આજે હું ‘ઓથ’ -સોગંદ – લઈ ને આવી! આજથી હવે હું અમેરિકન નાગરિક!
થોડા દિવસમાં ઘેરા ભૂરા રંગનો પાસપોર્ટ પણ આવી ગયો અને એની કિંમત રૂપે ચૂકવ્યો કાયમી તરફડાટ અને અજંપો, મૂળસોતાં ઉખડી જવાનો ….!
મને ભારત છોડે અઢાર વરસ થયાં …અને ભારતનું નાગરિકત્વ છોડે પંદર વરસ ..! ચાલીસ વરસથી અમેરિકામાં રહેતા મારા સસરા, મોત વેળા એમની જન્મભૂમિ ચરોતરમાં આવેલ મહેડાવ માટે ઝુરતા ઝુરતા ગયા … અને જુવાનીમાં અમારા પપ્પાનું લાખો લોકોની જેમ ઝનૂની સપનું હતું, અમેરિકા આવવાનું પણ ચાલીસ વરસના વસવાટ પછી પણ લાખો ઇમિગ્રન્ટસની જેમ એ ના અમેરિકન બની શક્યા, ન ઇન્ડિયન રહી શક્યા … અને અત્યારે મારી સ્થિતિ પણ એ જ છે ..!
મોટાભાગના ઇમિગ્રન્ટ્સ કહેતા નથી પણ વતન ઝુરાપનું ઝીણું દર્દ સતત સાથે લઈને જીવતા હોય છે. શા માટે? કોઈએ દેશ છોડવા મજબૂર નહોતા કર્યા, વિદેશી નાગરિકત્વ સ્વીકારવું એ પોતાની પસંદગી હોય છે તો પછી આ અજંપો, બેચેની શેની રહેતી હોય છે?
બીજી બાજુ વિદેશમાં કમાઈ લીધા પછી પણ દેશ પાછું કેમ નહીં ફરી શકાતું હોય? આ બધા સવાલો વિદેશમાં જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી નિરુત્તર જ રહે છે!
વિદેશમાં સંતાનોનાં ભાવિ માટે, સારી પ્રોફેશનલ તક માટે કે વૈભવી લાઈફ માટે આવતા લોકો કેમ આ બધું મળી જાય પછી પણ શુ શોધતા હોય છે?
અને મને જે જવાબ મળ્યો એ છે, પોતાની ઓળખ ..! ગમે તે કરો એક જગ્યાથી ઉખડેલો છોડ બીજી જમીનમાં નથી જ બરાબર ઊગી શકતો .. એને ફૂલો તો આવે છે પણ એમાંથી સુગંધ ગાયબ હોય છે!
તમે પ્રોફેશનલ ઓળખાણ તો બનાવો છો, પૈસા તો ખૂબ કમાઓ છો, તમારા સંતાનો સારામાં સારી કોલેજમાં ભણીને ખૂબ સફળતા મેળવે છે, તમારી પાસે ત્રણ ત્રણ વીલા અને ચાર ચાર વૈભવી કાર્સ હોય છે પણ ગાયબ હોય છે એ કારમાં બેસીને જેની સાથે મજા કરવાનું મન થાય એ બાળપણનાં ગોઠિયાં …
અને આ તો એક દાખલો થયો … આમ જ વતનનું ઘર, જૂનાં પાડોશી, સગાં વહાલાં, શાળા, કોલેજ, મિત્રો વગેરે ને મિસ કરતાં કરતાં જીવન પસાર તો થઈ જાય છે, પણ આ બધા માટેનો તરફડાટ કેમેય કરી ને જતો નથી … કારણ કે દરિયો ગમે તેટલો મોટો હોય એમાં ખોવાઈ જવાનો ડર રહે છે, જ્યારે, તળાવ ગમે તેટલું બંધિયાર હોય માણસ ને એક હૂંફ અને સલામતી લાગે છે કે આમાં હું તરી શકીશ … અથવા અહીં ડૂબતો હોઈશ તો કોઈ પણ મને બચાવી લેશે!
આ હૂંફ, અને સલામતી અને ઓળખ આદિ કાળથી માનવીની ઝંખના રહી છે અને એ પોતાના વતન અને પોતાના માણસો જ એ આપી શકે, એવું માણસને લાગે છે અને માટે જ વિદેશમાં વસેલા માનવીને સપનાં માતૃભાષામાં જ આવતા હોય છે અને એ પગ કર્મભૂમિ તરફ રાખી ને સૂએ છે; પણ એનું હૃદય તો માતૃભૂમિ તરફ જ હોય છે …!!
March 14, 2023
(બ્લોગ “આપણું આંગણું”માં આવેલી મારી પોસ્ટ)
સૌજન્ય : શિવાનીબહેન દેસાઈની ફેઇસબૂક દીવાલેથી સાદર