તમે છાપકામ બંધ કરીને વેબસાઈટમાં ગયા તે યોગ્ય જ છે. હવે તો ધર્મને પણ વેબસાઈટનો સહારો લેવો પડે છે. વેબસાઈટ અનંત આકાશ જેવું છે. ‘ગુગલ‘ સૌનો ગુરુ છે. એનાથી કાંઈ છૂપું રખાય નહીં. તમારા કમ્પ્યૂટરના ખૂણેખૂણાની વાત એ જાણે છે. (કમ્પ્યૂટરમાં કોઈ પાસવર્ડ સાંચવવા નહીં. તેને માટે ‘બ્લેક બુક‘ રાખવી.)
તમે જે ચક્રવ્યુહની વાત કરો છો, તેમાં ફર્ક એ છે કે અહીં તમે દુશ્મનોથી ઘેરાયેલા નથી; બલકે તમારી આજુબાજુ હિતેચ્છુ અને મિત્રો જ છે. આમાં હારજીત કે લાભ-ગેરલાભનો ય પ્રશ્ન નથી. છે તો ફક્ત માતૃભાષાની સેવાનું સત્કર્મ કરવાની ભાવના ! તમારી યાત્રા અનંતને પગથારે છે. ત્યાં કોઈ મંઝિલ નથી. છે ફક્ત વિસામાની હારમાળા. દર મહિને એક વિસામા પર પહોંચો છો. એક રાત્રિ નિરાંતની ગાળો છો. ફરી બીજા વિસામા તરફ પ્રયાણ !
જન્મથી જ હું પ્રવાસી રહ્યો છું. જીવનમાં ફક્ત ચાર વખત મારું કાંઈક ચોરાયું છે – બે વાર ભારતમાં, અને બે વાર ઓસ્ટ્રેલિયામાં. બાકી દરેક સફરમાં, અને મુકામે, મને પ્રમાણિક, પ્રેમાળ અને પરગજુ માણસોનો પરિચય થયો છે. એક વર્ષ સરકારી ‘સામાજિક કાર્યકર‘ તરીકે સૌરાષ્ટ્રના સોએક ગામડાંઓમાં પગપાળા ફર્યો. અવનવા માનવીઓને મળ્યો છું અને અજાણી જગ્યાએ અજાણ્યા લોકો સાથે, ક્યાંક પોચા રૂની તળાઈ પર તો ક્યાંક વડલાના થડને ટેકે, રાતવાસો કર્યો છે. મેઘાણી સાહેબની સાહિત્ય શક્તિનો એક ટકો પણ મારામાં હોતે તો તેમના ‘સૌરાષ્ટ્રની રસધારા‘ પુસ્તકની હરોળમાં મારા અનુભવોનું ‘સૌરાષ્ટ્રની પ્રેમધારા‘ નામનું પુસ્તક ઊભું હોત !
તે ઉપરાંત એકબે અનુભવો અહીં બતાવેલા ‘હબ પેજીઝ‘માં મૂક્યા છે.
http://pravinvaghani.hubpages.com/hub/America-Vs-India
http://hubpages.com/hubtool/edit/1567325
http://hubpages.com/hubtool/edit/2022001
12 મે 2013; e.mail : pvaghani@hotmail.com