વહેલી સવારમાં સંગીતનો જલસો હતો.
શ્રોતાગણ પંડિતો અને નાયાબ સુનકારોથી છલોછલ! ઉદ્ઘોષક આવકારના બે શબ્દ બોલ્યા કે તરત જ કાળો ડગલો, સફેદ ચુરીદાર પહેરેલો અત્યંત હેન્ડસમ, ઊંચા કદનો કલાકાર સ્ટેજ ઉપર આવીને બિરાજમાન થાય છે અને ઑડીટોરિયમમાં અચાનક સોપો પડી જાય છે. એવી જબરદસ્ત પ્રતિભા હતી આ મહાન ગવૈયાની. મિત્રો, એ બીજું કોઈ નહીં પણ સૂર-સમ્રાટ ઉસ્તાદ અમીર ખાં સાહેબ હતા. થોડી જ ક્ષણોમાં પહેલો ‘સા’ શ્રોતાખંડમાં રેલાયો. સૂરની લગાવટ એવી મજબૂત હતી કે જાણે સમગ્ર શ્રોતાગણને સમાધિ લાગી ગયી હોય! તમે માનશો નહીં ખાં સાહેબે ‘સા’નું વાતાવરણ લગભગ ૧૦ મિનિટ સુધી જમાવી રાખ્યું! ક્યારે સાંભળ્યું છે કે માત્ર એક સૂર ઉપર ટકીને આવો અદ્દભુત સમા બાંધી શકાય?!! અને પછી ખાં સાહેબ બોલ્યા : ‘અબ મૈં રાગ ભૈરવ પેશ કરુંગા.’ એટલે અમુક સુનકારો અને પંડિતો બોલી ઉઠ્યા :’ખાં સાબ, આપ કે પેહલે સૂર ને હી પૂરા પ્રોગ્રામ મુકમ્મલ કર લિયા હૈ!’ દોસ્તો, આ છે તાકાત એક સાચા સૂરની! એક સીધો સૂર મનુષ્યના હૃદયને પાર કરી જઈ દિવ્ય અનુભૂતિ કરાવી શકે છે જે હજારો તાન, ગમક કે મુરકી નથી કરી શકતા હોતા. હકીકતમાં આ બધાં આભૂષણો સ્વર-વિલાસ માટે છે જે મનોરંજન માટેનું એક મુખ્ય સાધન છે. આત્મ-તૃપ્તિ માટે આ સાધનની જરૂર નથી પડતી. એને માટે તો એક સૂર જ પુરતો છે !
આપણા સંગીતપટ ઉપર બે પ્રકારના ગાયકો-વાદકો હોય છે.
એક મોટો વર્ગ અસહ્ય તરવરાટ, ચંચળતા, મારફાડ તૈયારી અને ‘તોડી નાખું તબલા ને ફોડી નાખું પેટી’ વાળા ખુન્નસ સાથે ગાયન-વાદન કરનારાઓનો. ગુલાટી, કૂદકા, છલાંગો, લોંગ જંપ, હાઈ જંપ (જેમાં કોઈને જંપ ના હોય!), આડા, ઊભા, ત્રાંસા એમ દરેક પ્રકારના ખેલ ગૌરવભેર પેશ કરે! સ્ટેજ ઉપર લગભગ જિમ્નાસ્ટીક્સનો એક્રોબેટીક શો ચાલતો હોય એવી ફીલિંગ આવે અને આજુબાજુ બેઠેલા એના પ્રશંસકો અંદર અંદરજ દાદ ઉઘરાવી ઉઘરાવીને સ્ટેજ ઉપર ઠાલવતા નજરે પડે અને સુજ્ઞ શ્રોતાનો તો હસવાનો પાર નહીં! આમાં ગાયકનો કંઠ અને દિમાગનું સહિયારું ગણિત કામ કરે છે. હૃદયનું આમાં કોઈ કામ નથી. કહેવાનો મતલબ એ છે કે આવું ગાયન ગાયન મટીને એક આત્મા-વિહીન કસરત બની જાય છે. શાસ્ત્રીય-સંગીતની સ્વર-પ્રધાન પ્રણાલીમાં તો ઠીક પણ ભૂલે ચૂકે જો આવા કલાકારો સુગમ-સંગીત કે કોઈ પણ શબ્દ-પ્રધાન સંગીત રજૂ કરે તો આ બધી જગ્યાઓ અને હરકતોમાં બિચારા શબ્દની ચટણી થઇ જાય! શ્રોતા સુધી પહોંચે એ પહેલાં જ શબ્દ અસંખ્ય ટુકડાઓમાં તીતરભીતર થઇ સ્ટેજની શેતરંજી નીચે ક્યાંક ખૂણામાં પડ્યો હોય ..!! આમ હસવું આવે એવી વાત છે પણ મિત્રો, આ સમસ્યા અતિ ગંભીર છે. સૂર-પ્રધાન અને શબ્દ-પ્રધાન સંગીત વચ્ચેનો ભેદ જાણવો જ રહ્યો.
