આપણે ઘણીવાર એવું સાંભળતા હોઈએ છીએ કે જનતા એટલે કે મતદારો હવે જાગૃત થઈ ચૂક્યા છે, પરંતુ આપણા મત થકી જે સરકારો ચૂંટાઈને આવે છે (અથવા કહો કે આપણે એમને ચૂંટીએ છીએ) અને ચૂંટાયા પછી એ સરકારો જે રીતે કામ કરે છે અને ચૂંટાયા પછી જે રીતે પ્રજાને પીડે છે એ જોતા સહેજે પ્રશ્ન થાય કે શું ‘જાગૃત મતદારો’એ એવી સરકારોને ચૂંટી છે જેને હૈયે પ્રજાનું હિત જરા ય નથી? જો જનતા કે મતદારો પ્રજાહિતને નજરઅંદાજ કરતી સરકારોને ચૂંટીને મોકલતા હોય તો મતદારોની જાગૃતતા પર સવાલ થઈ શકે છે. જો જાગૃત મતદારોએ સરકારને ચૂંટીને મોકલી છે તો ચૂંટણી પહેલા જનતાને પીડતા પ્રશ્નોને ભૂલી જઈ બીજી આડી-અવળી બાબતો પર જૂઠા-લોભામણા વચનો, વાયદાઓ, અને આંબા-આંબલી દેખાડી, ભ્રમિત વિધાનો અને આંકડાની માયાજાળામાં મતદારોને ફસાવી મતદારોના મત અંકે કરી લેતી સરકારો ચૂંટાયા પછી શા માટે પ્રજાના હિતમાં કામ કરતી નથી. પ્રજાનો ઉપયોગ તો ફક્ત મત મેળવવા માટે જ કરવામાં આવી રહ્યો હોય એવા દૃશ્યો ચૂંટણી પછી સામાન્ય બનતા જઈ રહ્યા છે.
તો પ્રશ્ન તો ઠેરનો ઠેર જ છે કે જનતા હજી ખરા અર્થમાં જાગૃત થઈ નથી. જો જાગૃત જનતા દ્વારા સરકારો ચૂંટાઈ આવતી હોય તો પ્રજા સરકારો અને તેમના નેતાઓથી એટલી બધી પરેશાન ના હોત. જનતા કોને ચૂંટે છે માત્ર એટલું જ મહત્ત્વનું નથી ક્યા પક્ષને ચૂંટે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. પણ લાગે છે કે પક્ષીય લોકશાહીની બાબતમાં જનતા હજી જાગૃત નથી. જનતા લોકશાહી અને પક્ષીય લોકશાહી વચ્ચેનો ભેદ સમજતી નથી. રાજકીય પક્ષો શું કરે છે, તેઓ તેમના પક્ષની અંદર લોકશાહીનાં મૂલ્યોને કેટલું માન આપે છે, તેમના ઉદ્દેશો શું છે, તેમની દેખીતી અને ગર્ભિત પ્રવૃત્તિઓ શું છે, કેવા અને ક્યા લોકો તેની અંદર સભ્યો છે, સત્તા મેળવવા પાછળના તેમના દેખીતા અને ગુપ્ત હેતુઓ શું છે, ખરેખર તેઓ કોના હિત માટે કામ કરે છે, તેમના નાણાંકીય સ્રોત શું છે વગેરે જેવી મહત્ત્વપૂર્ણ બાબતોથી જનતા સાવ અજાણ છે અથવા તો ઈરાદાપૂર્વક જનતાને અજાણ રાખવામાં આવતી હોય છે, અન્યથા રાજકીય પક્ષોને અમુક મહત્ત્વપૂર્ણ કાયદાઓ ઈરાદાપૂર્વક લાગુ ન પડવા દેવા માટે કોઈ કારણ હોઈ શકે નહીં.
આવું એટલા માટે કરવામાં આવે છે જેથી કરીને પ્રજા પક્ષીય નેતાઓના જૂઠા વચનો અને વાયદાઓ પર આસાનીથી વિશ્વાસ મૂકી ચૂંટણીમાં એમને મત આપે. ભારતના રાજકીય પક્ષોના બંધારણ, સભ્યો, ઉદ્દેશો અને કામગીરી વિશે કેટલા લોકો જાણે છે એ એક બહુ મોટો પ્રશ્ન છે. મતદારોને ફ્કત ઉમેદવાર વિશે જ નહિ, પરંતુ ઉમેદવાર જે પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે એ પક્ષ વિશે પણ સંપૂર્ણ જાણકારી મેળવવાનો અધિકાર હોવો જોઈએ.
