ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના મદદનીશ રહેલા સુધીન્દ્ર કુલકર્ણીએ તાજેતરમાં એક પુસ્તક લખ્યું છે : Music of the, Spinning Wheel – જેનું વિમોચન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને હસ્તે થયેલું. ગાંધીજી વિશે સર્વસામાન્ય છાપ એવી છે કે ગાંધીજી વિજ્ઞાન-ટેક્નોલૉજીના-મશીનના વિરોધી હતા. ખરેખર તો ગાંધીજી યંત્રની ઘેલછાના વિરોધી હતા, યંત્રો અન્યોની રોજગારી છીનવી લે તથા કામદારોનું શોષણ કરે તેના વિરોધી હતા. લેખક આ વાત પુરાવા સહિત રજૂ કરવા સાથે એમ માને છે કે ગાંધીજી આજે હયાત હોત તો ઇન્ટરનેટને – ડિજિટલ ટેક્નોલૉજીને આવકારી હોત, તેનો ઉપયોગ કરત અને લેખકનો આશાવાદ છે કે ગાંધીજી જે કામ ચરખા દ્વારા કરવા ઇચ્છતા હતા એ હવે ડિજિટલ ટેક્નોલૉજી – ઇન્ટરનેટથી થઈ શકશે. તેની સહાયથી વપરાશકારોની જરૂરિયાત મુજબ ઉત્પાદન થશે. ઉત્પાદન વિકેન્દ્રિત ધોરણે થશે. ઉત્પાદિત માલ સ્થાનિક બજારમાં જ વેચાશે, પ્રદૂષણની સમસ્યા હલ થશે, ઊર્જાનો બગાડ અટકશે.
લેખક તેમની યુવાવયે કાર્લ માર્ક્સથી વધુ પ્રભાવિત હતા. ભારતીય સમાજમાં પ્રવર્તતી અસમાનતા-શોષણ-ગ્રામીણ ગરીબીનો ઉકેલ સામ્યવાદી ક્રાંતિથી જ આવી શકશે તેમ લેખકનું માનવું હતું. તેઓનું ત્યારે માનવું હતું કે ગાંધીજીના વિજ્ઞાન – ટેક્નોલૉજી અંગેના વિચારો ભૂલભરેલા છે. ગાંધીજીનું વિકાસ અંગેનું દર્શન મધ્યયુગનું છે. હાથે કાંતેલું ને વણેલું કાપડ પુનર્જિવિત કરવાથી ભારતનું આર્થિક અને નૈતિક પુનઃઘડતર થશે એ ગાંધી વિચાર સાથે લેખક સહમત ન હોતા. આથી લેખકને ગાંધી વિજ્ઞાનવિરોધી, મશીનવિરોધી તથા વિજ્ઞાન-ટેક્નોલૉજીના વિરોધી દર્શાવતા હતા. 'હિંદ સ્વરાજ'માં તેઓએ લખ્યું છે : ''આધુનિક સભ્યતાનું પ્રતીક મશીન છે તે પાપને વ્યક્ત કરે છે.'' 'હિંદ સ્વરાજ'માં તેઓએ રેલવેના વિરોધ કરેલ છે. તેઓએ આલ્ફ્રેડ રસેલ વોલેસના શબ્દો યાદ કરાવતાં કહેલું, ''વિજ્ઞાનની પ્રગતિએ વિશ્વમાંથી નફરત અને અન્યાય ઓછાં નથી કર્યા તથા યુરોપની નીતિમત્તા એક ઈંચ જેટલી પણ ઊંચે નથી ચડી.'' યુરોપિયનોને તેઓ સતત કહેતા કે તેઓના લોભ આધારિત ઔદ્યોગિક વિકાસને લીધે તેમનો સમાજ નૈતિક અધોગતિમાં ગયો છે. ગાંધીજીનું માનવું હતું કે મશીનને લીધે જ ભારત ગરીબ બન્યું અને બ્રિટન ધનવાન બન્યું. ગાંધીજીએ 1931માં યુરોપની સામ્રાજ્યવાદી સત્તા વિશ્વને યુદ્ધ તરફ ધકેલી રહી હતી ત્યારે કહેલું કે મશીનરીને લીધે એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રનું શોષણ કરે છે. દક્ષિણ આફ્રિકામાં તેઓએ મશીનરીને અનિષ્ટ અને સેતાન કહેલ.
પશ્ચિમના વિચારકોમાં પણ ગાંધી વિજ્ઞાન-ટેક્નોલૉજીના વિરોધી છે તેવા ખ્યાલ હતો. આઈનસ્ટાઈને 1935માં કહેલું, ''હું ગાંધીનો ખૂબ આદર કરું છું, પરંતુ ગાંધી આધુનિક સભ્યતામાંથી મશીને દૂર કરવાનું યા ઓછા કરવાનું કહે છે, તે તેમની ભૂલ છે. મશીનો રહેવાનાં જ છે. તેનો સ્વીકાર કરવો જ પડશે.'' રોબર્ટ પાયનેએ ગાંધીની જીવની લખી છે. તેમાં લખ્યું છે કે ગાંધી વિજ્ઞાનવિરોધી હતા. ચાર્લી ચેપ્લીન ગાંધીજીની મશીન પ્રત્યેની નફરત જોઈને મુંઝાઈ ગયેલા. આલ્ડસ હકસલીના મત મુજબ ટૉલ્સટોયવાદીઓ અને ગાંધીવાદીઓ કહે છે કે આપણે પ્રકૃતિ તરફ પાછા વળવું જોઈએ. (Return to Nature) તેનો અર્થ એ થયો કે વિજ્ઞાનને એક બાજુ મૂકીને આપણે ફરી પ્રાથમિક દશામાં જીવવું. આવો અભિગમ ભારતમાં પણ ઘણા લોકો ધરાવતા હતા. ગામડાં અંગે પણ માર્ક્સનો અભિપ્રાય સારો નહોતો. આ બધાં કારણોને લઈને લેખક સહિત ઘણા યુવાનોને ગાંધી પ્રત્યે પૂર્વગ્રહ હતો.
ગાંધીજીને માર્ક્સ સાથે અનેક મતભેદો હોવા છતાં આદર પણ ખૂબ હતો. સોવિએટ યુનિયનના પતન સાથે સામ્યવાદી વિચારધારા અંગેની ભ્રમણા તૂટી. સામ્યવાદના વળતાં થયેલાં પાણીએ લેખકને ગાંધી તરફ ખેંચ્યા. તેઓએ ગાંધીના જીવન અને સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો. તેમાંથી લેખકને સામ્યવાદની ત્રુટિઓ સમજાઈ તથા ગાંધીની વિજ્ઞાન-ટેક્નોલૉજી-વિકાસ-સભ્યતા અંગેની સમજણ પણ મળી. લેખકને ખ્યાલ આવ્યો કે ગાંધીએ જે કહ્યું છે તે તે બધું તેમની જીવનભરની ઊંડી જિજ્ઞાસામાંથી ઊતરી આવેલું હતું. ગાંધીને દરેક પ્રવૃત્તિમાં તથા દરેક સંસ્થામાં માનવજીવનમાં નૈતિકતા અને સચ્ચાઈ (ધર્મ) દાખલ કરવામાં રસ હતો. મૂડીવાદે કે સામ્યવાદે કદી આવી ચિંતા કરી નહોતી. તે બંનેને તો માનવીની ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવામાં જ સંતોષ હતો જ્યારે ગાંધીજી એક અલગ જ સભ્યતા રચવાનું સ્વપ્ન સેવતા હતા.
