કરી વિચારને વિદાય અહીં ઘોંઘાટ બોલે છે
કવિતા સાવ નેપથ્યે ને ચારણ ભાટ બોલે છે
ઊકળતો હોય માણસ કાં બરફ શો મૃત જાણે કે,
નથી શાંતિ,નથી સંગીત,લઈ કકળાટ બોલે છે
કદી હિમાલયે પ્હોંચી ધરેલું ધ્યાન ધરબાયું,
ન લાધ્યું શાણપણ,જોગી જુઓ પૂરપાટ બોલે છે
નદી વહેતી હતી ખળખળ,ને બુલબુલ ગીત ગાતીતી,
સૂકાયાં નીરનાં તકદીર,ખારોપાટ બોલે છે.
પ્રજા ને શાસકોનું ગાંડપણ રસ્તા ઉપર જોશો,
નિયમ નેવે મૂકાયા,રાતદિન રઘવાટ બોલે છે.
સમર્પણ,ત્યાગ ને બલિદાન ભારતખોજ છે મિત્રો,
સતત આરોપની ભાષા અહીં સમ્રાટ બોલે છે
![]()


આજની ગઝલના પાયામાં પરંપરાની ગઝલ છે, એ વાતનો ઇન્કાર થઈ શકે તેમ નથી. ગઝલનો જે હુતાશન હમણાં પ્રજ્જ્વળી રહ્યો છે તેમાં કેટલાયે સંનિષ્ઠ ગઝલકારોએ પોતાનું સમિધ આપ્યું છે. કેટલીક વાર એવું બને કે ઘણાં ય નામોનો પુનરોચ્ચાર થતો રહે અને કેટલાંક નામ ભુલાતાં જ રહે. આવું એક નામ છે, કવિ ‘રાઝ’ નવસારવીનું. મૂળ નામ સૈયદ સગીર અહમદ અલીજાન. તા.૯ ડિસેમ્બર, ૧૯૩૫ના રોજ નવસારી મુકામે જન્મેલા અને તેને જ પોતાની કર્મભૂમિ બનાવીને રહેલા આ કવિ વ્યવસાયે શિક્ષક રહ્યા. ઇયત્તા અને ગુણવત્તાની દૃષ્ટિએ ગઝલસર્જનમાં માતબર એવા ‘રાઝ’ સાહેબ વિશે વાત કરવાનો ઉપક્રમ અહીં છે.