલકુલ નહીં કે અમારો ઉડ્ડયન ઉદ્યોગ મજબૂત છે. બધાં દેશોએ ગિનેસ રૅકૉર્ડઝમાં સ્થાન બનાવેલું છે, અમારા સહિત. નાગરિકો વિરુદ્ધના સૌથી લાંબા યુદ્ધનો અમારો સૌથી ઊંચો રૅકૉર્ડ છે.
ગાઝામાં સમય વિશ્વના બાકીના હિસ્સાઓ કરતાં જુદો છે. ગાઝામાં એક કલાક ૬૦ શહીદો અને ૩,૬૦૦ ઘવાયેલા જણનો હોય છે અને એક મિનિટ ૬૦ જમીનદોસ્ત કરાયેલા ઘરોથી, જ્યારે એક સૅકૅન્ડ વિલાપ કરતી માતાઓની ૬૦ ચીસોથી બનેલી હોય છે. યુદ્ધ દરમ્યાન ગાઝાની એક રાત એક હજાર અને એક રાતોવાળી દંતકથાની એક સો વાર્તાઓ બરાબર છે.
રાત્રે જ્યારે અંધકાર વ્યાપેલો હોય છે, અમારા માથા પર ગર્જના કરતાં અને ઝીંકાતા રૉકૅટોથી આકાશ ઝળહળી ઊઠે છે અને રાત ફેરવાઈ જાય છે એક ઉજાસભર્યા દિવસમાં.
એના નાનાં બાળકો પાસે સૂતી એક માને બાળકો પૂછે છે : “અમ્મી, આ શેનો અવાજ છે? બોંબમારો થઈ રહ્યો છે? અમ્મી, અમને ડર લાગે છે.” બાળકોને શાંત કરવામાં નિષ્ફળ મા એમને ‘બહાદુર હસન’ની કહાની કહેવાની શરૂ કરે છે, જેથી બાળકો નિરાંતે સૂઈ શકે. આમ છતાં, બાળકોને તમે ભલે કંઈ પણ કહી સંભળાવો, એમની સમક્ષના દૃશ્યોને લીધે એ મૃત્યુ અને વિનાશ વિશે જ વિચારવાના.
બીજે દિવસે એનો દીકરો બહાર ગયો ત્યારે એણે ધડાકો સાંભળ્યો. દીકરાએ આગલી રાતની કહાની યાદ કરી અને વિશ્વાસ કર્યો કે બહાદુર હસન મૃત્યુ પામ્યો છે અને શહીદ થયો છે. મા પાસે દોડી જઈને એણે કહ્યું, “અમ્મી, હસન મૃત્યુ પામ્યો છે. અમારા બધા નાના સાહસો, અમારી બધી સ્મૃતિઓ અદૃશ્ય થઈ ગઈ છે. હસનના મૃત્યુ પછી હું હવે સ્કૂલે શી રીતે જઈશ? અમ્મી, હસન મોતને ભેટ્યો છે.”
દીકરાને જવાબ આપે એ પહેલા મા પર ઈઝરાયેલી સેનાનો ફોન આવ્યો : “ઘર છોડવા માટે તમારી પાસે ૩૦ સૅકૅન્ડ છે.” ૩૦ સૅકૅન્ડ! ૩૦ સૅકૅન્ડમાં એ શું કરી શકે? સાથે શું લઈ જઈ શકે? કોને જાણ કરી શકે? એના બાળકો સાથે નાસી છૂટે? કે પાડોશીઓને વાત કરે?
શેરીમાં ઊભી રહીને માએ બૂમ પાડી : “એ ય, સાંભળો બધાં, અમારું ઘર ધ્વસ્ત કરવાના છે, અમારા ઘરનો નાશ કરવાના છે.” ૩૦ સૅકૅન્ડ બાદ બધે સ્મશાનવત શાંતિ વ્યાપી ગઈ.
ગાઝા ટક્યું છે. ગાઝા કદી મરશે નહીં, એનાં બાળકો મરી જશે તેમ છતાં . . .
