કોઠે પડ્યું છે જેટલું એ છોડવું પડશે હવે,
જાગી સમયની સાથ જીવન જોડવું પડશે હવે.
આતંકમાં રાચી રહેલી આંખ જ્યારે ખૂલશે—
માનવ થવાને તે પછી કૈં દોડવું પડશે હવે
છે પ્રેમની ભાષા મહીં ધિક્કારનું જે છળકપટ,
આ વ્હેણ ભાષાનું સવેળા મોડવું પડશે હવે.
આ ધર્મસંતોના ઘમંડો શ્વાસમાં લ્હેરી રહ્યા
નક્કર અહમનું ગૂમડું એ ફોડવું પડશે હવે.
ચારે તરફ ચાલી રહ્યું છે અરણ્યરૂદન દોસ્ત હે !
ત્યાં સ્વાર્થનું જાળું થયું તે તોડવું પડશે હવે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 28 ઍપ્રિલ 2020