સંસારના લગભગ સો દેશોમાં ભારતીય મૂળના આશરે બે કરોડ આઠ લાખ લોકો વસે છે. આ પ્રવાસી ભારતીયોમાં અંગ્રેજોના આગમન પહેલાં દરિયાખેડુ વેપારીઓ અને વણજારાઓ, અંગ્રેજોના આગમન પછી કરારનામા પર ગયેલા મજૂરો અને સ્વેચ્છાથી ગયેલા ભારતીયો તથા સ્વતંત્રતા પછી ઉચ્ચ અભ્યાસ, નોકરીની તક વગેરે કારણે ગયેલા ભારતીયોનો સમાવેશ થાય છે. અંગ્રેજોએ કરારનામા પર મોકલેલા મજૂરો ૧૮૩૪થી ૧૯૨૧ દરમિયાન મૉરીશસ, ફિજી, વેસ્ટ ઇંડિઝ, પૂર્વ અને દક્ષિણ આફ્રિકા, શેસિલ્સ, શ્રીલંકા, મલેશિયા અને સિંગાપોરમાં પ્રવાસી ભારતીયો તરીકે આજે પણ નિવાસ કરે છે. ૧૯૭૦ના આંકડા પ્રમાણે નાનકડા ફિજી દેશમાં લગભગ ત્રણ લાખ ભારતીય મૂળના લોકો નિવાસ કરે છે.
૧૮૭૯થી ૧૯૧૬ દરમિયાન ૬૦,૯૬૫ ભારતીયોને અંગ્રેજોએ શેરડીનાં ખેતરો અને સાકરનાં કારખાનાંમાં કામ કરવા માટે – ગરીબો, દેવાદાર, વિધવા સ્ત્રીઓ, પરિત્યક્તાઓને – નોકરીની લાલચ આપીને કલકત્તાથી ફિજી વહાણોમાં મોકલી દીધા હતા. અનેક ભારતીય દલાલોએ પણ પૈસા કમાવાની લાલચે લોકોને ભરમાવીને આ માટે નોંધણી કરાવી હતી. આ મજૂરોની નોંધણી કલકત્તા અને મદ્રાસ(ચેન્નઈ)માં થતી હતી એટલે કરારનામા પર ગયેલા પંચોતેર ટકા લોકો ઉત્તર ભારતના હતા, પણ પચ્ચીસ ટકા લોકો દક્ષિણ ભારતના હતા.
કરારનામા પર ફિજી અને અન્ય દેશોમાં ગયેલા અભણ લોકો માટે અંગ્રેજી શબ્દ ‘એગ્રીમેન્ટ’, ‘ગિરમીટ’ થઈ ગયો. ‘ગિરમીટ’ સમય ગાળનાર ‘ગિરમીટિયા’ કહેવાયા. ભારતના વિવિધ પ્રાંતોમાંથી ફિજી જનારા મજૂરોને કલકત્તા લઈ જવામાં આવતા હતા. કલકત્તાથી વહાણ/જહાજ દ્વારા એમને ફિજી મોકલવામાં આવતા હતા. કલકત્તાથી વિદાય થતી વખતે પોતાની માતૃભૂમિ અને સગાંઓથી વિખૂટા પડેલા લોકોને ‘કલકતિયા’ ને એક જ જહાજમાં બધાએ સાથે યાત્રા કરી હોવાને કારણે આ બધા ‘જહાજીભાઈ’ કહેવાય. આ બે શબ્દોએ ફિજી પહોંચેલા પ્રવાસી ભારતીયોને આત્મીયતાના બંધનમાં બાંધીને વધારે આત્મીય બનાવી દીધા. એમાંના મોટાભાગના લોકો હિન્દી બોલતા હતા એટલે હિન્દી જ પ્રવાસી ભારતીયોની સંપર્કભાષા બની ગઈ.
પ્રવાસી ભારતીયો પોતાની સાથે તુલસીદાસનું ‘રામચરિતમાનસ’ લઈને નીકળ્યા હતા. એ ઉપરાંત હનુમાન ચાલીસા, રામાયણની ચૌપાઈ, કબીરના દોહા, પૂજાપાઠના મંત્રો, સંસ્કૃત શ્લોક વગેરે પણ એમને કંઠસ્થ હતું એ બધું પણ એમની સાથે ફિજી પહોંચી ગયું. ગ્રામજીવનની કહેવતો, રૂઢિપ્રયોગો, લોકોક્તિઓ, કબીર, સૂર, તુલસી, મીરાં, રૈદાસનાં કંઠસ્થ ભજનો અને લોકગીતોનો પણ એમણે સાથ ન છોડ્યો.
ફિજી પહોંચેલા પ્રવાસી ભારતીયો માટે એ સમય અત્યંત દયનીય અને નિરાશાજનક હતો. એમની સાથે પશુવત્ વહેવાર કરવામાં આવતો હતો. ગુલામોથી પણ બદતર જીવન જીવતા ગિરમીટિયાઓ સાથે અંગ્રેજ માલિકો અમાનુષી, અત્યાચારી, ક્રૂરતાપૂર્ણ અને અન્યાયપૂર્ણ વ્યવહાર કરતા હતા. એમની સૂરક્ષા માટે કોઈ જવાબદાર નહોતું, ફરિયાદ કરવાની કોઈ તક નહોતી, એમના પર હુમલા કરવા અને આરોપ મૂકવા ઉપરાંત રહેવા માટે સાવ નાની ઓરડીઓ, અપૂરતો ખોરાક અને દવાનો અભાવ એવી અસંતોષજનક સ્થિતિમાં તેઓ જીવતા હતા. પુરુષોના પ્રમાણમાં ઓછી સ્ત્રીઓને કારણે દુરાચાર વધી ગયો હતો. અનેક યાતનાઓ છતાં ‘એમણે અનુભવ્યું કે ગોરાઓનો સામનો કરવા માટે સંગઠિત હોવું જરૂરી છે. સંગઠનનો આધાર હતો ભારતીય ધર્મ અને એનું માધ્યમ હતી હિન્દી ભાષા.’ (ડૉ. વિનયકુમાર શર્મા, ફિજી મે બહતી ભારતીય સંસ્કૃતિ એવમ્ હિન્દી કી ગંગા, રાજભાષા ભારતીય વિશેષાંક, પૃષ્ઠ ૨૪).
