દલિતો પર વિવિધ પ્રકારના અત્યાચાર આખા દેશમાં અને ગુજરાતમાં ઠેરઠેર થયા જ કરે છે અને તેના સમાચારો આપણા સુધી પહોંચ્યા કરતા હોય છે. તે વિશે કાયમ ચિંતા અને મનોમંથન ચાલ્યા કરતું હોય છે, પરંતુ આ વખતે ઉનામાં બનેલી ઘટનાએ જાણે બધાને અંદરથી હલાવી મુક્યા છે. આ ઘટનાના વિરોધમાં અને ફરી આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે ૩૧મી જુલાઈના રોજ અમદાવાદમાં આશરે ૨૦,૦૦૦ લોકો ભેગા થયા અને દલિતો સામે થતા અત્યાચારના વિરોધમાં મહાસંમેલનનું આયોજન યોજાયું. ત્યાંથી એમ પણ જાહેરાત કરવામાં આવી કે પાંચથી ૧૫ ઑગસ્ટ દરમિયાન એક યાત્રા અમદાવાદથી નીકળી ઉના પહોંચશે અને ત્યાં ધ્વજવંદન કરી સ્વતંત્રતાદિવસની ઉજવણી થશે.
દરમિયાન સર્વોદયના સાથીઓ વારાણસીમાં ૨૮થી ૩૦ જુલાઈ દરમિયાન એક બેઠક માટે ભેગા થયા હતા, ત્યારે ગુજરાતમાં દલિતોના પ્રશ્ન માટે, ખાસ કરીને તાત્કાલિક ધોરણે ઉનાના પ્રશ્નને લઈને તરત જ કંઈક કરવું જોઈએ એવું એક સૂરે નક્કી થયું. ત્યાં પણ એક યાત્રા કરવી એવો પ્રસ્તાવ આવ્યો હતો. છેવટે નક્કી થયું કે મોટા સમઢિયાળા જઈ પીડિતોની મુલાકાત લેવી અને તેમની પડખે ઊભા રહી તેમને હિંમત આપવી.
૯મી ઑગસ્ટના રોજ સર્વોદય અને ગાંધીવિચારના ૧૦ કાર્યકર્તા, જેમાં સેવાગ્રામ આશ્રમ-પ્રતિષ્ઠાનના અધ્યક્ષ જયવંત મઠકરજી, સર્વ સેવા સંઘના અધ્યક્ષ મહાદેવ વિદ્રોહી, લોકસમિતિ તરફથી નીતા મહાદેવ વિદ્રોહી, મુંબઈ સર્વોદય મંડળના અધ્યક્ષ જયંત દીવાન, વિનોબા આશ્રમ-ગાગોદેના વિજય દીવાણ, શંકર બગાડે, રામકૃષ્ણ દિઝસકર, સદ્ભાવનાસંઘના શેખ હુસૈન, મુદિતા વિદ્રોહી અને ધીમંત બઢિયા વગેરે ઉના જવા રવાના થયાં. યાત્રાની શરૂઆત સાબરમતી આશ્રમમાં હૃદયકુંજના ઓટલા ઉપર પ્રાર્થના સાથે થઈ.
આ દરમિયાન દલિત અસ્મિતાયાત્રા બરવાળા પહોંચી હતી. રસ્તામાં તેમની મુલાકાત લીધી. દલિત અસ્મિતાયાત્રા જિજ્ઞેશ મેવાણીના નેતૃત્વ હેઠળ ચાલી રહી હતી અને આ યાત્રાને ગામેગામથી સારો પ્રતિભાવ મળી રહ્યો હતો. તે દિવસે જિજ્ઞેશને તાવ હતો અને તબિયત ઠીક ન હોવાને કારણે તેઓ બરવાળામાં હતા, તેથી પહેલા તેમને ત્યાં મળવા ગયા. તેમની સાથે મિત્રોએ સારી ચર્ચા કરી. વિજય દીવાણ જન્મે બ્રાહ્મણ અને સર્વોદય કાર્યકર્તા છે. મહારાષ્ટ્રમાં મૃત પશુઓનું ચામડું ઉતારવાનું કામ કરે છે, જેથી દલિતોને આ કામમાંથી મુક્તિ મળે. તેમણે જિજ્ઞેશ મેવાણીને કહ્યું કે મહારાષ્ટ્રમાં દલિતોએ ઘણા સમયથી ચામડું કાઢવાનું કામ બંધ કરી દીધું છે. ગુજરાતના દલિતોએ પણ બંધ કરી દેવું જોઈએ. જિજ્ઞેશને પૂછ્યું કે તે આગળ શું કરવા માગે છે, ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ દરેક દલિત પરિવાર માટે પાંચ એકર જમીનની સરકાર પાસે માગણી કરે છે, જેમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. જો સરકાર આ વાત નહીં માને તો તેઓ રેલ રોકો આંદોલન કરશે. મહાદેવ વિદ્રોહીએ કહ્યું કે ગુજરાતમાં ભૂદાનની જમીન પણ વણવહેંચાયેલી પડી છે. આ જમીન પણ ભૂમિહીન દલિતોમાં વહેંચાય, તે માટે માગણી કરવી જોઈએ.
