મિત્રો, આ સાથે એક નિવેદન મોકલીએ છીએ તેમાં સહી કરવા વિનંતિ છે. આવતીકાલ સાંજ સુધીમાં તમારી સહી જરૂર મોકલશો. આ નિવેદન બીજા મિત્રો સાથે શેર કરવા પણ વિનંતિ છે. સહી svati.joshi@gmail.com કે manishijani@gmail.com અથવા તો 9725517119 (Svati Joshi) કે 9427010011(Manishi Jani) પર મોકલશો.
• • •
'શબ્દસૃષ્ટિ' સામયિક દ્વારા સર્જકો અને ભાવકોને અપાતી ધમકી અંગે નિવેદન :
ગુજરાત સરકાર દ્વારા સ્વાયત્તતા ઝૂંટવી લઈ સરકારી બનાવી દેવાયેલી ગુજરાત સાહિત્ય અકાદમી 'શબ્દસૃષ્ટિ' નામનું સામાયિક ચલાવે છે.
આ સામયિકના જૂન-૨૦૨૧ના અંકમાં પૃષ્ઠ ૮૯ પર “ના, આ કવિતા નથી, 'કવિતા'નો અરાજકતા માટેનો દુરુપયોગ છે …" એવા મથાળા હેઠળ એક લખાણ છપાયું છે, જે લખનારનું નામ લખવાની અનિવાર્ય જવાબદારી બાજુ પર મૂકીને લખાયું છે, જેને કોઈ પણ સરકારી કામકાજની દૃષ્ટિએ અનૈતિક, ગુનાહિત અને જોખમી પ્રવૃત્તિ ગણવી રહી.
વળી કોઈ ચોક્કસ કવિતા વિશે કોઈ લેખક પોતાનાં નામ સાથે પોતાના વિચારો મૂકે, ટીકા કરે, વખોડે એ તો સહજ સ્વીકાર્ય વાત છે જ. તંદુરસ્ત લોકશાહીમાં ટીકા ટીપ્પણ, ચર્ચા, ખંડન-મંડન તો એનાં પ્રાણરૂપ છે.
પરંતુ અહીં કોઈ પણ ચોક્કસ કવિતાનો ફોડ પાડ્યા વિના, કવિનું નામ પણ લખ્યા વિના, તેના વિશે મોઘમમાં ટીકા ટીપ્પણ કરી છે અને જે તે કવયિત્રી ભૂતકાળમાં અકાદમી દ્વારા લાભાન્વિત (ઉપકારદર્શક) કરાયાં છે તેવો વિશેષ ઉલ્લેખ કરાયો છે.
આ કવિતા ખરાબ છે પણ કવિ સારાં છે, એવું હાસ્યાસ્પદ વિધાન કરી, કવિઓએ શું ન લખવું અને શું લખવું એવા ઇશારા દ્વારા સત્તાવાહી કલમે ૧૯૭૫ના કટોકટીકાળ – ઈમરજન્સીને યાદ અપાવે એવી પરોક્ષ ધમકી ગુજરાતના કવિઓ, સાહિત્યકારોને આપવાનો અહીં પ્રયત્ન થયો છે (૧૯૭૫ના કટોકટીકાળમાં, છાપાં – સામયિકોનાં લખાણ માર્ગદર્શિકા પ્રમાણે સરકારી બાબુઓ પાસે મંજૂર કરાવવાનાં રહેતાં.) જે સર્વથા વખોડવા લાયક અને ગુજરાતી સર્જકોનાં સ્વાતંત્ર્ય અધિકારનો મૃત્યુઘંટ વગાડવા સમાન અને કલમ પર હથોડા ઠોકવા સમાન છે.
