કોરોના વાઇરસની અત્યંત ચેપી બીમારીના કેસ અને મોત કયા દેશમાં કેટલા પ્રમાણમાં નોંધાય છે, તેનું અપ ટુ ડેટ બેરોમીટર કે રજિસ્ટર જેને કહેવાય છે, તે વર્લ્ડોમીટર્સ ડોટ ઈન્ફોમાં સંખ્યાબંધવાર મેં ચૅક કરી જોયું. પણ દરેક વાર મારું કૂતુહલ અને શંકા બંને એક સાથે વધી પડ્યાં. ગૂગલ પર મૂકાયેલા તમામ આર્ટિકલ અને આંકડાને સરખાવતાં મારી શંકાનું સમાધાન અલબત્ત, થઈ ગયું પણ, કૂતુહલ હજુ જડબેસલાક છે. વાસ્તવમાં, કોઈ પણ વિજ્ઞાની ખોજ અને અવધારણા શંકા અને કૂતુહલમાંથી જન્મતાં હોય છે અને કોરોના વાઇરસની બીમારીના કેસ સંબંધી આંકડા અને અભ્યાસોમાં પણ એવું જ હશે!
ઇતિહાસ તપાસતાં સમજાશે કે કોઈપણ મહામારી રાધર કુદરતી આપદાનો પ્રાથમિક તબક્કો સદૈવ ઉપેક્ષા, અવહેલના અને ‘પડશે એવા દેવાશે’ના એટિટ્યુડ સાથેનો હોય છે અને તે પછી વચલા તબક્કામાં સરકારી સ્તરની ઈરરેશનલ (તર્ક વગરની) ભૂલો અને ભયંકર અપરાધની કક્ષાની ગેરરીતિઓ અને ગરબડો આવે છે. વહીવટી અણઆવડત અને અણઘડતાનો ત્રીજો અને છેલ્લો તબક્કો ‘જનતા જ હવે નક્કી કરશે કે યુદ્ધ ચાલુ રાખવું છે કે સમાધાન કરવું જોઈએ’ તે મતલબનો હોય છે, અને ભારત, અમેરિકા સહિતના કહેવાતા સામર્થ્યવાન દેશો હવે આ તબક્કામાં આવી ચુક્યા છે. જ્યાંથી આ રોગ પૂરી દુનિયામાં પ્રસર્યો છે તે ચીન ક્રમશઃ રાબેતા મુજબ થઈ રહ્યું છે અને તેને છએક મહિનાની લાંબી જહેમત પછી આ સફળતા મળી છે. જો કે, બાકાયદા કહેવું જોઈએ આ બીમારીનું ગર્ભારોપણ અને ઉછેર જ્યાં થયેલો તે એક કરોડની વસતીવાળા વુહાન શહેર પૂરતી જ તેને રોકી રાખવામાં ચીન પ્રારંભમાં જ મેદાન મારી ગયેલું અને દોઢસો કરોડની વસતીવાળા પૂરા દેશમાં વાઇરસને ફેલાતો અટકાવી દીધો હતો.
2019ના ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચીનમાં આ બીમારીએ દેખા દીધી હતી અને તે પછી તે પૂરા વુહાનમાં ફેલાવા માંડી હતી. દિલચશ્પ બાબત તો એ છ કે ચીને આ બીમારી કયા પ્રાણી અને સમુદ્રી જીવમાંથી આવી છે તે પણ શોધી કાઢેલું અને વાઇરસનો જિનોમ કયા કુળનો છે તે પણ જોઈ લીધું હતું. દરમિયાન, તેણે અમેરિકા અને યુરોપ સહિતની લેબોરેટરીમાં આ વાઇરસનું જેનેટિક સ્ટ્રકચર મોકલી આપેલું અને તેની સાથેસાથે વુહાન જે પ્રાંતમાં પડે છે તેને એરટાઈટ સીલ કરી દીધો હતો. વુહાન હુબેઈ પ્રાંતમાં આવેલું છે અને તેને અડતી તમામ પ્રાંત(જિલ્લા)ની બોર્ડરો તાબડ઼તોબ સીલ કરી દેવામાં આવી. વુહાનમાં બહારથી ચકલું પણ ન ફરકે તેનું ધ્યાન રખાયું અને વુહાનનાં માખી-મચ્છર બહાર ન જાય તેની તદેકારી અને નિગરાની મજબૂત બનાવવામાં આવી. માણસની પ્રકૃતિને સમજવા કરતાં વાઇરસની પ્રકૃતિને સમજવામાં ચીને ઉત્સુકતા અને સાવધાની રાખી અને આ જ કારણથી આ રોગ વુહાન પૂરતો મર્યાદિત બની રહ્યો.
