હળવે હલેસે
“ભટ્ટજી, વાર્તા બહુ મોટી છે. કાપવી પડશે.”
“એમ? મને ય એવું લાગ્યું હતું, પણ પછી થયું કે ચાલી જાય તો ચલાવી દઈએ.”
“નથી ચાલે એવું. હવે આપણી પાસે ડેડ લાઈન પૂરી થવામાં છે. તો તમે વેળાસર ઍડિટ કરી આપશો કે અહીં કોઈ કાપે?”
“ના ભઈઈઈ … જોજો હોં … અમે હમણાં જ મોકલીએ છીએ. એક કામ કરીએ ? નવી જ વાર્તા કે લેખ આપીએ તો કેમ રહેશે? તમે કઈં ના કાપતા.” ગભરાઈને અમે બોલવામાં ગરબડ કરી નાંખી. ને સામેવાળાએ તો “હા, એ વધુ સારું.” કહીને ફોન મૂકી દીધો.
પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થામાંથી લખવાનું આમંત્રણ મળ્યું એના અતિ ઉત્સાહમાં શબ્દમર્યાદા કરતાં લગભગ ત્રણગણું લખાણ લખાઈ ગયું. મૌલિક લખવું અને તે ય શબ્દમર્યાદામાં બંધાઈને એ લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. મોટા ભાગે શબ્દમર્યાદા જેટલા શબ્દો પૂરા કરતાં ય ભલભલા ચમરબંધી ફાટી પડે છે. ત્રણ ગણું વધુ લખાઈ જવા છતાં ય અમારા મનમાં અહંકાર સગીરે પ્રવેશ્યો નહીં એ ય પોતાની એક સિદ્ધિ જ કહેવાય, વળી!
ખેર, અમારે લખવા માટેની સામગ્રી તો લાવવાની નહોતી. હવે ‘લખીશું શું’નો વિચાર કરતાં કરતાં અમે ખાસ લેખ લખવા જ આણેલાં રાઇટિંગ પૅડ, પેન ખાનામાંથી બહાર કાઢયાં. રફ ડ્રાફ્ટ લખવા માટે ૨૦૧૬ની જૂની ડાયરી કાઢી. સારાં પાનાં હોવાથી લખવાની મજા આવશે એમ વિચારીને અમે મમતાથી પાનાં પર હાથ ફેરવ્યો. જાણે એ પાનું પણ અમને લખવા માટે નિમંત્રી રહ્યું હોય એમ લાગ્યું. આની પહેલાંની વાર્તા એક પ્રેમકથા હતી. વળી પેલો જાદુઈ ઇસ્કોતરો ખોલ્યો, જેમાં અમે વિષયવાર કટિંગ સાચવી રાખેલાં. આજે એ કામ લાગી જશે એવી કોને ખબર હતી!
ઓહો, આ તો કવિતા જેવું કંઈક રચાઈ જશે કે શું અમારાથી? ફરીથી થોડો વિચાર કર્યો અને ડાયરી ખોલી. ખાલી ડાયરીમાં સ્વસ્તિકનું શુભ ચિહ્ન દોરીને શરૂઆત કરેલી તો એમાં કોઈ જ સમસ્યા સર્જાઈ ન હતી એ અમને બરાબર યાદ હતું. આમ તો અમે એવા બધાં શુકન-અપશુકનમાં માનતા નથી, પણ આ કેસમાં અમે હવે કોઈ ચાન્સ લેવા માંગતા ન હતા, યુ સી. લાલ રંગની સ્કૅચપેન શોધી એમાં થોડું મોડું થયું. પણ જેમ થતું હોય એમ જ થાય. કોઈ જગ્યાએ ભૂરા રંગનો સ્વસ્તિક ચીતરેલો જોયો નથી. રસોઈ, બાળઉછેર, ઘરશણગાર, પર્સનાલિટી ડેવલોપમેન્ટ વગેરે વગેરે જેવા વિષયો અમારે મન ચૅલેન્જિંગ નથી. રસોઈમાં એક-બે ગરબડ થાય પછી ઑટોમૅટિક આવડી જ જાય, તેનું કંઈ રૉકેટ સાયન્સ નથી. બાળકો ય કંઈ આખી જિંદગી બાળક રહેવાનાં નથી. ઘરશણગારમાં આર્ટિફિશિયલ કે સાચા ફૂલનાં બેચાર કૂંડાં આમતેમ ગોઠવી દઈએ કે વાત પૂરી. પર્સનાલિટી તો આંતરિક બાબત છે. જેટલું અંતરમન સ્વચ્છ એટલી જ બાહ્ય છબી ચમકદાર! એમાં કંઈ ધાડ મારવાની નથી. આ ચાર ટૉપિક ઊંચા મૂકયા એટલે વિચારવાના રહ્યા આર્થિક અને સાહિત્યિક મુદ્દા!
