કેડી કંડારનારા – ૮
ભારત ભૂમિની પ્રાકૃતિક સંપદા વિવિધ રાજ-રજવાડા-સામ્રાજ્યો વચ્ચે વહેંચાઈ ગયેલી હતી. આ વહેંચાઈ ગયેલા વૈભવ ને વેચવા એક વેપારી કંપની બ્રિટિશ રાજની છત્રછાયામાં વિધિવત સર્વેક્ષણો કરાવી રહી હતી. આપણે જોયું કે હજુ ૧૬મી-૧૭મી સદી સુધી જે કોઈ પશ્ચિમી જગતથી ભારત આવતા તેઓ ભલે આધિપત્ય જમાવતા પરંતુ સ્થાનિક માનવ સંપદા ને માત્ર નોકરશાહી ઢબે નહિ જ્ઞાનના ભંડાર તરીકે જોઈ શકતા. મલબારના પ્રકૃતિ વૈભવના દસ્તાવેજમાં તે પ્રતિબિંબ થાય છે. બીજી તરફ ભારતના રાજા-વજીરો-વેપારીઓમાં આ બાબતે સદંતર ઉદાસીનતા જોવા મળે છે-ક્યાં ય સખાવતોથી પ્રાકૃતિક સંપદા અને માનવ ઉપ્લબ્ધિઓને સાચવવા તરફની નોંધપાત્ર પહેલ જોવા મળતી નથી. કદાચ ક્યાંક દસ્તાવેજો હશે તો પણ તે વ્યક્તિગત સ્તરે પ્રાંતીય ભાષામાં નોંધ રૂપે ચોક્કસ હશે, પરંતુ પશ્ચિમી દુનિયાથી પ્રવેશેલા વેપારી કંપનીઓના જાણકારોને પોતે કામે રાખી પોતાની ભૂમિ વિશે અભ્યાસો વિશ્વ સમક્ષ મુકવાની ચેષ્ટા કોઈ ભારતીય રાજા કે શહેનશાહની દેખાતી નથી. જો કોઈ દસ્તાવેજ રૂપે હોય તો જરૂર તેને પ્રકાશમાં લાવવી જોઈએ.
આવે સમયે યુરોપ ખંડ માં એકછત્રીય સત્તા જમાવી બેઠેલા બ્રિટિશ રાજ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વિધિવત સમગ્ર ભારતીય દ્વીપકલ્પ – જંબુદ્વિપની પ્રાકૃતિક સંપદા ઉપર અભ્યાસો શરૂ કરે છે. જેમાં સૌથી મહત્ત્વનું નામ આવે છે – ફ્રાન્સિસ બુકાનન – હેમિલ્ટન. આગળના લેખમાં એક વિદેશીના અણમોલ યોગદાનને જાણ્યું, આજે તેવા જ બીજા ‘બુકાનન – હેમિલ્ટન’ વિષે જાણીશું.
ક્યારેક જેમ સંઘર્ષમય બાળપણ અને જીવન સારી એવી માહિતી આપે છે તેમ સરળ અને સુખી બાળપણ ક્યારેક પ્રતિભાઓને સહાનુભૂતિ અને વાર્તાનું પાત્ર ત્યારે જ બનાવે છે છે જ્યારે તેની કોઇ ઉપલબ્ધિ અનિવાર્યપણે ઉલ્લેખનીય હોય. ૧૭૬૨માં જન્મેલા ફ્રાન્સિસ બુકાનનનું એ કૈક એવું જ છે.
ફ્રાન્સિસ બુકાનન-હેમિલ્ટન તરીકે ઓળખાતા, એક સ્કોટિશ સર્જન, સર્વેયર અને વનસ્પતિશાસ્ત્રી હતા જેમણે ભારતમાં એમની ફરજ દરમયાન ભૂગોળશાસ્ત્રી અને પ્રાણીશાસ્ત્રી તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. બુકાનન એક વ્યવસ્થિત પરિવાર, ઉચ્ચ શિક્ષણ અને સુરક્ષિત કારકિર્દી ધરાવનાર અભ્યાસુ હતા. તેઓનું જીવન સરળ અને સતત પ્રગતિ ધરાવતું રહ્યું. ૧૭૮૩માં તેઓ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી મેડિસિનમાં અનુસ્નાતક થયા. અહીં એમનો થિસીસ ફેબ્રિસ ઈન્ટરમિટન્સ (મલેરિયા) પર હતો. તેઓ એડિનબર્ગમાં જહોન હોપ નીચે વનસ્પતિશાસ્ત્ર પણ ભણેલા કે જેઓ લિનિયસ પદ્ધતિથી વનસ્પતિશાસ્ત્ર ભણાવતા.