બીજી બાજુ ચૈનથી સૂર પકડી, એના ઉપર વ્યવસ્થિત ઠેરાવ કરી ગાનારાઓની સંખ્યા જૂજ છે અને અંતે એઓ એક સાચા શ્રોતાને ઊંડે સુધી અડકી શકે છે. પહેલો ‘સા’ લાગે ત્યારથી જ એક અદ્દભુત સમા બંધાય, વાતાવરણમાં એક અજીબોગરીબ કશિશ અને મુસલ્સલ સુકૂનનો માહોલ સર્જાય.
‘એક સીધા સૂર, હઝાર તાન મજબૂર‘ એવું વાક્ય સૂઝે છે. આ સૂરની વાતને લઈ બડે ગુલામ અલી ખાં સાહેબ જેવા આબાદ ફનકારને લતા મંગેશકરનાં વખાણ કરવા માટે ફરજ પડી હતી : ‘કમબખ્ત કભી ભી બેસૂરી નહીં હોતી!’
સૂરને હાસેલ કરવા કંઈ કેટલાં ય જન્મો લેવા પડે છે! સૂરનું સગપણ એ ગળથૂથીમાં હોય તો સધાય છે. સૂર એક એવો આશીર્વાદ છે જે જૂજ હસ્તીઓને જ પ્રાપ્ત થાય છે. જેને સૂર સિદ્ધ થાય એનો તો જન્મારો સફળ! પ્રસિદ્ધિ અને શાનો-શૌકત એને ત્યાં આજીવન નોકરી કરશે!
આ તો સંગીતના ‘સા’ની વાત થઇ. તમારા જીવનનો ‘સા’ કદી શોધવાનો પ્રયત્ન કર્યો છે? મળ્યો છે કોઈ સાચો મુકામ?
જો મળે તો પકડી રાખજો, મારા ભાઈ,
કેમ કે ….. ‘સબસે મહેંગી સૂર–સગાઇ !
તિરકીટ ધા:
કાર્યક્રમમાં એક ગાયક ખૂબ જોરદાર ગાતા હતા. દરેક ગીત પછી ત્રીજી હરોળમાં બેઠેલા એક શ્રોતા માથું ધુણાવે અને સાથે પોતાનો અંગૂઠો હલાવે. ગાયક વિમાસણમાં. મારું ગાયન પસંદ નથી આવતું કે શું?! આ બાજુ દરેક ગીત પછી ઓડિયન્સ તાલીઓનો વરસાદ વરસાવે! દુવિધામાં કાર્યક્રમ પૂરો કર્યો અને છેવટે ગાયકે પેલા શ્રોતા મિત્રને પૂછ્યું : સાહેબ, આ અંગૂઠો બતાવવાનું રહસ્ય શું છે? કાર્યક્રમ પસંદ ના આવ્યો? શ્રોતા : ‘અરે હોતું હશે, સાહેબ? અંગૂઠો હલાવીને હું એવું કહેવા માગતો હતો કે તમારા જેવું અદ્દભુત કોઈ ગાઈ જ ન શકે!’
e.mail : soli.kapadia@gmail.com