લેખક ગાંધી તરફ વળ્યા તેનું એક કારણ હિંસાનો પ્રશ્ન પણ હતો. રાજકારણમાં હિંસાનો ઉપયોગ એક સાધન તરીકે માન્ય હતો. બધા માર્ક્સવાદીઓ ક્રાંતિ માટે હિંસાને જરૂરી ગણતા. માર્ક્સે કહેલું, ''જૂનો સમાજ જ્યારે નૂતન સમાજ દ્વારા ગર્ભાધાન પ્રાપ્ત કરે છે ત્યારે હિંસા દાયણનું કામ કરે છે.'' સામ્યવાદી દેશોમાં જ્યાં હિંસાએ દાયણનું કામ કર્યું ત્યાં ક્રાંતિ પછી પોતાના શાસન દરમિયાન મોટે પાયે હિંસા આચરી હતી. કારણ કે સામ્યવાદી વિચારધારા અધાર્મિક-બિનઆધ્યાત્મિક હતી. તેઓ સાધનશુદ્ધિમાં માનતા ન હોતા. ધ્યેયની સિદ્ધિ જ સાધનોને ન્યાયી ઠેરવતી હતી. End justified the means.
લેખકને ગાંધીજી અંગે ઊંડો અભ્યાસ કરવાનું નિમિત્ત એક વ્યાખ્યાન પણ બન્યું. સુધીન્દ્ર કુલકર્ણીએ એપ્રિલ- 2010માં Observer Research Foundationના ઉપક્રમે ડૉ. રઘુનાથ માશેલકરનું એક વક્તવ્ય યોજેલું. માશેલકર લોકતરફી વિજ્ઞાન-ટૅક્લોલોજીના પુરસ્કર્તા છે. તેઓ નેશનલ રિસર્ચ પ્રોફેસર ઉપરાંત ગ્લોબલ રિસર્ચ એલાયન્સ તથા નેશનલ કેમિકલ લેબોરેટરીના પ્રમુખ, કાઉન્સિલ ઓફ સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ના ભૂતપૂર્વ. ડાયરેકર જનરલ તથા ગાંધી નેશનલ મેમોરિયલ સોસાયટી-પૂનાના ટ્રસ્ટી છે. તેઓના વક્તવ્યનો વિષય ગાંધીઅન એન્જિનિયરિંગ More from Less for More હતો. આ વિષય પસંદ કરવા પાછળ રઘુનાથ માશેલકર એક ઘટનાનો સંદર્ભ આપે છે. ઓસ્ટ્રેલિયન એકેડમી ઑફ ટેક્નોલૉજી સાયન્સીસ એન્ડ એન્જિનિયરિંગમાં તેઓએ એક વક્તવ્ય આપવાનું હતું. સાથે ફેલો તરીકે તેઓનું સન્માન પણ થવાનું હતું. છેલ્લાં 40 વર્ષમાં આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય રઘુનાથ માશલેકર હતા. શ્રોતાઓમાં વિવિધ શાખાઓના નિષ્ણાતો તથા વિજ્ઞાન – વ્યાપાર તથા સરકારના પ્રતિનિધિઓ હતા. માશલેકરને વક્તવ્યના વિષય અંગે વિચારતાં લાગ્યું કે 21મી સદીમાં ભારતે વિશ્વને કઈ મોટી ભેટ આપી છે ? વિશ્વ આજે અનેક પ્રકારની અસમાનતાથી પીડાઈ રહ્યું છે. ચાર બીલિયન લોકો રોજના બે ડૉલરથી પણ ઓછી આવક મેળવે છે. 80 કરોડ લોકો રાત્રે ભૂખ્યા સૂવે છે. સાંપ્રત વિશ્વ વધતું ઉષ્ણતામાન, વાતાવરણમાં પરિવર્તન, કુદરતી સ્ત્રોતોના વિનાશ વગેરે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. વિશ્વ આજે ભયમાં મુકાઈ ગયું છે. આ પરિસ્થિતિમાં તેઓને ગાંધીજીની બે શીખ યાદ આવી.
[1] બધાંને લાભકર્તા હોય તેવી વિજ્ઞાનની શોધને હું ઈનામ આપીશ.
[2] પૃથ્વી વિશ્વના દરેક માનવીની જરૂરિયાતો સંતોષી શકે તેમ છે પરંતુ થોડા લોકોની લાલસા સંતોષી શકે તેમા નથી.
આ દ્વારા તેને સમજાયું કે પૃથ્વી પર બધાં માટે પૂરતું છે. જરૂર છે ચિરંજીવ-સાતત્યપૂર્ણ વિકાસની. ગાંધીદર્શન આ બે બાબત પર ઊભું છે. વિશ્વની સમસ્યાઓનો ઉકેલ ગાંધી એન્જિનિયરિંગમાં છે. ગાંધીએ વિશ્વને આપેલી આ મોટી ભેટ છે. એન્જિનિયરો અને ટેક્નોલૉજિસ્ટો જે કુદરતી સ્રોતો મર્યાદિત છે તેમાંથી પોતાનો વધુ નફો મેળવવા વધુ ને વધુ લે છે. તે પણ ઓછા ભાવે, ઓછા સમયમાં અને ઓછી જગ્યા રોકીને. ત્યારે ગાંધીજીનો સંદેશ અલગ હતો. તેઓનું માનવું હતું કે કુદરતી સ્રોતો મર્યાદિત છે તેથી તેની સાથે કુશળતાથી કામ લેવું જોઈએ, જેટલી જરૂર હોય તેટલું જ લેવું જોઈએ. ફક્ત થોડા લોકોને નફો મળે, તેની સંપત્તિ વધે તે ઇચ્છનીય નથી. વધુ લોકોને લાભ મળવો જોઈએ. આ વિચારને કેન્દ્રમાં રાખીને તેમણે વિષય રાખ્યો More from Less for More. આ વિષય પર તેઓએ અનેક જગ્યાએ વક્તવ્યો આપ્યાં.
લેખક સહિત અનેક શ્રોતાઓના મનમાં પૂર્વગ્રહ હતો કે ગાંધી તો એન્જિનિયરિંગના – મશીનના વિરોધી હતા. પરંતુ આ વક્તવ્ય સાંભળ્યા પછી લેખકે ગાંધી સાહિત્યનો ઊંડાણમાંથી અભ્યાસ શરૂ કર્યો. ગાંધીજીનાં અનેક પાસાંઓ – નઈ તાલીમ, બ્રહ્મચર્ય, ગ્રામોદ્યોગ, વિકેન્દ્રીકરણ, ગ્રામસ્વાવલંબન વગેરે પર વાંચ્યું. સમજ્યા અને 700 પાનાનું આ પુસ્તક તૈયાર થયું. તેઓએ ગાંધીજીના અનેક અનેક અવતરણો પોતાની વાતની પુષ્ટિ માટે રજૂ કર્યાં છે. અનેક લેખકો-વૈજ્ઞાનિકો-કર્મશીલોનાં વચનો પણ ટાંક્યા છે. આ રીતે અધિકૃત પુસ્તક બન્યું છે.
