બાંગ્લાદેશના બંધારણમાં ભારતના બંધારણની જેમ આમુખ છે. એ આમુખના શીર્ષકની ઉપર જ લખવામાં આવ્યું છે કે, “બિસ્મિલ્લાહ-અર-રહેમાન-અર-રહીમ”. એટલે કે “જે સર્જક અને દયાળુ છે તે અલ્લાહને નામે”. આમ, અલ્લાહના નામથી તો બંધારણનો આરંભ થાય છે. આમુખની બીજી લીટીમાં રાષ્ટ્રવાદ, સમાજવાદ, લોકશાહી અને બિન-સાંપ્રદાયિકતાના આદર્શો સ્વીકારવામાં આવ્યા છે. આ બંધારણ તા.૦૪-૧૧-૧૯૭૨ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું કે જ્યારે તેને પાકિસ્તાનથી આઝાદી અપાવનાર શેખ મુજીબુર રહેમાન વડા પ્રધાન અને પછી રાષ્ટ્રપ્રમુખ તરીકે હયાત હતા. તમામ નાગરિકો માટે કાયદાનું શાસન હોય, મૂળભૂત માનવ અધિકારો અને સ્વતંત્રતા હોય, અને સમાનતા અને ન્યાય હોય એવું રાજ્યનું ધ્યેય છે એમ પણ આ આમુખમાં લખવામાં આવ્યું છે.
બાંગ્લાદેશે 1972માં જ્યારે બંધારણમાં બિન-સાંપ્રદાયિકતા શબ્દ વાપર્યો ત્યારે તે દક્ષિણ એશિયામાં બંધારણમાં એ શબ્દ મૂકનાર પ્રથમ દેશ બન્યો હતો. ભારતમાં એ શબ્દ ૧૯૭૬માં ૪૨મા બંધારણ સુધારાથી ઇન્દિરા ગાંધીએ આમુખમાં દાખલ કરેલો. પછી ૨૦૧૧માં જ બાંગ્લાદેશના બંધારણમાં પંદરમો સુધારો કરવામાં આવ્યો અને રાજ્યનો ધર્મ ઇસ્લામ છે એમ કલમ-૨એમાં કહેવામાં આવ્યું. આમ, બાંગ્લાદેશ ધર્મરાજ્ય બની ગયું. જો કે, એ જ કલમમાં એમ લખવામાં આવ્યું કે હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી અને અન્ય ધર્મોના વ્યવહારમાં સમાન દરજ્જો અને સમાન અધિકારો સુનિશ્ચિત થાય તેની કાળજી રાખશે.
જો કે, બાંગ્લાદેશની સરકાર ઇસ્લામને પ્રાથમિકતા આપશે એ તો આ સુધારાથી નક્કી થઈ ગયું. એક બાજુ બાંગ્લાદેશ આમુખમાં કહેવામાં આવે તેમ બિન-સાંપ્રદાયિકતાને આદર્શ ગણે છે અને બીજી બાજુ તે ધર્મરાજ્ય છે એમ ઘોષિત કરે છે! આ બંને તદ્દન વિરોધાભાસી બાબતો છે. ત્યાંની સરકારનો વ્યવહાર કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાનો રહ્યો છે કે નહિ અને હિન્દુઓ સહિતની લઘુમતીઓને સમાન અધિકારો પ્રાપ્ત થયા છે કે નહિ તે તો એક જુદો જ મુદ્દો છે. પરંતુ ધર્મરાજ્ય અન્ય ધર્મીઓ સાથે ભેદભાવ આચરે જ એમાં કોઈ શંકા નથી. કોઈ ધર્મરાજ્ય ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ કેવી રીતે હોઈ શકે એ સમજાતું જ નથી.
અત્યારે જ્યારે બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી ઊભી થઈ છે ત્યારે જે હિંસા આચરાઈ રહી છે તેમાં હિંદુઓને, તેમનાં ઘરોને અને મંદિરોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે તેવા અહેવાલો વ્યાપકપણે જોવા મળે છે. તે એમ બતાવે છે કે બાંગ્લા મુસ્લિમો ધર્મનિરપેક્ષ નથી. જો કે, આંદોલનકારી મુસ્લિમો જ હિંદુ મંદિરો અને હિંદુઓને રક્ષણ આપી રહ્યાના અહેવાલો પણ છે. હીનતા બધે જ હોય છે એમ શાણપણ ઓછું હોય, અથવા શાણપણભરી રીતે વર્તવાની હિંમત ઓછી હોય, તો પણ તે જગતમાં બધે જ હોય છે એની એ સાબિતી છે.