ભાષા અને સંસ્કૃતિનો ઘનિષ્ઠ સંબંધ છે. ભાષા આપણા ભાવોને અભિવ્યક્તિની ચેતના પ્રદાન કરે છે તો સંસ્કૃતિ માનવીય ગરિમા અને સાંસ્કૃતિક સૌષ્ઠવની સંવાહિકા છે. ભારતની દક્ષિણ-પશ્ચિમે હિન્દ મહાસાગરના લીલા-ભૂરા પારદર્શી સમુદ્રથી ઘેરાયેલા મૉરીશસ દેશમાં ૧૯૨૬માં સ્થપાયેલી હિન્દી પ્રચારિણી સભાના હિન્દી ભવનના વર્ગોની દીવાલ પર લાલચટક રંગમાં મોટા-મોટા અક્ષરે અંકિત વાક્ય ‘ભાષા ગઈ તો સંસ્કૃતિ પણ ગઈ’નો સંદેશ છે, ભાષા અને સંસ્કૃતિ બંને રાષ્ટ્રીયતાના મૂળ સ્વર છે અને મૉરીશસ અને ફિજીના પ્રવાસી ભારતીયો આપણી રાષ્ટ્રીયતાના મૂળ સ્વરના સંરક્ષકો છે. વી. સુધાકર પણ એનું સમર્થન કરતાં કહે છે, ‘આપણી માતૃભાષા હિન્દી જ એવી નિધિ છે જેના દ્વારા આપણે આપણી હિન્દીભાષીઓ હંમેશા માટે વિલુપ્ત થઈ જઈશું.’ (સંપાદક, પ્રશાંત કી લહેરેં, ફિજી સાહિત્ય સમિતિ, સૂવા, ફિજી, પ્રસ્તાવના), લગભગ પાંચ પેઢી પહેલાં ફિજી ગયેલા ભારતીયોએ આપણી સંસ્કૃતિની પ્રેરણાથી ક્ષમા, સહનશીલતા અને ભાઈચારાની ભાવનાને કાયમ રાખી અને આજે પણ હિન્દી ભાષા દ્વારા ભારતીય સંસ્કૃતિની ધરોહરને સાચવી રાખી છે, કારણ કે સંસ્કૃતિ ભાષા વિના વાચાહીન છે. ગિરમીટિયા ભારતીઓએ આખા દિવસની કાળી મજૂરી કરીને રોજ સાંજે ઢોલક, હારમોનિયમ અને મંજીરા સાથે સામૂહિક રીતે ગાવાનું શરૂ કરી દીધું અને એ રીતે પોતાનાં સંસ્કાર અને સંસ્કૃતિને બચાવી રાખ્યાં. આ સામૂહિક ગાન ગિરમીટિયાઓની યાતનાપૂર્ણ જિંદગીમાં સંજીવની બની ગયાં. ધીમે-ધીમે એમનું એક સંગઠન તૈયાર થઈ ગયું અને એમણે ગામેગામ જઈને ભારતવંશના લોકોને નવજાગરણનો સંદેશ આપ્યો. એમનો નારો હતો –
ઊઠો ઊઠો ઐ ફિજીવાલો, અબ અપની આંખેં ખોલો,
હિન્દી હી હૈ અપની ભાષા, હિન્દી પઢો, લિખો, બોલો.
આને પરિણામે ફિજીની રાજધાની સૂવા, કીતિલેવ ટાપુ અને મનુઆલેન જેવાં સ્થળોએ અવધી, ભોજપુરી અને ખડીબોલી મિશ્રિત હિન્દી જનપ્રિય થઈ ગઈ. હિન્દીના પ્રચાર માટે એમણે લોકસાહિત્યનો આધાર લીધો.
જ્યારે આટલા બધા ગિરમીટિયાઓ અચાનક ફિજી ટાપુ પર એકઠા થવા લાગ્યા ત્યારે એમના આગમનથી ત્યાંના મૂળ નિવાસીઓની પ્રતિક્રિયા કેવી હશે ? ઇતિહાસકારો અને પેઢી-દર-પેઢીથી ચાલી આવતી લોકવાયકા પ્રમાણે ત્યાંના મૂળ નિવાસીઓ અને આજુબાજુના દ્વીપો પરથી આવેલા મજૂરો પર એની વિશેષ અસર ન થઈ, કારણ કે અંગ્રેજો એમની ખૂબ સારી સંભાળ રાખતા હતા. એમને ખેતી કે મજૂરી કરીને કમાવામાં રસ નહોતો. શેરડીનો મીઠો અને સ્વાદિષ્ટ રસ ચૂચવામાં જ એમનો અધિક સમય વીતતો હતો. ખેતરમાં મરવું એમને પસંદ નહોતું. એમને પોતાની વસ્તી જે ‘કોરો’ કહેવાય છે – એમાં જ રહેવું પસંદ હતું. વળી જે ગિરમીટિયા શેરડીનાં ખેતર અને સાકરનાં કારખાનાંમાં મજૂરી કરવા આવ્યા હતા તેઓ ઑસ્ટ્રેલિયાની સાકર રિફાઇનરી કંપની અને તત્કાલીન અંગ્રેજ સરકારનાં જવાબદારીરૂપે હતા.
