‘મૉમ, માઈક ઈઝ આસ્કીંગ મી ફોર ડેટ, કેન આઈ ગો ?’ મારી સોળ વર્ષની પુત્રી પ્રિયાએ જ્યારે પ્રેમ અને વિશ્વાસથી મને આમ પૂછ્યું, ત્યારે ‘ના’ પાડવી અઘરી બની ગઈ; પણ ‘હા’ પાડવી એનાથી ય અઘરી હતી. હું ફકત એટલું જ બોલી શકી કે મને તારા માટે ડર લાગે છે. તરત કહે, ‘કેમ ?’ હું શું જવાબ આપું, આ એક શબ્દના પ્રશ્નનો ?
ત્રણ દીકરીઓમાં પ્રિયા સૌથી નાની અને એટલી ચાલાક કે તેણે સમયસૂચકતા વાપરીને મને ઝડપી હતી; જેથી હું કામ કે થાક અગર તો બીજું કોઈ બહાનું કાઢીને વાત ઠેલી ન શકું. એ માટે જરૂરી ધીરજ પણ એણે જાળવી હતી. મને રડું રડું જોઈ, એટલે કહે, ‘તું ચિન્તા ન કર. તારાથી છુપાઈને મારે કંઈ નથી કરવું, અને એટલે તો પૂછું છું.’ ચિન્તા ઘટી; પણ મુશ્કેલી વધી ! મેં કહ્યું કે મને વિચારવા માટે સમય જોઈએ. તે કહે, ‘ભલે, કેટલો ?’ એના ટૂંકાટચ ત્રણ પ્રશ્નોએ મને ખળભળાવી નાખી. મેં એક મહિનાનો ઓછામાં ઓછો સમય માંગ્યો. જાણે એને પણ મને પટાવવાનો એટલો સમય મળી ગયો હોય, તેમ એ ખુશ થઈ ઊઠી. કહેવા લાગી કે તારે જ્યારે પણ એ અંગે વાત કરવી હોય, ત્યારે મને કહેજે. હું તૈયાર જ છું. અમારો મા-પુત્રીનો અન્યોન્ય માટેનો વિશ્વાસ અત્યારે ચરમ સીમાએ હતો. સાથે સાથે કસોટી પર પણ હતો.
બીજા દિવસે પ્રેમથી પાસે બેસાડીને મેં મારી આ અત્યંત વહાલી પુત્રીને કહ્યું, ‘બેટા, માઈકને હું બહુ જાણતી નથી; તેથી હા કહી શકતી નથી.’ એ કહે, ‘તને મારો વિશ્વાસ નથી? તારે મારા થકી માઈકનો ભરોસો કરવાનો છે.’ અમારું વાક્યુદ્ધ શરૂ થયું. ‘બેટા, આ ઉમ્મરનો ભરોસો તારે પણ ન કરવો જોઈએ.’ મારી આ વાતનો તરત સ્વીકાર કરીને કહે, ‘હા, એ તો ખરું જ ને ! એટલે તો અમે લગ્નનું નહીં; ડેટીંગનુ વિચારીએ છીએ.’