ત્યાર બાદ મર્ચન્ટ નેવીમાં એશિયાની સફર ખેડતા જહાજોમાં એક ચિકિત્સક સર્જન તરીકે સેવા આપી તેઓ બંગાળ પ્રેસિડેન્સીની તબીબી સેવામાં જોડાયા. તેઓ ઇન્સ્ટિટ્યૂશન ફોર પ્રમોટીંગ ધ નેચરલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાના અધિક્ષક પણ હતા. અગાઉ નિમણૂક કરાયેલ સર્જનની બદલી તરીકે બર્માના અવા કિંગડમમાં રાજકીય મિશન માટે સર્જન નેચરલિસ્ટ તરીકે બુકાનનની તાલીમ આદર્શ હતી. અવા મિશન સી હોર્સ પર સફર કરીને કલકત્તા પાછા ફરતા પહેલા આંદામાન ટાપુઓ, પેગુ અને અવામાંથી પસાર થયું હતું. બુકાનનને બંગાળ મેડિકલ સર્વિસમાં ૧૮૯૪થી ૧૮૧૫ સુધી ફરજ બજાવવા મળી.
આ દરમ્યાન ૧૭૯૯માં, ટીપુ સુલતાનની હાર અને મૈસૂરના પતન થતા ભારતનો ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે મજબૂત ટક્કર આપતો આખરી સુલતાન અને સલ્તનત ઢેર થયા. અને બ્રિટિશ રાજ સમગ્ર ભારતનું દોહન કરવા સક્રિય થયું. આ સમયે બુકાનનને દક્ષિણ ભારતનું સર્વેક્ષણ કરવાનું કહેવામાં આવ્યું. પરિણામે મદ્રાસથી મૈસૂર, કેનેરા અને મલબાર(૧૮૦૭)ના પ્રદેશોમાંથી પ્રવાસ થયો. અંતિમ મૈસૂર યુદ્ધ પછી દક્ષિણ ભારતમાં તેમની ફરજની શરૂઆત બોટેનિકલ, કૃષિ અને પ્રાણીશાસ્ત્રીય માહિતી તેમ જ તેમના વિસ્તારમાં જોવા મળતી માટી અને કુદરતી સંસાધનો વિશેની જાણકારી એકત્ર કરવાના આદેશ સાથે કરી હતી.
બુકાનને તેના પ્રથમ સર્વેક્ષણમાં ‘શોધેલી વસ્તુઓમાંથી એક કેરળમાં મળી આવતી ‘લેટેરાઇટ સોઇલ’ હતી. બુકાનનને તેને “માટી” અથવા “માટી – જણાવી નોંધ્યું કે આ નરમ લાલ માટી જે હવા અને ગરમીના સંપર્કમાં આવવાથી સખત બને છે તે મકાન નિર્માણના હેતુઓ માટે આદર્શ છે, જે આ વિસ્તારમાં લાંબા સમયથી જાણીતી છે,: પરંતુ સૌ પ્રથમ વિશ્વ સમક્ષ એક માટીની લાક્ષણિકતા રેકોર્ડ કરવામાં આવી હતી અને તેને નામ આપવામાં આવ્યું હતું.