ફિજીમાં ઑસ્ટ્રેલિયાની સાકર રિફાઇનરી સાથે ચીનના લોકો પણ જોડાયેલા હતા. ચીનાઓએ ૧૮૫૦થી ફિજી આવવાનું શરૂ કર્યું હતું, પણ તેમનો હેતુ છૂટક વૈપાર અને રોકડી ખેતીનો જ હતો.
૧૯૦૪થી ગુજરાતીઓએ પણ સ્વતંત્ર રહેવાસી તરીકે ફિજી જવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં સોની જાતિના બે ગુજરાતી નાતાલ(દક્ષિણ આફ્રિકા)થી ફિજી પહોંચ્યા. જો કે મૂળ તેઓ ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના પોરબંદરના હતા. ગુજરાતી ત્યાં વેપાર કરવા અને કારીગરો તરીકે ગયા હતા. ત્યાર પછી સુરત અને નવસારીથી દરજી, નાઈ, ધોબી, જૂતા-ચપ્પલ બનાવનારા ફિજી પહોંચ્યા. ૧૯૧૨માં મણિલાલ ડૉક્ટર ત્યાં ગયા જેમને ખૂબ પ્રસિદ્ધિ મળી. પટેલોએ ૧૯૧૪થી ફિજી જવાની શરૂઆત કરી જેઓ મોટે ભાગે વડોદરા રાજ્ય અને બૉમ્બે પ્રેસિડેન્સીના નડિયાદ જિલ્લાના હતા. જો કે મોટા ભાગના ખેડૂતો હતા પણ ફિજીમાં એમણે કરિયાણું, કપડાંની દુકાનો ખોલી અને લૉન્ડ્રીનું કામ કરવાનું શરૂ કર્યું. ૧૯૨૦માં પટેલ અપ્પાભાઈ લાલુભાઈ અને ચિમનભાઈએ ફિજીના જે.પી. મહારાજ સાથે મળીને એ.પી.સી. પટેલ કંપની શરૂ કરી અને સિગાટોકા, નાદી, લોટોકા અને બા-માં દુકાનો ખોલી. ફિજીનાં ભારતીયો ખાસ કરીને તોતારામ સનાઢ્યએ ગાંધીજીને વિનંતી કરી કે ફિજીમાં ભારતીયોના અધિકારો માટે લડવા કોઈ બૅરિસ્ટર મોકલો. પટેલોમાં બે પ્રખ્યાત વકીલ એ.ડી. પટેલ અને આર.ડી. પટેલ હતા.
ફિજીમાં ગુજરાતીઓના આગમન સાથે જ શીખોનું પણ આગમન થયું. એમણે પણ પોતાની ઓળખ જાળવી રાખી. આમ ફિજીમાં ગિરમીટિયા તરીકે ગયેલા હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ અને મલયાલમભાષી લોકોની સાથે સ્વતંત્ર રીતે વેપાર કરવા ગયેલા ગુજરાતી, પંજાબી અને અન્ય કેટલાક ભારતીયો હતા. એ ઉપરાંત ત્યાંના સ્થાનિક લોકો, યુરોપિયનો અને ચીનાઓ પણ હતા.
અન્ય પ્રવાસી ભારતીય દેશોની સરખામણીમાં ફિજીમાં હિન્દી ભાષા, સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ વધારે સમૃદ્ધ છે. ફિજીના ભારતીય પૂર્વજોએ ૧૯૧૬માં ગિરમીટ પ્રથા સમાપ્ત થયા પછી વ્યવસ્થિત અને ઉન્નત જીવન જીવવા માટે સંઘર્ષ શરૂ કર્યો. ૧૯૨૦ પછી પ્રવાસી ભારતીયોના જીવનમાં પરિવર્તનની શરૂઆત થઈ. જીવન જીવવાની પદ્ધતિમાં સુધાર થયો, લોકોના વિચાર બદલાયા. અંગ્રેજ સરકારે પણ તેમને પ્રોત્સાહિત કર્યા. મોટા ભાગના ભારતીયોએ ખેડૂતો તરીકે સ્થાયી થવાનું નક્કી કર્યું, તેઓ પૈસે-ટકે સમૃદ્ધ થયા અને પ્રગતિ કરી. બાળકો માટે અનેક પાઠશાળાઓ શરૂ કરવામાં આવી. વાર્તા, નાટક, નૌટંકી, મેળા, વગેરેના માધ્યમથી હિન્દીનો પ્રચાર-પ્રસાર થવા લાગ્યો. પાઠશાળાઓમાં પાઠ્યક્રમ અને સામાન્ય જ્ઞાન માટે સારંગા, ગુલબકાવલી, ગુલસનોવર, હાતિમતાઈ, સિંહાસનબત્રીસી, વેતાળપચ્ચીસી જેવાં પુસ્તકો મંગાવવાની શરૂઆત થઈ. મંદિરોનું નિર્માણ થયું; રામાયણ પાઠ, આલ્હાની બેઠકોની સાથે ધાર્મિક અનુષ્ઠાન પણ શરૂ થયાં. ધર્મપ્રચાર માટે બ્રાહ્મણ-પુરોહિતો આગળ આવ્યા. રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી, દશેરા, રામલીલા જેવા તહેવારોની સામૂહિક રીતે ઉજવણી થવા લાગી.