અત્યાર સુધી અમારી વાત ચુપચાપ સાંભળતી, મારી મોટી પુત્રી નીતિએ વાતમાં ઝંપલાવ્યું. પ્રિયાને કહે, ‘પણ મમ્મી, ડેટીંગ વિશે જ કંઈ જાણતી નથી ! પહેલાં ડેટીંગ એટલે શું તે એને સમજાવ.’ એના પપ્પા ઘરમાં હોત તો મહાભારત જ સર્જાયું હોત. તે કદાચ બન્ને બહેનોને પહેલેથી જ ખબર હશે. મેં મારું (અ)જ્ઞાન દર્શાવ્યું, ‘મને ખબર છે ! ડેટીંગ એટલે છોકરો અને છોકરી લગ્ન થઈ ગયાં હોય, તેમ સાથે હરે-ફરે, અને પછી ન ફાવે તો લગ્નની ના પાડીને ઊભા રહે.’ પ્રિયા કહેવા લાગી કે ના, મમ્મી, એવું નથી …. વચ્ચે જ નીતિ કહે, ‘‘મમ્મીને એમ છે કે ડેટીંગમાં સેક્સ અનિવાર્ય છે. હવે તું એની સાથે ફોડ પાડીને વાત કર.’ ‘તું જ કહે ને !’ એમ જ્યારે મેં નીતિને કહ્યું ત્યારે ‘મારું એ ગજું નહીં,’ એમ કહી, એણે ચાલતી પકડી. આટલું કહેતાં પણ એને તકલીફ પડી હશે; કારણ કે તે જાણતી હતી કે મમ્મી જે વાતાવરણમાં ઉછરી છે, તેમાં સેક્સની વાત કરાય જ નહીં. અને માબાપ સાથે તો ભૂલેચૂકે પણ નહીં. પણ પ્રિયા પાસે ધીરજનો આજે ભંડાર હતો અને મારી તો એ વગર હાર જ હતી. એટલે પ્રિયાએ જ ફરી તંતુ સાંધ્યો. ‘એવું નથી મમ્મી, અમારી મિત્રતા આખી જિન્દગી ટકી શકે તે માટે વિશ્વાસ કેળવવા, અમે એકબીજાને નજીકથી ઓળખી શકીએ, મિત્ર તરીકે અત્યારે પણ ‘છૂટ’થી હરીએ–ફરીએ અને એકબીજાને સંભાળીને સમજી શકીએ તે માટે ….’ આમતેમ ડેટીંગ વિશે એણે મને ઘણું સમજાવ્યું; પણ મારું સમગ્ર ધ્યાન ‘છૂટ’ શબ્દ પર કેન્દ્રિત હતું. એટલે મારે કેટલી છૂટ આપવી તે વિચારવા માટે મને મળેલ સમય મારે ગુમાવવો નહોતો. ‘જોઈશું !’ કહીને મેં તત્કાળ પૂરતી ચર્ચાની સમાપ્તિ કરી.
બાપ–દીકરી વચ્ચે મોરચો ન મંડાઈ જાય તે માટે આ વાત યોગ્ય સમયે યોગ્ય રીતે મારા પતિ વિમલને કહેવાનું મેં વિચાર્યું હતું. સાંજે જ્યારે એણે પૂછ્યું કે ‘શું વિચારે છે? કેમ મુંઝાયેલી લાગે છે?’ ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું સ્વસ્થ નથી, અને આ વાત કરીશ તો મારાથી પણ વધારે તેઓ અકળાઈ ઊઠશે. ઉપરાંત મારી ક્યાં ભૂલ છે અને હવે કેમ સુધારવી તેના તાત્કાલીક ઉપાયો કરવા માટેનાં સૂચનો આપવા લાગશે. પછી અમારો આ કલહ મૂળ પ્રશ્ન પરથી અમારું ધ્યાન ચલિત કરી દેશે. એવા ડરથી એ સમયે હું ચુપ જ રહી. ગયા રવિવારની જેમ આ રવિવારે પણ એમણે કામ પર જવું પડશે કે કેમ ? એ પૂછતાં વાતની ગંભીરતા એમને સમજાઈ ગઈ અને અત્યારે આગળ કંઈ ન પૂછવામાં જ શાંતિ છે તે પણ સમજાઈ ગયું.
ત્રણ દિવસ પછી રવિવારની રજાના દિવસે દીકરીઓ (કદાચ અમને એકાંત આપવા જ) મામાને ઘરે ગઈ હતી. હું સવારમાં વહેલી ઊઠીને મારાં બધાં કામ આટોપી, ચાની સાથે પ્રેમનો કટોરો લઈને વિમલ સાથે વાત કરવા બેઠી; કે જેથી જે સમસ્યા ઊભી થઈ એમાં મારો જો કાંઈ વાંક હોય તો માફ કરી, આગળ શું કરવું તેમાં તેઓ દોરવી શકે. સંતાન, એમાં ય દીકરી, ખોટું કરતી જણાય ત્યારે તેની માતાનો વાંક કાઢવા પાછળ શું પિતાનો પુત્રી પ્રત્યેનો સ્નેહ હશે ?
