સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું, શેરીમાં સાદ કરી કહીશું રે લોલ …..
કેટલા જમાનાથી વેઠી છે વેદના, આવડો જુલમ નહીં સહીશું રે લાલ …..
ઘરખૂણે કેદ કર્યાં ઘરકૂકડી નામ દીધાં,
નીકળ્યાં જો બહાર ત્યારે પળપળ બદનામ કીધાં,
એવા અપમાન નહીં પીશું રે લોલ ……
સરખી સાહેલી અમે …..
કુળની મર્યાદા ને ધર્મોની જાળમાં,
રૂઢિરિવાજ ને ઘરની જંજાળમાં,
કેટલા દિવસ હવે રહીશું રે લોલ ….
સરખી સાહેલી અમે ……..
આપણાં દુ:ખોને હવે આપણે જ ફેડવાં,
ટક્કર ઝીલવી છે હવે આંસુ ન રેડવાં,
વજ્જર હૈયાનાં અમે થઈશું રે લોલ …..
સરખી સાહેલી અમે ………
સાથે મળીને અમે શમણાં ઉછેરશું,
સદીઓ પુરાણાં આ બંધનને તોડશું,
ખળખળતી નદીઓ થઈ વહીશું રે લોલ ……
સરખી સાહેલી અમે …….