જિજ્ઞેશને મળીને અમે સૌ યાત્રા આગળ જ્યાં પહોંચી હતી ત્યાં પહોંચ્યાં. લગભગ બોટાદ પહેલાં એક જગ્યાએ, ત્યાં અન્ય મિત્રો અને દલિત અસ્મિતાયાત્રા સાથે સંકળાયેલા રાહુલ શર્મા, પ્રતીક સિંહા તેમ જ અન્યો સાથે મુલાકાત થઈ. યાત્રામાં પોલીસ ખૂબ મોટી સંખ્યામાં સાથે જ હતી. યાત્રાને મળીને અમે પાછા ઉના તરફ નીકળ્યાં. ગુજરાત લોકસમિતિના આંદોલનના સ્થળ મીઠી વિરડીની મુલાકાત અન્ય મિત્રોને પણ થાય તે હેતુથી ત્યાં ગયાં. ગામલોકોને મળ્યાં અને મીઠી વિરડીના અણુમથક વિરોધી આંદોલનથી બધાને માહિતગાર કર્યાં.
ત્યાંથી નીકળી લગભગ રાતે દસેક વાગ્યે ઉના પહોંચ્યાં. અહીં ગીર વિકાસમંડળના આનંદવાડી પરિસરમાં મુરબ્બી નવનીતભાઈ ભટ્ટની મદદથી રહેવાની વ્યવસ્થા થઈ હતી. નવનીતભાઈ સાથે થોડું બેસવાનું થયું, ત્યારે તેમણે પણ ત્યાંના સ્થાનિક પ્રશ્નો, દલિતોની સ્થિતિ તેમ જ હાલમાં બનેલી ઘટના વિશે અમને વિશેષ માહિતગાર કર્યા. સ્થાનિક વ્યક્તિઓ પાસેથી વધુ નક્કર માહિતી અને માર્ગદર્શન મળે તે અમને નવનીતભાઈ પાસેથી મળ્યું.
ચર્ચા દરમિયાન વાત નીકળી કે જો દલિતો ચામડું કાઢવાનું કામ બંધ કરી દેશે, તો અન્ય કયા રોજગાર તેમને મળશે? વિજય દીવાણનો જવાબ એ હતો કે બાબાસાહેબ આંબેડકરના આવાહન પર મહારાષ્ટ્રમાં દલિતોએ ચામડું કાઢવાનું કામ બંધ કર્યું, પણ તેઓ કંઈ ભૂખે નહોતા મર્યા. તેઓ શહેરોમાં ગયા તથા અન્ય કોઈ ને કોઈ વૈકલ્પિક રોજગાર તેમણે શોધી લીધો. જો ગુજરાતના દલિતો ચામડું કાઢવાનું બંધ કરશે, તો તેઓ પણ ભૂખે નહીં મરે. કોઈક રસ્તો ચોક્કસ નીકળશે. અહીં પ્રશ્ન માત્ર ગૌરક્ષાનો નથી, પ્રશ્ન જાતિ-નિર્મૂલનનો છે.