આ દેશમાં આવ્યા એટલે એક વસ્તુ તો ખરી જ કે કોઈ પણ કૌટુંબિક સમસ્યા ઊભી થાય એટલે દોષનો ટોપલો અમેરિકન કલચર પર ઢોળીને હળવા થવામાં સરળતા રહે છે. આ હળવાશ સાથે જ અમે પણ વાત શરૂ કરી. દીકરી કેટલી ડાહી અને પ્રેમાળ છે, આપણો કેટલો બધો વિચાર કરે છે, હવે મોટી થઈ છે અને સ્વતંત્રપણે વિચારવા લાગી છે, એટલે એની પર નજર રાખવા માટે આપણી પાસે તેની પર વિશ્વાસ રાખવા સિવાયનો કોઈ વિકલ્પ હોય તો કહેવા મેં વિમલને આજીજી કરી. મારી મજબૂરીઓમાં પોતાની મજબૂરીનું પ્રતિબિંબ જોઈ, એ શાંત જ રહ્યા અને મને એક કિલ્લો સર કર્યાની હાશ થઈ!
પછી મેં તેને માઈક અને ડેટીંગ વિશે વાત કરી. માઈક સાથેનું પ્રિયાનું હળવું–મળવું એમને રુચતું નહોતું એ ખ્યાલ માઈકને પણ આવી ગયો હતો, તે મેં પ્રિયા પાસેથી જાણ્યું હતું; પણ આજે વાંધો માઈકનો નહીં; ડેટીંગનો હતો. મુખ્ય વિષય ‘ડેટીંગ’ થઈ ચુક્યો હતો; માઈક નહીં. આ નબળી પળોમાં અમારો પરસ્પરનો પ્રેમ છલકાતો હતો. પાંત્રીસ વર્ષો અમે સાથે રહી શક્યાં તે આ પ્રેમની નબળાઈને કારણે જ. આ જ નબળાઈ હવે દીકરીમાં જોવા મળે છે ત્યારે એને કેમ પોષવી ? એ મૂંઝવતો પ્રશ્ન હતો. વિમલ એકદમ જ ચુપ થઈ ગયા. સાથે સાથે ઉદાસ પણ ! પ્રિયાને આપણે સાથે મળી સમજાવવી પડશે એમ કહી, મેં એમની મદદ માંગી, ત્યારે વીંધી નાખતી સ્થિર નજરે એમણે મારી સામે જોયું અને હું ફરી ખળભળી ઊઠી.
ઉનાળાના વેકેશનની નિરાંતને કારણે પ્રિયા સાથે વાત કરવાનો પૂરતો સમય હતો. પણ વાત શું અને કેમ કરવી ? તે વિચાર કરવા છતાં સૂઝતું નહોતું. મામાને ત્યાંથી એ પાછી આવીને મને ભેટી. મને એવું લાગ્યું જાણે એ વહાલ લેવા નહીં; આપવા આવી હોય. માઈકની એમાં જીવનભરની ભાગીદારી માટે મારે તૈયારી કરવાની હતી. એક અજાણ્યા અમેરિકન છોકરા પર મારી વહાલી પુત્રીની સંભાળનો મારે વિશ્વાસ કરવાનો હતો. જ્ઞાતિ અને ધર્મના વાડાઓ કુદાવીને, ‘વસુધૈવકુટુંબકમ’ના વિચારોને પુસ્તકમાંથી જીવનમાં ઉતારવાની ક્ષણ ઘણી કપરી લાગી.
થોડા દિવસ પછી, એક સાંજે, હું ને પ્રિયા બહાર વરંડામાં હીંચકે બેઠાં. મારી મૂંઝવણો એ સમજશે એમ માનીને મેં કહ્યું કે માઈક સારો છોકરો જણાય છે અને ભણવામાં ઘણો હોશિયાર છે તે ખરું; પણ તે, તેનું કુટુંબ અને તેનો સમાજ, બધું આપણાથી અજાણ્યું આપણે એને સ્વીકારીએ; પણ એ આપણને કાયમ માટે સ્વીકારશે તેની ખાતરી શું ? તેનો જવાબ હતો કે : ‘ડેટીંગ દરમ્યાન અમારો પ્રેમ અને વિશ્વાસ દૃઢ થશે તો જ અમે પરણીશું; નહીંતર નહીં. અને તેના કુટુંબમાં કોઈને મારો વાંધો નથી અને હોય તો પણ; એ માઈકે સંભાળવાનું છે. રહી સમાજની વાત તો મમ્મી, મારો અને માઈકનો સમાજ એક જ છે – અમેરિકન. તમારો સમાજ જે ઈન્ડિયામાં છે તેને તો અમે ઓળખતાં પણ નથી, અને જે અહીં છે તે ભારતીય સમાજનાં અમારાં જેવડાં બાળકો અમને સમજી શકે, માબાપ નહીં.’
