અત્યારે હાલત એવી છે કે જે કંઈ થાય છે તે બધું જ સોશિયલ મીડિયા પર જ થાય છે. ભલે બહારથી ગાંધી નિર્વાણ તિથિના કાર્યક્રમો થતા હોય છે અને અંજલિઓ અપાય છે, પણ જો સોશિયલ મીડિયા પર નજર કરાય તો ગાંધી પ્રત્યેનો ધિક્કાર સતત વ્યક્ત થાય છે. અને ગોડસે તરફ સહાનુભૂતિ પણ સતત વ્યક્ત થાય છે. માત્ર ગોડસે નહીં, પણ ગાંધીની હત્યામાં જેમણે પણ ભાગ લીધો હતો તે બધાને મહાન ગણાય છે. છેલ્લાં થોડાં વર્ષોથી ઇતિહાસનું અજબ શીર્ષાસન થઈ રહ્યું છે. જેમણે કામ કર્યું છે તેમને હલકા ચીતરવાનો સિલસિલો થાય છે અને બિનજરૂરી વ્યક્તિત્વોને વ્યર્થ મહત્ત્વ અપાય છે. આ બંને ક્રિયા સમજ્યા વિના થાય છે એ કરુણતા છે. ટીકા કે પ્રશંસા અભ્યાસપૂર્વક થાય તો વ્યક્તિને સમજવામાં મદદરૂપ થાય છે, પણ કેવળ ને કેવળ આવેશ અને ધિક્કારથી થાય તો તે વ્યક્તિને તો કશું નુકસાન નથી થતું. ધિક્કાર પ્રસરાવવાથી ગાંધી કે નહેરુને કોઈ નુકસાન નથી, પણ કરનારને ચોક્કસ થાય છે. તે એક મહાન વ્યક્તિત્વને સમજવાનો લાભ ગુમાવી બેસે છે. વ્યર્થ વ્યક્તિઓને મહત્ત્વ આપવાથી મહત્ત્વ આપનારનું મગજ પણ વ્યર્થ બની જાય છે. ગાંધીજીના સંદર્ભમાં પણ અત્યારે આવું જ થઈ રહ્યું છે.
પણ ધિક્કાર પ્રસરાવનારને ખબર નથી કે એક તો તેના અભિપ્રાયનું કોઈ જ મહત્ત્વ નથી. સોશિયલ મીડિયાના અભિપ્રાયોનું આમ પણ કોઈ મહત્ત્વ હોતું નથી. હા, કેટલાંક કાચાં ભેજાઓમાં ઝેર પ્રસરે છે તે ખોટ છે. બાકી કોઈ જ મહત્ત્વ નથી. અને ધિક્કાર પ્રસરાવનારને એ પણ ખબર નથી કે ગાંધીજી પ્રત્યે વિશ્વમાં દિન પ્રતિદિન આદર વધતો જાય છે. જેમ જેમ હિંસા વધે છે – અને તે તો દરરોજ કૂદકે અને ભૂસકે વધે છે – તેમ તેમ ગાંધી વિચારોનું મહત્ત્વ વધતું જાય છે. વિશ્વની દેવોસ જેવી આંતરરાષ્ટ્રીય મિટિંગોમાં મહત્તમ ચર્ચા ગાંધી વિચારની ઉપયોગિતા વિશે થાય છે. યુનો જેવી સંસ્થાઓ પણ ગાંધી વિશે પુષ્કળ ચર્ચાઓ કરે છે અને તેમના ઉપાયોની વ્યવહારુતાને ચકાસે છે. આ ધિક્કારવાદીઓ ક્યારેક પણ આ બધું વાંચે તો તેમને ખ્યાલ આવે કે તેઓ કેટલો સમય અને શક્તિ બગાડે છે. સોશિયલ મીડિયાને મહત્ત્વ આપનારાઓએ તેને મહત્ત્વ આપવાને બદલે વિશ્વમાં થઈ રહેલ આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. તો તેમનું મગજ વધારે ઝેરી થતાં અટકશે અને ડહાપણનો ઉદય થશે.