તેમણે બે સર્વેક્ષણો હાથ ધર્યા, પહેલો ૧૮૦૦માં મૈસૂરનો અને બીજો બંગાળનો ૧૮૦૭-૧૪માં. ૧૮૦૩થી ૧૮૦૪ સુધી, તેઓ કલકત્તામાં ભારતના ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીના સર્જન હતા, જ્યાં તેમણે એક પ્રાણી સંગ્રહાલયનું પણ આયોજન કર્યું હતું જે ભવિષ્યમાં કલકત્તા આલીપોર પ્રાણી સંગ્રહાલય બનવાનું હતું. ૧૮૦૪માં, તેઓ બેરકપુર ખાતે વેલેસ્લી દ્વારા સ્થાપિત ભારતના પ્રાકૃતિક ઇતિહાસને પ્રોત્સાહન આપવા માટેની સંસ્થાના પ્રભારી હતા. ૧૮૦૭થી ૧૮૧૪ સુધી, બંગાળ સરકારની સૂચનાઓ હેઠળ, તેમણે બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારક્ષેત્રમાંના વિસ્તારોનું વ્યાપક સર્વેક્ષણ કર્યું. તેને ટોપોગ્રાફી, ઇતિહાસ, પ્રાચીન વસ્તુઓ, રહેવાસીઓની સ્થિતિ, ધર્મ, કુદરતી ઉત્પાદન ખાસ કરીને મત્સ્યોધોગ, જંગલો, ખાણો, કૃષિ – શાકભાજી, ઓજારો, ખાતર, પૂર, ઘરેલું પ્રાણીઓ, વાડ વિશે વિગતો નોંધવાનું કહેવામાં આવ્યું હતું. સર્વેમાં ખેતરો, અને જમીનની મિલકત, લલિત અને સામાન્ય કળા અને વાણિજ્ય, નિકાસ અને આયાત, વજન અને માપ અને માલસામાનની અવરજવર, વગેરે તમામ પાસાઓનો સમાવેશ થતો હતો. આ સર્વેમાં તેમની સાથે એક કુશળ વનસ્પતિ કલેક્ટર પણ હતા. યુનાઈટેડ કિંગડમની મુખ્ય લાઇબ્રેરીઓમાં સાચવેલ ગ્રંથોની શ્રેણીમાં, ભારતીય માછલીની પ્રજાતિઓ પર તેમણે કરેલ એક મહત્ત્વપૂર્ણ કાર્યનો સમાવેશ થાય છે, આ પ્રજાતિ ગંગા નદી અને તેની શાખાઓમાં જોવા મળે છે (૧૮૨૨), જે ૧૦૦થી વધુ પ્રજાતિઓનું વર્ણન કરે છે જેને અગાઉ વૈજ્ઞાનિક રીતે માન્યતા ન હતી. તેમણે આ પ્રદેશમાં ઘણા નવા છોડ પણ એકત્ર કર્યા અને તેનું વર્ણન કર્યું. ભારતીય અને નેપાળી, છોડ અને પ્રાણીઓનાં પાણીના રંગોની શ્રેણી એકત્રિત કરી, જે કદાચ ભારતીય કલાકારો દ્વારા દોરવામાં આવેલાં ચિત્રોમાં વપરાયા હતા. જે હવે લંડનની લિનિઅન સોસાયટીની લાઈબ્રેરીમાં છે.
૧૮૦૭થી ફ્રાન્સિસ બુકાનને ઉત્તર બંગાળ અને બિહારમાં અભ્યાસ પ્રવાસ હાથ ધરીને તેમના સૌથી યાદગાર સાહસની શરૂઆત કરી. તેમણે આ પ્રદેશના સર્વેક્ષણમાં સાત વર્ષ ગાળ્યાં. તેમના અહેવાલો આંકડાકીય, ભૌગોલિક અને વંશીય વર્ણનોના ઘણા ભાગોમાં ચાલ્યા, જેની હસ્તપ્રતો હવે બ્રિટિશ લાઈબ્રેરીના ઓરિએન્ટલ વિભાગમાં સચવાયેલી છે. તેમના અહેવાલોના કેટલાક ભાગો મરણોત્તર છાપવામાં આવ્યા છે. તેમણે બર્મા, ચટગાંવ, આંદામાન ટાપુ, નેપાળ અને ઉત્તર બંગાળ અને બિહારની શોધખોળ કરી અને આ વિસ્તારોની વનસ્પતિશાસ્ત્ર, ભૂગોળ, કૃષિ, અર્થતંત્ર, સામાજિક માહિતી અને સંસ્કૃતિનો વિગતવાર સર્વે કર્યો. આ સર્વેને આધારે ‘એન એકાઉન્ટ ઓફ ધ કિંગડમ ઓફ નેપાળ (૧૮૧૯)’ પણ તેમણે લખ્યું.
