‘શાસ્ત્રી, આજે ડેનીને ત્યાં જવાનું છે તે યાદ છે ને?’
‘હુ ઈસ ધીસ?’ હું એકદમ ચમક્યો! અવાજ જાણીતો; પણ ન ઓળખાયો. મારાથી પુછાઈ ગયું.
તરત ખડખડાટ હાસ્ય. ‘સાસ્ટરી હું ટારો ચન્ડુ, વન એન્ડ ઓન્લી ‘ચન્ડુ ચાવાલો’. હું સુઢરવા માંગું; ટો પન ટું મને સુઢરવા જ નઠી ડેવાનો. ટને ફોન કર્ટા પેલ્લા, ડશ વખટ મનમાં પ્રેક્ટીસ કરી, સુઢ્ઢ ગુજરાટીમાં ફોન કૈરો. ટો તને મારી ઓર્ખાન પન ન પરી?’
‘ના ના, ચંદુભાઈ ઓળખાણ પડી. બસ, કાયમ મારી સાથે ચોખ્ખું ગુજરાતી બોલતા રહેજો. હા, મને યાદ છે આપણે ડેનીને ત્યાં જવાનું છે.’
ગયે મહિને ડૉ. રાગિણીની બર્થડે સમયે ડેનીભાઈની અચાનક જ મુલાકાત થઈ ગયેલી. ડેનીભાઈ તો અમે કહીએ; બાકી એમનું સાચું નામ દીનેશ તો પાસપોર્ટ પર જ રહી ગયેલું. ઘરનું નામ દીનુ. શેરીનું નામ દીનેશભાઈ અને અમેરિકામાં ડેનિયલ; પણ ઓળખાય માત્ર ‘ડેની’ તરીકે. અમારા મહોલ્લામાંના મનુ પંડ્યાનો એ ભાણેજ. મુંબઈમાં ઉછરેલા, વેકેશનમાં મામાને ત્યાં આવે. અમારા કરતાં ચારેક વર્ષ મોટા. ગોરા અને ઊંચા. પારસી બાવા જેવી પર્સનાલિટી. સુરત આવે ત્યારે અમારા ટોળામાં ભળી જાય. અમે એને દીનેશભાઈ કહેતા. મામા મનુ પંડ્યા ગુજરી ગયા પછી એમનું સુરત આવવાનું બંધ થયું. અચાનક અહીં અમેરિકામાં, મંગુને ત્યાંની પાર્ટીમાં ભેટો થઈ ગયો. પાર્ટીની ધમાલમાં વધુ વાતો ન થઈ; પણ એમણે અમને એમને ત્યાં ‘ગેટ ટુ ગેધર’ માટે આમંત્રણ આપ્યું હતું.
એ યાદ કરાવવા જ ચંદુએ ફોન કર્યો. એમની રાબેતા મુજબની સુરતી ભાષામાં નહીં; પણ ચોખ્ખી ભાષામાં. એમ તો તેઓ બધા સાથે સીધી વાત કરતા. મને જોઈને જ એમનું સુરતીપણું સળવળતું. મારી સાથે ધીમે ધીમે નોર્મલ થવાની કોશિશ કરતા હતા. અમે ત્રણચાર મિત્રો જ દીનેશભાઈને ત્યાં જવાના હતા. કાંઈ મોટી પાર્ટી ન હતી.
અમે સાંજે એમને ત્યાં ભેગા થયા. તેઓ મામાને ત્યાં આવતા, ત્યારનાં સંસ્મરણો વાગોળ્યાં. અમારા સમ્બન્ધો એટલા અંગત ન હતા કે એમના અંગત જીવન વિશે એમને કંઈ પૂછી શકીએ; પણ જાણવાની ઈચ્છા તો ખરી જ. બધા કરતાં મેં દીનેશભાઈ વિશે ઘણી વાતો સાંભળી હતી.
અમારો મંગુ સીધી જ વાત કરનારો. એણે સીધું જ આશાભાભીને પૂછ્યું, ‘ભાભીજી, આપ અમારા દીનેશભાઈ સાથેની કોઈ રોમાન્ટિક પોલ જાણતા હોય તો જણાવો ને! તેઓ તો અમારા ખૂબ જ સીરિયસ વડીલ. એમને તો પૂછવાની હિમ્મત ન જ થાય!’
‘તમારા ભાઈ તો સીરિયસ હોવાના ડ્રામા કરે છે. બાકી એણે જ અમને બાલી ઉમ્મરમાં ફસાવ્યા છે.’ દીનેશભાઈ સ્મિત કરતા રહ્યા.
