અમેરિકા છેક 1865 સુધી ગુલામીનું કલંક હતું. કાળા હબસી લોકો − થોડાઘણા નહીં, 31 લાખ હબસીઓ ગુલામ હતા. તેને ઢોરની જેમ રાખતા, ઢોરની જેમ ટીપતા, ઢોરની જેમ વેચતા. માને એક જણને ત્યાં વેચે, એના છોકરાને બીજાને ત્યાં વેચે, પતિને ત્રીજાને ત્યાં. આ હબસી ગુલામોના 90 ટકા અમેરિકાના દક્ષિણ ભાગમાં હતા. તેમના લોહી – પરસેવાથી મબલક કપાસ, ડાંગર, શેરડી પાકતાં.
આ કલંક સામે લડનારાં પણ હતાં. બે નામ તો એ કલંકકથા જાણનારાંને હોઠે ચડી ગયાં છે. વિલિયમ લોઈડ ગેરીસન અને ‘ટોમકાકાની ઝૂંપડી’(‘અંકલ ટોમ્સ કેબિન’)ની લેખિકા હેરિયટ બીચર સ્ટો. એ ચોપડીએ દેશ-પરદેશનાં હૈયાંને હચમચાવ્યાં. સારાં સારાં પુસ્તકોથી પણ મોટા ફેરફાર થાય છે, તેનો નમૂનો આ ‘અંકલ ટોમ્સ કેબિન’ છે. એ જમાનામાં તેની લાખો નકલો છપાઈ અને ઘણી બધી ભાષામાં તેના અનુવાદો થયા. તેના પરથી પાર વગરનાં નાટકો પણ ભજવાયાં.
લેખિકાને મળવા પ્રમુખ લિંકને નિમંત્રણ આપેલ. તેને જોઈને કહે, ‘આટલી નાની સન્નારીએ આવડી મોટી લડાઈ સળગાવી !’ ઉત્તર અને દક્ષિણ વચ્ચેનું તે અસાધારણ યુદ્ધ હતું. ગુલામી રાખવાવાળા અને ગુલામી નહીં રાખવાવાળા બંને ગોરા ભાઈઓ હતા. એક જ ‘બાઇબલ’ વાંચનારા ને એક જ રાજ્યમાં વસવાવાળા. એ લડાઈમાં પાંચ લાખ મૂઆ. બે ગોરાઅો એક ત્રીજા કાળા માટે આ કારમું યુદ્ધ લડ્યા.
પણ લિંકને ગુલામી નાબૂદી માટેનું આ યુદ્ધ કર્યું તે પહેલાં ય 75-100 વર્ષથી ગુલામી સામે લડનારા શૂરાઓ થયા હતા, તે ય મોટા ભાગે ગોરા જ હતા. આવા પુણ્યશ્લોક સ્ત્રી-પુરુષોમાંના એક લેવી કોફિને આ કામ 30-40 વર્ષ કર્યું. દક્ષિણમાંથી ગુલામોને નસાડી લાવે, કોઈ જાતે નાસી આવ્યા હોય એ બધાંને આશરો આપે, કપડાંલત્તા-ખોરાક આપે ને અમેરિકાની બહાર સેંકડો માઈલ દૂર જે બ્રિટનનું સંસ્થાન હતું, જ્યાં ગુલામી નહોતી, ત્યાં કેનેડા મોકલી આપે. આની લાંબી સાંકળને ઇતિહાસમાં ‘ભોંયભીતર ચાલતી રેલગાડી’ કહી છે. પણ વસ્તુત: એ છેક કેનેડા સુધીનાં થાણાં હતાં. ત્યાં બધાને સંતાડી, સાચવી યોગ્ય સ્થળોએ પહોંચાડવામાં આવતાં.
આમાં કેવા જોખમો, સાહસો હતાં, ઠંડા લોહીની કેવી તાકાત પ્રગટતી હતી, તેનું આત્મકથન લેવી કેફિને કર્યું છે, તેનું પુન: પુન: ધર્મગ્રંથની જેમ પારાયણ કરવા જેવું છે.
લેવી કોફિને 20થી 70 વર્ષની ઉંમર સુધી, અરધી સદી સુધી, વિકટ કામ કર્યું. તેના ઘરના ભૌંયરા હોય, પાછળ વાડામાં ઓરડી હોય, ઉપરના માળે કાતરિયાં હોય, તેમાં ગુલામોને સંતાડી રાખે. કોઈકવાર દિવસો ને અઠવાડિયાં સુધી તેમને સાચવવાં પડે. લેવી કોફિન બધા સંજોગો માટે તૈયાર.
એમની આત્મકથાનું કોઈ ગુજરાતી કરે તો યશદાયી કામ થાય.
(‘મનુભાઈ પંચોળી સાથે વિચારયાત્રા’માંથી; સંપાદન – મહેન્દ્ર મેઘાણી)
સૌજન્ય : “બિરાદર પત્રિકા”, અૉગસ્ટ 2014, પૃ. 16