દેખીતી રીતે જાગૃત જણાતી જનતાએ હજી બીજી ઘણી બધી બાબતોમાં જાગૃત થવાનું બાકી છે. સામૂહિક હિતની વાત આવે ત્યારે જનતામાં હજી જોઈએ એટલી જાગૃતિ દેખાતી નથી. પાયાની બાબતો પ્રત્યે મતદારોમાં વ્યાપક જાગરૂકતા અને રાજનીતિક પરિપકવતા હજી પણ ચિંતાનો વિષય છે. મતદારો માત્ર પોતાના વ્યક્તિગત હિતો કે સંકુચિત સ્વાર્થને ધ્યાનમાં રાખીને જ મત આપતા હોય છે જેનો પૂરેપૂરો ફાયદો રાજકીય પક્ષો ઉઠાવતા હોય છે. મત મત આપતી વખતે જનતા આગળ-પાછળનો બહુ વિચાર કરતી નથી. મોટા ભાગે તો ક્ષણિક ઉન્માદમાં આવી જઈ લોભામણા કે જુઠ્ઠા વચનો અને વાયદાઓની ભરમાર તથા ટૂંકા-ગાળાના ક્ષુલ્લક ફાયદાને ધ્યાનમાં રાખી કોઈ એક પક્ષના ઉમેદવારનું બટન દબાવવાનું જનતાનું વલણ રહેતું હોય છે. વળી, સત્તાધીશોની મહેરબાનીથી જનતા પાસે સારી વ્યક્તિને ચૂંટી કાઢવા માટેના વિકલ્પો પણ બહુ મર્યાદિત હોય છે. ચૂંટણીમાં ઊભા રહેતા મોટા ભાગના ઉમેદવારો જ્યારે મેલી મથરાવટી ધરાવતા હોય ત્યારે સ્વાભાવિક રીતે જ ઓછી ખરાબ વ્યક્તિને ચૂંટવા સિવાય જનતા પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જો કે આવી પરિસ્થિતિ ઊભી થવા માટે પણ છેવટે તો જનતા જ જવાબદાર છે. રાજકીય પક્ષો શું કરે છે, તેમના ઉદ્દેશો શું છે, તેમની દેખીતી અને ગર્ભિત પ્રવૃત્તિઓ શું છે, કેવા અને ક્યા લોકો તેના સભ્યો છે, સત્તા મેળવવા પાછળના તેમના ગુપ્ત હેતુઓ શું છે, ખરેખર તેઓ કોના હિત માટે કામ કરે છે વગેરે જેવી બાબતોથી જનતા સહેજે ય જાગૃત નથી.
મતદારોએ હવે એ વિચારવું જોઈએ કે મતો મેળવી લીધા પછી શા માટે આમ જનતાના હિતમાં ન હોય એવા નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવે છે, મત લઈ લીધા પછી શા માટે આમ જનતાના ખિસ્સા ખાલી થાય (અને નેતાઓના ખિસ્સા ભરાય) એવા નીતિ-નિયમો અને કાયદાઓ સરકાર દ્વારા ઘડવામાં આવે છે (કોના લાભ માટે), શા માટે ચૂંટણી પહેલા ભાવમાં નજીવો ઘટાડો અને ચૂંટણી પરિણામો પછી તરત જ ભાવોમાં ધરખમ વધારો થવા લાગે છે (કોના લાભ માટે?), ચૂંટાઈને આવતા નેતાઓના પોતાના વ્યક્તિગત લાભની વાત હોય ત્યારે રાતોરાત બધું પાસ થઈ જાય છે અને પ્રજા-હિતની કે પ્રજાને લાભ આપવાની વાત હોય ત્યારે શા માટે વર્ષોનાં વર્ષો લાગે છે, ચૂંટણી ટાણે આપેલ વચનો કેટલા પાળી બતાવ્યા, આ બધી એવી બાબતો છે જેના વિશે જનતા ક્યારે ય વિચારતી જ નથી, જેનો ભરપૂર ફાયદો ચૂંટાઈને આવતા નેતાઓ લેતા હોય છે. માત્ર નજીવો વ્યક્તિગત ફાયદો લઈને ખોટા ઉમેદવારને મત આપી દેતી જનતા પછીનાં પાંચ વર્ષ બાપડી-બિચારી બની જતી હોય છે અને જાણે-અજાને બીજાઓનું પણ અહિત કરતી હોય છે. નેતાઓ અને રાજકીય પક્ષોના પાપે અને અણઆવડતને લીધે પ્રજાએ શા માટે ભોગવવું જોઈએ એવો વિચાર જનતાને ક્યારે ય આવતો નથી.
મત આપતી વખતે ઉપરમાંથી એકેય બાબતનો જનતા ભાગ્યે જ વિચાર કરતી હોય છે. પરિણામે એવા ઉમેદવારો ચૂંટાઈ આવે છે જેઓ ચૂંટાયા પછી જનતાને નહિ પણ પોતાના પક્ષને વધુ વફાદાર રહેતા હોય છે. યાદ રહે કે આમ જનતા માટે તેમણે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિનું મહત્ત્વ વધારે હોય છે નહિ કે એ પ્રતિનિધિના રાજકીય પક્ષનું. જનતાનો અવાજ તેમણે ચૂંટેલ પ્રતિનિધિ રજૂ કરતો હોય છે, નહિ કે કોઈ રાજકીય પક્ષ. રાજ્યની વિધાનસભાઓમાં જનતાએ ચૂંટીને મોકલેલ જનપ્રતિનિધિઓ જનતાના પ્રશ્નો કેવા અને કેટલા સચોટ રીતે વિધાનસભામાં રજૂ કરે છે તેમ જ એ પ્રશ્નો પ્રત્યે સરકાર કેટલી ગંભીર છે એ જોવાની તસ્દી જનતા ક્યારે ય લેતી નથી. વિધાનસભાની કાર્યવાહી જનતાને જાણવાનો અધિકાર નથી એ રીતે વર્તતા જનપ્રતિનિધિઓને જનતાએ શા માટે વિધાનસભામાં મોકલવા જોઈએ. રાજકીય પક્ષ કે એમાં રહેલા નેતાઓ ગમે તેટલા મહાન હોય તો પણ તેઓ આમ જનતાથી ઉપર નથી એટલી સાદી સમજણ જનતામાં નથી તો પછી એ જનતાને જાગૃત કહેવી કે કેમ એ અંગે વિચારવું રહ્યું.
ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com