‘અમે બન્ને નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં ફાર્મસીમાં ડૉક્ટરેટ કરતા હતા. ઓળખાણ થઈ. એ મને મસકા મારીને પ્રોજેક્ટ વર્ક માટે એમના એપાર્ટમેન્ટમાં બોલાવતા. જાતે રસોઈ કરતા; પણ રસોઈમાં કોઈ જાતના ઢંગઢડા નહીં. વાંકીચૂકી ભાખરી, કાચા રાઈસ અને બળેલી દાળ બે વખત ખાધાં. પછી મારે જ કહેવું પડતું કે, ‘ડેની, હું આવીને મારી રીતે રસોઈ બનાવીશ.’ તડકા દાલ, રાઈસ, પરોઠા, ચીકન, મટરપનીર હું બનાવતી. પછી તો એના એપાર્ટમેન્ટમાં વીકેન્ડમાં બે વાર મારે કુકીંગ કરવાનું માથે જ પડી ગયું. પાંચ દિવસ બહાર ખાવાનું. ફ્રેન્ડશિપ, લવ અને લિવીંગ ટુ ગેધરમાં, આ કૂડી પંજાબન, ગુજ્જુ કી બાતોં મેં ફઁસ ગઈ. સતીશના જન્મના એક મહિના પહેલાં જ અમે લગ્ન કર્યાં. ઈટ વોઝ નાઈન્ટીન ફિફ્ટી એઈટ.’
‘હા, મને યાદ છે કે તમે બાબાને લઈને મામાને ત્યાં આવ્યાં હતાં. દશેક મિનિટ મારા પેરન્ટ્સને પણ પગે લાગવા મારે ત્યાં આવ્યાં હતાં.’
‘હા શાસ્ત્રીભાઈ, મેં પંજાબણ સાથે લગ્ન કર્યાં એટલે અમારા ફેમિલીને જ્ઞાતવાળાઓએ જ્ઞાત બહાર મુક્યા હતા. મારા ફાધર અને અંકલને કાંઈ પડી ન હતી; પણ મધરને વસવસો આખી જિન્દગી રહ્યો હતો. અમારાં લગ્નનો નહીં; પણ ન્યાત બહાર થયાનો.’
ડીનર પછી એમણે બીગ સ્ક્રીન પર એમના ફેમિલી અને લાઈફ ઈવેન્ટ્સની સ્લાઈડ બતાવી. એમનું લગ્ન પહેલાંનું સહજીવન, મોટી ફાર્મસ્યુટિકલ કંપનીઓના રિસર્ચ ડિપાર્ટ્મેન્ટમાં કામ કરતાં ફોટાઓ. એમના ત્રણ દીકરા અને બે દીકરીના ઉછેર અને તેમનાં લગ્ન અને ગ્રાન્ડ ચિલ્ડ્રનના ફોટાઓ અને આશાભાભીની રનીંગ કોમેન્ટ્રીએ એટલો તો ખ્યાલ આપી દીધો કે અમે કોઈ ઇન્ડિયનને ત્યાં નહીં; પણ અમેરિકનને ત્યાં બેઠા હતા. અમે અમેરિકામાં પણ સુરતી જ રહ્યા હતા. અમારા અમેરિકાના ચાળીસ પચાસ વર્ષના વસવાટ પછી પણ; પૂરા અમેરિકન થયા ન હતા. અમારા અહીં જન્મેલા છોકરાંઓ પંચોતેર ટકા અમેરિકન અને અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન પંચાણુ ટકા અમેરિકન. અમે તો પંચાણું ટકા દેશીના દેશી જ રહ્યા. અમારાં ડેની અને આશાભાભી પહેલી જનરેશનથી જ અમેરિકન થઈ ગયાં હતાં!
ડેની, દીનેશભાઈ, ગંભીર વડીલમિત્ર. વાતોનો વિષય હતો, ‘અમેરિકા’. ‘લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી’ અને ‘કલ્ચરલ મેલ્ટીંગ પૉટ’. તે દીનેશભાઈનું અને તેમના પરિવારનું જીવન પરથી સાક્ષાત્ નજરે પડતું હતું. એમનો સૌથી મોટો દીકરો સતીશ અહીં જ જન્મેલી તમીલ છોકરી સાથે પરણ્યો હતો. કહેવાય તો ઇન્ડિયન; પણ કલ્ચર અમેરિકન જ. બીજા નંબરનો રશિયન ઇમિગ્રાંટને પરણ્યો હતો. ત્રીજા નંબરના છોકરાએ જમૈકન બ્લેક અમેરિકન છોકરી સાથે લગ્ન કર્યાં હતાં. એની એક દીકરીએ આઇરિશ અમેરિકન સાથે લગ્ન કર્યાં હતાં. અને બીજી જપાનીસ સાથે પરણી હતી.
