ડૉ. રસેશભાઈ જમીનદાર નામે ઇતિહાસકારનો અા લઘુલેખ "કુમાર", જુલાઈ 2013ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો. તેમાં ઠીક ઠીક હકીકતદોષો છે. અાપણા વિદ્વાન લેખકો, ભલા, કેમ અભ્યાસ અાધારે, સંશોધનમંડિત લેખ નહીં કરતા હોય ? − અાઘાતકારી બાબત છે. … ખેર ! − જૈન વિગતોના અભ્યાસી અને જાણકાર મનસુખભાઈ શાહ સંગાથે અા નીચે અાપ્યો કાગળ અૉગસ્ટ 2013 દરમિયાન "કુમાર"ને વીજળિક સંદેશાથી મોકલી અાપેલો. ફરીથી નવેમ્બર 2013 દરમિયાન અાંગળિયાત વાટે મોકલાયો અને, છેવટે, છેલ્લે અાપ્યો છે તેમ તે વિગત કાગળરૂપે "કુમાર"ના ડિસેમ્બર 2013ના અંકમાં પ્રગટ થયો છે. અા બધી વિધિને સારુ અશોકભાઈ કરણિયા, પંચમભાઈ શુક્લ તેમ જ વલ્લભભાઈ નાંઢાની સહૃદય સહાય સાંપડી છે. અમે દરેકના અાભારી છીએ.
07 અૉગસ્ટ 2013
ડૉ. ધીરુભાઈ પરીખ
તંત્રીશ્રી
“કુમાર”
કુમાર ટૃસ્ટ
1454, રાયપુર ચકલા,
પોલિસ ચોકીની પાછળ, બઉવાની પોળ સામે,
અમદાવાદ – 380 001
e.mail : kumartrust@gmail.com
અાદરણીય ધીરુભાઈ
“કુમાર”નો જુલાઈ 2013નો અંક મળ્યો. જોયો, વાંચ્યો. અાનંદ. અા અંકને 21મે પાને ડૉ. રસેશભાઈ જમીનદારનો લેખ લેવાયો છે તે વિશે અમારે કેટલીક નુક્તેચીની કરવી છે. ‘લીસેસ્ટરમાંનું જૈન દેવસ્થાન’ નામક અા લેખમાં સારા એવા હકીકતદોષો છે, જે “કુમાર”ની પ્રતિષ્ઠાને હચમચાવે છે.
અા શહેરને ‘લેસ્ટર’ કહેવામાં અાવે છે, ‘લીસેસ્ટર’ નહીં. ગુજરાતમાંથી અાટઅાટલી અાવનજાવન અા મુલકમાં થતી અાવી છે, ત્યારે અા ઉચ્ચારદોષ શોભાસ્પદ નથી. રૉમન સંસ્કૃિતની અસર ધરાવતું અા શહેર કોઈ પણ ઇતિહાસકારને માટે સવિશેષ વિદિત હોય, ત્યારે અા મુદ્દો તેવી સમજણને સખેદ ખોટી પાડી જાય છે.
લેખનું છેવટનું વાક્ય છે : ‘વિદેશમાં જૈનધર્મનું અા એકમાત્ર તીર્થસ્થાન છે.’ અાપણા અા વિદ્વાન ઇતિહાસવેત્તા અાવું અાઘાતકારી વિધાન કેમ કરી શકે ? અાજની ઘડીએ, માત્ર વિલાયતમાં જ, બૃહદ્દ લંડનના પરિસરમાં, એક બીજું જૈન ધર્મનું તીર્થસ્થાન છે. પોટર્સબાર વિસ્તારમાં અાવેલા અા દેરાસરની રચના, જામનગર જિલ્લામાંથી દાયકાઅો પહેલાં પરદેશ ગયેલી અોસવાળ સમાજની સંસ્થા હેઠળ, કરવામાં અાવી છે. શીખરબંધી અા જિનાલય દાયકા ઉપરાંતથી અસ્તિત્વમાં છે.