યુનો કે દેવોસ જેવી મોટી વાતો છોડી દઈએ. વિશ્વના કહેવાતા નાના લોકોમાં પણ ગાંધીજીનો કેવો પ્રભાવ છે તે જોઈએ. હમણાં પરંધામ આશ્રમ, પવનારથી હિંદીમાં પ્રકાશિત થતા સામયિક ‘મૈત્રી’માં એક આવો દાખલો નોંધાયો છે જે વિશ્વનો ગાંધી પ્રત્યેનો આદર વ્યક્ત કરે છે. એક ડોક્ટરે નોંધેલ જેનો સીધો અનુવાદ અહીં આપેલ છે.
થોડાં વર્ષો પહેલાં અમેરિકામાં જોસેફ ઈર્વીન નામનો એક ટેક્સી ડ્રાઈવર હતો. પત્ની અને બે બાળકો, એ તેનો પરિવાર હતો. તે રોજ પંદર કલાક ટેક્સી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. બંને બાળકો ડૉક્ટર બને તેવાં સ્વપ્ન જોતો હતો. ૧૯૯૫માં અચાનક એક દિવસ તેના હૃદયમાં દુ:ખાવો થયો. તપાસ કરાવી તો બાયપાસ કરાવવાની સલાહ આપવામાં આવી. ખર્ચ કહ્યો, બે લાખ ડોલર. જોસેફની તે તાકાત ન હતી. હવે શું કરવું ?
તેના સદ્દનસીબે એક દિવસ તેની ટેક્સીમાં એક ભારતીય મહિલા બેઠી. નામ શ્રીદેવી સચદેવ. વાતચીતમાં તેને આ તકલીફની ખબર પડી. આ મહિલા પોતે ક્ધઝર્વેટીવ કાર્ડિયોલોજીસ્ટ હતી. એટલે કે કેવળ દવાઓથી હૃદયરોગને કાબૂમાં રાખનાર. તેણે જોસેફને બીજા દિવસે પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. તેની દવા શરૂ કરી. સદ્દનસીબે તે લાગુ પણ પડી ગઈ. જોસેફ સાજો થવા લાગ્યો. આ મહિલા ગાંધી વિચારમાં શ્રદ્ધા રાખતી હતી. જ્યારે પણ જોસેફ સારવાર માટે આવતો, ત્યારે તે તેને ગાંધીજીનું એકાદ પુસ્તક વાંચવા આપતી હતી. આ વાચનથી જોસેફ પર ગાંધી પ્રભાવ વધતો ગયો. પરિણામે દારુ, માંસ, સિગરેટ વગેરે છૂટતાં ગયાં. તે નિયમિત પ્રાર્થના કરવા લાગ્યો. તેનું જીવન હવે સાત્ત્વિક બનવા લાગ્યું. તે ફરી સોળ સત્તર કલાક ટેક્સી ચલાવવા સજ્જ થઈ ગયો. બંને સંતાનોને મેડિકલમાં પણ પ્રવેશ અપાવી શક્યો.
થોડાં વર્ષો પછી એક બીજા ભારતીય ડૉક્ટર કાકડિયા – જેમણે આ નોંધ લખી છે – અમેરિકામાં વોશિંગ્ટન ડી.સી.માં આવ્યા. અકસ્માતે તેમને પણ આ જોસેફની જ ટેક્સી મળી. ભારતીય વ્યક્તિને જોઈ જોસેફે તેમને પૂછ્યું કે તે ભારતના કયા પ્રાંતમાંથી આવ્યા છો ? ડૉક્ટરે જવાબ આપ્યો – “ગુજરાતમાંથી.”
“ઓહ ! ગાંધીના ગુજરાતમાંથી ?” જોસેફ ગળગળો થઈને બોલ્યો, “તમે ગાંધી વિશે કંઈ જાણો છો ?”
ડૉક્ટર પણ ગાંધીપ્રેમી હતા. તે બોલ્યા, “હા, હા, ગાંધીએ તો મારી અને મારા સમગ્ર પરિવારની જિંદગી બચાવી અને બનાવી પણ છે. ગાંધી કોઈ મનુષ્ય નથી. તે તો ફરિશ્તા છે. પયગંબર છે. તે મનુષ્ય નથી, અવતાર છે.” બંનેની દોસ્તી થઈ ગઈ.