વાઇરસને અંધ ભક્તની માફક આંખો અને બુદ્ધિ હોતાં નથી. એટલે તે જ્યાં પણ, તેને અનુકૂળ આવે તે સજીવમાં સામેલ થઈ જવાની વેતરણ અને ફિતરત રાખે છે. ચીનની જેમ વિયેતનામ, કંબોડિયા, તાઈવાન અને લાઓસે પણ માણસની જાતપાત અને નાક-નકશાને બદલે વાઇરસની પ્રકતિનું સૌથી પહેલાં પૃથક્કરણ કરવાનું મુનાસિબ માન્યું અને ભૌગોલિક અને સામાજિક સરહદો ચીનને અડતી હોવા છતાં આ જીવલેણ બીમારીને કંટ્રોલ કરવામાં અપ્રતિમ કામગીરી કરી બતાવી. કોરોના વાઇરસની બીમારીનું સત્તાવાર મીટર જેને ગણવામાં આવે છે તે વર્લ્ડોમીટર્સની લેટેસ્ટ માહિતી પ્રમાણે છ મહિનાના સમયગાળામાં વિયેતનામમાં આ બીમારીના કુલ 288 કેસ નોંધાયા છે, મોત એક પણ થયું નથી. કંબોડિયામાં ફક્ત 122 કેસ થયા છે અને એક પણ મોત નથી. લાઓસમાં માત્ર 19 કેસ છે. તાઈવાનમાં 440 કેસ પર જુમલો સીમિત રહ્યો છે અને સાત મોત નોંધાયાં છે.
હકીકત એ છે કે આ તમામ દેશોએ આવનારી આફતને પહેલાંથી પારખી લીધી હતી અને તે સંદર્ભે પગલાં ભરવાનાં શરૂ કરી દીધાં હતાં. આ તમામ દેશોએ સૌથી પહેલું કામ ચીન સાથેની તમામ સરહદોને તાળાં મારી દેવાનું કર્યું અને એક પણ માણસ બહારથી આવી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું. હોસ્પિટલોમાં જે કોઈ સુવિધા હતી તેને સાબદી કરવામાં આવી અને માસ ગેધરિંગનાં તમામ સ્થળો અને કાર્યક્રમો પ્રતિબંધિત કરી દેવાયાં.
સામે પક્ષે ખોફનાક વિરોધાભાસ સિંગાપોર, મલેશિયા અને જાપાનમાં જોઈ શકાય છે. સાઉથ કોરિયા પ્રારંભમાં ગોથું ખાઈ ગયું, પણ તેણે મધ્યમ માર્ગીય એપ્રોચ સાથે બાથ ભીડી અને બીમારીને કંટ્રોલ કરવામાં કામિયાબ રહ્યું. નાક-નકશા અને લુગડાં-લત્તાં જોઈને માણસને ચેક કરવાને બદલે આ દેશોએ વાઇરસનું સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ અને કોમ્બેટિંગ કર્યું અને પરિણામે આજે ત્યાં સ્કૂલ-કૉલેજો ઉઘડવા માંડી છે. મંડીઓ ખૂલી ગઈ છે અને શાકભાજી-દૂધ આસાનીથી મળી રહ્યાં છે. ડિસેમ્બરમાં વુહાનમાં કોરોનાનો વાઇરસ થાળી-વેલણ ખખડાવતો હતો, ત્યારે વિયેતનામ, કંબોડિયા, લાઓસ, સાઉથ કોરિયા અને તાઇવાને તે અવાજ સાંભળી લીધો હતો અને કાન બંધ કરવાને બદલે એ અવાજને જ બંધ કરવાનો નિશ્ચય કર્યો હતો. ન્યૂ ઝીલેન્ડે પણ એ જ રાહ અને અભિગમ દાખવ્યો અને જે કોઈ તેમના દેશમાં પ્રવેશી રહ્યું હતું તેનું કૂળ-ગૌત્ર અને ધરમ-કરમ જોવાને બદલે એરપોર્ટ પરથી સીધા જ આઇસોલેશનમાં મૂકી દેવાનું નક્કી કર્યું હતું. ન્યૂ ઝીલેન્ડે શરૂઆતમાં જ લોકોને 14 દિવસ સુધી આકરા આઈસોલેશનમાં રાખ્યા અને પરિણામે દરદીઓની સંખ્યા 1,497 પર અને મોતનો આંકડો 21 પર અટકી પડ્યો.