બીજે દિવસે સવારે, ૧૦ ઑગસ્ટના રોજ, અમે ઉનાથી નીકળી મોટા સમઢિયાળા ગયાં જ્યાં પીડિતો રહે છે. પીડિતોને તેમના ઘરે મળતા જતાં પહેલાં અમે તે જગ્યાએ ગયાં, જ્યાં મૃત પશુઓનું ચામડું કાઢવામાં આવે છે. આ એ જ જગ્યા છે જ્યાં આ ચાર દલિત યુવાનોને મારવામાં આવ્યા હતા. આ જગ્યા ગામથી લગભગ ચાર-પાંચ કિલોમીટર દૂર એક નાની ટેકરી ઉપર છે. ત્યાં ઢોરનાં હાડકાં વિખેરાયેલાં પડ્યાં હતાં.
એ પછી ગામમાં આવ્યાં અને પીડિત યુવાનોના ઘરે પહોંચ્યાં. નીતાબહેન તેમને ત્યાં પહેલાં પણ પી.યુ.સી.એલ.ની ફૅક્ટ-ફાઇન્ડિંગ કમિટીના સભ્ય તરીકે મામલાની તપાસ માટે આવી ચૂક્યાં હતાં. ગામમાં પ્રવેશતાં જ નાકા ઉપર પોલીસના ઘરની આસપાસ પણ પોલીસનો પહેરો છે. ચારે ય પીડિતો સાથે મુલાકાત થઈ. સાથે તેમનાં માતા-પિતા તથા કુટુંબના અન્ય સભ્યો સાથે પણ મુલાકાત થઈ. પહેલાં રાજકોટ અને પછી અમદાવાદથી સિવિલ હૉસ્પિટલમાં સારવાર લઈને આવ્યા પછી પણ હજી યુવાનોની સ્થિતિ તદ્દન સુધરી ગઈ છે તેવું નથી. ઉંમરમાં પણ ઘણા નાના છે. આખી ઘટનાનો તેમના ઉપર માનસિક આઘાત પણ ઘણો ઊંડો લાગ્યો છે. હજી તે લોકો ઘણી દહેશતમાં છે. એક ભાઈના હાથ પર હજી પ્લાસ્ટર છે. બે જણને મારના લીધે કાનના પડદામાં નુકસાન થયું છે, જેનું ઑપરેશન કરાવવાનું છે. તેઓએ અમને તે દિવસે બનેલી ઘટનાનો વિસ્તૃત ચિતાર આપ્યો. સાંભળતા રુંવાડાં ઊભાં થઈ જાય એવી યાતનામાંથી તેઓ પસાર થયા હતા. એક સારી વાત એ બની કે જે મરેલી ગાયનું ચામડું તેઓ ઉતારી રહ્યા હતા તેના માલિક બાજુના ગામના છે, તેમણે પોલીસને પોતાનું બયાન આપ્યું કે ગાય મરી ગઈ હતી અને તેમણે જ આ લોકોને તેને ઉપાડી જવા બોલાવ્યા હતા. બીજી એક સારી વાત એ પણ જાણવા મળી કે ગામમાં સરપંચને બાદ કરતાં તમામ ઘરેથી લોકો આ પરિવારને મળવા, તેની તબિયત જોવા અને સાંત્વના આપવા આવ્યાં. આમાં તમામ બિન-દલિત પરિવારોનો સમાવેશ પણ થાય છે. એ વાત આગળ વધારવાની જરૂર છે. દલિતો અને બિન-દલિતોએ દીવાલ ઊભી કરવાને બદલે વધારે નજીક આવવાની જરૂર છે. આપણા પ્રયત્નો પણ તે પ્રકારના જ હોવા જોઈએ. જો એમ નહીં થાય તો દરેક પોતપોતાના વાડામાં જ રહેશે અને નાતજાતની લીટી કદી ભૂંસાશે જ નહીં.
ચાર યુવાનો-વશરામ, અશોક, રમેશ અને બેચરભાઈ સાથે વાત કરતાં જાણ્યું કે ચામડાના કામમાંથી તેઓ મહિને આશરે બારેક હજાર રૂપિયા કમાય છે. તેમનામાંથી કોઈ પણ ભણ્યું નથી. એમની પાસે એક છકડો છે. જ્યારે પણ પશુના મરવાની ખબર મળે, ત્યારે તેને એમાં લાદીને એ લોકો લઈ આવે છે. એક ઢોરનું ચામડું વેચતાં તેમને આશરે ૩૦૦ રૂપિયા મળે છે.