તે દિવસે મને ભાન થયું કે મારો અને મારાં સંતાનોનો સમાજ અલગ પડી ગયો છે. મારી મૂંઝવણો એને સમજાવવા કરતાં હવે તેની મૂંઝવણો મારે સમજવાની જરૂર છે તેનું પણ ભાન થયું. નીતિને સમજવામાં મેં બહુ મોટી ભૂલ કરી છે તેનો પણ અહેસાસ થયો. માબાપ તરીકે અમે એને સમજાવવામાં જ વ્યસ્ત હતાં; સમજવામાં નહીં. અન્તે અમે એને નહીં જ સમજી શકીએ તે નિરાશાએ એને અમારાથી દૂર કરી દીધી હતી. તે ઘરમાં જ હોવા છતાં; અમારી ચર્ચામાં ભાગ લેવા તો જ આવતી, જો એનાથી એની નાની બહેનને કંઈ ટેકો મળી શકે.
ગુનાહિત ભાવ સાથે મેં છેલ્લી દલીલ કરી કે, ‘મેં તારી મોટી બહેનોને આટલી બધી છૂટ નથી આપી અને હવે તને આપું તો મેં એમને અન્યાય કર્યો ગણાય.’
‘હમણાં જ પાછી આવું છું,’ એમ કહી પ્રિયા ઘરમાં જઈ નીતિને બોલાવી લાવી.
નીતિ કહે, ‘મને તો તેં અન્યાય કર્યો જ છે. હવે પ્રિયાને ન કરે તો સૌથી વધુ આનંદ મને થશે.’
ત્રીજી પુત્રી સુજાતા, અમે એના માટે પસંદ કરેલાં યુવાન સાથે પરણીને સાસરે સુખી છે. અને આ પ્રશ્ને અમારી કૌટુંબિક એકતામાં ભંગ ન પડે તેવા પ્રયત્નો તે દૂરથી ફોનમાં કર્યા કરતી.
અમારી હાર થઈ ચૂકી હતી પણ કબૂલવા અમે તૈયાર નહોતાં; તેમ છૂટ આપવા પણ તૈયાર નહોતાં. પ્રિયાના પ્રેમે એને ઘણી ધીરજ બક્ષી હતી. શાંત, મૃદુ અને પ્રેમાળ હાસ્ય સાથે વળી એક સાંજે મને કહે, ‘ચાલ, હું તને રસોઈમાં મદદ કરું.’ માબાપ દુ:ખી થતાં હોય તો તેને કેમ ખુશ કરવા તે કળા સંતાનોને હસ્તગત હોય છે. રસોઈ કરતાં કરતાં તે પૂછવા લાગી કે, ‘માઈક અને તેનો ભાઈ ચાર્લ્સ શુક્રવારની સાંજ આપણી સાથે ગાળવા આવી શકે?’ આમ તો એ બન્ને પ્રિયાના મિત્રવર્તુળમાં હોવાને કારણે અમારે ત્યાં આવતા રહેતા અને સાથે અન્ય મિત્રો પણ હોય જ. પ્રિયાને ખબર જ હતી કે તેના મિત્રો માટે અમારા ઘરના દરવાજા ખુલ્લા છે; તો પણ એણે પૂછ્યું તેનો મને આનંદ થયો. આ રીતે અમે માઈકના સીધા પરિચયમાં આવી શકીએ તે એનો હેતુ હતો.