રોગ અને શત્રુને ઊગતા જ ડામવા જોઈએ તેવી ડાહી-ડાહી વાતો જે દેશમાં થાય છે ત્યાં રોગ લઈને પરદેશથી આવનારાઓને એરપોર્ટ પરથી સીધા સોસાયટીઓમાં પ્રવેશ ન અપાયો હોત અને તેમને આકરા આઇસોલેશનમાં રખાયા હોત તો આ સ્થિતિ આવત ખરી? 30મી જાન્યુઆરીએ ભારતમાં કેરળમાં પહેલો કેસ આવ્યો હતો અને 3 ફેબ્રુઆરીએ બીજા વધુ બે કેસ નોંધાયા હતા. ચોથી માર્ચે બીજા 22 કેસ નોંધાયા, પણ ત્યાં સુધી ભારતમાં પરિસ્થિતિ હદ બહાર જાય તેટલી ગંભીર નહોતી. 12મી માર્ચે સાઉદી અરેબિયાથી આવેલા 76 વર્ષના એક વૃદ્ધનું કર્ણાટકમાં મોત થયું, ત્યાં સુધી પણ ભારતમાં કોઈ સૂધબૂધ નહોતી અને એર પોર્ટ પર વાડ વગરના ખેતરની જેમ કોઈ પણની આવ-જા બેરોકટોક ચાલતી હતી.
15 માર્ચે ભારતમાં નોંધાયેલા 100 કેસ હતા અને એક દિવસનો ટોકન બંધ અપાયો તે દિવસ સુધીમાં એટલે કે 22મી માર્ચ સુધીમાં ફક્ત 360 કેસ અને 7 મોત હતાં. થાળી-વેલણ અને તાળીઓના અવાજથી કોરોના વાઇરસ ભાગ્યો નહીં એટલે 24મીથી દેશમાં તાળાબંધી શરૂ થઈ અને તે હવે બે મહિના થવા આવશે, હજુ પણ ચાલુ છે. 24મી માર્ચે દેશભરમાં કુલ 468 કેસ અને 9 મોત હતાં. આજે લોકડાઉનને પગલે અને કારણે પૂરા દેશમાં ભૂખમરા અને આત્મહત્યાની સ્થિતિ છે ત્યારે કેટલા કેસો અને મોત છે? બદમાશી એ હતી કે વાઇરસ ચીન કે વાયા વાયા બીજા દેશમાંથી આવી રહ્યાની જાણ છતાં દેશના તમામ એરપોર્ટનાં ખોડીબારાં ખુલ્લાં રખાયાં હતાં અને લીસીલસ ચામડીવાળા એન.આર.આઇ. અને ટુરિસ્ટને સીધો પ્રવેશ મળી જતો હતો. જે કામ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કરવાનું હતું તે કામ છેક માર્ચના અંતમાં થયું અને પાસપોર્ટ મારફતે કોરોના આખા દેશમાં ફેલાઈ ગયો.
અંતે, જે થવાનું હતું તે જ થયું અને દોષારોપણ અને રોગારોપણ એવી પ્રજા પર થયું તે પૂરી જિંદગી રેશનકાર્ડ લઈને સસ્તાં અનાજની દુકાન બહાર લાઈનમાં ભૂખ મટાડવા માટે ઊભા રહેવા જન્મી હતી. આ વાઇરસ ચાંગા, ચંપારણ કે ચમનપુરાથી આવ્યો નથી, બલકે, વાયા ચીનથી આવી રહ્યો છે તે ખબર હોવા છતાં, સરહદો સીલ ન કરાઈ અને ઊલટાનું શેરીઓની નાકાબંધી કરવામાં આવી. ધનિક સરકારની વી.આઇ.પી. ગફલતનું પરિણામ રાંક ભારત ભોગવી રહ્યું છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 મે 2020