એક હકીકત એ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓ કે અન્ય લઘુમતીઓ પ્રત્યે જે વ્યવહાર ૧૯૪૭માં બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા થયા પછી કરવામાં આવ્યો તેનાં ઉદાહરણો ભારતમાં આપવામાં આવે છે. એ બંને દેશોમાં ધર્મનિરપેક્ષતાના સંદર્ભમાં જે કંઈ થાય છે તે ભારતના હિંદુ જનમાનસ પર, આપણે ઈચ્છીએ કે ન ઇચ્છીએ, અસર કરે જ છે. એ બંને તો ઇસ્લામી રાજ્યો છે, પણ ભારત ક્યાં હિંદુ રાષ્ટ્ર છે, આપણે તો ધર્મનિરપેક્ષ રાજ્ય છીએ એટલે તેનાં ઉદાહરણો ભારતમાં લેવાય નહિ એવી દલીલ સાચી છે તેમ છતાં તે ઘણી વાર કારગત નીવડતી નથી અને ખરેખરા અર્થમાં ધર્મનિરપેક્ષ હોય તેવા હિંદુઓ પણ મુસ્લિમો આજે નહિ તો કાલે, દાયકાઓ પછી પણ, હિંદુઓને હિંદુ નહિ રહેવા દે, અને શાંતિથી હિંદુ તરીકે જીવવા નહિ દે એવી માન્યતા ધરાવતા થઈ જાય છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓને રંજાડવામાં આવતા હોવાના સમાચારો વારંવાર આવ્યા જ કરતા રહ્યા છે. આ બધું શેખ હસીનાના દોઢ દાયકાના શાસનમાં પણ બન્યું છે અને તે પહેલાં પણ બન્યું છે. શેખ હસીના વડાં પ્રધાન બન્યાં પછી જ ૨૦૧૧માં બાંગ્લાદેશ ધર્મરાજ્ય બને તેવો પંદરમો સુધારો ત્યાંના બંધારણમાં થયેલો એ પણ હકીકત છે.
એ બંધારણની કલમ-૧૨નું શીર્ષક છે : ‘બિન-સાંપ્રદાયિકતા અને ધર્મસ્વાતંત્ર્ય’. તેમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનો અમલ કરવા ચાર મુદ્દા લખવામાં આવ્યા છે :
(૧) તમામ સ્વરૂપના કોમવાદનું નિવારણ.
(૨) કોઈ પણ ધર્મને રાજકીય દરજ્જો રાજ્ય ન આપે.
(૩) રાજકીય હેતુઓ માટે ધર્મનો દુરુપયોગ ન કરવામાં આવે.
(૪) કોઈ પણ ધર્મનું પાલન કરનારી વ્યક્તિઓની સતામણી ન કરવામાં આવે કે તેમની સામે કોઈ ભેદભાવ આચરવામાં ન આવે.
બાંગ્લાદેશમાં જુદા જુદા ધર્મોના લોકો માટે ભારતમાં છે તેમ વ્યક્તિગત કાયદાઓ જુદા જુદા છે પરંતુ ઉપરના ચાર સિદ્ધાંતોનો અમલ કેટલો થયો તે અગત્યનો મુદ્દો છે. શેખ હસીનાની વિદાય પછી બાંગ્લાદેશમાં જેટલી છે તેટલી ધર્મનિરપેક્ષતાનું પણ શું થશે તે મોટો સવાલ છે. તેનું કારણ એ છે કે બેગમ ખાલિદા ઝિયાના પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.) જમાતે ઇસ્લામી સાથે ગાઢ રાજકીય સંબંધ ધરાવે છે અને જમાતે ઇસ્લામી એ ત્યાં માત્ર કોઈ ધાર્મિક સંગઠન નથી પણ એક રાજકીય પક્ષ પણ છે.