લેખકે આ પુસ્તકનું નામ Music of the Spinning Wheel રાખ્યું છે. તે અંગે લેખકે વિસ્તારથી લખ્યું છે. ગાંધીજી સત્ય – અહિંસા સાથે સંવાદિતાની પણ શોધમાં હતા. સંવાદિતાની વૈશ્વિક ભાષા સંગીત છે. તેઓ અનેક વાર ચરખાના સંગીત – Music of the Spinning Wheel વિશે ઈશારો કરતા હતા. તેઓ ઇચ્છતા હતા કે ચરખો ચલાવતી વખતે તેમાંથી કોઈ અવાજ ન આવે. શું તે દ્વારા તેઓ 'મૌનના સંગીત' પ્રતિ ઇશારો કરતા હતા? સત્યશોધક માટે મૌન મોટું સહાયક બળ છે. તેઓ દેશની સ્વતંત્રતા માટેના આંદોલનનું સુકાન સંભાળતા હતા. સતત વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા, અનેક લોકોથી ઘેરાયેલા રહેતા છતાં અઠવાડિયે એક દિવસ મૌન પાળતા. તેઓનું માનવું હતું કે જો આપણે સાંભળવા તૈયાર હોઈએ તો 'દિવ્ય રેડિયો' સતત ગુંજતો જ હોય છે. તે મૌનમાં જ સાંભળી શકાય. ગાંધીજીએ ચરખાના સંગીતમાં રહેલી રહસ્યમયતાને સમજવા વર્ષો સુધી અભ્યાસ કર્યો હતો. ચરખાના સંગીત પાછળ ચરખાનો સંદેશ પણ છુપાયેલો છે. ગાંધીને મન ચરખો ફક્ત ગરીબોને ઉપર ઉઠાવવાનું સાધન નહોતું, કે ભારતની સ્વાતંત્ર્ય ચળવળનું પ્રતીક માત્ર નહોતું. ચરખો આંતરિક શુદ્ધિકરણનું અને પ્રભુ સાથેના મિલનનું સાધન પણ હતું. તેઓનું માનવું હતું કે ચરખાનું સંગીત આત્માને સૂઝ આપે છે. તે સાર્વત્રિક પ્રેમનું સંગીત છે. ગોથેના પુસ્તક 'FAUST'ના પાત્ર માર્ગારેટની વાત કરતાં ગાંધીજીએ કહેલું કે માર્ગારેટ હૃદયથી દુઃખી હતાં. તેને ચરખો કાંતવાથી શાંતિ મળેલી. ચરખાના સંગીતે તેમનું દુઃખ દૂર કરેલું. સંગીત-કલા-સાહિત્ય સાર્વત્રિક શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપે છે. તેથી ગાંધીને તેના પ્રતિ આદર હતો.
1947માં ભારતના ભાગલા પડ્યા અને કોમી હુતાશનની આગ સમગ્ર દેશને ભરખી ગઈ હતી. ગાંધીજીને એ હૃદયવિદાર ઘટનાના સાક્ષી થવું પડેલું. તેથી ખૂબ વેદના અનુભવતા હતા. ત્યારે પણ તેઓ આંતરિક રીતે શાંત – સંતુલિત – સ્વસ્થ – સક્રિય રહી શકેલા. ત્યારે એક ચાઇનીઝ મિત્રે પૂછેલું કે આવા મુશ્કેલ સમયમાં આપ મનની શાંતિ કઈ રીતે મેળવો છો ? ગાંધીજીએ જવાબમાં કહેલું કે કાંતણ દ્વારા શાંતિ મેળવું છું. ગાંધીજી કહેતા કે હું ભૂખ્યો રહી શકું પરંતુ કાંતણ વિના જીવી શકું નહિ. જેઓ દરિદ્રનારાયણની સેવા કરવા ઇચ્છે છે તેઓને ચરખામાંથી સંગીત-કલા-અર્થશાસ્ત્ર અને આનંદ મળશે. ચરખો તો સત્ય – અહિંસાનું બાહ્ય પ્રતીક છે.
ગાંધીજીને ભજનો પ્રિય હતા. ભજનો જીવનમાં સંવાદિતા પેદા કરે છે. સંપ્રદાયવાદથી ઉપર બેઠેલાં ભજનો માનવી માનવીને જોડવાનું કામ કરે છે. ગાંધીજીએ એવાં ભજનો એકત્ર કરીને આશ્રમ ભજનાવલી તૈયાર કરાવેલી. તેઓનું માનવું હતું કે Life is greater then all art.
ગાંધીજી કાંતણ દ્વારા ગરીબોની વધુ નજદીક હોવાનું અનુભવતા અને તે રીતે પ્રભુની પણ નજીક જવાય છે તેમ માનતા. તેઓને કાંતણ દરમિયાન અશુદ્ધ વિચારો ન આવતા. ધર્મગ્રંથોના વાચન કરતાં પણ વધુ શાંતિ કાંતણ દ્વારા મળતી. કાંતણ તેઓ માટે પ્રાર્થના હતી. જ્યારે શરીર-મન અને આત્મા એકાકાર થઈ જાય છે ત્યારે દિવ્ય સંગીત પેદા થાય છે. ચરખો ચલાવવો તે ગાંધીજી માટે પોતાની જ મુક્તિનું દ્વાર નહોતું, તે દેશના સર્વે લોકો માટે મુક્તિનું દ્વાર હતું. તેઓ કહેતા કે, 'હું દરેક તારે ભારતનું ભવિષ્ય વણી રહ્યો છું.' રોમાં રોલાનું કહેવું હતું, ''ગાંધી યુરોપના લોકોમાં સૂતેલા ક્રાઇસ્ટને જગાડે છે. તેઓ પોતે જ ક્રાઇસ્ટ લાગે છે.'' રોમાં રોલાં અને મીરાંબહેન બીથોવનના પ્રેમી હતાં.
મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ ભારતમાં અને વિશ્વમાં પણ મુંઝવણભર્યું રહ્યું છે. ગાંધીજીને સન્માન આપવું સહેલું છે. પણ તેમને સંપૂર્ણતામાં સમજવા અઘરું છે. તેમનો દેખાવ, ખોરાક અંગેની ટેવો, અઠવાડિયે એક દિવસ મૌન જાળવવું, સેક્સ અંગેના તેમના વિચારો – આ બધું બિનપરંપરાગત હતું. આજના ભોગવાદી અને સુખવાદી સમાજમાં તે ઘણાંને ગમે નહિ તેમ છતાં વિશ્વભરમાં ખૂબ લોકપ્રિય છે. સમય વીતવા છતાં તેઓનું તેજ – તેમના જીવનનું આંતરિક સત્ત્વ હજુ ઝાંખું પડ્યું નથી. તેઓ આજની અપૂર્ણતા, નિષ્ફળતા, બુરાઈઓ, અન્યાયો, શોષણની જ વાત નથી કરતા. તેઓ તો ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરે છે. આજે ભારતમાં રાજકારણ, અર્થકારણ અને જાહેરજીવનમાં નૈતિક મૂલ્યોને લૂણો લાગી રહ્યો છે ત્યારે તેઓ નૈતિકતા પર ભાર મૂકે છે. તેઓ માટે સત્ય અને અહિંસા મૂળમંત્ર સમાન છે. આજે સમગ્ર વિશ્વ ન્યાયી અને શાંતિપૂર્ણ સમાજ માટે ગાંધી તરફ આશા રાખે છે. યુ.નો.ને ગાંધીજીને આજના યુગના શાંતિના પયગંબર કહ્યા અને વર્ષ – 2005માં ગાંધીના જન્મદિવસે 'અહિંસા દિન' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ગાંધીજીનો તેની સમગ્રતામાં સ્વીકાર કરવો મુશ્કેલ હોવા છતાં તેને નકારી પણ શકાતા નથી.
વિશ્વ આજે ટેક્નોલૉજિક્લ યુગમાંથી પસાર થઈ રહ્યું છે. વિજ્ઞાન – ટેક્નોલૉજીએ વિશ્વમાં કલ્પનાતીત પરિવર્તન આણ્યું છે, ભૌતિક સમૃદ્ધિ વધારી છે. તેથી ઘણાંનું માનવું છે કે ખાદી ગ્રામોદ્યોગ-સ્થાનિક-સ્વાવલંબન વગેરે પર ભાર દેવાથી વિજ્ઞાન-યંત્રવિદ્યાથી થતો વિકાસ અટકી જશે. આથી ઘણાને ગાંધીવિચાર અપ્રાસંગિક જણાય છે. ગાંધીજી આ શંકાઓ વિશે જાણતા હતા. શું ગાંધી ખરેખર ઉદ્યોગીકરણ – આધુનિક વિજ્ઞાન – યંત્રવિદ્યાના વિરોધી હતા? ખરેખર તો તેઓએ ઇન્ટરનેટ – નેનો ટેક્નોલૉજી-આર્ટિફિસીયલી ઇન્ટેલીજન્સ વગેરે શોધને અવગણી હોત? જો ગાંધીની અહિંસા અને વિશ્વબંધુત્વ પ્રાસંગિક હોય તો વિજ્ઞાન-ટેક્નોલૉજી અંગે તેઓ અપ્રાસંગિક કેવી રીતે હોઈ શકે? તેઓ તો માનવીનો સમગ્રતામાં વિકાસ થાય – વિજ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ થાય તેમ ઇચ્છતા હતા. આજે વિજ્ઞાન યંત્રવિદ્યાનો ઉપયોગ શોષણ – હિંસામાં થઈ રહ્યો છે તેના વિરોધી હતા.