ફિજીમાં અનેક ધર્મોના લોકો નિવાસ કરે છે, પણ સત્તાવાર રીતે ત્યાં સાંસ્કૃતિક સંઘર્ષ નથી. બધાને ધાર્મિક સ્વતંત્રતા છે. દરેકના પોતાના ધાર્મિક ક્રિયાકર્મો આધારિત સમૂહો છે જેમ કે ફિજી ગુજરાતી સમાજ, સનાતન ધર્મ પ્રતિનિધિ સભા, ફિજી આર્યસમાજ, ફિજી રામકૃષ્ણ મિશન, હરે રામ હરે કૃષ્ણ સમૂહ, ફિજી મુસ્લિમ લીગ, ગુરુદ્વારા સમુદાય, ઇંડિયા ઐક્ય સંગમ જેવી સંગમ સંસ્થાઓ, મેથડિસ્ટ ચર્ચ ઑફ ફિજી અને અન્ય ચર્ચનાં સંગઠનો ત્યાં કાર્યરત છે.
ફિજીમાં સ્થાયી થયેલા ભારતીયોને ત્યાંના સ્થાનિકોએ પોતાના માનીને દેશમાં સમાવી લીધા છે. ત્યાંના સ્થાનિકોના મત પ્રમાણે જેઓ મૃત્યુ પછી એમના દેશની ધરતીમાં સમાઈ જાય છે તેમને એ દેશના જ કહી શકાય. તેમણે ભારતીયોને ‘તમે અમારા છો અને અમે તમારા છીએ’ એવું કહીને આવકાર્યા છે. ફિજીમાં જન્મીને ૪૪ વર્ષ સુધી ફિજીમાં રહીને અત્યારે અમેરિકાનિવાસી સરોજિનીબહેન કહે છે કે, ‘ત્યાંના મૂળ નિવાસીઓ પ્રેમાળ, પરગજુ અને માન આપનારા છે. એક વાર મિત્ર બને પછી હંમેશાં મિત્રતા ટકાવી રાખે છે. તેઓની ઉદારતાને કારણે જ આજે ભારતીય ત્યાં પૂર્ણ સ્વતંત્રતાથી રહી શકે છે.’
આમ છતાં જેમ ભારતમાં અનેક સંસ્કૃતિઓ, ભાષાઓ, જાતિ અને ધર્મના લોકો નિવાસ કરે છે એમ ભારતની બહારના દેશોમાં વસતા ભારતીયોની પણ પોતાની ખાસિયતો છે. ભારતીય મૂળના ગિરમીટિયા લોકોમાં પણ જાતિપ્રથા છે. જો કે આજે તેઓ એને બહુ મહત્ત્વ નથી આપતા પણ બ્રિટિશ સરકાર દ્વારા છેતરાવાને કારણે ભય, ભાષા અને રીતરિવાજના બંધનને તેઓ સ્થાનિકોથી છેટા જ રહે છે. વેપારધંધા અર્થે વર્ષો પહેલાં ફિજી ગયેલા ગુજરાતીઓએ આજે પણ પોતાનું જાતિગત ગૌરવ જાળવી રાખ્યું છે. તેઓ ભાગ્યે જ જાતિબહાર લગ્ન કરે છે. ભારત સાથે તેમના સંબંધો પણ મજબૂત છે. ગુજરાતીઓ મહેનતુ, કુશળ અને કરકસરિયા તથા પોતાની જાતિ પ્રત્યે વફાદાર હોવાને કારણે વેપાર અને જીવનવ્યવહારમાં ખૂબ સફળ થયા છે. ૧૯૨૧માં ત્યાં ગુજરાતીઓની વસ્તી ૩૨૪ હતી જે આજે સૌ વર્ષ પછી ૨૫,૦૦૦ થઈ ગઈ છે. ગુજરાતીઓ મોટે ભાગે શહેરોમાં જ વસે છે અને કાયદો, સ્વાસ્થ્ય અને વાણિજ્ય તથા રાજનીતિમાં પણ સક્રિય છે. તેમની સામાજિક સ્થિતિ અને આર્થિક સદ્ધરતાને કારણે ક્યારેક એમણે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યાંના પંજાબી પ્રવાસી ભારતીયોએ ગિરમીટિયા ખેડૂતો સાથે સંબંધ બનાવ્યા છે અને તેઓ પોતાની બિરાદરી બહારના હિન્દુઓ સાથે લગ્નસંબંધે પણ જોડાયા છે.
ફિજીમાં વસતી પ્રવાસી ભારતીઓની નવી પેઢી જુદી રીતે વિચારે છે. તેઓ બધા સાથે હળેભળે છે, આંતરજાતીય લગ્ન પણ કરે છે. આમ છતાં દરેક પેઢીએ પોતાની ભાષા અને સંસ્કૃતિનો વારસો નવી પેઢીને ગળથૂથીમાં આપ્યો છે. દરેક પેઢી પૂર્વવર્તી પેઢીની પરંપરાને આગળ વધારે છે. જૂની પેઢી પોતાની ધરોહરને નવા પરિષ્કાર સાથે જોડીને આગળ વધતી જાય છે. દરેક પેઢી વિચારોના આદાન-પ્રદાનથી સંસ્કૃતિને જીવંત અને ગતિશીલ રાખે છે. પાંચ પેઢીથી પોતાના સંસ્કારોને જીવતા રાખનારા ભારતીયોએ ફિજીના સ્થાનિકોને પણ હિન્દી બોલતાં, ભારતીય ફિલ્મો જોતાં, ભારતીય ભોજન આરોગતાં, દિવાળી પર ભારતીય પોશાક પહેરતાં અને હોળી રમતાં શીખવી દીધું છે.