ખાસ તો, આ કવિતાએ દેશ વિરોધી, વિઘાતક, 'લિટરરી નક્સલ', દેશમાં અરાજકતા ફેલાવવા મથતાં તત્ત્વો, જેવાંઓને પ્રોત્સાહિત કર્યાં છે અને તેઓ બધાં આ કવિના ખભે બંદૂક મૂકી, ફોડીને દેશ વિરોધી કૃત્ય કરી રહ્યાં છે એવો આક્ષેપ કરીને લોકશાહી ઢબે સર્જનકાર્ય કરી સાંપ્રત સમાજનો અવાજ બનનારા લેખકો અને કવિતાના લાખો ભાવકો તરફ ઉશ્કેરણીભર્યું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન જે તે નનામા લેખકે કર્યો છે તે અત્યંત આઘાતજનક છે. અને ગરવી ગુજરાતી સાહિત્યની પરંપરાનું ગળું દબાવતાં, લોકશાહી માળખામાં કામ કરતી આ સરકારી સંસ્થાએ લોકહિત વિરુદ્ધ જે પ્રથા ઊભી કરવાના દરવાજા ખોલ્યા છે તે જોખમી અને ફાસીસ્ટ વલણ ધરાવે છે, જેને અમે સૌ વખોડી કાઢીએ છીએ.
લોકશાહી પરંપરામાં કવિતા લખવી અને કવિતા દ્વારા સમાજના પ્રહરી બનવું, સાંપ્રત ઘટનાઓનું ખંડન-મંડન કરવું, સત્તા ઉપર બેઠેલાઓનાં પગલાં કે નિષ્ક્રિયતાને કલમ દ્વારા વખોડવી એ પણ તંદુરસ્ત લોકશાહીનો હિસ્સો છે, એવું અમે માનીએ છીએ. હમણાં જ ગયા અઠવાડિયે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જે મહત્ત્વની વાત કહેવાઈ છે કે 'સરકારની ટીકા કરવી એ રાષ્ટ્રદ્રોહ નથી' તેને અહીં યાદ કરી ગુજરાતી ભાષા અને ગુજરાતને લાંછનરૂપ આ લખાણ પાછું ખેંચાય તેવી અપીલ અમે 'શબ્દસૃષ્ટિ'ના તંત્રી, અકાદમી અધ્યક્ષ અને ગુજરાત સરકારને કરીએ છીએ.
મનીષી જાની
સ્વાતિ જોશી
…..
'શબ્દસૃષ્ટી'નું લખાણ તમારી જાણ ખાતર નીચે મૂક્યું છે.
•••••
ના, આ કવિતા નથી, 'કવિતા'નો અરાજકતા માટેનો દુરુપયોગ છે …
કેટલાક સમયથી એક ગુજરાતી 'કવિતા' પર કેટલાક લોકો વરસી પડ્યા છે. તેની ચર્ચા થાય છે, તેના અનુવાદો થયા છે, તેને સ્વરમાં ઢાળવાનાં કારખાનાં ચાલુ કરી દેવાયાં છે. 'વાહ! વાહ!' 'મેઘાણી પછીની યાદગાર રચના', 'પર્દાફાશ કરતી રચના', 'મરદને જગાડતી કવિતા', 'પરિવર્તનની કલમ' વગેરે વગેરે… ન જાણે કેટલી બધી પ્રશંસા થઈ રહીછે!
આનું કારણ આ કવિતા નથી. તેના 'ઉપયોગ'ની બંદૂક છે! ખરેખર તો આ “કાવ્ય” છે જ નહીં, આવેશમાં આવીને કરવામાં આવેલો વ્યર્થ આક્રોશ છે, પ્રાસના ત્રાસ સાથે, ભારતીય પ્રજા-લોકતંત્ર-સમાજને લાંછન લગાડે તેવું, શબ્દોનું તિકડમ છે. તેને કવિતા કઈ રીતે કહેવાય?
