હાજી મહંમદ અલારખા શિવજીના પૂર્વજો કચ્છની રાજધાની ભૂજના વતની હતા ત્યાંથી તેમના પ્રપિતામહ માણેક મૂસાણીએ ૧૮૩૫ની સાલમાં મુંબઈ જઈને વસવાટ અને વેપાર શરૂ કર્યો.
તેમના પિતા વ્યવસાયે વેપારી હતા. સાધન સંપન્ન હતા. તેમ છતાં સાહિત્ય પ્રત્યે અભિરૂચિ રાખતા હતા. મુંબઈમાં હાજીનો જન્મ ૧૮૮૭ના ડિસેમ્બરની ૧૩ તારીખે થયો હતો. ફોર્ટ હાઈસ્કૂલમાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો. ૧૮૯૫થી અંગ્રેજી, મરાઠી અને હિન્દી ભાષાનો અભ્યાસ આરંભ્યો. ત્યારથી જ સાહિત્ય સેવાનું બીજ રોપાયું. વાર્તાઓ લેખો લખવા શરૂ કર્યા. હિંદીમાં ગોસ્વામી તુલસીદાસ, કબીર સાહેબ, કવિ ગંગ વગેરે કવિઓને ઊંડાણપૂર્વક વાંચ્યા. ‘પ્રવીણસાગર’માંથી વિપુલ જ્ઞાન પ્રાપ્ત કર્યું.
સો વષ પૂર્વે ગુજરાતી સાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે ગુજરાતનો હીરો હાજી મહંમદ ઝગારા દેતો હતો. તે સમય ગુજરાતી સાહિત્યના ઉદયનો હતો. કવિઓ, લેખકો અને ચિત્રકારોના પ્રોત્સાહન પ્રેરક અને પોષક એવા સાહિત્યના શહિદ હરાજીનું પૂરું નામ હાજી મહંમદ અલારખા શિવજી હતું.
બાપદાદાની દોમદોમ સાહ્યબીમાં ઉછરેલા હાજી મહંમદને કિશોરાવસ્થાથી જ સાહિત્ય પ્રત્યે ખૂબ જ લગાવ હતો. જેમ જેમ ઉમ્મર વધતી ગઈ તેમ તેમ આ લગાવ ખૂબ જ પરિપક્વ અને ઘેરો થવા લાગ્યો. ૧૯૨૦માં તેમણે ‘ગુલશન’ નામે માસિક શરૂ કરી તેનું તંત્રીપદ સંભાળ્યું. તેમના મનની અંદરના મનોરથ એક વિશિષ્ટ પ્રકારનું સામયિક શરૂ કરીને તે દ્વારા સાહિત્ય અને ચિત્રકલાને નજીક લાવવાનો હતો.
ચિત્રકલાને સાહિત્ય સાથે સંયોજીને ફુરસદના સમયમાં વાંચકોને તેમાં રસ લેતા કરી દેવા માટેની તેમની જબરી ઝંખના હતી. તે ઝંખનાને મૂર્ત સ્વરૂપ આપવા તેમણે ‘વીસમી સદી’ નામે સામયિક શરૂ કર્યું. તે સાથે જ રવિશંકર રાવલ (તે વખતે કલા ગુરુ પદે પહોંચ્યા ન હતા) રા. પુરુષાત્તમને હાજી મહંમદે શોધી લીધા.
‘વીસમી સદી’એ બંને કલાકારોને જગજાહેર કર્યા. તે સમયે કનૈયાલાલ માણેકલાલ મુનશી અને અન્ય સાહિત્યકારોને ગુજરાતી સાહિત્ય રસિકો સમક્ષ રજૂ થવાની તક પૂરી પાડી. ઉજ્જવળ ભવિષ્યનું તેમણે ઘડતર કર્યું.
‘વીસમી સદી’ના આરંભના સમયમાં જુગતરામ દવે (પાછળથી આદિવાસી સેવાના ભેખધારી) તેમની સાથે કામમાં જોડાયેલા. ત્યારથી હાજી મહંમદ સાહિત્યકારોનું મિત્ર મંડળ રચવા માંડેલ. તેમાં મસ્ત ફકીર, હિંમતલાલ ગણેશજી, અંજારિયા, રા. વિભાકર, ક.મા. મુનશી, ઓલિયા જોશી અને અનેક સાહિત્યકારોનો, હાજી મહંમદના આલીશાન મકાનમાં કરેલા ‘વીસમી સદી’ના કાર્યાલયમાં ઝમેલો જામતો અને તેમાં સાહિત્યની અભ્યાસપૂર્ણ ચર્ચા થતી. તે યુગમાં પ્રકાશન શરૂ કરવું એ એક સાહસ ગણાતું. તે સાહસ હાજી મહંમદે કર્યું.