આમ છતાં દુનિયામાં તિરસ્કાર અને ઈર્ષાની ભાવના ક્યાં નથી ? અપરાધ ક્યાં નથી થતા ? પ્રવાસી ભારતીયો આજે પણ ‘પ્રવાસી’ જ કહેવાય છે. તેઓ ત્યાંની જમીનના માલિક નથી બની શકતા, કારણ કે તેઓ ત્યાંના મૂળ નિવાસીઓ નથી. આમ છતાં ફિજી સરકારે બંધારણમાં બધા ભારતીયોને સમાન અધિકાર આપ્યા છે. ત્યાં જન્મેલા ‘ભારતીય ફિજિયન’ કહેવાય છે અને એ તેમની ઓળખ છે. ફિજીમાં બ્રિટિશ સરકારે સ્થાપેલી જમીનમાલિક કંપની છે. બધા પ્રવાસી ભારતીયોએ ખેતર અને ઘર માટે જમીન લીઝ (અમુક વર્ષના પટ્ટે જમીન ભાડે લેવી) પર લેવી પડે છે જે વધારેમાં વધારે ૯૯ વર્ષ માટે મળે છે. ગિરમીટિયા ભારતીયોએ એમના કરારની સમાપ્તિ પછી લીઝ પર જમીન લીધી હતી. જેમાંની મોટાભાગની ૧૯૬૦ પછી સમાપ્ત થઈ ગઈ. રાજનીતિની ચડતી-પડતીથી મૂળ નિવાસીઓને એવો વિચાર આવ્યો કે આ ભારતીયો આપણી જમીન પર ખેતી કરીને ખૂબ નફો કરે છે એટલે મોટાભાગના એ લીઝ ફરી ચાલુ રાખવાની ના પાડી દીધી. તેઓ પોતે ખેતી કરવા લાગ્યા પણ એનાથી શેરડીનો પાક ખૂબ ઓછો થયો અને સાકરનાં કારખાનાંઓને ઘણાં વર્ષો સુધી નુકસાન સહન કરવું પડ્યું. મોટા ભાગનાને ખેતીમાં સફળતા ન મળી. ઘણીબધી જમીન ખેડ્યા વગર પડી રહી, એમાં ઝાડ અને ઝાડી-ઝાડવાં ઊગી નીકળ્યાં. સમજદાર જમીનમાલિકોએ ફરીથી પોતાની જમીન લીઝ પર આપવાની તૈયારી બતાવી, પણ હવે ભારતીઓને અસલામતી અને બાળકોનાં શિક્ષણમાં પૈસા રોકવાને કારણે ખેતીમાં રસ નહોતો. જે લોકોએ જમીન લીધી એમણે રોકડો પાક લેવાનું નક્કી કર્યું. સરોજિનીબહેનના કહેવા પ્રમાણે લીઝ પર લીધેલી જમીનના આજના ભાવ પ્રમાણે ૧૬ એકર જમીનના વર્ષે ત્રણ હજાર રૂપિયા (ફિજી ડૉલર) આપવા પડે છે.
પ્રવાસી ભારતીઓએ આ પરિસ્થિતિમાં બીજા દેશોમાં સ્થળાંતર શરૂ કરી દીધું. ૧૯૮૭માં ફિજીમાં પ્રવાસી ભારતીય બહુમતી સરકાર રચાઈ જેમાં મહેન્દ્રપાલ ચૌધરી સત્તા પર હતા. પણ એમના સમય દરમિયાન સેના દ્વારા બળજબરીથી સત્તાપલટો કરવામાં આવ્યો. ત્યારથી લોકોનો આત્મવિશ્વાસ ડગમગી ગયો. એમને પોતાની સુરક્ષા અને ભવિષ્ય માટે ચિંતા થવા લાગી. કેટલીક એવી ઘટનાઓ ઘટી જેનાથી તેઓ હચમચી ગયા. ફિજીમાં વસતા ભારતીયો શાંતિથી જીવન જીવવામાં માને છે. પણ કમનસીબે ત્યાર પછી બીજા ત્રણ વિદ્રોહ થયા જેણે ચૂંટાયેલી લોકશાહી સરકારને ઉથલાવી પાડી. એને પરિણામે ભારતીય સરકારે પોતાના રાજદૂતને પણ પાછા બોલાવી લીધા. ૧૯૯૯માં ત્યાં ફરીથી દૂતાવાસ શરૂ કરવામાં આવ્યું. આના પરિણામે ઘણાબધા પ્રવાસી ભારતીયો ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, અમેરિકા અને કૅનેડા જેવા દેશોમાં સ્થળાંતર કરી ગયા અને ધીમે-ધીમે પ્રવાસી ભારતીયોની સંખ્યા ઓછી થઈ ગઈ. આ પરિવર્તનો મૂળરૂપે તો ત્યાંના સ્થાનિકોની રાજકીય શક્તિ માટેની લડાઈ હતી. ત્યાર પછી ધાર્મિક મતભેદો વધતા ગયા અને ઈસાઈઓનું વર્ચસ્વ વધી ગયું.
