‘ભાઈ ! મારી કથા અધૂરી છે. તમે અત્યારે બીજે ગામ જઈ આવો અને પછી આવો તો હું મારી કથા પૂરી કરી શકું.’
ભવાયાનો નાયક કહે : ‘અમારા વેશ પણ ભજવાવા શરૂ થઈ ગયા છે. એ અધૂરા મૂકીને અમે બીજે ગામ શા માટે જઈએ ?’
શામળે વિનંતી કરી : ‘તો તમે ભવાઈ થોડી મોડી શરૂ કરો. હું વહેલી કથા માંડીશ અને રાત થતાં પૂરી કરીશ. લોકો જમી-પરવારી તમારી ભવાઈ જોવા આવશે.’
ભવાયાનો નાયક કહે : ‘અમે ગામલોકો થોડા નવરા છીએ તે બીજી વાર આવીએ ? અમારો સમય નહીં બદલાય.’
શામળે વિનંતી કરી : ‘ભાઈ ! મારી રોજીરોટીનો સવાલ છે. હું પણ તમારા જેવો જ લોકો પર નભતો પુરાણી છું. કથાકાર છું. આપણે એકબીજાને અનુકૂળ બનવું જોઈએ.’
ભવાયાનો નાયક કહે : ‘લોકોનું મનોરંજન કરીને કમાતા કલાકારોમાં તો જે લોકોને આકર્ષી શકે તે કમાણી કરે. તારામાં જો લોકોને કથા સાંભળવા પકડી રાખવાની તાકાત ન હોય તો પુરાણી તરીકેનો ધંધો છોડી દે ને લોટ માગવાનું શરૂ કર !’
આ સાંભળતાં શામળનું સ્વમાન ઘવાયું. ભવાઈ-વેશ ભજવનારા ભવાયાના એક નાયક અને શામળ નામે એક કથાકાર વચ્ચે અમદાવાદના વેગણપુર પરામાં આ ચડભડ ચાલી રહી હતી. વેગણપુર એટલે આજનું ગોમતીપુર. એણે નક્કી કર્યું ભવાયાનો ગર્વ ઉતારવો જોઈએ. લોકોને ગમે અને એમનું મનોરંજન કરે એવી વાર્તાઓ જ શ્રોતાઓને કહેવાય તો જરૂર બધાને રસ પડે. શામળમાં વાર્તા કહેવાની શક્તિ હતી. તે વાર્તાને પદ્યમાં રજૂ કરવાની કવિ જેવી શક્તિ હતી. આ શક્તિને કામે લગાડીને શામળે બત્રીશ-પૂતળીની વાર્તા માંડી. આ વાર્તાઓ એવી સરસ રીતે કહેતો કે લોકો ભવાઈ જોવાનું છોડીને શામળની વાર્તાઓ સંભાળવા લાગ્યા.
આમ આ બનાવ પછી શામળે ધર્મકથા કહેનારા પુરાણી તરીકેનો વ્યવસાય છોડી દીધો અને લોકરંજક પદ્યકથાઓ રચીને તે કહેવાનું શરૂ કર્યું. વાર્તાકાર તરીકે ગુજરાતમાં એની નામના થઈ.
માતર પરગણાના સિંહુજ ગામના મોટા જમીનદાર રખીદાસ વાર્તા સાંભળવાના રસિયા હતા. એમણે શામળને માનપાન સાથે સિંહુજ બોલાવ્યો અને વસવાટ તથા સ્થાયી આજીવિકાની વ્યવસ્થા કરી આપી. આથી શામળે રખીદાસના આશ્રયે સિંહુજ ગામમાં રહીને અનેક વાર્તાઓ રચી. એ પોતાની વાર્તા રાત્રે શ્રોતાઓ સમક્ષ વાંચતો. આ વાર્તાઓ એટલી રસપ્રદ હતી કે શ્રોતાઓ રાતોની રાત વાર્તાઓ સાંભળતા. બાળપણમાં વિક્રમ-વૈતાલની કે બત્રીસ પૂતળીની વાર્તાઓ કોણે નહિ વાંચી હોય ? રાજા વીર વિક્રમને ખભે ચડી બેઠેલા વૈતાલ અને સિંહાસન પર બેસવા જતા રાજા વિક્રમને સિંહાસનમાં કોતરેલી એક પૂતળી રોજ નવી નવી વાર્તા કહે છે … લખાયેલી આ વાર્તા હજી લોકો પ્રેમથી વાંચે છે. અમદાવાદના વેગણપુર(હાલના ગોમતીપુર)માં વસનાર આપણા પદ્ય-વાર્તાકાર શામળ ભટ્ટે મધ્યકાલીન સાહિત્યમાં પદ્યવાર્તાઓ લઈ આવનાર એકમાત્ર કવિ શામળ છે.