પછીના શુક્રવારે સાંજે બન્ને ભાઈઓ અમારી સાથે જમ્યાં. ખૂબ સારી છાપ પાડીને ગયા. કિશોર વયના એ બન્ને ભાઈઓને રાતના આઠ વાગ્યા પછી ઘરબહાર જવાની છૂટ નહોતી. કાર અકસ્માતમાં તેમની માતાના મૃત્યુ પછી, એમના પિતાએ બીજાં લગ્નનો વિચાર કર્યા વગર, આ બન્ને બાળકોના ઉછેર પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. માઈક મને ખુલ્લા દિલનો પ્રામાણિક યુવાન લાગ્યો; છતાં મારી દીકરીની શક્ય નબળાઈઓ સાથે તે જીવનભર સાથ નિભાવે કે કેમ ? અને તેની શક્ય નબળાઈઓ પ્રિયાને જીવનભર સહ્ય હશે કે કેમ ? એ પશ્ન હું પ્રિયાના ધ્યાન પર મુક્યા વગર ન રહી શકી. ફરીને વાત ડેટીંગ પર આવીને ઊભી રહી. ‘એટલે જ તો અમે ડેટીંગનું વિચારીએ છીએ. હજુ લગ્નનું ક્યાં નક્કી છે ? એવું લાગશે તો અમે લગ્ન નહીં કરીએ, અને મમ્મી, તું શા માટે અત્યારથી લગ્ન સુધીનું લાંબું વિચારે છે ? હજુ ચારપાંચ વર્ષ તો અમારે ભણવાનું પણ બાકી છે. ડેટીંગ દરમ્યાન અમારી મિત્રતા વધુ ગાઢ નહીં થાય તો જીવનસાથી થવાનો સવાલ જ ઊભો થતો નથી !’ ‘મતલબ કે ડેટીંગ એટલે લગ્ન માટે જરૂરી મિત્રતા ગાઢ કરવાનો પ્રયાસ એમ જ ને ? તો પછી મને વચન આપ કે તું અમને પૂછ્યા વગર લગ્નનું નક્કી નહીં કરે.’ મેં આમ કહ્યું કે પ્રિયા તરત કબૂલ થઈ. તેથી મને હાશ થઈ. હજુ મારી પાસે ઘણો સમય છે. હું એને પાછી વાળી લઈશ. એમ મન મનાવીને મેં તેને ડેટીંગની છૂટ આપી.
થોડા દિવસ વિત્યા હશે ત્યાં અવઢવ સાથે પ્રિયાએ એક નવો પ્રશ્ન પૂછ્યો, ‘મોમ, તું કહેતી હોય છે કે જગતના બધા ધર્મો સમાન છે, બરાબરને ?’ મેં જવાબ આપ્યો, ‘હા, કેમ તારે ધર્મ તો નથી બદલવો ને ?’ મારું લોહી વેગથી દોડવા લાગ્યું. ‘નહીં, નહીં, મમ્મી ….’ ક્યારેક મૉમ અને ક્યારેક મમ્મી કહેતી એ મને શાંત કરવા લાગી. ‘માઈક બહુ સારો છોકરો છે. મને કહે છે કે તને હું ક્યારે ય ધર્મ બદલવાની ફરજ નહીં પાડું; પણ ……’ આગળ કંઈક કહેતાં તે અટકી ગઈ. ‘તો પછી શી વાત છે ? બોલને !’ મેં તરત સ્વસ્થતા ધારણ કરી પૂછ્યું. માઈક કહે છે, ‘આપણે ભવિષ્યમાં લગ્ન કરીએ તો આપણાં બાળકો અમારો ધર્મ પાળશે. તારાં માબાપને તેનો વાંધો નથી ને, તે પૂછી જોજે. પછી ત્યારે ધર્મનો ઝઘડો આપણાં વર્ષોના સંબંધ પર પાણી ફેરવે; તે કરતાં અત્યારથી અટકવું સારું !’ મેં કહ્યું કે, ‘ઝઘડો પોતે જ કોઈ પણ ધર્મની વિરુદ્ધની બાબત છે. માટે ધર્મ માટે ઝઘડવાની વાત તો બેબુનિયાદ છે; પણ તેને કહેજે ધર્મ માટે સહિષ્ણુ એવાં મારાં માબાપ, માંસાહારી ખોરાક માટે અસહિષ્ણુ છે. અને તું ફકત શાકાહારી રસોઈ જ કરી શકીશ એ પણ એને કહી દેજે.’ ઉછળેલાં દડાની જેમ મારી દીકરી બીચારી એના રૂમમાં જતી રહી. અમે તો આમે ય આ સમ્બન્ધ આગળ વિકસે એવું ઇચ્છતા નહોતાં.