ફિજી બહુભાષી દેશ છે. ફિજીની સરકારી ભાષા બ્રિટિશ અંગ્રેજી, ફિજી અને દેવનાગરી હિન્દી છે. એ ઉપરાંત ત્યાં ફિજીબાત અથાવ ફિજી હિન્દી, રોટુમન, ચીની, ઊર્જૂ, તમિલ, તેલુગુ, મલયાલમ, ગુજરાતી અને પંજાબી ભાષાઓ બોલાય છે. ફિજીના પોતાના ચાર સંઘની જુદી-જુદી બોલીઓ છે.
ફિજીમાં હિન્દી ભાષાના બે રૂપ પ્રચિલત છે. પહેલી બોલચાલની ભાષા ફિજીબાત અથવા ફિજી હિન્દી છે જેનો પ્રયોગ ફિજીના ૭૦ ટકા લોકો કરે છે. બીજી પ્રમાણિત હિન્દી છે. ફિજીનું બંધારણ પ્રમાણિત હિન્દીમાં લખાયું છે. ફિજીના રાષ્ટ્રગીતનું પણ હિન્દી રૂપાંતર તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા નિર્ધારિત પાઠ્યક્રમ તરીકે વિદ્યાલયોમાં આ હિન્દી ભાષામાં અધ્યયન થાય છે. ફિજીની લગભગ બધી ભારતીય પાઠશાળાઓમાં શિક્ષણનું માધ્યમ હિન્દી છે. આજે ફિજીની ત્રણ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્તાતક કક્ષાઓમાં પીએ.ડી. શરૂ થવાની શક્યતા છે. ફિજીમાં અનુષ્ઠાનોમાં પ્રમાણિત હિન્દીનો પ્રયોગ થાય છે.
ફિજી હિન્દી અથવા ફિજીબાત ભારતીયોના ઘરમાં બોલાતી ભાષા છે. ફિજીમાં જ્યારે ગિરમીટિયા ભારતીયોએ સંગઠિત થઈને લોકોને નવજાગરણનો સંદેશ આપ્યો ત્યારથી અનેક સ્થળોએ અવધી, ભોજપુરી અને ખડીબોલીમિશ્રિત હિન્દી લોકપ્રિય થઈ ગઈ. આમ બોલચાલના માધ્યમના રૂપમાં હિન્દીની એક જુદી બોલી જ તૈયાર થઈ ગઈ અને એને ફિજીબાત નામ આપવામાં આવ્યું. આ ઈન્ડો આર્યન ભાષા છે. આ ભાષાને પૂર્વી હિન્દી, બિહારી અને અવધી પર આધારિત ‘કોઈને’ ભાષા કહેવાય છે. ફિજી હિન્દીમાં અંગ્રેજી, તમિલ, તેલુગુ, પંજાબી ને ફિજીના આદિવાસી કાઈવીતિયોની ભાષા ‘ઈતૌકેયી’ના શબ્દોનું મિશ્રણ પણ જોવા મળે છે. ફિજીના સંચારમાધ્યો – ટી.વી., રેડિયો, સામયિકોમાં ફિજી હિન્દીનો વ્યાપક પ્રયોગ થાય છે. હિન્દી લખવા માટે દેવનાગરી લિપિની સાથે રોમનલિપિનો પણ ઉપયોગ થાય છે. ફિજી હિન્દીમાં અપભ્રંશ શબ્દો બહુ મોટી સંખ્યામાં છે. પદ્મજાના શબ્દોમાં, ‘સમયની સાથે એનું વ્યાકરણ પણ થોડું બદલાઈ ગયું છે. એમાં અનુસ્વારવાળા શબ્દો જોવા નથી મળતા. ‘શ’ને ‘સ’ અને ‘વ’ ને ‘બ’ બોલાય અને લખાય છે. ફિજી હિન્દીમાં લિંગભેદ પણ સમાપ્ત થઈ ગયો છે. ક્રિયાના પ્રયોગમાં પણ ભિન્નતા છે જેમ કે – હમ આતા, હમ આવત હઈ, ઓ આવત હઈ (વર્તમાનકાળ), હમ કાલ આઈસ (ભૂતકાળ), હમ બિહાન આઈસ (ભવિષ્યકાળ) (હિન્દી બાત, સ્મારિકા, પૃષ્ઠ ૩૦૧), ‘ફિજી હિન્દી’ ફિજીના ભારતીયોની માતૃભાષા છે. એ તેમના હૃદયની ભાષા છે. ‘દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા માને છે કે જો તમે કોઈ સાથે એ સમજી શકે એ ભાષામાં વાત કરશો તો એના મસ્તિષ્ક સુધી જાય છે પણ જો તમે કોઈની સાથે એની પોતાની ભાષામાં વાત કરશો તો એ વાત તેના હૃદય સુધી જશે.’ (ડૉ. સુભાષિની કુમાર, સંપાદકીય, ફિજી કા હિન્દી સાહિત્ય – એક સંચયન, પૃષ્ઠ ૨૩).
ફિજીમાં અધિકાંશ સાહિત્ય હિન્દી ભાષામાં રચાયું છે પણ આજે ફિજીમાં ‘ફિજી હિન્દી’માં પણ સાહિત્યિક લેખન થઈ રહ્યું છે.
ફિજીમાં હિન્દી ભાષા અને સાહિત્યના સંઘર્ષને ત્રણ ચરણમાં વિભાજિત કરી શકાય.