લેખકને અભ્યાસ દ્વારા અનુભવાયું કે વિશ્વનું ભવિષ્ય ડિજિટલ ટેક્નોલૉજીથી જ ઘડાશે. તે ચરખાની મૂળ વિચારધારાને ચરિતાર્થ કરશે. ઇન્ટરનેટ પહેલાંનાં યુગમાં વિજ્ઞાન-યંત્રવિદ્યાનો ઉપયોગ લોકો પર પ્રભુત્વ સ્થાપવા, લોકોને અશક્ત બનાવવામાં, પોતાનો સ્વાર્થ સાધવામાં થતો હતો. ત્યારની સામાજિક – રાજકીય પરિસ્થિતિ પણ તે માટે જવાબદાર હતી. આજે વિશ્વસમુદાય ઇન્ટરનેટ – ડિજિટલ ટેક્નોલૉજીથી એકબીજા સાથે જોડાઈ ગયો છે. તેણે સામાન્ય માનવીના હાથમાં બૌદ્ધિક અને વ્યવહારુ સાધન આપેલ છે. તેને લીધે સામાજિક-રાજકીય-આર્થિક માળખામાં પરિવર્તન આવવાની શક્યતા છે.
ડિજિટલ યુગમાં હજુ તો આપણને હિમશીલાની ટોચ જ દેખાણી છે. 21મી સદીમાં તેમાં સુનામી આવવાની છે. તે ભૌતિક પાસાંઓમાં કલ્પનાતીત પરિવર્તન લાવશે. ટેક્નો – ભવિષ્યવેત્તા રે કુર્ઝવૈલે (Ray Kurzveil) કહ્યું છે તેમ અશરીરી પ્રજ્ઞા (Non-Biological Intelligence) પ્રગટ થશે, જે માનવીય પ્રજ્ઞા કરતાં એક બીલિયનગણી વધુ શક્તિશાળી હશે. આ પરિવર્તન ગાંધીને સાચા ઠેરવશે. આ પરિવર્તનને લીધે વૈશ્વિકીરણનો લાભ સ્થાનિક કક્ષાએ મળશે. કેન્દ્રીકરણને બદલે વિકેન્દ્રીકરણ થશે, સત્તા અને સમૃદ્ધિ જે હમણાં સુધી થોડા લોકોના હાથમાં હતાં. તે બહોળા વર્ગને પ્રાપ્ત થશે. બિમાર હરીફાઈને બદલે તંદુરસ્ત સહયોગ થશે. પ્રકૃતિના શોષણના બદલે તેની સાથે સંવાદિતા ઊભી થશે. અર્થતંત્ર અને નૈતિકતા વચ્ચેની ખાઈ ઘટશે. જૂની ટેક્નોલૉજીમાં શોષણ થતું હતું. નવી ટેક્નોલૉજી શાણપણથી વપરાશે તો શોષણનો અંત આવશે. યુદ્ધો સમાપ્ત થશે. ગાંધીજીએ ચરખા અને ખાદીનાં વિચાર આ માટે જ રજૂ કરેલો ને?
દરેક મહાન વિચારનાં બે પાસાં હોય છે. તેમાંથી કેટલાક તે સમય પૂરતા ઉપયોગી હોય છે જ્યારે બીજા હંમેશ માટે ઉપયોગી હોય છે. ચરખા દ્વારા ગાંધી જે પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા તેની ઉપયોગિતા તે સમય પૂરતી હતી હવે તેની જરૂર નથી. પરંતુ ગાંધીજીના એજન્ડાની ઘણી ખરી બાબતો ભારત અને વિશ્વ માટે આજે પણ પ્રાસંગિક છે. તે ચરખાને બદલે ઇન્ટરનેટ દ્વારા થઈ શકે તેમ છે.
ચરખા આંદોલન પાછળ મુખ્ય બાબત એ હતી કે ટેક્નોલૉજી માનવીને સશક્ત બનાવનારી હોવી જોઈએ. તે સમાજને ઉદાત્ત ધ્યેય સાથે જોડતી હોવી જોઈએ. ઇન્ટરનેટ સમગ્ર વિશ્વને સાથે જોડે છે. તે ફક્ત સશક્તિકરણ જ નથી કરતું, તે માનવ ઉત્ક્રાંતિ માટે ભાગીદાર ઉદ્દીપક પણ છે. અત્યાર સુધી જ્ઞાન થોડા સમુદાય પૂરતું મર્યાદિત રહેલું હતું, પરંતુ ઇન્ટરનેટ દ્વારા દરેકને સુલભ થયું છે. વૈશ્વિક જ્ઞાનનો લાભ દરેકને મળી શકે છે. ઇન્ટરનેટને લીધે સહયોગ, પરસ્પર વિશ્વાસ અને સંભાળ, સ્રોતોના ઉપયોગમાં સમાન વહેંચણી, સામૂહિક વિકાસ જેવાં ગાંધીઅન મૂલ્યોને ઉત્તેજન મળશે.
ગાંધીજી ઉત્કટતાથી વિજ્ઞાનના આત્મા સાથે જોડાયેલા હતા. તેઓના દર્શનમાં – જે ગ્રામકેન્દ્રી આર્થિક વિકાસનું હતું – વિજ્ઞાનને આદરભર્યું સ્થાન હતું. તેઓ સમાજની સૌથી છેવાડેની વ્યક્તિને પ્રાથમિકતા આપવા ઇચ્છતા હતા. ચરખો તેમની સામાજિક-આર્થિક ચળવળમાં કેન્દ્રસ્થાને હતો. પરંતુ ચરખો કાયમ માટે કેન્દ્રસ્થાને જ રહેશે તેવું માનનારા દુરાગ્રહી નહોતા. ગાંધીને મન ખાદી વસ્ત્ર નહોતું, વિચાર હતો. જો અન્ય સાધનથી અહિંસક, શોષણવિહીન, સંવાદિતા પેદા કરતી આર્થિક પ્રગતિ થઈ શકતી હોય તો ચરખો છોડી દેવા તૈયાર હતા. ગાંધીજીની ઇચ્છા ઇન્ટરનેટથી સિદ્ધ થઈ શકે તેમ છે.