પ્રકાશન શરૂ કરવા બાબતના હાજી મહંમદ અલારખા શિવજીના ઉદ્દેશો અને વિચારો ખૂબ ઊંચા હતા ગુજરાતીઓનો વાંચનનો શોખ કેળવાય, તેઓ ચિત્રકલાની કદર કરતા થાય તેવી ઉચ્ચતમ ખ્વાહિશ સાથે સાહિત્ય જગતમાં ઝગમગી રહેલા હાજી મહંમદ રણજિતરામ, ભોગીન્દ્રનાથ દિવેટિયા, નરસિંહરાવ જેવાની કૃતિઓ હોંશે હોંશે મેળવતા.
હાજી મહંમદ અલારખાનું બીજું પણ એક ઉજ્જવળ પાસું હતું. તે ઉદારતા તેના દાખલા તેમના જીવનની સફર દરમિયાન બનેલા. ફકીર લગભગ તેમની સાથે હતા. અને વધુ વખત તેમની સાથે જ રહેતા. એક વખત ‘વીસમી સદી’ના શ્રેષ્ઠ વાર્તા લેખક કાર્યાલય પર આવ્યા. તેના વદન પર વિષાદના વાદળ છવાયેલા હતા. હાજીએ થોડોક સમય જોયા કર્યું. પછી તેઓ બેઠકમાંથી ઊઠીને બહાર ગયા. સાથે દરજીને લેતા આવેલા. ઈશારાથી લેખકને બીજા ખંડમાં બોલાવી એમના કપડાંનું માપ લેવડાવ્યું. બીજા અઠવાડિયે પોતાના લેખકને સજ્જ કર્યા. એટલે મસ્ત ફકીરે પૂછ્યું, ‘આ શું જાદુ થયો ?’ હાજીએ કહ્યું, ‘બોલીશમાં આપણને ખુદા આપી રહેશે.’
એક રવિવારે હાજી મોહંમદ અને મસ્ત ફકીર મુંબઈની ભીંડી બજારમાં કાપડની દુકાને ઓટલા ચડ–ઊતર કરતા હતા. હાજીને પાઘડી ખરીદવી હતી એટલે દુકાને દુકાને ફરતા હતા. પણ મેળ પડયો નહીં. એટલે બંને ટ્રામમાં બેસી તાજ મહલ હોટલ તરફ ગયા. આ હોટલમાં ‘વ્હીલર’ અને ‘તારાપોરવાલા’ એમ બે બુક સ્ટોલ હતા. બુક સ્ટોલમાં સામયિકો જોતાં જોતાં એક લેખ પસંદ પડ્યો. તે ખરીદી લીધું. આ લેખ તેમના સામયિક ‘વીસમી સદી’માં આવવો જ જોઈએ. પણ તાત્કાલિક કોણ લખી આપે ? તરત જ એક સ્ટેશનરી વાળાની દુકાનેથી એક પેકેટ ખરીદી લાવ્યા. મસ્ત ફકીરે પૂછયું, ‘આ શાનું પેકેટ છે ?’ જેની પાસે આપણે લેખ લખાવવાની જવાનું છે તેને ભેટ આપવા માટે “વોટરમેન” ફાઉન્ટન પેન છે. ઉતાવળે લેખ લખાવવો હોય તો કંઈક તો કદર કરવી પડેને ?’ હાજીએ કહ્યું. પાઘડી ખરીદવા માટેનાં નાણાં આમ વપરાઈ ગયા.
હાજી મોહમ્મદ અલારખા શિવજી એટલે દરિયાવ દિલનો આદમી. પોતાનું પુસ્તકાલય સદાય સૌ સાહિત્યકારો માટે સાર્વજનિક રહેલું. અપરંપાર પુસ્તકોનો ભંડાર. આવો પુસ્તક પ્રેમી સાહિત્યકાર જવલ્લે જ જન્મે.
હાજી સાહેબની પત્રકાર તરીકેની સમજ દાદ માગી લે તેવી હતી. ‘વીસમી સદી’ માટે અનેકવિધ લેખો લખતા, તેમની સૂઝ બૂઝનો સુંદર ઉપયોગ થતો. ભભકભરી શૈલીમાં ગુજરાતને નવજીવન પાન કરાવે એવું તેઓ બેરિસ્ટર વિભાકર પાસે લખાવે. ફારસી સાહિત્ય અંગેનો વિષય હોય તો પહોંચે કૃષ્ણલાલ ઝવેરીને ત્યાં બંકિમબાબુ કે રવીન્દ્રનાથની કથાનું પાન ગુજરાતને કરાવવું હોય તો ભગવાનલાલ ગિરિજાશંકરને જ પસંદ કરે.
ગુજરાતી સાહિત્યમાં અન્ય ભાષાની કૃતિઓ ઉતારનાર હાજી કેટલા કૃતનિશ્ચિય હતા તેના અનેક ઉદાહરણો સાંપડે છે.