પ્રથમ ચરણ : સંઘર્ષકાળ અથના ઉદ્ભવકાળ (૧૮૭૯-૧૯૨૦) :
આ સમયગાળામાં ફિજી ભારતીયો અત્યંત કષ્ટપૂર્ણ જીવન જીવ્યા. આને ગિરમીટકાળ પણ કહી શકાય. ગિરમીટિયાઓને રામચરિતમાનસનું ગાન કરીને અને સાંભળીને ધૈર્ય ધારણ કરવાની શક્તિ મળતી હતી. આજે ફિજીમાં ૨,૦૦૦થી પણ વધારે રામાયણની મંડળીઓ છે. ફિજીમાં ભારતના રાજદૂત કમલેશ એસ. પ્રકાશ કહે છે કે, ‘ફિજીમાં હિન્દીના વિકાસમાં, હિન્દીને બચાવી-સંભાળી રાખવામાં આ રામાયણ મંડળીઓનો બહુ મોટ ફાળો છે.’ (હિન્દી વિશ્વ, બુધવાર, ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૩, ફિજીમેં આયોજિત ૧૨વેં વિશ્વ હિન્દી સમ્મેલન પર કેન્દ્રિત દૈનિક સમાચારપત્ર, સ્વાગત અંક, પૃષ્ઠ ૨).
પંડિત ભગવાન દત્ત પાંડે ૧૮૮૪માં કરારનામા પર ફિજી પહોંચ્યા હતા. કુલીકાળનો કરાર પૂરો થયા પછી વૂસી નસૌરીમાં એક નાનકડી કુટીરમાં તેઓ રહેવા લાગ્યા. આ કુટીર જ હિંદુઓ માટે હિન્દી શિક્ષણ અને ધાર્મિક શિક્ષણનું કેન્દ્ર બની ગઈ. થોડા સમય પછી ત્યાં શાળા પણ બની જે ભારતીયોના શિક્ષણની ફિજીમાં પહેલી શાળા હતી. આ સમયથી જ ફિજીમાં સાહિત્યસર્જનની શરૂઆત થઈ. બધા ગિરમીટિયાઓ દર રવિવારે ત્યાં ભેગા મળીને ઈશ્વરને એમની મદદ કરવા માટે આજીજી કરતા હતા. ઉદાહરણ તરીકે –
રોટી કારન જાલ મેં ફસ પખેરૂ આએ
રોટી કારન આદમી લાખોં કષ્ટ ઉઠાએ
ખૂન પસીને સે સીંચે હમ બગિયા
બૈઠા-બૈઠા હુકુમ ચલાય રે વિદેસિયા
ફિજી યુનિવર્સિટીમાં હિન્દીના પ્રાધ્યાપક મનીષા રામરક્ખાના શબ્દોમાં ‘આને જ ફિજીનું પહેલું પદ્ય સાહિત્ય કહી શકાય, જે પોતાની પીડા ઓછી કરવા માટે ગવાયું, પણ એનું સંકલન ન થઈ શક્યું.’ (ફિજી મેં હિન્દી સંઘર્ષ સમાજ ઔર સાહિત્ય, સ્મારિકા, પૃષ્ઠ ૨૫૬). આ પ્રકારનાં ગીતો લોકસાહિત્ય બની ગયાં. પણ એમાંનાં મોટાભાગનાં પ્રકાશિત ન થઈ શક્યાં.
અહીં પંડિત તોતારામ સનાઢ્યનો ઉલ્લેખ કરવો જરૂરી છે. કરારનામા પર ફિજી ગયેલા મોટા ભાગના લોકો અભણ હતા. પણ ૧૯મી સદીના અંતમાં જવલ્લે જ જોવા મળે એવા સંસ્મરણોના લેખક તોતારામને ચાલાકીથી છેતરીને ૨૩ મે, ૧૮૯૩ના રોજ ‘જમુના’ નામના જહાજમાં ફિજી મોકલી દેવામાં આવ્યા હતા. ફિજીમાં તેઓ ૨૧ વર્ષ સુધી રહ્યા હતા – પહેલાં કરારનામા પર ગયેલા મજૂર તરીકે, પછી ખેડૂત અને પુરોહિત તરીકે. એમના ફિજીનાં સંસ્મરણોનું પુસ્તક ‘ફિજી દ્વીપ મેં મેરે ઈક્કીસ સાલ’ ૧૯૧૯માં પ્રકાશિત થયું. બીજા પુસ્તક ‘ભૂતલેન કી કથા’(૧૯૨૨)માં એમણે ફિજી ગયેલા ભારતીય મજૂરો જે દયનીય પરિસ્થિતિમાં રહેતા હતા એ બૅરેક્સ – જેલ જેવી નાની-નાની ઓરડીઓનું વર્ણન કર્યું છે. ૧૯૧૪માં તેઓ ભારત પાછા ફર્યા. આ બંને પુસ્તકો દ્વારા એમણે ભારતના રાષ્ટ્રવાદી નેતાઓ અને ૧૯૧૫માં ભારત પાછા ફરેલા ગાંધીજીનું કરારનામા પર ફિજી ગયેલા ગિરમીટિયાઓ તરફ ધ્યાન દોર્યું. એમણે પોતાના ફિજી નિવાસ દરમિયાન ત્યાંના ગિરમીટિયાઓને ઘણી મદદ કરી હતી. તેમનાં પુસ્તકો ફિજીમાં અત્યાચાર અને ત્રાસથી પીડાતા ગિરમીટિયાઓનો જીવંત દસ્તાવેજ છે, જેમણે ભારતીય રાષ્ટ્રવાદી ઝુંબેશ ચલાવતા નેતાઓને ગિરમીટ પ્રથા સમાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા. આ પ્રથા જાન્યુઆરી ૧૯૨૦માં સમાપ્ત થઈ ગઈ. ૧૯૨૨માં તેઓ પત્ની સાથે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેવા જતા રહ્યા જ્યાં ૧૯૪૭માં એમનું અવસાન થયું.