હજુ હમણાં જ બજેટ રજૂ થયું છે. એટલે બૅક ઑફ માઇન્ડમાં દેશની નાણાકીય હાલત વિશે તરોતાજા ખયાલો ભરેલા જ છે. તેમ છતાં ય રેફરન્સ માટે પેલાં સંકટ સમયની સાંકળ સમાં કટિંગ્સ ઉથલાવ્યાં. આર્થિક બાબત આવે એટલે અખબારોમાં ગુલાબી ગુલાબી રંગ થઈ જાય. પિંક ફૉર ગર્લ ને બ્લુ ફૉર બૉય, એવું અંગ્રેજીમાં કંઈક કહેવાય છે, પણ આ આર્થિક બાબતો જેવા કઠોર મુદ્દાઓમાં કોમળ ગુલાબી રંગની હાજરી શું કરે છે એ હજી અમને સમજાયું નથી. ઍની વે, આર્થિક બાબતો અમારા માટે ખાસ માયને નહીં રખતી, ક્યોંકિ મુન્નાભાઈ કે રેડિયો-ટી.વી. સિવાય ચણા, જીરું જેવી કૉમૉડિટીમાં ય સર્કિટ આવે એ જ્ઞાન અમને માફક આવ્યું નથી.
કવિતા કરવાનો વિચાર પણ ઝબકી ગયો, પણ વરસાદી ફુદાં જેવો આ વિચાર અલ્પાયુષી નીકળ્યો. ગાંધીજી ભલે ખરાબ અક્ષરને અધૂરી કેળવણી માનતા, પણ કવિતામાં છંદ ન આવડતા હોય તો અમારા નમ્ર મતે એ પણ અધૂરી કેળવણીની નિશાની જ છે. એક વાર જાણીતા કવિ શ્રી સુરેશ દલાલને એમનાં કોઈ પ્રશંસક બહેને સારી કવિતામાં શું હોવું જોઈએ એ વિશે વિસ્તારથી સમજાવવા કહેલું. જવાબમાં સુરેશ દલાલે લાક્ષણિક શૈલીમાં કહેલુંઃ “બહેન, મારું નામ સુરેશ દલાલ છે. તરલા દલાલ નહીં કે હું તમને કવિતાનાં ઇન્ગ્રેડિયન્ટ્સ કહી શકું.” ખેર, સાદા વાક્યમાં ક્રિયાપદ છેલ્લે લખવાને બદલે વચ્ચે ક્યાંક ગોઠવી દેવાથી એ કવિતાની પંક્તિ કહેવાય છે. પછી તો છેલ્લાં શબ્દમાં પ્રાસ બેસાડતા જવાથી એ કવિતા બને એવી સમજ પડી … પણ છંદ અને અલંકાર તો ન આવડયા તે ન જ આવડયા. એટલે બહુજનહિતાય વિચારીને કવિતા ય બાજુ પર હડસેલી.
ગંભીર પ્રકારના લેખો કે બહુ વિચારવું પડે એવું લખવાથી ભાષાભંડોળ સારું હોવાની છાપ પડે છે એટલું જ. બાકી આપણો માંહ્યલો તો આપણી ગત જાણતો જ હોય છે. જેમ જેમ સમય પસાર થતો જતો હતો, એમ એમ અમારા લેખનના વિષયો ખૂટતા જતા હતા. અચાનક પુસ્તકનો રિવ્યુ લખવાનો વિચાર આવ્યો. આફરીન આફરીન … બધાં કટિંગ્સ પાછાં યથાસ્થાને મૂકયાં. પુસ્તક શોધવાની શરૂઆત કરી. નાનું પુસ્તક લેવાથી ઓછા સમયમાં વંચાઈ જશે અને પછી એ બીજા કોઈને વાંચવા પણ આપી દેવાશે. આમ, ‘વાંચે ગુજરાત’ અને ‘તરતાં પુસ્તક’ યોજનામાં અમે પણ ફૂલ નહીં તો ફૂલની પાંદડી સમ ફાળો આપ્યો ગણાશે. દેશદાઝ હોય ત્યારે માણસ કેવાં કેવાં સાહસો કરતો હોય છે! તો આપણાથી આ એક નાનકડું કામ નહીં થઈ શકે? અમને આમ તો અભિમાન નથી હોતું, પણ આ વાતે અમને કહેવા દો કે અમે પોરસાયાં છીએ. અમારું ૫૦ ટકા જેટલું કામ તો થઈ ગયું. શું લખવું છે એ નક્કી થઈ ગયું એટલે બેડો પાર. હવે પુસ્તક મળે અને અમે લખીએ એટલે પૂરું. આપેલો સમય સચવાઈ જશે એ નક્કી.
(આ જ શીર્ષકના નવજીવન સામ્પ્રત પ્રકાશનમાંથી સાભાર)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 16