ડૉક્ટર છ વર્ષ સુધી અમેરિકામાં રહ્યા. તેમને ક્યાં ય જવું હોય તો જોસેફ ટેક્સી લઈ હાજર થઈ જતો હતો. તેમના છેલ્લા દિવસે પણ તેમને એરપોર્ટ પર મૂકવા જોસેફ જ ગયો. ડૉક્ટરે ભાડારૂપે તેના હાથમાં સો ડોલરની નોટ મૂકી. જોસેફે કહ્યું, “મને આ ડોલરની નોટ નથી જોતી. તમારી પાસે હોય તો મને ગાંધીની છબીવાળી સો રૂપિયાની નોટ આપો. હું તો ક્યારે ય ભારત નહીં આવી શકું. તમે આ ડોલરનો ઉપયોગ મને યાદ કરીને ગાંધીની જન્મભૂમિ પોરબંદર અને સાબરમતીની યાત્રા કરજો.” ડૉક્ટર પણ ગળગળા થઈ ગયા.
ભારતમાં આવી ડૉક્ટરે જોસેફને ગાંધીજીનાં અંગ્રેજી પુસ્તકો, એક ખાદીની સાડી અને ત્રણ વાનરોની પ્રતિકૃતિ મોકલી.
સમય જતાં બંને વચ્ચે સંપર્ક ઓછો થતો ગયો. બાર વર્ષ નીકળી ગયાં.
બાર વર્ષ પછી ડૉક્ટરને ફરી એક વાર અમેરિકા જવાનો પ્રસંગ ઊભો થયો. અમેરિકા પહોંચતાં જ તેમણે જોસેફનો સંપર્ક કર્યો. જોસેફ તો મળવા ન આવ્યો, પણ તેનો પુત્ર માર્થિન ડૉક્ટરને મળવા આવ્યો. તેણે કહ્યું કે જોસેફનું મૃત્યુ થઈ ગયું હતું. પણ તેણે ડૉક્ટરને આગ્રહપૂર્વક પોતાને ઘેર જમવાનું આમંત્રણ આપ્યું. બીજા દિવસે ડૉક્ટર જોસેફના ઘેર ગયા. ઘરમાં ફરતા હતા તો તેમણે એક દૃશ્ય જોયું. જોસેફના પૂજાઘરમાં ઈશુની મૂર્તિ સાથે ગાંધીજીની છબીવાળી સો રૂપિયાની નોટ કાચની ફ્રેમમાં જાળવી રાખી હતી. તેની પાસે ક્રોસ હતું અને સાથે ત્રણ વાનરની પ્રતિકૃતિ રાખી હતી. પછી તેણે જોસેફની અંતિમ વિધિના ફોટાનું આલ્બમ બતાવ્યું તો તેમાં તેના શરીર પર ખાદીની સાડી ઓઢાડી હતી. ડૉક્ટર તો જોઈને ચકિત થઈ ગયા.
તે તેની કબર પર અંજલિ આપવા ગયા તો બીજું આશ્ચર્ય જોયું. જોયું તો કબર પર કૂચ કરતા ગાંધીજીની છબી અને કબરના પથ્થર પર ગાંધીના ચરખાનું ચિત્ર હતું.
વિદેશનો એક સામાન્ય કહેવાતો ટેક્સી ડ્રાઈવર જે સમજી શક્યો હતો તે આપણા ધિક્કાર-પ્રેમીઓ નથી સમજી શકતા. ભારતની કમનસીબી જ એ રહી છે કે તે પોતાના મહાન લોકોને ક્યારે પણ ઓળખી શક્યું નથી. આપણે મહાનોની પૂજા કે ધિક્કાર કરી શકીએ છીએ, પણ તેમને સમજવાનો ક્યારે ય પ્રયાસ નથી કરતા. વેદાંતથી ગાંધી સુધીનો બધાનો સાચો લાભ આ દુષ્ટ કહેવાતા ભૌતિકવાદી પશ્ચિમના લોકોએ લીધો છે અને આજે પણ લે છે.
વિશ્વગુરુઓ કરતાં તો આ ટેક્સી ડ્રાઈવર ચડિયાતો ન ગણી શકાય ?
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑગસ્ટ 2024; પૃ. 09 તેમ જ 15