કંઈક દિલમાં ચલાયમાન થયું,
હાશ! તમને ય એનું જ્ઞાન થયું!
એ રીતે એમણે વખાણ કર્યા,
મારા પ્રત્યે મને જ માન થયું.
એક વેલી જરા નજીક સરી,
વૃક્ષ આખું જ સાવધાન થયું.
ઝૂંપડીને સવાર થાય નહીં,
એ તો અંધારું બસ જવાન થયું.
જણ જે છેલ્લી હરોળમાં બેઠું,
પડદા પાછળ રહી મહાન થયું.
એક ડોસીએ ઝાડ વાવ્યું છે,
કેવડું એનું ખાનદાન થયું!
સૌના દિલમાં વસી ગયો 'મંથન'
ખુદનું ખાલી આ જ્યાં મકાન થયું.
==
(સુરત)
e.mail : manthandisakar@gmail.com