આશાભાભીએ કહ્યું કે, ‘યુનાઈટેડ સ્ટેટ્સ એ ઇમિગ્રન્ટ્સનો દેશ છે. અમેરિકા લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી કહેવાય છે. સમગ્ર વિશ્વમાંથી લોકો, વધુ સારી રીતે જીવન જીવવા માટે અહીં આવે છે. દરેક ઇમિગ્રન્ટ તેમની સાથે તેમની સંસ્કૃતિ લાવે છે. તેમના રીતરિવાજો અને માન્યતાઓ લાવે છે. દુનિયાભરમાંથી આવતી પહેલી પેઢીની સંસ્કૃતિનું, અહીં બીજી અને ત્રીજી પેઢીએ ‘મેલ્ટીંગ’ થઈને એક ‘નવી જ સંસ્કૃતિ’ બને છે અને તે છે ‘અમેરિકન સંસ્કૃતિ’ – ‘અમેરિકન કલ્ચર.’
‘અમારે ત્યાં કુટુંબ સાથે અવારનવાર અમે ગુજરાતી અને પંજાબી તહેવારો ઉજવીએ છીએ. દીકરાઓને ત્યાં એમની પત્નીના કૌટુંબિક કે ધાર્મિક તહેવારોમાં પણ અમે સામેલ થઈએ છીએ. ઘરમાં વહુઓનાં માબાપ તેમના દેશની ભાષા બોલે છે; પણ છોકરાંઓ તો અમેરિકન ઇંગ્લિશ જ બોલે છે અને સમજે છે.’
દીનેશભાઈએ કહ્યું, ‘આ દેશ એક વિશાળ સુપના મોટા પૉટ જેવો છે. એમાં બીજા દેશોમાંથી આવતા બધા ઇમિગ્રન્ટસ કંઈકના કંઈક ઈન્ગ્રેડિયન્સ ઉમેરતા જાય છે. એક નવો સ્વાદ ઉમેરે છે. માની લો કે એક સ્વાદિષ્ટ પાઁવભાજી. આ જ ‘અમેરિકન કલ્ચર’ છે. દરેક ઇમિગ્રાન્ટ અમેરિકા આવ્યા પછી, તેઓ અન્ય લોકો સાથે જોડાઈ જાય છે. એકબીજાની સંસ્કૃતિ વિશે શીખે છે. આ ‘અમેરિકન મેલ્ટીંગ પૉટના સુપની’ વિશિષ્ટતા એવી છે કે બધા અલગ હોવા છતાં; બધા એક છે એવો અનુભવ થાય છે.’
આશા ભાભીએ કહ્યું કે, ‘અમારા ફેમિલીમાં ‘ક્રોસ-કલ્ચરલ લગ્નો’ એ અમારે માટે ‘રેસિયલ ટોલરન્સ’ સર્જવાનું કામ કર્યું છે. ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના સર્વે મુજબ 2010માં અમેરિકામાં બ્લેક અને કોકેઝિયન વ્હાઈટના ‘ઈન્ટર રેસિયલ’ લગ્નો 15 ટકા હતાં; તે દર વર્ષે વધતાં જ રહ્યાં છે. આ લગ્નની સંખ્યામાં વધારો પણ રેસિયલ ટોલરન્સ વધારવામાં સારો એવો ફાળો આપે છે. એક નવી જ ‘માનસિક સહિષ્ણુતા’ સર્જાય છે. ‘પ્યુ રિસર્ચ સેન્ટર’ના અભ્યાસ મુજબ, 35 ટકા અમેરિકનોનાં કુટુમ્બમાં પોતાની જાતિમાં જ લગ્ન કર્યાં છે. જ્યારે 65 ટકા અમેરિકનોએ આંતરજાતીય લગ્નો કર્યાં છે. યુવાન લોકોમાં ‘ક્રોસ-સાંસ્કૃતિક’ લગ્નને સ્વીકારી શકવાની ક્ષમતા વધારે હોય છે.