પણ તેને માટે તેના કવિ (કે કવયિત્રીને) આપણે દોષ આપવો નથી. તેમણે તે ક્ષણોમાં, 'કવિતા' બનાવવાનો બહાવરો પ્રયાસ જ કર્યો છે. આ કવિએ અગાઉ સારી રચનાઓ આપી છે, અકાદમીએ તેમાં પ્રકાશનમાં સહયોગ પણ આપ્યો છે. ભવિષ્યે એવું સારું રચે તો ગુજરાતી વાચક સ્વાગત પણ કરશે.
પરંતુ, પ્રસ્તુત કવિતા – જેમાં લોકતંત્રના આધારરૂપ પ્રતિનિધિત્વ અને નેતૃત્વને માટે પ્રયોજાયેલા શબ્દો કોઈ રીતે કાવ્યમાં શોભે તેવા નથી. અને તેનો દુરુપયોગ -દેશભરમાં રાહ જોઈને બેઠેલાં, કેન્દ્ર-વિરોધી, કેન્દ્રની રાષ્ટ્રીય વિચારધારાનાં વિરોધી પરિબળોએ કર્યો છે, એટલે કહ્યું કે આ 'કવિતા' નથી, અને તથાકથિત કવિતાના ખભે બંદૂક રાખીને એવાં તત્વોએ ષડ્યંત્રો શરૂ કર્યા છે, જેઓની નિષ્ઠા ભારત નહીં, અન્યત્ર છે, વામપંથીઓ છે, કથિત 'લિબરલ્સ' છે જેમનો હવે કોઈ ભાવ પૂછતું નથી, જલદીથી તેમનો હેતુ ભારતમાં અવ્યવસ્થા ફેલાવવાનો છે ને અવ્યવસ્થામાંથી અરાજકતા પેદા કરવાનો છે. તેઓ સર્વક્ષેત્રે સક્રિય છે એ જ રીતે સરજાતાં સાહિત્યમાં પણ મેલા ઇરાદાઓ સાથે ફૃદી પડ્યા છે. પ્રસ્તુત કવિતાને પોતાનાં વ્યક્તિગત સુખ-દુઃખોની સાથે જોડીને એક 'મુગ્ધ' વર્ગ પણ તેમાં સામેલ થઈ જાય એવો જ હેતુ આ “લિટરરી નક્સલો'નો પણ છે.
અકાદમી સાહિત્યની સંસ્થા છે. તેનો હેતુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો છે. તેની ગતિ 'વસુધૈવ કુટુમ્બકમ્'થી 'રાષ્ટ્રે જાગૃયામ વયમ્'ની છે. આચાર્ય આનંદશંકર કુવે કહ્યું હતું તેમ કવિતા તો આત્માની કળા છે. ત્યાં તમામ રસોનો અંતિમ શાન્ત ભાવનો હોય છે, તેની પાસે સંવાદની સંજીવની છે. તે શબ્દને સત્ય-શિવ-સુન્દરની સંગાથે અનુભવે છે. આધુનિક કે પ્રાચીન સર્જકતા દૂષિત-પ્રદૂષિત-પ્રતિક્રિયાવાદી નથી રહી, આપણી ઉત્તમ સર્જનાનો એ માર્ગ છે.
એટલે પ્રારંભે કહ્યું તેમ આ કવિતા નથી, તેને કેટલાંક તત્ત્વોએ 'કવિતા' ગણાવીને તેને સામાજિક છિન્નભિન્નતા માટેનું હથિયાર ગણી છે. કવિતા અને કવિ બંને સામ્પ્રત સમાજરચનાના જ ભાગ છે. તેની કવિતા સમાજને નુકસાન કરે તેવી હોઈ શકે નહીં. આ સત્ય તમામ કવિઓને લાગુ પડે છે. અકાદમી આવી રચના અને આવાં વલણો સાથે શતપ્રતિશત સંમત નહોતી, નથી અને નહીં હોય.
શબ્દસૃષ્ટિ : જૂન : ૨૦૨૧ « ૮૯