આ સાહિત્યના ભંડારમાં તેણે અસંખ્ય રસભરપૂર પદ્યવાર્તાઓ આપી મધ્યકાલીન સમયની કાવ્યગંગાને વહેતી રાખી છે. તે પછી તેણે સાંસારિક અને ચમત્કારિક વસ્તુઓ તરફ પોતાની દષ્ટિ દોડાવી. શામળને પરંપરાથી ચાલી આવતી લોકવાર્તાઓનો ભંડાર મળ્યો. ‘સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર’ જેવી પંક્તિઓ દ્વારા એણે એનો મુક્તપણે સ્વીકાર કર્યો છે. ‘સિંહાસન બત્રીસી’ અને ‘સૂડાબહોતેરી’ જેવી એની વાર્તામાળાઓ કે એની સ્વતંત્ર લાગતી વાર્તાઓના ક્થાઘટકો પુરાણકથાઓમાંથી જ પ્રાપ્ત થયેલા છે. સંસ્કૃત, હિન્દી વગેરેના જાણકાર આ બહુશ્રુત કવિએ જૂની ગુજરાતીના જૈન સાહિત્ય અને કંઠસ્થ તેમ જ ગ્રંથસ્થ સાહિત્યનો આધાર લીધો. ‘નંદબત્રીસી’ની તેની વાર્તાઓ તેની મૌલિક રચના છે. ઉપરાંત તેનું પ્રસંગને ખીલવવાનું કૌશલ્ય, તેની નિરૂપણશૈલીની આગવી વિશિષ્ટતા, રસની જમાવટ કરવાની અનોખી શક્તિ અને વાર્તા કહેવાની કલાયુક્ત ચાતુરી – તેનાં સર્જનતત્ત્વો છે.
એની લોકપ્રિયતાનાં બીજાં કેટલાંક આકર્ષક તત્ત્વો છે. તે તત્ત્વો તે વાર્તામાં આવતી પેટાવાર્તા કે એક વાર્તાના અંતમાં બીજી વાર્તાની ભૂમિકા સાંકળીને શ્રોતાઓના કુતૂહલને જારી રાખવાનું તેનું નૈપુણ્ય છે. જુદી જુદી જ્ઞાતિઓ, તેમના વ્યવસાય, વ્યક્તિનામો, રીતરિવાજ, સામાજિક-ધાર્મિક અને શુકન-અપશુકન સંબંધી માન્યતાઓ, વહેમો શામળના સમયની માહિતી તેની વાર્તાઓમાંથી મળે છે. શામળ આપણા પદ્યવાર્તાકાર છે. મધ્યકાલીન સાહિત્યમાં પદ્યવાર્તાઓ લઈ આવનાર એકમાત્ર કવિ. અમદાવાદનું હાલનું ગોમતીપુર ૧૮મી સદીમાં વેગણપુર તરીકે ઓળખાતું હતું. કવિ, આખ્યાનકાર અને પદ્યવાર્તાકાર શામળ વિરેશ્વર ભટ્ટે (રચનાકાર તરીકે ઈ. ૧૭૧૮ થી ઈ. ૧૭૫૬માં કાર્યરત) વ્યવસાયનો આરંભ કથાકાર તરીકે કર્યો હતો. નાના ભટ્ટ પાસેથી સંસ્કૃતનું જ્ઞાન મેળવીને શામળ ભટ્ટ સંસ્કૃત ભાષાનાં પુરાણો વાંચતા અને તેમના ભાવિક શ્રોતાઓને ગુજરાતીમાં પુરાણકથા કહેતા હતા. એમનામાં કવિત્વ શક્તિ હતી એટલે પુરાણો અને આખ્યાનો ગુજરાતી પદ્યમાં રચીને સંભળાવતા અને વચ્ચે વચ્ચે જ્ઞાન સાથે ગમ્મત મળે તેવા છપ્પાઓ રચીને સંભળાવતા હતા. આથી સામાન્ય કથાકાર કરતાં લોકોને આ કવિકથાકારમાં વિશેષ રસ પડતો હતો. દિવસે દિવસે પુરાણી તરીકે શામળને ખ્યાતિ મળવા લાગી અને ભાવિક શ્રોતાઓની સંખ્યા વધવા લાગી. શ્રોતાઓ આવે, કથા સાંભળે અને પોથી ઉપર જે કંઈ અનાજ, ફળ અને પાઈ-પૈસો મૂકે એની આવકથી શામળનો ગુજારો થતો રહેતો.
વેગણપુરમાં ભવાયા આવ્યા. એ જમાનામાં નાટક ને ફિલ્મ જેવું તો મનોરંજનનું કોઈ જ સાધન ન હતું. આથી જ્યારે જ્યારે નટ, ભવાયા આવે. આ બાજુ શામળની કથા ચાલે ને સામે ભવાયાની ભવાઈ થાય. આવી ચડસાચડસીમાં – સ્પર્ધામાં ગુજરાતી સાહિત્યને સુંદર – અમર પદ્યવાર્તાઓ મળી જે હજી અઢીસો વર્ષે ય રસભરપૂર અને તાજગીપૂર્ણ લાગે છે.
સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018; પૃ. 30-31