‘ઓલ મિલીનિયલ્સ સ્વીક ઈન્ટરફેરી ડેટીંગ એન્ડ મેરેજ’, સંસ્થાના સર્વે મુજબ 88 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કોઈ અન્ય જૂથ સાથેનાં લગ્ન સ્વીકારે છે. આ કારણોસર, વધુ ક્રોસ-સાંસ્કૃતિક સંબંધોની અપેક્ષા રાખી શકાય છે.
‘કેટલાક ‘પ્રોફેશનલ એથ્લેટ્સ’ કે પ્રખ્યાત લોકોએ પણ આંતરદેશીય કે આંતરજાતીય મેરેજ કર્યાં છે. તેમાં રોબર્ટ ડી નીરો અને ગ્રેસ હાઈટવર, જ્યોર્જ લુકાસ અને મેલોડી હોબસન, ઓડ્રા મેકડોનાલ્ડ, વીલ સ્વેન્સન, માર્ક ઝુકરબર્ગ, પ્રિસીલા ચાનનો સમાવેશ થાય છે. લોકો તેમને સ્વીકારે છે. ‘યુ.એસ. સેન્સસ બ્યુરો’ના જણાવ્યા અનુસાર, 30 વર્ષમાં, શક્ય છે કે વ્હાઈટ કરતાં બ્લેક કે મિક્સ વધારે હશે.
આપણા ભારતની ચર્ચા નીકળી. દીનેશભાઈએ અમને પણ ઝપેટમાં લીધા. ‘તમે તો અમેરિકામાં પણ સુરતી જ બની રહેવા માંગો છો.’ કહ્યું અમને બધાને; પણ એમની મર્માળુ નજર તો અમારા ચંદુ પર જ હતી. ‘એક ‘સમાન સનાતન હિન્દુ’ પણ બની શકતા નથી. એમાં પણ પાછી અનેક સંપ્રદાયોની મારામારી.’
દીનેશભાઈ જાણે ક્લાસ રૂમમાં છોકરાં ભણાવતા હોય એમ કહેતા હતા. ‘હું માનું છું કે અમેરિકાની જેમ જ જો ભારતને એક દેશ બનાવવો હોય તો ક્રોસ કલ્ચર મેરેજિસ કરવા દો. આપોઆપ જાતિવાદ બંધ થશે. મારા એક ડૉક્ટર પટેલમિત્ર તો અમેરિકામાં પણ પોતાના સંતાન માટે ‘પાંચ ગામ’ કે ‘સાત ગામ’નાં છોકરા–છોકરી શોધતા રહે છે. પછી સંતાનો ધડાકા કરે કે તેઓ તો અમેરિકનના પ્રેમમાં છે અને પોતાની મરજી મુજબ પરણવાનાં છે. ત્યારે રાતાપીળા થઈ જાય છે. બીચારા દેશી ડોસાઓ!!’
ઇન્ડિયામાં જાતિવાદી રાજકારણે જે વાતાવરણ ઊભું થયું છે તેની ચર્ચા કરતાં દીનેશભાઈએ એમના ડેલાવેર યુનિવર્સિટીના પ્રૉફેસર મિત્ર ડો. દીવ્યેશભાઈનો અભિપ્રાય જણાવ્યો. દીવ્યેશભાઈના કહેવા મુજબ : ‘જ્યાં સુધી આપણા ગુજરાત અને દેશમાં, જ્ઞાતિના ભેદભાવની વાતો થતી રહેશે, ‘ઉચ્ચ જ્ઞાતિ’ અને ‘નીચી જ્ઞાતિ’ની ચર્ચાઓ થતી રહેશે, પોતાની જ્ઞાતિના ગૌરવની લાગણીની વાતો કરતા રહેશે, (જાણે કેમ પોતે નક્કી કરીને કોઈ ચોક્કસ જ્ઞાતિમાં જન્મ ન લીધો હોય, તેમ!), જ્યાં સુધી આપણે આવી માનસિકતામાંથી બહાર નીકળીશું નહીં, ત્યાં સુધી દેશ અરાજકતામાંથી બહાર આવશે જ નહીં અને રાજકારણીઓ ચૂંટણીના સમય઼માં ધર્મ અને જાતિના આવા નુસખાના આધારે લાભ લેતા રહેશે. જે જ્ઞાતિના લોકો સાચી પરિસ્થિતિ સમજશે તેઓ તો આવી લપમાં નહીં પડે.