યુવાનો અને તેમના પિતા હજી ખાસ્સા ભયભીત છે. તેમને બીક છે કે અત્યારે નહીં તો પછી પણ એમની પર કોઈક ને કોઈક રીતે હુમલો જરૂર થશે. રોડ પર નીકળશે, તો અકસ્માત પણ કરીને જતા રહેશે. આ વાતો સાંભળી સેવાગ્રામ આશ્રમના અધ્યક્ષ જયવંત મઠકરજીએ તેમને કહ્યું કે જો તેઓ ઇચ્છે તો સેવાગ્રામ આશ્રમમાં રહેવા આવી શકે છે. જો તેઓ આવવા માગતા હોય, તો દરેક પરિવાર માટે ૨૫ વર્ષ સુધી તેઓ રહેવાની વ્યવસ્થા કરી આપશે. તે ઉપરાંત, પરિવાર દીઠ પાંચ-પાંચ એકર ખેડવા માટે જમીન અને બાળકો માટે મફત શિક્ષણની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે.
અહીંનાં બાળકો બહુ ઓછું ભણે છે, તેથી નીતા મહાદેવે તેમને જણાવ્યું કે બાળકો ગુજરાતમાં ગમે ત્યાં બુનિયાદી શિક્ષણની સંસ્થાઓમાં અભ્યાસ કરવા જઈ શકે તેવી ગોઠવણ તેઓ કરી આપવા તૈયાર છે. આ વ્યવસ્થા છોકરાઓ અને છોકરીઓ બંને માટે થઈ શકે. આ વાત પણ તેમને ખૂબ સારી લાગી. એ ઉપરાંત, તેમને એમ પણ કહેવામાં આવ્યું કે જો તેઓ કોઈ પણ પ્રકારની વ્યાવસાયિક તાલીમ લેવા માંગતા હોય, તો તે માટે પણ વ્યવસ્થા કરવામાં મદદરૂપ થઈશું.
આ ઉપરાંત, સેવાગ્રામ આશ્રમ, સર્વસેવા સંઘ, ગુજરાત લોકસમિતિ અને સદ્ભાવનાસંઘ મળીને પીડિતોને રૂ. ૫૦,૦૦૦/-ની આર્થિક મદદ પણ કરશે. આ વાતની જાણ પણ પીડિતોને કરવામાં આવી. પરિવાર સાથે ખૂબ નિરાંતે વાત થઈ. તેમને પણ સારું લાગ્યું તેવું અમને બધાને લાગ્યું. તકલીફના સમયે બારણે જઈને પડખે ઊભા રહેવું, તેની એક ખૂબ મોટી ભૂમિકા હોય છે.
ત્યાંથી પાછાં આવી ૧૧મી ઑગસ્ટે અમદાવાદમાં ગાંધીઆશ્રમ પાસે ઇમામ મંઝિલમાં તમામ લોકો એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેઠાં. તેમાં ગાંધીઆશ્રમમાં દલિત ભાઈ-બહેનો પણ જોડાયાં હતાં. આનો મુખ્ય હેતુ દલિત-અત્યાચાર સામેની લડાઈમાં સર્વોદય અને ગાંધીયન મિત્રોની નિસબત અને ભાગીદારી વ્યક્ત કરવાનો હતો. શહેરના નિસબત ધરાવતા અન્ય નાગરિકો, વ્યક્તિગત રીતે અને સંસ્થાકીય રીતે આ કાર્યક્રમમાં જોડાયા. એકંદર પ્રતિસાદ ખૂબ સારો મળ્યો.
૧૧મીએ સાંજે ગાંધીઆશ્રમની પ્રાર્થનાભૂમિમાં સર્વધર્મપ્રાર્થના કરીને ઉપવાસ પૂરો કરવામાં આવ્યો.
આવનાર દિવસોમાં સમાજ પ્રગતિ કરી જાતપાતના વાડામાંથી બહાર આવવા મથશે, તેવી આશા.
e.mail : mvidrohi@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 07-08