ચરખાને ગાંધીજીએ પોતાનો મિશનનું પ્રતીક ગણેલો. તે ભારતની સ્વતંત્રતા પૂરતું નહોતું. તેઓ એકદમ સાદું સરળ અને જેમાં ઓછામાં ઓછી ટેક્નોલૉજી હોય તેવું સાધન મિશન માટે વાપરવા ઇચ્છતા હતા. પશ્ચિમની આર્થિક નીતિએ આધુનિક વિજ્ઞાન-ટેક્નોલૉજીનો પોતાના સ્વાર્થ માટે દુરુપયોગ કર્યો છે. સંસ્થાનોનું તે દ્વારા શોષણ કરેલું તથા આત્માવિહીન ભૌતિકવાદી સભ્યતાને જન્મ આપેલ. તેથી મોટા પાયે યુદ્ધ અને હિંસા થયા. ગાંધીજીના મનમાં હતું કે વિજ્ઞાન-ટેક્નોલૉજીનું નવું સાધન મળશે જે ચરખાનું કામ કરે. 5 ફેબ્રુઆરી 1925ના રોજ “યંગ ઇન્ડિયા”માં તેઓ લખે છે કે 'ઘણી અશક્ય લાગતી બાબતો શક્ય બને છે. એડિસનની શોધને લીધે લોકો સેંકડો માઇલ દૂર બેઠા વાતો કરી શકે છે. માર્કોનીએ આગળ વધીને વાયર વિનાનો સંદેશા વ્યવહાર શક્ય બનાવ્યો. ગઈ કાલે જે અશક્ય હતું તેને આજે શક્ય બનતાં જોઈએ છીએ. તે જેમ ભૌતિક વિજ્ઞાનમાં સાચું છે તેમ માનસિક સ્તરે પણ સત્ય છે.' માઇકલ કોરોસ્ટ કહે છે, 'માનવીનું મન અને મશીનના મનના જોડાણથી આપણે બધુ માનવીય બનીશું.'
સુધીન્દ્ર કુલકર્ણીને લાગે છે કે આધુનિક ટેક્નોલૉજી અને સ્વરાજ – સત્યાગ્રહના મિલનથી નવું અહિંસક વિશ્વ બનશે. 'હિંદ સ્વરાજ' પુસ્તક લખાયાને શતાબ્દી થઈ, તેનો પણ સંદર્ભ છે. જોન હેઈન્સ હોમ્સે તેને 'Sermon on the Sea' કહેલું તે પુસ્તક દર્શનમાં જ પરિવર્તન લાવે છે. તેમાં પશ્ચિમની ભૌતિકવાદી સભ્યતાની સખત ટીકા છે. કરુણતા એ છે કે, તે સભ્યતાને ભારતે અને વિશ્વે સ્વીકારી છે. એન્થની પરેલે કહ્યું, ''હિંદ સ્વરાજ બીજ છે જેમાંથી ગાંધીવિચારનું વૃક્ષ પૂરી રીતે વિકસે છે.''
ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાળકૃષ્ણ ગોખલેએ જણાવેલ, 'ગાંધી જેવો દૂરદૃષ્ટિવાળો રાજકીય પયગંબર છેલ્લી 5-7 સદીમાં પેદા નથી થયો. જો તે અઢારમી સદીમાં જન્મયા હોત તો ભારતની સ્થિતિ અલગ હોત. તેનો ઇતિહાસ જુદો જ લખાત.''
ગાંધીજી માનતા કે ભવિષ્યમાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે. માનવીનું ભવિષ્ય Survival of the Fittest' પર નહીં, પરંતુ 'Survival of Kindest' પર નિર્ભર રહેશે.
ગાંધીજીનું સેક્સ અંગેનું વલણ સમજ્યા વિના ગાંધીનું જીવન કે તેમનું ધ્યેય પૂરું નહીં સમજાય. તેઓનું બ્રહ્મચર્ય વૈજ્ઞાનિક-ધ્યેયલક્ષી-પ્રામાણિક અને પારદર્શી હતું. તેઓ પ્રયોગવીર હતા. પોતાની ઇમેજના ભોગે પણ પ્રયોગ કરતા. તેઓનું બ્રહ્મચર્ય સેક્સ પૂરતું મર્યાદિત નહોતું. મન – વચન – કર્મમાં પણ બ્રહ્મચર્ય હતું. મન પર સંયમના તેઓ આગ્રહી હતા. અહિંસક સામાજિક – રાજકીય, મિશનને પૂર્ણ કરવા જે સુપરમાનવની શક્તિ જોઈએ તે તેઓ બ્રહ્મચર્ય દ્વારા મેળવતા.
ગાંધીજી ધાર્મિક વ્યક્તિ તરીકે જાણીતા છે. પરંતુ તેઓ પૂરા વૈજ્ઞાનિક પણ હતા. તેઓ કહેતા, 'મારું જીવન મોટે ભાગે તર્ક બુદ્ધિથી દોરવાય છે, પરંતુ જ્યાં તેની મર્યાદા આવે ત્યાં શ્રદ્ધા મને દોરે છે.'' ગાંધીજીનો પ્રકૃતિ-માનવી અને ઈશ્વર સાથેનો સંબંધ અખંડતાનો હતો. તેઓ વિજ્ઞાન-અર્થતંત્રને નીતિ સાથે જોડવાના આગ્રહી હતા. ગાંધીજી જીવનને અખંડતામાં નિહાળતા.
ગાંધીજીએ ચરખાને પસંદ કર્યો તેનું કારણ ભારતના સાડા સાત લાખ ગામડાં ભયંકર ગરીબાઈથી પીડાતા હતા. બીજું કારણ પ્રતીકાત્મક હતું, તેના દ્વારા તેઓ બહુજનસમાજને એક સંદેશ આપતા હતા. તેઓ પોતે એક પોતડી અને ખભે ઓઢવાનું રાખતા. ત્રીજું કારણ તેઓ ફક્ત બ્રિટિશ શાસનમાંથી જ મુક્તિ નહોતા ઇચ્છતા પરંતુ નવયુગની સભ્યતામાં નૈતિકતાને દાખલ કરવા ઇચ્છતા હતા. તેઓ એવું સાધન ઇચ્છતા હતા કે તે સસ્તું-સરળ હોવા છતાં વિશ્વશાંતિ, વિશ્વબંધુતા તથા માનવકલ્યાણની પ્રેરણા આપતું હોય. તેઓ ચરખા દ્વારા ભારતને આર્થિક, સાંસ્કૃિતક અને આધ્યાત્મિક સંદેશ આપવા ઇચ્છતા હતા. તેઓના આર્થિક સંદેશ હતો કે ગ્રામજનોને સસ્તો, પ્રામણિક, સ્વાવલંબી અને ખેતી સાથે મદદરૂપ થાય તેવો ઉદ્યોગ આપવો, જેથી બેરોજગારીનો પ્રશ્ન ઉકલે, તેઓ સ્વમાનભેર પોતાનો જીવનનિર્વાહ ચલાવે. આનો ફાયદો એ રહે કે વણકર પોતાને ઘેર, અનુકૂળ સમયે કામ કરે. આમ તે વિકેન્દ્રિત ધોરણે ચાલે.
સાંસ્કૃિતક સંદેશ હતો કે ધનિકો પણ ચરખાનો સ્વીકાર કરે. આથી તેઓની દેશના ગરીબો સાથે એકતા સ્થપાશે. શહેર અને ગામડામાં લોકો વચ્ચે સ્નેહસંબંધ – સહયોગ ઊભો થશે. શહેરીજનો ખાદી પહેરશે તેથી ગરીબોને બજાર મળશે. ગ્રામજનો જો શહેરીજનો માટે મજૂરી કરતાં હોય તો શહેરીજનોએ ગ્રામજનો માટે કાંતવું જોઈએ. જો બધાં ખાદી પહેરશે તો સમગ્ર દેશમાં ભાઈચારો વધશે, અસ્પૃશ્યતા જશે, હિંદુ-મુસ્લિમ સંબંધો સુધરશે. ચરખા દ્વારા સમગ્ર દેશને જોડી શકાશે.
ચરખાનો આધ્યાત્મિક સંદેશ હતો કે ધર્મ અને અર્થતંત્ર વચ્ચે તોડી ન શકાય તેવું જોડાણ છે. તે જોડાણથી અર્થતંત્ર અને રાજકારણમાં પરિવર્તન આવશે. ચરખાથી અહિંસા અને આત્મસાક્ષાત્કાર સરળ બનશે. ચરખો સાદું જીવન અને ઉચ્ચ વિચારનું દ્યોતક છે. તે સતત ભૌતિક સુખની માંગના ગાંડપણને અટકાવે છે. આ ભૌતિક દોડને લીધે વ્યક્તિ આત્મસાક્ષાત્કાર કે પ્રભુને પ્રાપ્ત કરી શકતો નથી.