એમનાં નામ ઇતિહાસના ચોપડે નોંધાશે, એમના સંતાનો અને સંતાનોના સંતાનો માટે.
તમે જો ગાઝા ગૂગલ કરશો તો વિનાશ અને વિધ્વંસની છબિઓ જોવા મળશે અને કોઈક દિવસ ગાઝા સામેના યુદ્ધોમાંથી એકમાં મૃતકોના ફોટામાં કદાચ મારો પણ ફોટો જોશો.
૪.
નિવિન ઝીઆદા
“આ રીતે મારી અંદર બધું મરી પરવાર્યું.”
સાવચેતીપૂર્વક મારા ક્ષીણ શરીર પર મેં હાથ ફેરવ્યો . . . મને અંદાજ આવી ગયો કે કાચ પેસી ગયો છે.
ઘોંઘાટ અને ચીસો, ઍમબ્યુલન્સની કર્કશ સાયરનના અવાજો. અંધાધૂંધીની વચ્ચે મને કોઈનો રડતો અને બૂમ પાડતો સાદ સંભળાયો : “નિવિન”. રજકણો અને રેતીથી મારું મોં ભરાઈ ગયેલું અને મને ચૂપ કરી દીધેલો એટલે હું પ્રત્યુત્તર આપી ના શક્યો. એક ઘડી માટે તો એવું લાગ્યું કે બધાં મને એકલો મૂકીને નાસી ગયા છે. ઓ ખુદા, હું હવે એક ક્ષણ પણ એકલો રહી શકું એમ નથી. મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે અને મારા શ્વાસના ત્રાસજનક અવાજથી મને પીડા થાય છે. મારી બધી શક્તિ ભેગી કરી અને દૃષ્ટિ વગર હું બધાંની સામે ચાલીને કાટમાળના ઢગલા ઉપર અમારા ઘરના દરવાજા સુધી પહોંચ્યો. બધાંની ચાંપતી નજર અને ફિક્કા ચહેરાથી બચવું અશક્ય હતું.
“સમય બિલકુલ નથી. આપણે તાત્કાલિક નીકળી જવું પડશે”, અબ્બાએ થરથરતા અવાજે કહ્યું.
હા, હવે હું મૃત્યુથી બચીને મૃત્યુ સુધી પહોંચીશ.
થોડો સમય અમે સગાંવહાલાંના સંકડાશભર્યા ઘરમાં રહ્યાં. કુલ ૩૦ લોકો હતા અમે, મોટા ભાગના બાળકો હતાં. એક ફોન આવ્યો અને અમને વિખુટા પાડ્યા ત્યાં સુધી અમે ત્યાં જ રહ્યાં હતા. અમે મૃત્યુના ભય હેઠળ જીવવા પાછા ફર્યા, પડવા તૈયાર ન હતું એવા ઘરમાં, મારી વેરવિખેર ચીજો વચ્ચે, સુંદર ચીજોથી ભરચક મારી સ્મૃતિ સાથે, પ્રત્યેક સૅકૅન્ડ અમારા બાગમાં અમારી આંખો સામે પડતા બંદૂકની ગોળીઓના ખાલી ખોખા, ૫૧ દિવસ લાંબા દુ:સ્વપ્ન વચ્ચે જીવવા પાછા ફર્યા.
અન્યોની માફક અમારામાંના એકનું મૃત્યુ થવાની રાહ જોતો હતો એ દરમ્યાન પસાર થતી એક એક સૅકૅન્ડ મને યાદ છે. હું અકબંધ રહીને મૃત્યુ પામું એ જ પ્રાર્થના કરતો રહ્યો. મારે વિખરાયેલા ટૂકડામાં વહેંચાઈને નહોતું મરવું. ખુદા સિવાય અમારી સાથે કોઈ નહોતું. મેં ક્યારે ય કલ્પના કરી નહોતી કે આવા દિવસો જીવવાના આવશે, પરંતુ ઝીણામાં ઝીણી વિગત સાથે જીવ્યા. ગાઝા પર હુમલાએ મારું હાસ્ય છીનવ્યું, મારાં સપનાં છીનવ્યાં અને મારું સર્વસ્વ છીનવી લીધું. હા, બીજો હુમલો થાય અને મારું બધું છીનવાઈ જાય એ પહેલા હું બીજી ચીજોનાં સપનાં જોઈશ.