હવે માઈક એકલો અવારનવાર અમારે ત્યાં આવવા લાગ્યો. પ્રિયા તેને ત્યાં જતી તે મને બહુ રુચતું નહીં; એટલે હું માઈકને વધુ પ્રેમથી સત્કારતી. માઈકના ડૅડીને પ્રિયા માટે સારો ભાવ છે એ જાણ્યા પછી, મને થયું કે અમારે વિઘ્ન ન બનવું જોઈએ. લગ્ન પહેલાં તેઓ ‘હદ’ નહીં ઓળંગે, તેની ખાતરી પણ માઈક પરના ધાર્મિક પ્રતિબંધોથી અને તેના વધુ પરિચયથી થઈ. એમના પર વધતા જતાં વિશ્વાસને કારણે મારો ડર ઘટતો જતો હતો. માઈક અમારી દુનિયામાં પ્રવેશ પામી ચુક્યો હતો. હવે તે પ્રિયાને છોડી દે તો પ્રિયાની શી હાલત થાય, તેની ચિંતા મને અકારણ થવા લાગી હતી ! બન્ને મોટી બહેનો મારી આ ચિંતા પર પ્રહાર કરતાં કહે, ‘અત્યારે તો તારે કારણે પ્રિયા એને છોડી દે એવી શક્યતા વધારે છે. અને એમ થાય તો માઈકની મનોદશા શી થાય તેનો તને ખ્યાલ છે ?’
સુકાન મારા હાથમાં છે તે ભ્રમ ભાંગતાં પીડા ઘણી ય થઈ; પણ સાથે એક પ્રકાશ પણ મનમાં પડ્યો કે પોતાના બાળકની શક્તિનો અંદાજ માબાપ એમના પરની સત્તાની અંધતાને કારણે લગાવી શક્તા નથી.
આઠ વર્ષ જોતજોતામાં વીતી ગયાં. પ્રિયા અને માઈક બંને ડૉક્ટરેટની ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી સ્વનિર્ભર થઈ, લગ્ન માટેની તૈયારી કરવા લાગ્યાં. આ વર્ષો દરમ્યાન માઈક અને પ્રિયાના ડૅડી વચ્ચે પણ વિશ્વાસ બંધાયો હતો. વિરોધનાં બધાં વમળો શમી ચુક્યાં હતાં. ક્યારેક પ્રિયા અને માઈક નાનાં બાળકોની જેમ ઝઘડી પડતાં અને અમને એની જાણ થાય તે પહેલાં તો અમારી સામે બન્ને હસતાં ઊભાં હોય ! માઈક ગુજરાતી બોલવાની કોશિશ કરતો ત્યારે ઘર ખડખડાટ હાસ્યથી ભરાઈ જતું. આવે ત્યારે ‘ખેમ ચો?’(કેમ છો?)થી શરૂ કરી, જાય ત્યારે ‘આવજો’ સુધી ગુજરાતી શીખવાની તેની કોશિશ ચાલુ રહેતી.
બન્ને પક્ષનાં માબાપની ખુશી માટે લગ્ન હિન્દુ વિધિથી અને ખ્રિસ્તી ધર્મની વિધિથી, એમ વારાફરતી બે દિવસ ઉજવવાનું નક્કી થયું. બન્ને પ્રસંગે, બન્ને પક્ષના કુટુમ્બીજનો અને સ્નેહીમિત્રોની હાજરીમાં મેંદી રંગ્યા હાથે પ્રિયાએ, ગુજરાતી વરરાજાના પોશાક સાથે સાફો પહેરેલા માઈકના ગળામાં વરમાળા આરોપી. બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે ફેરા ફર્યાં. બીજા દિવસે લગ્નના સફેદ પોશાકમાં પવિત્રતાની મૂર્તિ સમી પ્રિયા અને ‘Made in India’ ટાઈ સાથે બ્લ્યુ સુટમાં સજ્જ માઈક ‘I do’ કહી પાદરીની હાજરીમાં વચનબદ્ધ થયાં. વડીલોના આશીર્વાદ માટે પ્રણામ કરવા માઈક પ્રિયાને અનુસર્યો અને માઈકના કુટુમ્બીઓ સાથેના ડાન્સમાં પ્રિયા જોડાઈ. પૂરો ખ્યાલ રાખી ‘something new, something old, something blue, something borrowed’નો શણગાર સજી પ્રિયાએ માઈક સાથે સહજીવનને પંથે પ્રયાણ શરૂ કર્યું ત્યારે મારાં અશ્રુમાંથી કવિ દાદનું આ વિદાયગીત ટપકતું હતું :
કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રુવે જેમ વેળુમાં વીરડો ફૂટી ગ્યો
સમ્પર્ક : 5022-Redvine way, Hixson, TN 37343, USA
ઇ.મેલ: rekhasindhal@comcast.net લેખિકાનો બ્લોગ : http://axaypatra.wordpress.com/
સૌજન્ય : “સન્ડે ઈ–મહેફીલ” – વર્ષ : આઠમું – અંક : 266 – March 24, 2013