ગાંધીજીની આત્મકથામાંથી એ બાબત જાણવા મળે છે કે તેમને બાઇબલનો જૂનો કરાર મહત્ત્વનો લાગ્યો ન હતો, પરંતુ નવા કરારનો પ્રભાવ તેમના પર વિશેષ પડ્યો હતો. ખાસ કરીને તેમના પર મહાત્મા ઈશુના ગિરિ-પ્રવચનની ઊંડી છાપ પડી હતી. તેમના જ શબ્દોમાં, “જ્યારે ‘નવો કરાર’ વાચ્યો ત્યારે જુદી જ અસર થઈ. ઈશુના ગિરિ-પ્રવચનની ખૂબ જ સારી અસર થઈ. તે હૃદયમાં સોંસરું ઊતરી ગયું. બુદ્ધિએ ગીતા સાથે તેની સરખામણી કરી.”
ડો. ગોપીનાથ ધવને ગાંધીજીના રાજકીય દર્શન પર લખેલા પુસ્તક “સર્વોદય તત્ત્વ-દર્શન’માં લખ્યું છે : “ઈશુ ખ્રિસ્ત અને તેમના ઉપદેશો ગાંધીજીના સત્યાગ્રહ દર્શનનો એક મહત્ત્વનો સ્રોત છે.’ ગાંધીજીએ એક વાર પોતાના મિત્ર રેવરન્ડ જે.જે. ડોકને કહ્યું હતું કે નવો કરાર અને ખાસ કરીને ગિરિ-પ્રવચને તો ખરેખર જ તેમના હ્રદયને સત્યાગ્રહની ઉપયોગિતા અને તેના મૂલ્ય પ્રત્યે જાગ્રત કર્યું હતું. ગીતાથી આ છાપ વધારે દઢ થઈ હતી, અને ટોલ્સ્ટોયના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ (The Kingdom of God is Within You) એ ગ્રંથથી તે કાયમી બની હતી.
આમાં આશ્ચર્ય જેવું કંઈ નથી. ગાંધીજી નૈતિક જીવન પર ખૂબ ભાર મૂકતા હતા. સત્ય તેમના જીવનનું ધ્યેય હતું. એની પ્રાપ્તિ અર્થે અહિંસાને તે એટલી હદે અનિવાર્ય ગણતા હતા કે તેને ‘સત્યની બરોબર’નું સ્થાન આપ્યું હતું. અહિંસાની તેમની વ્યાખ્યા ખૂબ વ્યાપક હતી. ગિરિ-પ્રવચનમાં પ્રભુ ઈશુના નીતિ સિદ્ધાંતોનું સરલ, રહસ્યમય અને પ્રભાવી ભાષામાં વર્ણન છે. એક હિંદુ લેખકે જણાવ્યું છે કે આ ઉપદેશની જેટલી શુભ અસર હિંદુઓ પર થાય છે તેટલી ખ્રિસ્તીઓ પર થતી નથી, એમ કહેવામાં ખાસ અતિશયોક્તિ નહિ થાય. રાજા રામમોહનરાય અને વિશેષ કરીને કેશવચંદ્ર સેન પર તેની ઊંડી છાપ પડી હતી. પ્રતાપચંદ્ર મજુમદારે તો “પૂર્વના ઈશુ” નામના પોતાના પુસ્તકમાં તેમને પૂર્વના પરિવેશમાં રજૂ કર્યા હતા. આમ, ગાંધીજીની પહેલાં પણ, બીજા હિન્દુઓને પ્રભુ ઈશુનો ઉપદેશ વિદેશી કે હિન્દુ ધર્મથી વિરુદ્ધ લાગ્યો ન હતો.
ઈશુએ આ ઉપદેશમાં એવી પણ શીખ આપી છે કે સારાં સાધનોનું પરિણામ સારું અને ખરાબ સાધનોનું પરિણામ ખરાબ આવી શકે છે. તેમના પોતાના શબ્દોમાં : “સારું વૃક્ષ ખરાબ ફળ આપી ન શકે, નકામું ઝાડ સારું ફળ આપી ન શકે.”
ઈશુને માટે સિદ્ધાંતો માત્ર કોરા સિદ્ધાંતો ન હતા. તેમનું પોતાનું જીવન એ સિદ્ધાંતો પર નિર્ભર હતું. અહિંસા, સેવા, દયા તથા ક્ષમાશીલતાની એ પોતે સાક્ષાત્ મૂર્તિ હતા.