ચરખો બધાં ધર્મોના પાયાના આદર્શને – બ્રેડ લેબરને સંતોષે છે, શ્રમ કર્યા વિના ખાવું તે ચોરી છે. ગાંધીનું અર્થશાસ્ત્ર કહે છે કે દરેકને પૂર્ણ રોજગાર મળવો જોઈએ. ગાંધીજી ચરખો કાંતવાને શરીરયજ્ઞ કહેતાં. ચરખાનું ફરતું ચક્ર શાંતિ-સદ્દભાવ અને પ્રેમ પ્રસરાવે છે.
ગાંધીજીનું માનવું હતું કે ભૌતિક સમૃદ્ધિ દ્વારા વિકાસનું માપ કાઢવાને બદલે તેનાથી સાંસ્કૃિતક અને આધ્યાત્મિક પ્રગતિ કેટલી થઈ તે જોવું જોઈએ. વિજ્ઞાનની શોધ પાછળ માનવ પ્રતિ પ્રેમ હોવો જોઈએ. મશીનનો વિરોધ કરવો એ મુખ્ય બાબત નથી. આપણા દેશને શું અનુકૂળ આવશે તે મહત્ત્વનું છે. મશીનથી લાખો માણસો મરી જાય તેના કરતાં વિજ્ઞાન ઉજ્જડ ધરતીને ફળદ્વુપ બનાવે તે મહત્ત્વનું છે.
ગાંધીજી ચરખા અને ખાદીમાં વૈજ્ઞાનિકતા આવે તેમ ઇચ્છતા હતા. દરેક ગામમાં વીજળી આવે તેવું ઇચ્છતા હતા. 1934માં અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના સમયે જે સલાહકાર મંડળ રચેલું, તેમાં ત્રણ વૈજ્ઞાનિકો હતા – જગદીશચંદ્ર બોઝ, સી.વી. રામન તથા પી.સી. રોય. તેમના સેક્રેટરી પદે જે. સી. કુમારપ્પા હતા. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે શીપીંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપેલું. નરોત્તમ મોરારજી તથા વાલચંદ હીરાચંદને સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની શરૂ કરવા જણાવેલું. ગોદરેજને પણ ટેકો આપેલો. તાતા-બિરલા સાથે સૌહાદપૂર્ણ સંબંધો હતા. 1927માં Federation of Indian Chambers of Commerce and Industry(FICCI) શરૂ થયેલ, તેને આર્શીવાદ આપેલા. તેઓ મૂડીવાદીઓના મિત્ર હતા. પરંતુ આત્મીયતા મજૂરો સાથે અભુવતા. સામાન્ય માણસને ઉપયોગી થાય તેવી મશીનરીને આવકારતા. ગ્રામોદ્યોગ સાબુ બનાવવાની મશીનરી તેઓએ ઇંગ્લેન્ડથી આયાત કરેલી. મશીનરી વિના બહુ થોડા લોકો સાદું જીવન જીવી શકે. બહુજન સમાજ નહીં જીવે.
આમ ગાંધી મશીનના વિરોધી નહોતા, પરંતુ મશીન માનવીના માથે ચઢી બેસે તેના વિરોધી હતા. લોહિયા સાથેના એક સંવાદમાં ગાંધીજીએ કહેલું કે ઇલેક્ટ્રીસિટી, શીપ બિલ્ડિંગ, સ્ટીલ, મશીન બનાવવા માટે ભારે ઉદ્યોગો ગ્રામોદ્યોગની સાથે ચાલશે. સીંગરના સીવણ મશીનના તો તેઓ ભક્તા હતા. તેઓએ અનેક યુવાનોને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિયૂટ ઑફ ટેક્નોલૉજીમાં અભ્યાસ કરવાની સલાહ આપેલી. તેઓ તો સત્યાગ્રહનું પણ વિજ્ઞાન બની રહ્યું છે તેમ કહેતા. તેઓ ખોરાક-આરોગ્ય-સંડાસ-બ્રહ્મચર્ય-નઈ તાલીમ વગેરે જીવનને સ્પર્શતા દરેક મુદ્દાને વૈજ્ઞાનિક દૃષ્ટિએ ચકાસતા અને તે અંગેનું આગવું દર્શન રજૂ કરતા. જ્યારે સંદેશ માટેનું માધ્યમ અપ્રાસંગિક બની જાય ત્યારે સતત પરિવર્તન પામતા વિશ્વમાં તે સંદેશનો પણ જતા રહેવાનો ભય રહે છે. ભારતની સ્વાતંત્ર્ય ચળવળ સમયે લોકશિક્ષણ અને લોકોને આંદોલન સાથે જોડી રાખવામાં ચરખો શક્તિશાળી માધ્યમ હતું. ચરખાનો નૈતિક સંદેશ આજે પણ પ્રાસંગિક છે. પરંતુ આજે જ્યારે ચરખો ક્યાં ય દેખાતો જ નથી ત્યારે તે હવે ફક્ત એક ક્રિયાકાંડ નથી બની રહ્યો ? ભૂતકાળના અવશેષોને જાળવી રાખવાનો શો અર્થ?
ગાંધી ખુલ્લા મનના હતા. ગાંધીએ જ કહેલું છે કે કોઈ સાધન કે ટેક્નોલૉજી હંમેશાં ઉપયોગી ન બને. ભારતનો ભૂખમરો અને ગરીબી ઘટાડવા કોઈ પણ મશીનરીની હું તરફેણ કરું છું. જો ચરખા કરતાં વધુ સારું, જેનો સાર્વત્રિક ઉપયોગ થઈ શકે, જે સત્ય અને અહિંસાના સંદેશાને વ્યક્ત કરતું હોય તેવું સાધન મળે તો હું ચરખાને છોડી દઉં. 1935માં ચાર્લી ચેપ્લીન ગાંધીજીને મશીનના વિરોધ અંગે પૂછ્યું ત્યારે ગાંધીજીએ જવાબમાં કહેલું, ''મારી પ્રાથમિક ચિંતા ગામડાંના કરોડો લોકોની કાયમી બેરોજગારી દૂર કરવાની છે.'' ચેપ્લીને પૂછ્યું કે જો ચરખાને બદલે અન્ય સાધન બેરોજગારી દૂર કરે અને સંપત્તિની સમાન વહેંચણી કરે તેમ હોય તો તમે તે મશીનને આવકારો ખરા ? ગાંધીજી જવાબમાં કહ્યું – ''ચોક્કસ જો ખાદીના ત્રણ હેતુ પૂર્ણ થતા હોય તો બદલું.'' આજે સંદર્ભ બદલાયો છે ત્યારે હવે ચરખાને બદલે ઇન્ટરનેટ અને તેને લગતી ટેક્નોલૉજી ચરખાનો પર્યાય બની શકે તેમ છે.
ગાંધીજીએ એક લખાણમાં પોસ્ટ-ટેલિગ્રાફ-રેલવેનો પણ સ્વીકાર કરેલો. આથી લેખકને ખાતરી છે કે ગાંધીજી ઇન્ટરનેટનો ઉપયોગ કરત અને “હરિજન” તથા “યંગ ઇન્ડિયા” ઇન્ટરનેટ પર પ્રકાશિત કરાતાં હોત. ગાંધીજીએ માર્કોનીનું વિક્ટોરિયન ઇન્ટરનેટ વાપર્યું હતું.