૧૮૦૭માં પૂર્વ ભારતના સર્વેક્ષણ માટે કોર્ટ ઓફ ડિરેકટર્સ દ્વારા બુકાનનને આપવામાં આવેલા નિર્દેશો ઉપર આદરેલા તેમના સઘન પ્રયાસો એક સુસંયોજિત, સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક અને જિજ્ઞાસા મૂલ્ય સાથે હાથ ધરેલા અભ્યાસો તરીકે દેખાશે. બુકાનનને ટોપોગ્રાફી અને પ્રાકૃતિક સંસાધનો, મેદાનો, માટી, પર્વતો, નદીઓ, બંદરો, નગરો અને હવામાન સાથેના પેટાવિભાગો વિશે જાણ કરવા કહેવામાં આવ્યું હતું. આ તમામ તથ્યો સ્વતંત્ર ભારત દેશ માટે તે સમયના ભારતની ભૂભૌગોલિક પરિસ્થિતિ વિશેનો વિશાળ વૈજ્ઞાનિક ડેટાબેઝ પૂરો પડે છે. ૧૮૦૯ અને ૧૮૧૩ની વચ્ચે ફ્રાન્સિસ બુકાનનનું સર્વેક્ષણ કાર્ય ઓગણીસમી સદીની શરૂઆતમાં બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના સામાજિક અને સાંસ્કૃતિક ઇતિહાસના સૌથી વિગતવાર માહિતી સ્રોતોમાંના એક છે. તેઓ ૧૮૧૪માં કલકત્તા બોટેનિકલ ગાર્ડનના સુપરિન્ટેન્ડેન્ટ બન્યા, પરંતુ તેમની ખરાબ તબિયતને કારણે તેમને ૧૮૧૫માં બ્રિટન પાછા ફરવું પડ્યું.
બુકાનનએ ભારતમાં વનસ્પતિશાસ્ત્ર અને પ્રાકૃતિક ઇતિહાસ સંશોધન માટે વીસ વર્ષ સમર્પિત કર્યાં, અને તેમના આ કાર્યને કારણે ભારતીય વનસ્પતિશાસ્ત્ર અને પ્રાકૃતિક ઇતિહાસ પર સંખ્યાબંધ પેપર્સ અને પુસ્તકો પ્રકાશિત થયા. ત્યારબાદ ઇંગ્લેન્ડ પાછા ફર્યા પછી, તે તેનો મોટાભાગનો સમય વનસ્પતિશાસ્ત્ર પર વિતાવે છે. ૧૮૨૦માં તેણે તેના મિત્ર, જેમ્સ સ્મિથને લખ્યું હતું કે “મને વિજ્ઞાન માટે સૌથી વધુ ઉપયોગી લાગે છે તે કામ હોર્ટસ માલાબેરિકસ અને ફ્લોરા એમ્બોઇનેસિસ પર કોમેન્ટ્રી પ્રકાશિત કરવાનું છે” આ બંને ભારતમાં કાર્યરત યુરોપિયનોની અગાઉની પેઢીના વનસ્પતિશાસ્ત્રીઓનાં કામ છે.
જીવવિજ્ઞાનની શાખાઓમાં પ્રજાતિની શોધ કરનારનું સત્તાવાર નામ સંક્ષેપમાં નોંધવામાં આવે છે. આ રીતે ઘણી શોધમાં બુકાનનનું સંક્ષેપમાં નામ બુચ. હેમ. તરીકે જોવા મળે છે. તેમણે વર્ણવેલ છોડ અને પ્રાણીઓ પર તે લાગુ કરવામાં આવે છે, જો કે આજે સામાન્ય રીતે એકથિઓલોજીમાં (માછલીઓનું વિજ્ઞાન) જોવા મળે છે અને ‘ફિશબેઝ’ દ્વારા “હેમિલ્ટન, ૧૮૨૨” પસંદ કરવામાં આવે છે. હેમિલ્ટોન તેમનું ભારત છોડ્યા બાદ નું ઉપનામ હતું.
તેમના માનમાં જે ટેક્સન નામ આપવામાં આવ્યું છે તેમાંના કેટલાક જોઈએ તો સરિસૃપ શ્રેણીમાં – ફ્રાન્સિસ બુકાનન-હેમિલ્ટનનું સ્મરણ દક્ષિણ એશિયાઈ કાચબાની એક પ્રજાતિના વૈજ્ઞાનિક નામ જીઓક્લેમીસ હેમિલ્ટોની (બ્લેક પોન્ડ ટર્ટલ – કાળા તળાવના કાચબા) તથા માછલીઓમાં થ્રીસા હેમિલ્ટોની, બર્મીઝ ગોબીએલ ટેનીયોઇડ્સ બુકાનન (ડે. ૧૮૭૩) નોટ્રોપિસ બુકાનન મીક (૧૮૯૬) સાઇલોરહિન્ચસ હેમિલ્ટોની કોનવે, ડિટ્ટમેર, જેઝીસેક અને એચ.એચ. એનજી, મુલેટ ક્રેનિમુગીલ બુકાનન (બ્લીકર ૧૮૫૩) મુલેટ સિકામુગીલ હેમિલ્ટોની (ફ્રાન્સિસ ડે ૧૮૭૦) રામા રામા – રામા બુકાનિન (બ્લીકેર ૧૮૬૩), બ્રહ્મપુત્રાની અતિવિશિષ્ટ માત્ર બ્રહ્મપુત્રામાં જ જોવા મળતી માછલી વગેરેનો સમાવેશ થાય છે. આમ લગભગ ૭૦ ટેક્સાના નામ ફ્રાન્સિસ બુકાનન સાથે જોડાયા છે.