અાટલું અોછું હોય તેમ, પૂર્વ અાફ્રિકાના પૂર્વ કાઠે અાવેલા ઝાંઝીબાર ટાપુ પર, અંદાજે 1886માં, શીખરબંધી જૈન દેવસ્થાન રચાયેલું. બની શકે કે ભારત બહાર અા પહેલવહેલું જૈન ધર્મસ્થળ હોવાનું. પૂર્વ અાફ્રિકાના કેન્યા મુલકના બંદરી નગર મોમ્બાસામાં, કહે છે કે, સન 1936માં, વિશાળ જૈન દેરાસર બાંધવામાં અાવ્યું હતું. પૂર્વ અાફ્રિકાના બીજા મુલક ટાન્ઝાનિયાના તે વેળાના પાટનગર દારેસલ્લામમાં, ગઈ સદીના પાંચમા દાયકામાં, એક ભવ્ય જિનાલય બાંધવામાં અાવ્યું હતું. તદુપરાંત, કેન્યાના પાટનગર નૈરોબીમાંના તેમ થીકા નગર સહિતનાં જૈન દેવસ્થાનોની વાત નોંધ્યા વગર કેમ ચાલશે ?
અમેિરકામાં શિકાગો, લૉસ એન્જલસ, ટોરોન્ટો જેવા નગરોમાં જૈન દેવસ્થાનો છે જ છે. 1970ના અરસાથી, અમેિરકાના ન્યુ જર્સી રાજ્યમાં સિદ્ધાચલમ નામક જૈન ધર્મસ્થાન શોભાયમાન છે.
અા દરેક ધર્મસ્થાનક ભારતીય જૈન પરંપરા અનુસાર, શીખરબંધી સરસ કોતરણીથી, બાંધવામાં અાવ્યાં છે અને તે અનેક અનુયાયીઅો માટે યાત્રાનાં મથકો તો છે, પણ અનેક સહેલાણીઅો માટે જોવા લાયક મથકો હોવાનું પણ પૂરવાર થયું છે.
અારંભે, રસેશભાઈએ નોંધ્યું છે, ‘… પણ એશિયાખંડને અોળંગીને વિશ્વસ્તરે તો હિન્દુદેવસ્થાનનાં નિર્માણ એ તો હમણાંની ઘટના છે. સમકાલીન ઇતિહાસ છે. …’ સમકાલીન ઇતિહાસ પેટે ય અા સાચી હકીકત નથી જ નથી. મોઝામ્બિક, દક્ષિણ અાફ્રિકા, પૂર્વ અાફ્રિકાના જંગબાર ટાપુ સમેતાના વિસ્તારોમાં 19 અને 20મી સદીમાં કેટકેટલાં ભવ્ય મંદિરો બાંધવામાં અાવ્યાં છે, તે બધી જાણકારીથી લેખક અજાણ છે તે જાણીને અાઘાત લાગે છે. વળી, ટૃીનિદાદમાં જે અનેક મંદિરો બંધાયા છે તેને તમે ધ્યાન બહાર લઈ શકવાના જ નથી. અા મંદિરોનો ભવ્ય ઇતિહાસ છે.
અા વિષય પરત્વે ગુજરાતની કોઇક યુનિવર્સીટીના ઇતિહાસ વિભાગમાં જરૂરી સંશોધન કામ કરી, કરાવી નિબંધ / મહાનિબંધ લખી, લખાવી શકાય. અાશા રાખીએ કે ડાયસ્પોરાના અા ઇતિહાસ અંગે પંડિતો ઉદાસી અને ઉપેક્ષા નહીં સેવે !
અા લેખમાં બ્રિટિશ પૂર્વ વડા પ્રધાન જ્હોન મેજરની મુલાકાતનો હવાલો છે. કેમ એકનું જ નામ ? વિશ્વભરના દેવસ્થાનોમાં નાનામોટા રાજકારણીઅો તેમ જ શાસકો લોકમત મેળવવાને સારુ અાંટોફેરો કરતા અાવ્યા છે અને કરતા રહેવાના છે. તેવું તેવું અમારા મુલકમાં અત્રતત્ર થયા જ કરે છે. અાથી, રસેશભાઈ જમીનદાર સરીખા વિદ્વાન અા ઉલ્લેખને અહીં ટાળી શક્યા હોત. … ખેર !
− મનસુખ શાહ
− વિપુલ કલ્યાણી