ઘણાં મને છોડીને જન્નતમાં જતા રહ્યાં છે. વધુ યાતના અનુભવવા મને અહીં મૂકીને. આક્રમણ અટક્યું નથી પરંતુ શરૂઆતનો આ ત્રીજો ભાગ છે.
મને દેખાય છે કે મારાં સપનાં સુધીનો રસ્તો ખરેખર બંધ થઈ ગયો છે . . . હું મૃત્યુ નથી પામ્યો પરંતુ મારી અંદરની બધી સુંદરતા મરી પરવારી છે.
૫.
ટામેર નિજૅમ
મારી સ્મૃતિને ઢંઢોળીને તમને એક દૃશ્ય વર્ણવવા માગું છું. એવું દૃશ્ય જેનાથી હું ટેવાયેલો નહોતો. આ વખતે જુદી બાબત હતી કારણ કે હું પોતે જ દૃશ્ય હતો. હું મારા રૂમમાં છત સામે જોઈને યાદ કરી રહ્યો છું કે અહીં કેવી રીતે પાછો ફર્યો અને ત્યાં મેં શું અનુભવ્યું હતું!
સમય મને ફ્લૅશબૅકમાં એ અંધારી, ક્રૂર છાવણીમાં લઈ ગયો. તમામ રાષ્ટ્રીયતાના લોકોની ભીડ વચ્ચે હું એકલો હતો. મેં નજર કરી, તાકતો રહ્યો અને મારી અંદરનો અવાજ ચીસ પાડી ઉઠ્યો, “હું ક્યાં છું? હું કોણ છું? હું અહીં કેવી રીતે પહોંચ્યો?!”
મારી અંદરનો ઘોંઘાટ વધ્યો અને જાણે વિસ્ફોટ થયો, પરંતુ મેં મારી જાતને શાંત કરી અને કહ્યું, “હું રાજકીય નિરાશ્રિત બની ગયો છું”. ડીઝલથી આગ બુઝાવવાનો જાણે પ્રયત્ન જેમ જેમ કરતો ગયો એમ મારી અંદરની આગ વધુ ભડકતી જતી હતી.
હું પૅલૅસ્ટાઈનનો દીકરો છું માટે રાજકીય નિરાશ્રિત બનવાનો વારો આવ્યો છે.
તું પૅલૅસ્ટાઈનનો વતની છે! માટે તું રાજકીય નિરાશ્રિત છે! સીધો હિસાબ છે.
શું એ મારો વાંક છે? શું મારી નિયતિ આખું જીવન આશ્રયમાં ગાળવાની છે? અહીં અને ત્યાંની વચ્ચે આવજા કરતા રહેવાનું છે?
હું મુસાફરીનાં સપનાં જોતો હતો એટલે મારે મુસાફરી કરવાની આવી. મારે એક સુંદર સ્વપ્ન સિદ્ધ કરવું હતું, પરંતુ મારે ઘણાં દુ:સ્વપ્નો જોવાં પડ્યા. મને એમ કે યુરોપમાં જીવન કલ્પનાચિત્ર જેવું હશે અને છે, પણ એવું જ પરંતુ નિરાશ્રિત હોવું એ તદ્દન અલગ બાબત છે. ટોળામાંથી છૂટા પડેલા શિકાર જેવો તમારી સાથે વ્યવહાર કરવામાં આવે છે. મારી પરિસ્થિતિ એવી હતી. માનવ રાક્ષસો ભરેલાં જંગલમાં હું શિકાર હતો, એટલે તમે આ અને પેલા વચ્ચે ભેદ નથી કરી શક્તા. એ બધાંની એકસરખી વિગતો હોય છે, બીબાંઢાળ વિગતો.