ઇન્ટરનેટને લીધે એશિયા – આફ્રિકાના દેશોમાં સમૃદ્ધિ આવી છે. ટેક્નોલૉજીની સહાયથી જાપાને અદ્દભુત વિકાસ કર્યો છે. દક્ષિણ કોરિયા, તાઇવાન, ઇઝરાયેલ, બ્રાઝિલ વગેરે દેશોમાં ટેક્નોલૉજીને લીધે વિકાસ થયો છે. એટલું કહી શકાય કે જે પરિવર્તનો આવ્યાં છે તેમાં ટેક્નોલૉજી ઉપરાંત સામાજિક – રાજકીય પરિવર્તનોએ પણ ભાગ ભજવ્યો છે. સંસ્થાનવાદનો અંત આવ્યો છે. ઠંડું યુદ્ધ બંધ થયું છે. વધુ ને વધુ દેશોમાં લોકતંત્રની સ્થાપના થઈ છે.
ભારતમાં I.T. Sectorનો ફાળો ભારતના G.D.P.માં 6%નો છે. તે વધુ રોજગાર આપતું થયું છે. I.T. Sector હવે સાધનસંપન્ન લોકોના હાથમાં જ નથી રહ્યું. સમાજનો સામાન્ય વર્ગ તેમાં ભળ્યો છે. Software export અને out sourcing job પશ્ચિમના દેશોમાંથી મળે છે. નવા વિજ્ઞાનની સહાયથી ખેતીમાં ઉત્પાદન વધારી શકાશે. ખેતીમાં થતા નવા સંશોધનની માહિતી મળશે. જમીન-પાણી તથા અન્ય કુદરતી સ્રોતની જાળવણી અંગે જાણી શકાશે. નવાં બજાર મળશે. દૂધની ડેરી દ્વારા પણ ગરીબાઈ દૂર થશે. ટેક્નોલૉજીને સીધે બ્રાંચલેસ બેન્કિંગ વ્યવસ્થા થશે જેનો લાભ ગ્રામીણ મહિલાઓને મળશે. MIT યુનિવર્સિટી ગામડાં જઈને ગ્રામજનોને ટેક્નોલૉજીનું શિક્ષણ આપે છે. પૂના પાસેનો વિજ્ઞાન આશ્રમ પણ આ કામ કરે છે.
ડૉ. ક્રોટો કહે છે કે વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજીએ વિશ્વની સૂરત બદલી નાખી છે. તેણે માનવીના જીવનની ગુણવત્તા સુધારી છે, પરંતુ આ સ્વપ્નને ફળીભૂત કરવા માટે લોકોએ પોતાની સામાજિક વર્તણૂક બદલવી પડશે. બિનજરૂરી માંગોને મર્યાદિત કરવી પડશે. બિનજરૂરી માંગોને લીધે કુદરતી સ્રોતો ખતમ થઈ રહ્યા છે. સાતત્યપૂર્ણ વિકાસ આપણા દરેક કાર્યમાં પ્રતિબિંબિત થવો જોઈએ. ક્રોટોને શ્રદ્ધા છે કે ઇન્ટરનેટ એક ક્રાંતિકારી નવું સાધન છે જેને લીધે વૈશ્વિક સ્તરે સંદેશાવ્યવહાર, સંપર્ક, શિક્ષણ અને સશક્તિકરણ શક્ય બને તેમ છે.
ગાંધીજીનું માનવું હતું કે જથ્થાબંધ ઉત્પાદનની ઘેલછાએ જ વિશ્વમાં કટોકટી પેદા કરી છે. માની લઈએ કે મશીનથી માનવીની બધી જરૂરિયાતો પૂરી કરી શકાશે. પરંતુ તેનું ઉત્પાદન વિશેષ વિસ્તારમાં જ થશે. તેથી તેની વહેંચણી કરવા માર્ગો શોધવા પડશે. પરંતુ જો ઉત્પાદન અને વહેંચણી એક જ વિસ્તારમાં થશે જ્યાં તેની જરૂર છે – તો ત્યાં તેનું નિયમન સહજતાથી થશે. કોઈ પ્રકારની છેતરપીંડીને અવકાશ નહીં રહે. વિશ્વને જરૂર છે વધુ લોકો દ્વારા ઉત્પાદનની.
લેખકને પ્રશ્ન છે કે સ્વદેશી અને વૈશ્વિકીકરણનો મેળ કેમ બેસાડવો? ગાંધીજી તેમની મદદે આવતાં કહે છે, ''For my material needs, The village is my world. For my spiritual needs, The world is my village' (ભૌતિક જરૂરિયાતો માટે ગામડું તેમનું વિશ્વ છે. આધ્યાત્મિક જરૂરિયાત માટે વિશ્વ તેમનું ગામડું છે.) ગાંધીજીની સ્વદેશીની ચળવળને ભારતની વસ્તુઓ ખરીદો, પરદેશી વસ્તુઓનો ત્યાગ કરો એવું માનવામાં આવે છે. ઇન્ટરનેટ દ્વારા સ્વેદેશી અને વૈશ્વિકીકરણ એક સાથે રહી શકશે. તેને Globalization કહી શકાય. Think globally, act locally -સાકાર થશે.
ગાંધીજીની સ્વદેશી વિભાવના ત્રણ આદર્શો પર ઊભી હતી :
• માનવી અને તેના પાડોશી સમાજનું કલ્યાણ સમાયેલું હોય. સ્થાનિક સમાજે સ્થાનિક કક્ષાએ જેનું ઉત્પાદન થતું હોય તે જ ખરીદવું જોઈએ. વધે તો બીજા સાથે વહેંચી શકાય. આથી બધાંને રોજગાર મળશે. પાડોશીના ભોગે દૂરનાની સેવા ન થાય.
• જેનું ઉત્પાદન સ્થાનિક કક્ષાએ ન થતું હોય તે બહારથી આવે. સ્વદેશી ભાવના અન્યની નફરત પર ઊભી કરવાની નથી.
• અર્થતંત્ર સાધન છે. તે સમાજ પર હાવી થવું જોઈએ નહીં. તે ધ્યેય નથી. વ્યક્તિએ – સમાજે પોતાની માંગો મર્યાદિત કરવી જોઈએ. અવિરત માંગ માનવીના કલ્યાણ માટે તથા પર્યાવરણ માટે પણ હાનિકારક છે જાણીતા શિક્ષણશાસ્ત્રી – શાંતિવાદી અને કવિ કેનેથ બોલ્ડિંગ કહ્યું છે કે મર્યાદિત વિશ્વમાં સતત વધુ ને વધુ વિકાસની દલીલ કરનારા ગાંડા છે અથવા અર્થશાસ્ત્રી છે.
સ્વદેશીના ત્રણ મુદ્દા છે : સહયોગ, સંરક્ષણ, વિકેન્દ્રીકરણ.
• ઇન્ટરનેટના અનેક ફાયદાઓ હોવા સાથે તેની સામે કેટલાક અવરોધો પણ છે જેને લીધે દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકતી નથી.
• હજુ તે અંગ્રેજી ભાષામાં જ છે. અંગ્રેજી જાણનારો વર્ગ ખૂબ મર્યાદિત છે. ગ્રામીણ પ્રજામાં તેનો અભાવ વધુ છે, તેથી બહોળો જનસમુદાય તેનો ઉપયોગ કરી શકે તેમ નથી. તેનું માધ્યમ હિન્દી તથા સ્થાનિક ભાષા જોઈશે.
• હજુ તે મોંઘું છે. ગરીબ કે સામાન્ય લોકો તે ખરીદી શકે નહીં.
• હજુ દરેક ગામડે વીજળી નથી પહોંચી અને જ્યાં પહોંચી છે ત્યાં 24 કલાક વીજળી મળતી નથી.