‘દીનેશભાઈ ડેનિયલ બની ગયા હતા. એમનાં બાળકોને કોઈ જાતિવાદ ન હતો, કોઈ પ્રાંતવાદ ન હતો, કોઈ ભાષાવાદ ન હતો કે કોઈ પણ વાદનો હઠાગ્રહ ન હતો. જો ભારતમાં આંતરપ્રાંતીય અને આંતરજાતીય લગ્નો થાય તો જ ભાષાવાદ અને જાતિવાદ નાબૂદ થાય.’
એમની વાત સો ટકા સાચી જ છે. અમે બધા પહેલી પેઢીના ઇમિગ્રાન્ટ્સ બીજી અને ત્રીજી પેઢીનાં ગ્રાન્ડચિલડ્રનનાં આંતરજ્ઞાતિનાં અને આંતરજાતિનાં લગ્નો જોતાં આવ્યા છીએ અને સ્વીકારતા પણ થયા છે. ભારતમાં પણ આવાં લગ્નો થશે તો જ એકતા સ્થપાશે. જાતીય ક્રોસબ્રિડીંગથી ઉત્પન્ન થતી પ્રજા વધુ શક્તિશાળી હોય છે. ભારતને એ જરૂરી છે.
ત્યાર પછી તો અમારી વાતોના ઘણા વિષયો બદલાયા. દીનેશભાઈ અને આશાભાભી સાથે ઘણી વાતો થઈ. એક ખાસ મજાની વાત એ થઈ કે, ચંદુભાઈએ જાતે જ જાહેર કર્યું કે હવે હું ‘શાસ્ત્રી’ને, ‘સાસટરી’ નહીં કહું; પણ ‘શાસ્ત્રીભાઈ’ જ કહીશ. અને હવેથી મારે મને ‘ચંદુભાઈ’ નહીં; પણ ‘ચંદુ’ જ કહેવાનું. આપણા કરતાં મોટા છે. તેમાં વળી, અમારા મંગુએ પાછી સળી કરી, ‘ચંદુ, તને આટલાં વર્ષે આ બ્રહ્મજ્ઞાન કેવી રીતે થયું કે શાસ્ત્રીજી આપણા કરતાં મોટા છે?’ ચંદુની પૂંછ કદીયે સીધી નહીં જ થાય. જેટલી વાર ‘શાસ્ત્રીભાઈ’ને બદલે ‘સાસ્ટરી’ કહે એટલી વાર તારે શાસ્ત્રીજીને સો ડોલર આપવા.’
‘મંગુ, ટુ ડોસો ઠિયો ટો બી એવોને એવો જ રે’વાનો. ઢીસ ઈસ ઈન બિટ્વીન સાસ્ટરી એન્ડ આઈ. ટારે વચમાં પરવાની જરૂર નઠી.’
હસતાં રમતાં અમે છૂટાં પડ્યાં.
[માર્ચ, 2018માં અમેરિકાના ગુજરાતી અખબાર ‘તીરંગા’માં પ્રકાશિત થયેલો આ હાસ્યલેખ, લેખકની અને ‘તીરંગા’ના તંત્રી–પ્રકાશકની મંજૂરીથી સાભાર.]
સર્જકસમ્પર્ક : 6-SAVERIA COURT, HOWELL – NJ – 07731 – USA
eMail : shastripravinkant@gmail.com
Website : https://pravinshastri.wordpress.com/
સર્જકનું સર્જન : લેખકની પ્રથમ નવલકથા ‘શ્વેતા’; અમેરિકાના પ્રસિદ્ધ ગુજરાતી માસિક ‘ગુજરાત દર્પણ’માં ધારાવાહિક રીતે પ્રકાશિત થયેલી, અમેરિકાની રંગીન જીવનશૈલીને ઉજાગર કરતી, સર્જકની પ્રથમ નવલકથા ‘શ્વેતા’ (પ્રથમ આવૃત્તિ : 2011; પ્રકાશક : લેખક પોતે; ટાઈપસેટીંગ અને મુદ્રક : ચિન્મય જોશી, શ્રી રંગ પ્રિન્ટર્સ, સુરત. તેની ઈ.આવૃત્તિનું પ્રકાશન : 2017માં થયું, જે તમે મફ્ફત ડાઉનલોડ કરી શકો છો, વાંચવા અને ગમે તો મિત્રોને તેની નિ:શુલ્ક લહાણ કરવા નીચેની લીંક પરથી તે મળશે :
https://pravinshastri.files.wordpress.com/2017/07/e0aab6e0ab8de0aab5e0ab87e0aaa4e0aabe_e0aba9.pdf
♦●♦
સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ સોળમું – અંકઃ 472 –February 14, 2021