હું અહીં પાછો કેમ ફર્યો? હા, મારે પાછું ફરવું હતું, મારી અમ્મીના હાથની રસોઈ ખાવા, મારા ઓશીકા પર માથું મુકવા, મારે માદરે વતન આવવું હતું. હા, મારું માદરે વતન. મારા વતન, મારા કુટુંબ, મારા મિત્રો વગર હું કંઈ જ નથી. એથી મેં પાછા ફરવાનું નક્કી કર્યું. મેં મારા એકલાની સીટ રીઝર્વ કરાવી લીધી. જેવો ગયો હતો એવો જ પાછો ફરવા.
‘કાઈરો ઍરપૉર્ટ સિક્યોરિટી કંટ્રોલ’, સિગારૅટના ધુમાડાથી ભરેલો એક નાનકડો ઓરડો, કચરાની વાત ન પૂછો, જાણે અમે ઢોરની કોઢમાં હતા, માનનીય મુસાફરો માટેના ઓરડામાં નહીં. સેંકડો લોકોથી ભરેલા એક નાના કેદખાના જેવો હતો એ ઓરડો, સ્વીકૃતિ અથવા જ્યાંથી આવ્યા ત્યાં પાછા જવાની ગતિ વચ્ચે બધાં ઊભા હતા.
નિરાશ્રિત કૅમ્પથી ઍરપૉર્ટ અને ત્યાંથી રાફા ક્રૉસિંગ!
રાફા ક્રૉસિંગ, એટલે કે ગાઝા, ત્રણ વર્ષ બાદ, ત્રણ વર્ષ, અને હું દુનિયા સાથે કુસ્તી કરી રહ્યો હતો, મારા હાથમાં મારો આત્મા લઈને આગળ વધી રહ્યો હતો, મારી જાતને શોધવા. હું કોણ છું? મેં પરેશાન કરતા આ સવાલનો જવાબ મેળવવા આ બધી જહેમત હતી.
આ બધી યાતના બાદ હું તમને કે મારી જાતને વર્ણવી શકવાની ક્ષમતા ખોઈ બેઠો છું. મારું નસીબ સારું હોવા છતાં ૨૦૧૪ના યુદ્ધ બાદ મારી વાપસીની તારીખ મારી નિયતિને મંજૂર હતી. તેમ છતાં હું ખુશ હતો. હા, ખૂબ જ ખુશ. મને મારો પલંગ પાછો મળવાનો હતો, મારી અમ્મીનું આલીંગન, મારા મિત્રોનો હરખ અને સૌથી મહત્ત્વનું મારા વતનની હૂંફ મને પાછી મળવાની હતી.
જેમ જેમ હું ક્રૉસિંગની નજીક પહોંચતો ગયો, ઘર વાપસીની તાલાવેલી અને હરખ વધતા ગયા. જેવો ક્રૉસિંગ પહોંચ્યો કે દારુગોળા, વિમાનો અને મિસાઈલોના અવાજો મારા કાનમાં પ્રવેશવા લાગ્યા. ના તો હું ભયભીત હતો અને ના તો ચિંતિત. મારી નિસબત માત્ર પાછા ફરવાની અને મારા હૃદયને પ્રિય લોકોને મળવાની હતી.
મને ઘેર લઈ જવા માટે એક ટૅક્સી ડ્રાઈવર સંમત થયો. બારી પાસે બેસીને રસ્તાને, વિનાશને, કરુણાંતિકાને હું જોતો રહ્યો. ડ્રાઈવર સાથે વાતચીત કરીને પૂછ્યું કે આ બધું શું હતું, કેવી રીતે બન્યું અને લોકો ક્યાં છે?