• ઔદ્યોગિક યુગની નકારાત્મક અસરો નાબૂદ થાય અને ડિજિટલ ટેક્નોલૉજી સફળ બને તે માટે વ્યક્તિઓ, સંસ્થાઓ, રાષ્ટ્રો, વિશ્વસમુદાયોએ જાગ્રતપણે સામાજિક-રાજકીય-નૈતિક પસંદગી કરવામાં સાવધ રહેવું પડશે. જો સાચી પસંદગી અને યોગ્ય પગલાં નહીં લેવાય તો ઇન્ટરનેટ શક્તિવિહીન રહેશે. તે અન્યાય, અસમાનતા, શોષણ, અમાનવીય કૃત્યોને બદલી શકશે નહીં. આ માટે નવા ક્રાંતિકારીઓએ માર્ગદર્શન આપવું પડશે જેથી ઇન્ટરનેટનું ક્રાંતિકારી સ્વરૂપ પ્રગટ થાય. આ માટે નિઃસ્વાર્થી, સ્વપ્રેરણાથી સમાજ માટે બલિદાન આપવાનું વલણ પેદા કરવું પડશે. તે માટે વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ સત્યાગ્રહીઓ જોઈશે.
લેખકે ઇન્ટરનેટ દ્વારા અહિંસક અને સાતત્યપૂર્ણ વિકાસની વાત કરતાં ચેતવણી પણ આપી છે કે આ વિકાસનો આધાર નૈતિક દૃષ્ટિએ સંયમી વ્યક્તિઓ અને સંસ્થાઓ પર છે. ગાંધીજી નૈતિકતા પર ભાર મૂકતા હતા. આત્મનિયંત્રણ પર ભાર મૂકતા હતા.
ચરખા દ્વારા કોઈ નુકસાન નથી જ્યારે ઇન્ટરનેટ વિશે તેમ કહી શકાય તેમ નથી. તેનો દુરુપ્રયોગ થઈ શકે છે. સૌથી વધુ દુરુપયોગ જમીન-સાગર-હવા તથા સાઇબર સ્પેસ પર યુદ્ધમાં થઈ શકે છે. સંરક્ષણ અંગેની બધી માહિતી ડિજિટલ દ્વારા સચવાયેલી હોય છે. તે પ્રાપ્ત કરીને દેશને નુકસાન પહોંચાડી શકે. આ ઉપરાંત કાનૂન તોડીને વાયરસનો હુમલો, બેંકમાંથી નાણાં ઉપાડી લેવા, માહિતીની ચોરી, કોઈને બ્લેક મેઇલ કરવા, ત્રાસવાદ ફેલાવવો વગેરે અનેક ગુનાઈત પ્રવૃત્તિ થઈ શકે છે. નફરત ફેલાવવાનું સાધન બની શકે. પોર્નોગ્રાફી અને મહિલાઓને હલકી ચીતરવાનું બને. ઇન્ટરનેટ વાપરનારા વિશ્વથી અળગા થઈ જાય છે. સંસ્કૃિતને વિચ્છિન્ન કરી શકે તેથી ઓલીવર સેકે કહેલું, 'ટેક્નોલૉજી આપણને અમાનવીય બનાવે તે પહેલાં આપણે ટેક્નોલૉજીને માનવીય બનાવીએ.'
વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. ગરીબાઈ, બેરોજગારી, મૂડીવાદનું સ્વાર્થી લોભી સ્વરૂપ, તેના દ્વારા માનવીનું શોષણ, ગરીબો-તવંગરો વચ્ચે વધતી ખાઈ, પર્યાવરણનું શોષણ, દેશ-દેશ વચ્ચે લોકોની વધેલી આવન-જાવન, શસ્ત્રોનું વધેલું ઉત્પાદન, ત્રાસવાદ, વાસનાને વકરાવતો અમર્યાદિત વિકાસ, ધાર્મિક ગાંડપણ, રોગચાળો વગેરેને અટકાવવા માનવીય ટેક્નોલૉજી તથા નૈતિકતાને ઉત્તેજન આપતી અર્થનીતિ – સામાજિક પ્રવૃત્તિ જરૂરી છે. ગાંધીજીએ આ અંગે પ્રબોધન કરેલ જ છે.
ઇન્ટરનેટનો દુરુપયોગ થતો અટકાવવા નૈતિકતા આધારિત આત્મશાસિત વર્તણૂક જોઈશે. તે વિના બધી ટેક્નોલૉજી દુઃસ્વપ્ન બની જશે. આત્મનિયમનનો સ્રોત કયો હોઈ શકે? સાચા-ખોટાની ખબર કેમ પડે? અહીં ગાંધીજીની 'સ્વરાજ'ની કલ્પના કામ લાગશે. ગાંધીજીને મન સ્વરાજ એટલે ફકત રાજકીય સ્વતંત્રતા નહીં. એ વૈદિક શબ્દ છે. તેનો અર્થ થાય છે સ્વ-શાસન, સ્વરાજ એટલે સ્વશાસન, સ્વનિયમન. ગાંધીજી કહેતા કે સ્વરાજ આપણને સભ્ય ન બનાવે, આપણું શુદ્ધિકરણ ન કરે, આપણી સભ્યતાને મજબૂત આધાર ન આપે તો તેનો કોઈ અર્થ નથી. સભ્યતાનો અર્થ જ આપણી વ્યક્તિગત અને જાહેર બાબતોમાં નીતિમત્તા હોય.
પશ્ચિમના ખ્યાલ મુજબ સ્વરાજ એટલે સ્વતંત્રતા, સ્વાવલંબનમુક્તિ છે. આ નકારાત્મક અર્થો છે. જેમ કે સ્વતંત્રતા એટલે બીજાઓથી મુક્તિ. બિપિનચંદ્ર પાલના મતે સ્વાધીનતા એટલે સ્વ-સંયમ, સ્વ-નિયમન, સ્વાવલંબન. ગાંધીજી કહેતા કે સ્વરાજ એટલે સમજપૂર્વક પરમ સત્યના નિયમન અને નિયંત્રણ નીચે રહેવું. (Consciously choosing to be controlled and government by the supreme self.)
ટેકનોલૉજીનો ઉપયોગ શાણપણથી થશે તો લાભદાયી બનશે. પરંતુ આજે માનવી સ્વ-કેન્દ્રિત-સ્વાર્થી બની ગયો છે. વિજ્ઞાન આજે સત્તાધારીઓ અને ધનપતિઓના કબજામાં છે, જેનો પોતાના સ્વાર્થ માટે જ ઉપયોગ કરે છે, જ્યાં નૈતિક મૂલ્યોની વાત વેદિયાપણામાં ખપે છે. વિજ્ઞાન-ટેક્નોલૉજી બજારમાં પહોંચે છે ત્યારે ફકત સ્વાર્થની દૃષ્ટિએ રહે છે ત્યાં સહયોગને બદલે કાતિલ હરીફાઈ હોય છે. ત્યાં શાણપણની વાત કેમ કરીશું ?
ગાંધીજીનું કહેવું હતું કે પદાર્થ વિજ્ઞાનના નિયમો જ વિશ્વમાં કાર્યરત નથી હોતા. આત્માના વિજ્ઞાનના નિયમો અંગે પણ ખોજ કરવી જોઈએ. તે ભૌતિકશાસ્ત્રમાં નિયમોથી ઉપર છે. તે નિયમો તર્કથી, બુદ્ધિથી નહીં સમજાય. તે શ્રદ્ધાનો વિષય છે. આ ગાંધીજીની આધ્યાત્મિક ખોજ હતી. ગાંધીજી એવા નિર્ણય પર આવેલા કે જ્યારે અદૃશ્ય શક્તિ પ્રતિ પૂરી શ્રદ્ધા પ્રાપ્ત થાય છે ત્યારે શરીરમાં પણ આંતરિક પરિવર્તન થાય છે અને તે સ્વ-નિયમન પ્રતિ દોરી જાય છે.
(નાગર ચકલા, જામનગર – 361 001, ગુજરાત, ભારત)