ગાંધીજીના વિચારોથી જાણકાર વ્યક્તિને એ વાત તરત સમજાશે કે તેમના વિચાર ઈશુના વિચારોને ખૂબ મળતા આવે છે. તેમણે પણ સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સાધનશુદ્ધિ, સેવા વગેરે પર કોઈ રીતે ઓછો ભાર નથી મૂકયો. તે સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારવાનો તેમણે ભરચક પ્રયત્ન કર્યો હતો. સંત પોલે ભાવનાને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે એમ કહ્યું છે કે શબ્દોને અક્ષરશઃ લેવાથી વિચારનો આત્મા હણાય છે. ગાંધીજી પણ એવું જ માનતા હતા. માટે જ તેમના વિચારોમાં ક્યાંક ઉપરછલ્લી રીતે જોતાં વિરોધાભાસ દેખાય છે, જો કે ખરેખર એવું નથી. ઈશુની જેમ તેઓ પણ ભાવનાની શુદ્ધિને ખૂબ મહત્ત્વ આપતા હતા. તેની સાથે જ, ગાંધીજીએ નીતિના આ સનાતન સિદ્ધાંતોનો અર્થ જમાનાને અનુરૂપ કર્યો અને તે મુજબ સમાજનો વિકાસ થાય તે માટે ‘સત્યાગ્રહ’ની પદ્ધતિનું નિર્માણ કર્યું.
આ જ કારણથી, પશ્ચિમના ઘણા ધાર્મિક ખ્રિસ્તીઓને તેમના જીવન, વિચાર અને કાર્યોમાં પ્રભુ ઈશુના સિદ્ધાંતો સજીવન થતા લાગે છે. અહીં ફક્ત બે જ દાખલા આપવા પૂરતા થશે. રેવરન્ડ સી.એફ. એન્ડ્રુઝે પોતાના પુસ્તક ‘ધ સરમન ઓન ધ માઉન્ટ’-માં યુદ્ધ, શોષણ, જૂઠ વગેરે સામાજિક અનિષ્ટો તરફ અંગુલિનિર્દેશ કરીને લખ્યું છે : “આધુનિક યુગની સૌથી અજબ ઘટનાઓમાં એક એ પણ છે કે અનિષ્ટના આ સામાજિક પાસા તરફ ધ્યાન ખેંચનારા ચુસ્ત ખ્રિસ્તી નથી, પણ તે કાર્લ માકર્સ જેવા ધર્મત્યાગી, ટોલ્સ્ટોય જેવા ધર્મબહિષ્કૃત કે ગાંધીજી જેવા અન્ય ધર્મી હતા. કદાચ, સૌથી વિશિષ્ટ બાબત એ છે કે એક હિન્દુ મહાત્મા ગાંધીએ આ સમસ્યાના એક ખ્રિસ્તી ઉકેલ તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે અને તેને એવું અમલી સ્વરૂપ આપ્યું છે કે કેટલાક ખ્રિસ્તીઓને તે બિલકુલ વ્યવહારુ લાગે છે.’
બીજું દૃષ્ટાંત પ્રખ્યાત ખ્રિસ્તી ધર્મપ્રચારક સ્ટેન્લી જેન્સનું છે. તેમણે ગાંધીજી વિષે કહ્યું છે કે : “આ એક એવા પુરુષ છે કે જેમણે, આપણા ખ્રિસ્તીઓને શૂળીમાં (ક્રોસમાં) જે સત્યનું દર્શન થાય છે તે જ સત્યને રાષ્ટ્રીય સ્તરે ક્રિયાન્વિત કરી બતાવ્યું.” ખ્રિસ્તીઓ સાથે મહાત્મા ગાંધીની સરખામણી કરીને તેઓ લખે છે : “ફેર એટલો જ છે કે ગાંધીજી કરતાં આપણને, ખ્રિસ્તી હોવાને નાતે, શૂળીમાં અધિક દર્શન થાય છે ત્યારે તેમણે તેને વ્યવહાર-ક્ષમ રૂપ આપ્યું છે. આપણે તેને કોરો સિદ્ધાંત ગણીને છોડી દીધું હતું, ગાંધીજીએ તેને વ્યવહારમાં આચરી બતાવ્યું.” અહીં એ પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે ઈશુનું શૂળી આરોહણ તે ગિરિ-પ્રવચનનું જ અમલી સ્વરૂપ હતું.
09 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 338