ડ્રાઈવરે મને કહ્યું : “બેટા, આપણે પૃથ્વીના મૃતકો છીએ, કાગળ પરના આંકડા બની ગયા છીએ. જે કોઈ પણ હજુ મૃત્યુ પામ્યા નથી એ મૃત્યુની વાટ જોઈ રહ્યા છે. અંતે તો આપણે બધાં મૃત જ છીએ. પોતાના દીકરા ગુમાવ્યા હોય એવા લોકો છે, જેમણે પોતાના ઘર અને સમગ્ર કુટુંબો ગુમાવ્યા છે એવા પણ છે. આફત તો એના માટે છે જેણે સર્વસ્વ ગુમાવ્યું છે, પોતાનું કુટુંબ, પોતાનું ઘર, પોતાનું કામકાજ, એટલે ખુદાને પ્રાર્થના કરવા એ બચ્યો છે . . . ઉતાવળ કરવા.
ન વર્ણાવી શકાય એવાં દૃશ્યો જોતો ગયો એમ હું જે સાંભળતો હતો એની મને ખાતરી થતી ગઈ. નાશ પામેલાં ઘરો, ઘર વિહોણાં લોકો અને પ્રત્યેક વ્યક્તિમાં વસતી વેદના.
હું ઘેર પહોંચ્યો. મને થયું ના આવ્યો હોત તો સારું. ત્રણ વર્ષથી ઘરથી દૂર રહ્યા બાદ મારા કુટુંબે આવકારમાં મને કહ્યું : “પાગલ છે? શું કરવા પાછો આવ્યો? મૃત્યુ પામવા આવ્યો છે કે અમારી વાસ્તવિક્તા પર માતમ મનાવવા?”
હું બેસી પડ્યો અને દૃશ્ય બની ગયો. વિમાનના અવાજો જાણે મારી બાજુમાં બેસી ગયા. બંદૂકની ગોળીઓના ખાલી ખોખા મને સાથ આપતા હતા. એમના શબ્દો તરફ મેં ધ્યાન આપ્યું નહીં. હું મારી જાતને લઈને રસ્તા પર થોડું ચાલવાના ઈરાદાથી નીકળી પડ્યો. હા, પીડા, વિનાશ અને લોહી . . . અને નાશ પામેલા ઘરો નીચે પડી રહેલા કુટુંબો વચ્ચેથી હું ચાલતો રહ્યો.
દૃશ્યની કડવાશથી મને ઠેસ પહોંચી. મેં વિચાર્યું : “શું અમે ઠીક કરી રહ્યા છીએ?
“શું હું મૃત્યુ પામીશ? અથવા હું જેને ચાહું છું એને ગુમાવી બેસીશ?”
રાત આવી અને સાથે ચિંતાઓ લાવી. અબ્બાએ કહ્યું, એક જૂથ સૂવા જશે ત્યારે બીજું જૂથ ઘરની ચોકી ભરશે. હું જાગતો રહ્યો બધાંની સાથે — ભય, ચિંતા, મૂંઝવણ અને આતંકથી ઘેરાયેલા.
યુદ્ધ સમાપ્ત થયું ત્યાં સુધી અમે આ રીતે રહ્યા. ત્યારબાદ કરુણાંતિકા છતી થઈ અને ગાઝાને, એના બધાં ઘરો, વિનાશ અને પીડા સાથે પ્રગટ કરવામાં આવ્યું.
એમણે અમારો પ્રેમ મારી નાખ્યો અને અમારી સુરક્ષા છીનવી લીધી. પરંતુ આમાંનું કંઈ અહીં રહેતા કોઈ પણ વ્યક્તિને રોકી શક્યું નહીં. અમે ફરીથી પ્રેમ વાવ્યો, પુખ્ત વ્યક્તિ સમક્ષ અનાથ બાળકમાં સુરક્ષાની ભાવના રોપી. એનો શ્વેત રંગ આકાશ સાથે વહેંચી અને અમે જ્યાં રોકાઈ ગયેલા ત્યાંથી એક શરૂઆત અને જન્મ આદર્યા.
૬.
વિયેમ ઍડેરી
બારસેલોનાના પાર્કનું નવીનીકરણ કરાયું હોવા છતાં મને એ ગમતો બંધ થઈ ગયેલો. વૃક્ષો મોટા થવાનો ઈનકાર કરી રહ્યાં હતાં, પરંતુ હું મોટો થતો ગયો અને હવે હું ત્યાં રમી નથી શક્તો.
