એવું તે કંઈ હોય?
તારા રાતના વરઘોડામાં
પેટ્રોમેક્ષ તો અમારે જ પકડીને ચાલવાનું હોય ને!
જો કે તારું મુખારવિંદ
એટલું તો તેજસ્વી છે કે
એના તેજથી જ વરઘોડો ઝળાંહળાં થઈ જાય એમ છે!
અને તારાં વરઘોડિયાં ય પાછાં ચાંદના ટુકડા !
તારા ફેંટામાં ગુલોપડી ના લગાવી હોત તો ચાલત !
અમે જાણીએ છીએ કે તારા શૂટબૂટ, ટાઈબાઈ તું
ભાડે લાવ્યો નહીં હોય,
અને કદાચ તું લેવા ગયો હોત તોયે તને તો
મફતમાં મળી ગયાં હોત, બજારમાં તારી શાખ જ
બહુ મોટી છે !
પણ, મારા સાહેબ,
અમારું મહેનતાણું ચૂકવવામાં કંજૂસાઈ ના કરતો !
પેટ્રોમેક્ષની ઝાળે
અમારી ઝૂંપડીમાં ચૂલા નથી સળગતા અને
ભેંકડા તાણતાં અમારાં છોકરાઉં
પતરાવળની એંઠ ચાટવાનું ભૂલી ગયાં છે!
બક્ષિસ તો અમારે ના જોઈએ,
દસની નોટથી
હથેળીમાં પડેલા છાલા મટે એવો મલમ પણ
નથી મળતો !
અમારે તો પેટ્રોમેક્ષ ઊંચકી ઊંચકીને
ચાલતાં ચાલતાં તારો વૈભવ જોવો છે.
તારા મોઢા પર બાજેલાં ચાંદીની ઘુઘરીઓ જેવાં
પરસેવાનાં બુંદોને પ્લેટિનમના લચીલા રૂમાલથી
લૂછતી તારી વહાલકૂડી બહેનને ઘણી ખમ્મા !
તારા વરઘોડામાં અમે ગધેડામજૂરી કરીએ એ જ ઠીક !
વૈભવી પાર્ટીપ્લોટમાં તારા ભોજન સમારંભમાં
વહેંચાનારી વાનગીઓની યાદી વાળી
નાની ચોપડીમાં છાપેલી રંગીન વાનગીઓની
છબિઓ જોઈને જ અમારાં પેટ ભરાઈ ગયાં છે,
અમે ધરાઈ ગયા છીએ.
૮૩, સુવિધા નગર, ભુરાવાવ, ગોધરા,પંચમહાલ ૩૮૯ ૦૦૧