હિંદી ભાષાના ઊંચા ગજાના સાહિત્યકાર વિશ્વભરના જજા હાજીના વર્તુળના હતા. ગુજરાતી વાંચકોને હિંદી કૃતિનો આસ્વાદ ચખાડવા માટે વિશ્વંભરનાથ જજા પોતાની હિંદી વાર્તાઓ બોલે, હાજી સાંભળે, તે જ ક્ષણે સાંભળતા સાંભળતા ગુજરાતી અનુવાદ કરી નાંખે. ‘વીસમી સદી’માં પ્રકાશિત થયેલી ‘ઘૂંઘટવાલી’ અને અન્ય વાર્તાઓ આ રીતે લખાયેલી, એ જ રીતે મરાઠી માટે હાજી તેનું ગુજરાતી કરતા જાય, લેખ તરત જ તૈયાર !
‘રશીદા’ નામે રૂહાની ઈલ્મની વાર્તા તેમના પિતાને પ્રિય હતી. હાજીએ તેનું ગુજરાતી ભાષાંતર કરી પિતાને અર્પણ કરી પિતૃ ઋણ ચુકવ્યું. હાજી ઉમર ખય્યામની રચનાના પરમ ભક્ત હતા. તેમની કાવ્ય કળાનો અપૂર્વ લ્હાવો ગુજરાતને આપવાનો હરખ હતો.
તેમના પ્રથમ પત્ની ઉર્દૂ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. તેથી તેનું ભાષાંતર તેઓ કરતા. સાહિત્યકળા અંગે પરસ્પર ચર્ચા થાય, કાવ્ય અને સંગીતની સ્નેહસભર સુરાવલીમાં પતિ-પત્ની એકાકાર થઈ ઝૂમી રહે એવા પ્રસંગો વિરલ જ ગણાય. તેમનું ૧૮૯૮માં ‘સ્નેહ વિરહ પંદશી’ પ્રગટ થયું. અંગ્રેજી લેખક સર એડવીન કૃત ‘પલ્સ ઓફ ફેઈથ’નો અનુવાદ કર્યો ‘ઈમાનના મોતી’ નામે પ્રગટ કર્યું. ઈ.સ. ૧૯૦૩માં લોર્ડ કરઝનનો દરબાર ભરાયો ત્યારે ૧૦૦ સચિત્ર લેખ છપાયેલા. ૧૯૦૪માં ‘મહેરૂસ્ન્નિસા’ નામનું ગુજરાતી નાટક લખેલું. ૧૯૧૪માં ‘વીસમી સદી’ શરૂ કરવાની તૈયારી કરેલી. ચિત્રકાર ધુરંધર પાસે ટાઈટલ ચિત્ર તૈયાર કરાવી વિલાયત (ઈગ્લેન્ડ) મોકલી છપાવી મંગાવેલું. ત્યાં જ પ્રથમ વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. કામ અટકી પડ્યું. આખરે ઈ.સ. ૧૯૧૮ના એપ્રિલમાં ‘વીસમી સદી’નું પ્રાગટ્ય થઈ શકેલું.
ચાર હજાર ગ્રાહકો થયા. આદર પામ્યું. પરંતુ યુદ્ધને કારણે વધતી મોંઘવારીએ હાજી મહંમદની અકળામણ વધારી. પેડર રોડ પરના પોતાના બંગલામાં ચાલતા કાર્યાલયમાં તેમણે ‘વીસમી સદી’ દ્વારા ગુજરાતી સાહિત્યને મદદ કરવા શેક્સપિયર, બર્નાડ શો, વર્ડઝવર્થ જેવા સાહિત્યકારો તૈયાર કરવાની હોંશ અને હામ ભીડીને પાંચ વર્ષ સુધી મથામણ કરી. આખરે આર્થિક દેવાએ તેમની તબીયત બગાડી.
ગુજરાતી સાહિત્યનો હાજીએ બાગ રચ્યો હતો. તેના પુષ્પો ખીલ્યાં હતાં. તેનો પમરાટ પ્રસરી રહ્યો હતો. ને અચાનક તા. ૨૧ જાન્યુઆરી ૧૯૨૧ના રોજ ૩૩ વર્ષની ભર યુવાન વયે સાહિત્યના અનેક કોડ અધૂરા છોડી આ ફાનિ દુનિયાથી વિદાય લીધી.
કલા અને સાહિત્યના શહિદનું ગુજરાત સદા ઋણી રહ્યું છે. તેમનું ઋણ ચૂકવવા જેવુ કોઈ કાર્ય ગુજરાતીઓને કર્યું હોવાનું જાણમાં નથી.
(સૌજન્ય : ‘સંદેશ’ તા. ર૮-૧૧-ર૦૦૪, ‘ગરવી ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમો’ ભાગ – ૨, માર્ચ ૨૦૦૭)