ઓગસ્ટ-૨૦૧૩માં ત્યાંની સર્વોચ્ચ અદાલતે તો તેની એક રાજકીય પક્ષ તરીકેની નોંધણી રદ કરી હતી અને તેના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હજુ હમણાં જ પહેલી ઓગસ્ટથી શેખ હસીનાની સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પણ તે હવે સત્તામાં ભાગીદાર થાય કે તેનો રાજકીય ગજ વાગે એવી શક્યતાઓ ભરપૂર માત્રામાં ઊભી થઈ છે.
બાંગ્લાદેશના મુસ્લિમો કેટલા ધર્મનિરપેક્ષ છે? કે પછી તેમને હિન્દુઓનું ધર્માંતરણ કરાવવામાં સક્રિય રસ છે? ૨૦૨૨ની વસ્તી ગણતરી મુજબ બાંગ્લાદેશની વસ્તી ૧૬.૫૨ કરોડ છે અને એમાં હિંદુ વસ્તી ૧.૩૧ કરોડ એટલે કે ૭.૯૫ ટકા છે. ૧૯૭૪માં ત્યાં કુલ વસ્તી ૭.૧૫ કરોડ હતી અને તેમાં હિન્દુઓની વસ્તી ૯૭ લાખ એટલે કે ૧૩.૫ ટકા હતી. આ આંકડા પરથી કેટલાક સવાલો ઊભા થાય છે :
(૧) જો દેશની કુલ વસ્તી 38 વર્ષમાં લગભગ સવા બે ગણી થઈ ગઈ તો હિન્દુઓની વસ્તી એટલી કેમ ના વધી? ટકાવારી પ્રમાણ ઘટ્યું કેમ?
(૨) શું લાખો હિંદુઓ બાંગ્લાદેશની બહાર જતા રહ્યા એટલે તેમની વસ્તીનું ટકાવારી પ્રમણ ઘટી ગયું?
(૩) શું ત્યાંના હિંદુઓએ પોતે જ પોતાની વસ્તી નિયંત્રિત કરી?
(૪) શું મુસ્લિમોએ હિંદુઓનું ધર્માંતરણ કરાવવાના ભાતભાતના રસ્તા અપનાવ્યા કે પછી એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી કે જાનમાલ અને ઈજ્જત બચાવવા માટે હિંદુઓએ પોતે જ ઇસ્લામ ધર્મ અપનાવ્યો?
સ્પષ્ટ છે કે હિંદુઓની વસ્તી આજે બાંગ્લાદેશમાં આશરે ૨.૧૪ કરોડ તો હોય જ, પણ નથી. ઇસ્લામમાં ધર્માંતરણ વાજિબ છે. ઇસ્લામ વિસ્તારવાદી ધર્મ છે. એટલે આજના અખબારી અહેવાલો પ્રમાણે જો બાંગ્લાદેશી હિંદુઓ હવે નવી સરકારથી ડરીને ભારતમાં આવવાની કોશિશ કરે તો રહ્યાસહ્યા હિંદુઓ પણ મુસ્લિમોથી વધુ ડરે છે એમ જ સાબિત થાય.
સવાલ ભારતની ધર્મનિરપેક્ષતાનો પણ છે કારણ કે ભારતમાં ધર્મનિરપેક્ષતાના અમલ સામે હિન્દુત્વનો ઝંડો ઉગામનારા દ્વારા જે સવાલો ઊભા કરવામાં આવે છે તે પાકિસ્તાન અને બાંગ્લાદેશની કહેવાતી ધર્મનિરપેક્ષતા પર પણ આધાર રાખે છે. જો બાંગ્લાદેશમાં રાજ્ય એટલે કે સરકાર ખરેખર ધર્મનિરપેક્ષ રહી હોય તો હિંદુઓની જે હાલત આજે ત્યાં છે તે ન હોત. બીજા ધર્મોના લોકોને મુસ્લિમ અને ખ્રિસ્તી બનાવવાનો ધંધો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંધ કરે તો દક્ષિણ એશિયામાં, ભારતમાં અને દુનિયાભરમાં શાંતિ ઊભી થવાની શક્યતાઓ ખરેખર વધી જાય તેમ છે એમાં લેશમાત્ર શંકા નથી. પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એવી કોઈ પણ ધર્મના લોકોની દૃઢ માન્યતા અશાંતિનું કારણ બને છે.
તા.૦૮-૦૮-૨૦૨૪
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર