દિલ્હીથી બહાર પડતું “ઇકૉનૉમિક ઍન્ડ પોલિટિકલ વિકલી” (ઈ.પી.ડબલ્યુ.) સામયિક ભારતનું એક બહુ જ પ્રતિષ્ઠિત સંશોધનપત્ર અને વિચારપત્ર છે. ઑગસ્ટ મહિનામાં પચાસ વર્ષ પૂરાં કરનાર ઈ.પી.ડબલ્યુ. બહુ અઘરું હોય છે. લગભગ દરેક શબ્દ અભ્યાસની મુદ્રા ધરાવતો હોય તેવા, અત્યંત શાસ્ત્રીય લેખનપદ્ધતિએ લખાયેલ, તદ્દન નીરસ રીતે ઝીણાં બીબાંમાં છપાયેલા લેખોના દર અઠવાડિયે છપાતાં સરેરાશ પંચોતેર પાનાં આખા વાંચી જનાર વીરલીઓ (?) કે વીરલા ઓછાં હશે. (ઈ.પી.ડબલ્યુ.ના તંત્રીલેખોમાં વાક્યોમાં કર્તા ગૃહિત હોય ત્યારે તે મહિલા છે, એમ ધારીને સર્વનામ લખવાની પ્રણાલી છે. જેમ કે ‘ધ સ્ટુડન્ટ માઇટ ફાઇન્ડ ઇટ ડિફિકલ ટુ સેટલ ઇન દિલ્હી. શી વિલ હૅવ ટુ ફેઇસ સેવરલ પ્રૉબ્લેમ્સ’). તેનો ઝુકાવ સ્પષ્ટ રીતે ડાબેરી છે, પણ પક્ષીય નથી. એના વિષયનો વ્યાપ અમર્યાદિત છે, પણ રજૂઆતમાં રંજકતાનો છાંટો પણ નથી. મર્ત્ય વાચકોને સમજાય તેવાં લખાણોનાં ત્રણેક પાનાં પોસ્ટસ્ક્રિપ્ટ નામે મોટે ભાગે એકાંતરે અંકે છપાય છે. ઇ.પી.ડબલ્યુ.માં ચર્ચાપત્ર છપાય એ પણ અઘરું હોય છે, અને એ નિસબતપૂર્વકની વિદ્વત્તાની નિશાની ગણાય છે. ઇ.પી.ડબલ્યુ.માં ચર્ચાપત્ર કે પ્રતિભાવલેખ છપાવવો અઘરો હોય છે, એટલે એમાં ભૂલ જડે તો વધુ આનંદ થાય છે,જે વિરલ ઘટના છે !
પણ આ સામયિકનાં પાનાં ફેરવતાં હોઈએ, તેટલો સમય આપણે પ્રસ્તુત, પ્રગતિશીલ અને પ્રબુદ્ધ માનવતાવાદી વિચારોના વિશ્વમાં વિહરતા હોઈએ એવું ભાસે છે. ઇ.પી.ડબલ્યુ. લોકોની જ વાત કરે છે. તેમાં ‘લોક’ કહેતાં જાહેર બાબતો (પબ્લિક અફેઅર્સ) જ કેન્દ્રમાં હોય છે, પણ એમ છતાં એને લોકપ્રિયતા મળે એવું એનામાં કશું જ નથી. હાંસિયાબહારના સમાજને લગતી સામગ્રી એ તેનો વિશેષ છે, પણ તેના અંકોમાં સામાજિકતા જેવું કંઈ શોધ્યું પણ જડતું નથી.
આ લખનારાને આ બધું કોઈ અંકનો દસમો ભાગે ય પૂરો વાંચ્યા વિના જડ્યું છે. એકવીસમી જુલાઈએ ઉમાશંકર જોશીની જન્મજયંતી છે. વિષયવ્યાપની રીતે ‘સંસ્કૃિત’ અને ઈ.પી.ડબલ્યુ.માં મને સામ્ય લાગતું રહ્યું છે.
એપ્રિલ મહિનાથી ઈ.પી.ડબલ્યુ.ના તંત્રી બદલાયા. પૂર્વસંપાદકના છેલ્લા પત્રનો અનુવાદ ‘નિરીક્ષક’ના યુવા વાચક આનંદ આશરા(રાજકોટ)એ કર્યો છે, જ્યારે નવા સંપાદકના પહેલા પત્રનો અનુવાદ આ નોંધ લખનારે કર્યો છે.
— સંજય શ્રીપાદ ભાવે
•••••
તંત્રીનો પત્ર / સી. રામમનોહર રેડ્ડી
મેં મારા નામોલ્લેખ સાથેનો છેલ્લો લેખ, તંત્રી તરીકેના મારા પહેલા અંક(૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૪)માં લખ્યો હતો. તે જોતાં EPWના તંત્રી તરીકેના મારા છેલ્લા અંકમાં નામોલ્લેખ સાથેનો એક લેખ લખું તે ઠીક રહેશે.
આ સમયગાળાનાં – ૧૨ જેટલાં – વર્ષો EPWનાં કોઈ પણ વર્ષો જેવાં જ રસપ્રદ અને તોફાની રહ્યાં છે. સપ્ટેમ્બર ૨૦૦૪ના વિશ્વ કરતાં ૨૦૧૬ની દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. તે સમયે યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સે હજુ થોડા મહિના પહેલાં જ સરકાર બનાવી હતી. અમેરિકામાં જ્યૉર્જ બુશ સત્તાનશીન હતા, ફેસબુક હજુ ભાખોડિયાં ભરતું હતું, ટિ્વટરના આગમનને હજુ વાર હતી, અને ચીને પોતાનો નોખો ચોકો રચવાની શરૂઆત જ કરી હતી.
EPWનાં આ બાર વર્ષોની કામગીરીમાં બદલાતી પરિસ્થિતિઓ વિશે લખવું, વિશ્લેષણ કરવું અને ચર્ચા કરવા ઉપરાંત, ઐકમત્યના ઘેરાતા માહોલમાં સ્વતંત્ર વિચારોના વાચાકાર બનવાનો પણ સમાવેશ થાય છે.
EPWએ એકસાથે અનેક મોરચા ખોલ્યા છે : સંશોધન જર્નલ, વર્તમાનના બનાવો વિશે છણાવટ કરવી, જાહેરનીતિની ચર્ચા માટે આગેવાની લેવી, વંચિતોના અવાજ માટે જગ્યા બનાવવી, યુવાપ્રતિભાને ઊભરવા માટે સ્ટેજ પૂરું પાડવું, સમાજવિજ્ઞાનની વિવિધ શાખાના તજ્જ્ઞોને એકબીજાના પરિચયમાં લાવવા …
સ્વતંત્ર વિચારોનો અવાજ
મારા મતે, EPWનું સૌથી પહેલું અને સૌથી પ્રાથમિક કામ તો મૌલિક વિચારોને અભિવ્યક્ત કરવાનું છે. સ્વતંત્ર વિચારોને વાચા આપનાર EPW એકમાત્ર (માધ્યમ) નથી, પણ તે જે રીતે (વિચારોને) રજૂ કરે છે, એ આ જર્નલને ભારતના મુખ્ય પ્રવાહનાં સમાચાર-માધ્યમોથી અલગ પાડે છે. તેણે ક્યારે ય સત્તાને સાચું કહેવામાં ખચકાટ અનુભવ્યો નથી, અને અમેરિકન નાટ્યકારના શબ્દોમાં કહીએ તો જર્નલે ક્યારે ય પોતાની માન્યતાને બદલાતી ફૅશનને અનુરૂપ ઢાળવાની કોશિશ કરી નથી.
૧૯૬૬થી શરૂ થયેલી EPWની પરંપરાને આગળ વધારતા અને મારા પ્રસિદ્ધ ભૂતપૂર્વ તંત્રીઓ સચિન ચૌધરી અને ક્રિષ્ન રાજના નકશેકદમ પર ચાલી, સત્તા સામે વજૂદપૂર્ણ દલીલ કરનારને જર્નલનાં પાનાઓમાં જગ્યા મળે તે માટે અમે મથીએ છીએ. EPWએ હંમેશાં પ્રસ્થાપિત સત્તા, પરંપરાગત માન્યતા અને રૂઢિગત વિચારો સામે પ્રશ્નો ઉઠાવનાર નવા વિચારોને આવકાર્યા છે. દેશ અને દુનિયાના હાલના વાતાવરણ કે જેમાં પ્રશ્નો પૂછવાના અધિકારને જ ઘોંટવામાં આવી રહ્યો છે અથવા જ્યાં વિચારો ફક્ત ૧૪૦ અક્ષરોમાં ‘ટિ્વટેડ’ કરાય છે, ત્યારે EPWની સક્રિયતા પહેલાં કરતાં અનેક ગણી વધારે મહત્ત્વની બની જાય છે અને તે ટકાવી રાખવા વધારે તાકાત લગાડવાની જરૂર છે.
આ સપ્તાહ(અંક)ના બે તંત્રીલેખો, (જેવા કે) બસ્તરમાં સરકારપ્રેરિત જાગૃતકારોની વાપસી અને ન્યુિક્લયર ઍનર્જી સંસ્થાઓની (જોખમી) ગોપનીયતા, EPWના અભિગમને સચોટ રીતે રજૂ કરે છે. આ ઉપરાંત આર.એસ.એસ.ના ‘ફૂલપેન્ટ’ અપનાવવાના નિર્ણયની ટીખળી (વાળો એક લેખ) પણ કરી છે.
EPWનું અનોખાપણું
વાચકો અને લેખકોને પ્રચુરમાત્રામાં વૈવિધ્યસભર (વાચન) આપવામાં EPWનું અનોખાપણું રહેલું છે, અને વધુ મજા તો, આ અપેક્ષાને કંઈક અંશે સંતોષે તે પણ છે. સમાજવિજ્ઞાનને લગતું આટલી ઉચ્ચ કક્ષાનું જર્નલ દુનિયામાં ક્યાં ય નથી, આ અહેસાસ તમે EPW સાથે જોડાયેલ ન હોય તો થતો નથી. અડધી સદીથી, મર્યાદિત નાણા ભંડોળ અને ટૂંકા પણ સમર્પિત વ્યક્તિઓના સ્ટાફ દ્વારા ખૂબ ઊંચી કક્ષાનું જર્નલ અવિરત પ્રકાશિત થઈ રહ્યું છે.
અમે, વાતચીતમાં ‘વૈશ્વિક સ્તરની સંસ્થા’ જેવા અતિ ચવાઈ ગયેલા શબ્દો વાપરીએ છીએ, જો કે (અમારું) એકમાત્ર લક્ષ્ય અવ્વલ બનવાનું ક્યારે ય રહ્યું નથી.
દાયકાઓથી સાતત્ય સાથે પરિવર્તિત થવું એ EPWની ઓળખ રહી છે અને ૨૦૦૪ પછી પણ અમે તે જાળવી શક્યા છીએ. ૧૯૮૦માં શરૂ કરેલી પ્રક્રિયા ચાલુ રાખતા, (હવે) EPW ફક્ત ‘ઇકૉનૉમિ’ અને ‘પોલિટિકલ’ સુધી સીમિત નથી રહ્યું. સંશોધન વિભાગમાં સમાજ વિજ્ઞાનના મોટા ભાગના વિષયો આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત, ક્યારેક વિષયફલક ફિઝિકલ વિજ્ઞાન સુધી વિસ્તરી જાય છે. વિવરણ વિભાગ પહેલાં કરતાં વધારે (topical) -અને લગભગ એમ કહી શકાય કે જે લેખની દલીલમાં વજૂદ હોય અને સક્ષમ મુદ્દાવાળો હોય તેવા કોઈ પણ (વિષયનો) લેખ પ્રકાશિત કરીએ છીએ.
દા. ત. આ અઠવાડિયાના (અંકમાં) સંશોધન વિભાગમાં (i) ખેડૂતોની આત્મહત્યા, (ii) ગેમ થિયરી, (iii) ભારતનાં ભુલાયેલ નામાંકિત અર્થશાસ્ત્રી, (iv) ભારતમાં નારીવાદી ચળવળો, (v) ભારતમાં આરોગ્યનો પ્રવાહ … અને આ ઉપરાંત ભગવાનનું અસ્તિત્વ (વિશેનો પણ એક લેખ છે.) વિવરણ વિભાગમાં (i) બચત અને કરનીતિ (ii) સંસદમાં મુકાયેલ આરોગ્યવિષયક રિપોર્ટનું વિસ્તૃત મૂલ્યાંકન, (iii) અસંગઠિત ક્ષેત્ર વિશે સરકારનાં આંકડાકીય તારણોનો અભ્યાસ, (iv) તાજેતરના સમયમાં વ્યાવસાયિક સરોગેશીના કાયદામાં થયેલા ફેરફારોનું વિવેચન.
અમે, નાના અથવા મોટા પ્રમાણમાં, પણ પહેલાં કરતાં વધારે સ્પેિશયલ ઇશ્યૂઝ, પ્રકાશિત કર્યાં છે; (નોટ વિભાગને) સંશોધનનાં પ્રાથમિક મુસદ્દા માટે ફાળવવો અને અંગત રીતે મારો મનગમતો વિભાગ – પોસ્ટસ્ક્રિપ્ટ, જે ૨૦૧૩થી દર પખવાડિયે પ્રકાશિત થાય છે. વાચક-લેખક તરીકે કહું તો, જર્નલના તોસ્તાન સંશોધન-લેખો પછી, આ લેખો વાંચી હળવાશ અનુભવાય છે.
ડિજિટલ EPW
વિસ્તરણની રીતે જોઈએ તો ડિજિટલ વિભાગમાં મોટા પ્રમાણમાં ફેરફારો થયા છે. મારા (આગમનના) ખાસા સમય પહેલાં, ૧૯૯૮માં EPW ઇન્ટરનેટયુગમાં પ્રવેશી ચૂક્યું હતું. ૨૦૦૬ પછીથી વેબસાઇટમાં સતત ફેરફારો થતા રહ્યા છે અને તેનો વિકાસ અતિ ઝડપે થયો છે. એક દાયકા પહેલાં દર અઠવાડિયે ૨૦૦૦થી પણ વાચકો ડિજિટલ EPWની વેબસાઇટ જોતાં, અત્યારે આ આંકડો ૨૨,૦૦૦ કરતાં વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. આવનારાં વર્ષોમાં એવું બની શકે કે સંશોધન પહેલાં, ડિજિટલ આવૃત્તિમાં પ્રકાશિત કરવામાં આવે. એવું પણ બની શકે કે સંશોધનને વિવિધ સ્વરૂપોમાં (એટલે કે લેખિત, ઑડિયો, વીડિઓ; સમયાંતરે અપડેટ થઈ તેવા; અન્ય – સંશોધન કે લેખો સાથે – લીંક થઈ શકે તે રીતે) પ્રકાશિત કરવામાં આવતા હોય.
ડિજિટલ EPWને – ડેસ્કટૉપ, ટૅબ્લેટ કે મોબાઇલ – જેવા જે પણ સ્વરૂપે મૂકવામાં આવ્યું, વાચકોએ હંમેશાં તેને વધાવ્યું છે. (ડિજિટલ EPWનો ૩૦% કરતાં વધારે ટ્રાફિક હાથવગા સાધન – મોબાઇલનો હોય છે.) EPW પાંચ વર્ષ કરતાં વધારે સમયથી ફેસબુક પર છે, વાચકોની સંખ્યામાં યુવાઓની સંખ્યા મોટી છે અને ત્યાં થતી ચર્ચા પણ પ્રિન્ટ ઍડિશન કરતાં ખૂબ જ અલગ પ્રકારની હોય છે. તેનાં બે વર્ષ પછી EPWએ ટિ્વટર પર ટહુકા કરવાનું શરૂ કર્યું હતું, ત્યાં પણ પ્રતિભાવોનું સ્વરૂપ અલગ પ્રકારનું જ હોય છે.
૨૦૨૬માં EPW આજ કરતાં કોઈ અલગ જ સ્વરૂપે જ ચલણમાં હશે. પણ અતિ ઉત્સાહમાં આવી જઈ આપણે ઇન્ટરનેટની અસર હેઠળ ઊભા થનારા પડકારો(મુશ્કેલીઓ)ને અવગણવા ન જોઈએ. ૨૦૦૪માં હું, ૨૦૧૪માં પ્રિન્ટ ઍડિશન હશે કે નહીં તેની (ખોટી) ચિંતા કરતો હતો. દર વર્ષે પ્રિન્ટ ઍડિશનનું વેચાણ વધી રહ્યું છે (ભલે નાના પ્રમાણમાં પણ આજના સમયમાં કોઈ પણ સામયિક/જર્નલ માટે આ અપવાદરૂપ છે) અને, અગાઉ કરતાં અત્યારે સૌથી મોટી સંખ્યામાં લોકો પ્રિન્ટ ઍડિશન વાંચે છે. હા, ડિજિટલ EPWની વાચકોની સંખ્યામાં થયેલો વધારો અને તેની ઝડપનો દર અકલ્પનીય છે, આમ છતાં પ્રિન્ટ ઍડિશને ટક્કર આપવાનું ચાલુ રાખ્યું છે.
EPW પરિવાર (કૉમ્યુિનટી)
કોઈ પણ પ્રકારના વ્યાવસાયિક ટેકા વગરનું પ્રકાશન, કામના પ્રમાણમાં ટૂંકો સ્ટાફ અને એ પણ માર્કેટ કરતાં ઓછા પગારવાળો અને આર્થિક સ્થિતિ એવી કે સતત સતર્ક રહેવું પડે. આમ છતાં અમે આ કઈ રીતે કરી શક્યા? મારું મન એમ કહે છે કે જેનો છેલ્લા થોડા સમયથી હું ઉલ્લેખ કરું છું, તેવા EPW પરિવારનું આ સહિયારું સાહસ છે. આ પરિવારની ઓળખ પણ EPWની જેમ વર્ષો પછી, નહીં દાયકાઓ પછી, વિકસી છે અને દરેક વ્યક્તિ માને છે કે આ એક એવું જર્નલ છે, જે કોઈ ગ્રૂપ કે કૉમર્શિયલ હેતુ વિનાનું, બધાનું છે. આ ખરેખર આપણું જર્નલ છે અને અમને એ ‘પોતાનું’ હોવા બદલ ગર્વ છે.
જર્નલના સાર્વભૌમત્વને ટકાવી રાખવાની જિદ કેટલાંક જોખમો પણ ઊભાં કરે છે. એક દાયકા કરતાં વધારે સમય સુધી આર્થિક સ્થિરતા વિશે વિચાર્યા પછી, હું એવા નતીજા પર આવ્યો છું કે EPWએ પણ મુખ્ય ધારાનાં ન હોય તેવાં પ્રકાશનોની જેમ હંમેશાં ખાંડાની ધાર પર જ ચાલવાનું છે. EPWની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી છે, છતાં મર્યાદિત લવાજમ અને જાહેરખબર વડે ગાડું ગબડાવાનું હોય. જો આ સ્રોતોમાં અચાનક ફેરફાર થાય, તો જર્નલ નાજુક સ્થિતિમાં સરી પડે તેમ છે. આ કારણે જ અમે અમારા અમૂલ્ય ખજાના જેવા જર્નલની આર્કાઇવ્ઝને ચુકવણીની દીવાલની ઓથે રાખ્યો છે, જે EPWનાં મૂલ્યો સાથે સુસંગત નથી. (અમે હજી પણ લેટેસ્ટ ચાર અંકના બધા લેખો દરેકને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવીએ છીએ.)
અમે છેલ્લાં ૧૨ વર્ષોમાં અમારું ભંડોળ સારા એવા પ્રમાણમાં વધાર્યું છે, છતાં જરૂરિયાતના પ્રમાણમાં તે ખૂબ અપૂરતું છે. નિઃસ્વાર્થ દાતાઓના એક નાના સમૂહ તરફથી મળતું દાન અમને ખૂબ મદદરૂપ થાય છે, પણ તે ખૂબ ઓછું અને જરૂરિયાતને પહોંચી વળવા સક્ષમ નથી. આવી પરિસ્થિતિમાં પણ ૫૦ વર્ષો દરમિયાન જો અમે ટકી રહેવાં ઉપરાંત આગળ પણ વધ્યા હોય તો તેનો મતલબ એ કે જર્નલની લાક્ષણિકતામાં જ ખંતીલાપણું અને જોરદાર ધૈર્ય છે. મારા મતે આ EPW પરિવારની દેણ છે.
EPWના ઘણા સભ્યો અમારી સામેના પડકારો વિશે બહુ ઓછું જાણે છે. EPWને દર વર્ષે ૪,૦૦૦ લેખો અથવા તો દર અઠવાડિયે અપ્લાઇડ મૅથમેટિક્સથી લઈ સાહિત્યિક સિદ્ધાંત (થિયરી) જેવા વિષય વૈવિધ્યવાળા ૮૦ જેટલા લેખો મળે છે. અમે પ્રક્રિયાને કાર્યક્ષમ કરી છે અને નિર્ણયો પહેલાં કરતાં વધારે સરળતાથી લેવામાં આવે છે. આમ છતાં હજુ પણ સાત કે આઠ વ્યકિતઓના બનેલા ફુલટાઇમ તંત્રીમંડળ માટે દર સપ્તાહે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યા વગર આ ગંજાવર કામ કરવું અશક્ય છે. તેથી જ પ્રાસંગિક લેખો વિશે નિર્ણય લેવામાં મોડું થાય છે અને અમને દર અઠવાડિયે મળતા ૮૦ લેખોમાંથી અમે ફક્ત ૧૨-૧૫ લેખો જ પ્રકાશિત કરી શકીએ છીએ – એટલે કે અમને મળતા લેખોના ૧૫થી ૨૦% કરતાં વધારે નહીં. તેથી જ EPW દરેકને પાંચથી વધારે લેખો સબ્મિશન કરવાની ના પાડવી પડે છે.
લોકશાહી સંગઠન
EPW વિશે હજુ પણ એવી ઘણી માહિતી છે, જે બધા જાણતા નથી. હા, એ સાચું કે EPW એ દરેક વ્યક્તિના મતનું સરખું વજન ધરાવતું સામૂહિક સંગઠન નથી, છતાં આ એક લોકશાહી ઢબે ચાલતું સંગઠન છે. આ એક માળખાકીય (સોપાનિક) તંત્ર છે, જ્યાં મહેનતાણામાં અસમાનતા હોવાથી, અમે દરેકના પગાર ધોરણમાં ઓછામાં ઓછો તફાવત રહે તેની કાળજી લઈએ છીએ. આમ છતાં પણ EPWએ ૫૦ વર્ષથી રૂઢ કરેલી પરંપરા પ્રમાણે તેને જાહેર (ઑપન), લોકતાંત્રિક, બિનમાળખાગત અને અનૌપચારિક સ્વરૂપનું જ રાખ્યું છે. આ અવિરત પરંપરાના કારણે જ તંત્રી અને બિન તંત્રી વિભાગના મારા સહકર્મીઓ, દર અઠવાડિયે સાથે મળી ઉચ્ચ કક્ષાનું જર્નલ પ્રકાશિત કરવા સક્ષમ છે. EPWનો લોકશાહી મિજાજ જ (દરેક કર્મચારીમાં) પોતીકાપણાની લાગણી અને ગૌરવને વધારે છે.
અહીં મારે એ સ્વીકારવું જ પડે કે મારા સહકર્મીઓની સામૂહિક પ્રતિબદ્ધતા વગર અમે નિયમિત અને આ કક્ષાના EPWને પ્રકાશિત કરી શક્યા ન હોત. આ તકે હું બધાનો ‘આભાર’ માનું છું.
હોદ્દો છોડતાં
દરેકે એક સમયે તો સંસ્થાને અલવિદા કહેવું જ પડે છે અને સંસ્થાના હિતના સંજોગોમાં, કોઈએ ‘વયનિવૃત્તિ’ પહેલાં પણ વિદાય લેવી પડે છે. તાજગી માટે આધુનિક દ્રષ્ટિકોણથી સજ્જ નવા ચહેરા અને નવું લોહી જરૂરી છે. હોદ્દો છોડતી વખતે મેં મારું કામ કર્યું તેનો મને સંતોષ છે. હું ઘણા વાચકો અને લેખકોનો જેઓએ છેલ્લા મહિનાઓમાં મારા પ્રત્યે દર્શાવેલી લાગણી બદલ તેમનો આભારી છું.
EPWના ૫૦ વર્ષોમાં ફક્ત ચારમાંના એક આવા, મોભી બનવું તે ખરેખર ગર્વની વાત છે. આ આકરી મહેનત માગી લેતું અને પ્રચંડ પડકારોવાળું કામ છે, (તેમ) છતાં તે કામ કરનારને અત્યંત સંતોષ પણ આપે છે. હું દુનિયાની કોઈ પણ કીમતી વસ્તુ સાથે આની અદલાબદલી કરી જ ન શકું. હું આ પ્રસંગે સમીક્ષાના ટ્રસ્ટના ટ્રસ્ટીબોર્ડ અને તેના અધ્યક્ષ પ્રજ્ઞ અને ઉમદા સ્વ. ડૉ. કે. એસ. ક્રિષ્નાસ્વામી, કે જેમણે સપ્ટેમ્બર-૨૦૦૪માં મને તંત્રી બનવા આમંત્રણ આપ્યું હતું, તેનો આભાર માનું છું.
વર્તમાન ટ્રસ્ટી બોર્ડના મોટા ભાગના ટ્રસ્ટીઓ સાથે, EPWના મારા કાર્યકાળના છેલ્લા છ મહિના દરમિયાન મારે તીવ્ર અને આકરાં મતાંતર રહ્યાં છે, તે કોઈથી છૂપું નથી. પણ આ પહેલાં અમે સારી રીતે કામ કર્યું હતું. તાજેતરની ઘટના મારાં ૧૨ વર્ષના કાર્યકાળની એક દુઃખદ ક્ષણ માત્ર હતી, જે મારા વર્ષોનાં અનુભવ ઉપર સહેજ પણ અસર નહીં કરે.
EPWને સુરક્ષિત રાખવા, આગળ વધવા તથા મજબૂત બનાવવા, હું પરંજોય ગુહા ઠાકુરતાના સક્ષમ હાથો, મારા સહકર્મીઓ અને એટલા જ મહત્ત્વનાં એવા તમારા હાથોમાં સોપું છું.
આ વર્ષની શરૂઆતમાં એક વાચક-લેખકે મને લખ્યું હતું કે હું ‘મિતભાષી, ક્વચિત્ દેખાતો અને સંભળાતો માણસ; EPWનો તંત્રી કેવી રીતે હોઈ શકું’? હું આ અભિપ્રાયને માથે ચઢાવું છે, કારણ કે EPWના તંત્રી તરીકેની જવાબદારી જે રીતે નિભાવવા પ્રયત્ન કરતો હતો, તે તેમાં સચોટ રીતે વ્યક્ત થાય છે. પણ હું આ લાંબો ‘તંત્રીનો પત્ર’ લેખ મારા તંત્રી તરીકેના છેલ્લા અંકમાં લખવા ઇચ્છતો હતો.
૨ એપ્રિલ ૨૦૧૬
અનુવાદ : આનંદ આશરા
e.mail : anand.ashara@gmail.com
•••
(નવા) તંત્રીનો પત્ર / પરનજૉય ગુહા ઠાકુરતા
ડૉ.સી. રામમનોહર રેડ્ડી જે સ્થાને બારેક વર્ષ હતા, તે સ્થાને પ્રવેશવું એ એક ડરાવી દેનારો, છતાં સન્માન અને પડકારજનક વિશેષાધિકાર છે. હવે હું જે પરિવારનો હિસ્સો બનવાનો છું તેના આટલા બધા લોકોનો હૂંફાળો આવકાર મેળવવામાં ખૂબ સંતોષ અને આનંદ અનુભવું છું.
આ સાથે એવી અપેક્ષાઓ પણ જન્મી છે કે જે પૂરી કરવાનું સહેલું નથી. “ઇકૉનૉમિક ઍન્ડ પૉલિટિકલ વિકલી” અને તેનું સંકેતસ્થળ (વેબસાઇટ) સમાચાર સામયિકોના મહત્ત્વના હિસ્સા સમાં વૃત્તાંતો, વિશ્લેષણો અને સમકાલીન બનાવો પરની ટિપ્પણીઓનો સમાવેશ કરનાર જર્નલ્સ અર્થાત્ વિદ્વત્તાપૂર્ણ અભ્યાસ કે સંશોધન-સામયિકો કરતાં કંઈક વિશેષ છે. ટેલિવિઝન અને ઇન્ટરનેટ પર ‘ન્યુઝ’ના નામે જે અરાજકતા અને અણઘડતા ચાલે છે, તેને આરપાર વીંધીને કરવામાં આવતું સમકાલીન બનાવોનું સંદર્ભપૂર્ણ અર્થઘટન આ સાપ્તાહિકનું એક બલસ્થાન છે.
આ વર્ષમાં પાછોતરે પચાસ વર્ષ પૂરાં કરનાર આદરણીય સંસ્થા સમું ઈ.પી.ડબલ્યુ. દુનિયામાં અનન્ય છે. કોઈ પીઅર-રિવ્યૂડ જર્નલના અંકો ઈ.પી.ડબલ્યુ. જેટલા ઓછા સમયાંતરે બહાર પડતા નથી. પીઅર-રિવ્યૂડ જર્નલની બધી સામગ્રી પ્રકાશન પહેલાં અને પછી વિદ્વાનો દ્વારા પરામર્શન પામતી હોય છે. વળી, આવાં જર્નલ કે વેબસાઇટમાં દૈનિકો અને સામયિકોમાં આવે તેવી સામગ્રી સામાન્ય રીતે પ્રગટ થતી હોતી નથી.
તમારા ટેકા અને સહકારથી અમે ઈ.પી.ડબલ્યુ. નામની આ સંસ્થાને મજબૂત બનાવવા માગીએ છીએ. અમે વધુ વાચકોને, તેમાં ય યુવાવર્ગને આકર્ષવા માગીએ છીએ. આ વર્ગ કાગળને બદલે કમ્પ્યૂટરના કે હાથમાં રાખીને વપરાતાં ઉપકરણોના પડદે વાંચવાનું પસંદ કરે છે. તમારામાંથી કેટલાંકે નોંધ્યું હશે કે ઈ.પી.ડબલ્યુ. ડૉટ ઇન [http://www.epw.in/] વેબસાઇટ પર હવે ચિત્રો અને વિડિયોઝ હોય છે. ગુણવત્તામાં ઊણપ ન આવે અને સામગ્રીમાં બાંધછોડ ન થાય તે રીતે વેબસાઇટ કેવી રીતે વધુ અસરકારક બને તે માટે અમને તમારાં સૂચનો જોઈએ છે. વળી, બીજી ભાષાઓમાં જે પ્રસિદ્ધ થાય છે, તેના અનુવાદ અને સિન્ડિકેશનની પદ્ધતિ પણ ઊભી કરવા માગીએ છીએ. આ બાબતે પણ તમારા વિચારોને આવકાર છે.
એક એવું પણ ભારત છે કે જે સંઘર્ષરત છે. તેનો સંઘર્ષ તેની વસતિના એક મોટા હિસ્સાના લોકોની જિંદગી સારી બને અને તેમનું માનવગૌરવ જળવાય, અભિવ્યક્તિસ્વાતંત્ર્યનો અધિકાર અકબંધ રહે અને ભાગલાવાદી રાજકારણનો વિરોધ થાય તે માટેનો છે. ઈ.પી.ડબલ્યુ. એવા ભારતનો જાગૃતાત્મા છે એવું તેના એક કરતાં વધુ હિતચિંતકોએ નોધ્યું છે. વંચિતોનું શોષણ અને વિરોધીઓનું દમન વધી રહ્યું છે, ત્યારે અમે સત્તાની સામે સત્ય કહેવાનું ચાલુ રાખી શકીએ, એવી આશા છે.
ઈ.પી.ડબલ્યુ., ૯ એપ્રિલ ૨૦૧૬
અનુવાદ : સંજય શ્રીપાદ ભાવે
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2016; પૃ. 03-05