અમારા પાડોશીના ઘરે અરાજક્તા સર્જાઈ. હું ત્યાં તપાસ કરવા ગયો. પાડોશીએ જણાવ્યું કે ઈઝરાયેલી સેનાએ તાત્કાલિક ઘર ખાલી કરવાનું ફરમાન કર્યું છે એટલે એ ઘર ખાલી કરી રહ્યાં હતા.
અમારી પડખે જ એમનું ઘર હતું. મેં નિર્ણય કર્યો કે અમે ઘર નહીં છોડીએ. એક જ મિનિટ પછી સેનાએ ચેતવણીરૂપે રૉકૅટ છોડ્યું અને અમને નાસી જવાની ફરજ પડી. થોડી મિનિટ બાદ ઈઝરાયેલી સેનાએ બે મિસાઈલ ઘર પર ઝીંકી અને જે મકાન ટાવરરૂપે ઊભું હતું એ જોતજોતામાં કાટમાળનો ઢગલો બની ગયું.
બરબાદ થઈ ગયાની લાગણીનો અનુભવ થયો મને. ખુદા અમને શક્તિ બક્ષે.
૨૦૧૦માં જ્યારે અમે ગાઝા મૉનૉલૉગ્ઝ લખ્યા ત્યારે અમને લાગેલું કે આખા વિશ્વની સુદૃઢતા અમારી સાથે છે. પરંતુ ત્યાર પછીથી ગાઝામાં પરિસ્થિતિ વણસતી ચાલી છે. મને અહેસાસ થઈ ગયો છે કે આખા વિશ્વની સદ્દભાવના અમારી જિંદગીના અંધકારનું એક ટપકું પણ લૂછી શકવા અસમર્થ છે.
કાશ આનાથી વિપરિત હું તમે કહી શક્તો . . . .
૭.
યાસ્મિન અબુ અમ્ર
મને ખબર છે કે હું મૃત્યુ પામવાની છું. મૃત્યુ કુદરતી ઘટના છે . . . મૃત્યુ અનિવાર્ય છે! પરંતુ હું જીવતી રહું અને મારું આખું કુટુંબ મૃત્યુ પામે એવું હું નથી ઈચ્છતી . . . હું નથી ઈચ્છતી કે મારું ઘર જમીનદોસ્ત કરવામાં આવે અને હું રસ્તા પર જિંદગી ગુજારવા મજબૂર બની જાંઉ.
યુદ્ધ દરમ્યાન અમારાં સપનાં કેટલાં સાદાં હતાં?! પૅરિસના પરા વિસ્તારમાં મહેલ કે બ્રિટનમાં વિલા કે ન્યુયોર્કમાં અપાર્ટમૅન્ટ નહોતો જોઈતો મને. હાર્વડ કે ઑક્સફર્ડમાં નહોતું ભણવું મારે. મંત્રી કે વડા પ્રધાન નહોતું બનવું મારે. મારે માત્ર એટલું જોઈતું હતું કે મારું કુટુંબ સુરક્ષિત રહે.
યુદ્ધે માત્ર અમારી સુરક્ષાની લાગણી જ નહીં અમારાં સપનાં, અમારી સ્મૃતિઓ, અમારાં આંસુ અને હાસ્ય મારી નાખ્યાં છે. ઍરકન્ડીશનવાળી ઑફિસમાં કૉફી પી રહી કોઈ વ્યક્તિના નિર્ણયથી જીવનનું કોઈ પણ ક્ષણે બાષ્પીભવન થઈ શકે છે. આને જીવન ના કહેવાય.
ગાઝા પરના દરેક આક્રમણ બાદ હું ઊભી થઈને મારું જીવન ફરીથી ગોઠવતી આવી છું, પરંતુ હવે આ બધો રક્તપાત અને મૃત્યુ જોયા પછી હું મારી જાતને પૂછું છું : “ફરી એક વાર ઊભી થઈને મારું જીવન હું ગોઠવી શકીશ???
e.mail : rupaleeburke@yahoo.co.in