બુકાનન પ્રાકૃતિક ઇતિહાસની બહાર વ્યાપક રુચિઓ ધરાવતા હતા. તેમણે તેમની મુલાકાત લીધેલી જમીનો અને લોકો વિશે માહિતીના વિશાળ સમૂહને એકત્ર કરવા માટે નિરીક્ષણ અને ઝીણવટભરી રેકોર્ડિંગ માટેની આગવી જન્મગત પ્રતિભાનો ઉપયોગ કર્યો હતો. જો કે, આમાંની મોટાભાગની માહિતી તેમના સર્વે અહેવાલો, જર્નલો અને અન્ય હસ્તપ્રતોમાં અપ્રકાશિત રહી છે, અને તેથી આ ક્ષેત્રો માટે જ્ઞાનના નિર્માણમાં તેમની ભૂમિકાની ઓછી પ્રશંસા કરવામાં આવી છે. આતુર અને સક્ષમ વનસ્પતિશાસ્ત્રી હોવા છતાં, કમનસીબે તેમની બહુવિધ વનસ્પતિશાસ્ત્રીય શોધો ખાસ પ્રચલિત નથી. આ વિષય પરની તેમની મોટાભાગની સામગ્રી આર્કાઇવલ સંગ્રહોમાં અપ્રકાશિત છે. આમાં તેના મૂળ રેકોર્ડ્સ અને કાર્યકારી નોંધોનો પણ સમાવેશ થાય છે. વિશેષ તો ક્ષેત્રીય સ્તરેથી એકત્ર કરવામાં આવેલી ’અઢળક માહિતીની નોંધો’ને સુવ્યવસ્થિત કરવાની પોતાની આગવી પદ્ધતિ અને તેના પ્રકાશન માટે કરવામાં આવેલી ગોઠવણો માટેની ’આંકડાકીય’ કોષ્ટકોનો ડેટા બેઝ ઊભો કરવાની પદ્ધતિઓ દર્શાવે છે. આ પણ એક અલગ વિષય તરીકે બહાર લાવવાની જરૂર છે કારણ કે તે સમયે ડેટા કમ્પાઇલેશન માટે કમ્પ્યુટર્સ નહોતા. નેપાળના છોડને વર્ગીકૃત કરવા માટે જૂસીયુની પ્રાકૃતિક પ્રણાલી સાથેના તેમના પ્રયોગો અને યુરોપ અને જાપાન સાથે નેપાળી વનસ્પતિના જૈવ-ભૌગોલિક જોડાણોની તેમની માન્યતા – બ્રિટન અને ભારતમાં તેમના સાથી દેશવાસીઓ એ બંને કરતાં આગળ છે તે નોંધપાત્ર છે. ફ્રાન્સિસ બુકાનનનું જીવન એક જીવનચરિત્રકારના ધ્યાનની રાહ જોઈ રહ્યું છે જે તેની ઘણી રુચિઓ, પ્રવૃત્તિઓ અને પ્રભાવોને ન્યાય આપી શકે છે.
પૂર્વગ્રહોથી દૂર રહી પૃથ્વી પર વિલસતી પારાવાર કુદરત ને સુગ્રથિત રીતે દસ્તાવેજીત કરનારા તરીકે કોઈ પણ માનવી ને જોઈએ ત્યારે આ તમામ કેડી કંડારનારાઓનું મહામૂલું યોગદાન સમજી શકાય છે.
paryavaran.santri@gmail.com
(સંદર્ભ- ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો)
સૌજન્ય : “ભૂમિપુત્ર”’ 01 ઑક્ટોબર 2024; પૃ. 10 – 11 તેમ જ 23