દ્વિતીય ચરણ : જાગૃતિ અથવા વિકાસકાળ (૧૯૨૧-૧૯૭૦) :
આ સમય દરમિયાન ફિજી ભારતીયોમાં પોતાની ભાષા, સંસ્કૃતિ અને સાહિત્ય પ્રત્યે ભાવના જાગ્રત થઈ અને લેખનકાર્યમાં પણ તેમની રુચિ જાગ્રત થવા લાગી.
બાંકે મહાવીર મિત્ર ૧૯૩૪માં ભક્તિ કવિઓ લખતા હતા જે ફાગ મંડળીઓમાં ગવાતી હતી. તેમનો ફાગસંગ્રહ ‘માનવ મિત્ર બસંત’ નામની સંકલિત છે. ગોવિંદ નારાયણ તથા બાબૂ કુંવરસિંહે ૧૯૩૫માં કવિતાઓ લખવાનું શરૂ કર્યું, જે ‘શાંતિદૂત’ અને ‘ફિજી સમાચાર’માં પ્રકાશિત થતી હતી. નંદકિશોરે ૧૯૫૯માં ‘ઉસ પાર’, ‘દુર્ગમ પથ’, વગેરે માર્મિક કવિતાઓ લખી. સૂર્યપાલ રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત કવિતાઓ રચતા હતા એટલે તેઓ ‘હિંદલાલ’ને નામે જાણીતા થઈ ગયા.
ફિજીના સૌથી લોકપ્રિય અને રાષ્ટ્રીય કવિ, પ્રકાંડ ભાષાવિદ પંડિત કમલાપ્રસાદ મિશ્રની હિન્દી કવિતાના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ઓળખ છે. એમણે લખેલી લગભગ હજારેક કવિતાઓમાં તેમણે ફિજીના પ્રાકૃતિક સૌન્દર્યને શબ્દબદ્ધ કર્યું છે. પ્રકૃતિચિત્રણ એમના રાષ્ટ્રપ્રેમની ઓળખ છે. એમની કવિતા ‘ક્યા મૈં પરદેશી હૂઁ ?’માં ફિજીના પ્રવાસી ભારતીયો સવાલ કરે છે –
‘ઘવલ સિંધુ-તટ પર મૈં બૈઠા અપના માનસ બહલાતા,
ફિજી મેં પૈદા હોકર ફિર ભી મૈં પરદેશી કહલાતા,
યહ હૈ ગોરી નીતિ, મુજે સબ ભારતીય અબ ભી કહતે,
યદ્યપિ તન મન ધન સે મેરા ફિજી સે હૈ નાતા.’
આજે પણ ફિજીમાં જન્મેલા ભારતવાસીઓ પ્રવાસી જ કહેવાયા છે. પંડિતજીના કાવ્ય સરળ, સહજ અને કાવ્યાત્મક ભાષાની રચનાઓ છે. સાહિત્યરચનાની સાથે પંડિતજીએ પત્રકારિતા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેઓ માનતા હતા કે ફિજીમાં પ્રવાસી ભારતીઓની અસ્મિતાના રક્ષણ માટે પત્રકારિતા ખૂબ જરૂરી છે. એમણે ત્યાંના લોકોને પણ લેખનની પ્રેરણા આપી.
જાગૃતિના આ સમયમાં અનેક ધર્મસંસ્થાઓ અને શિક્ષણસંસ્થાઓએ ભારતથી વિદ્વાનો અને શિક્ષકોને બોલાવવાનું શરૂ કર્યું. પંડિત અમિચન્દ્ર વિદ્યાલંકારને બાલિકાઓના ઉચ્ચ શિક્ષણ, ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર માટે ૧૯૨૭માં ફિજી આમંત્રિત કર્યા. એમના ફિજી આગમનથી શિક્ષણક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ. એમણે લખેલી ‘અમિચન્દ્ર કી પોથિયાં’ ત્યાં ખૂબ લોકપ્રિય થઈ. પોતાના લેખનથી એમણે ફિજીમાં હિન્દી ભાષા, સંસ્કૃતિ અને સભ્યતાનો પાયો મજબૂત કરીને હિન્દી ભાષાને જાગ્રત રાખી. ફિજીમાં ‘ફિજી સમાચાર’, ‘ભારત પુત્ર’ અને ‘વૃદ્ધવાણી’ વગેરે સામાયિકો ઘણાં લોકપ્રિય હતાં. ‘ફિજી સમાચાર’ ૧૯૨૭ થી ૧૯૭૫ જેટલા દીર્ઘ સમય સુધી ચાલનારું સામયિક હતું.
ત્રીજું ચરણ : વર્તમાનકાળ (૧૯૭૧ થી આજ સુધી) :
૧૦ ઑક્ટોબર ૧૯૭૦ વિજયાદશમીને દિવસે ફિજી બ્રિટિશ શાસનના અધિકારમાંથી મુક્ત થઈ ગયું. પદ્યની સાથે હવે ગદ્યમાં પણ સાહિત્યસૃજન થવા લાગ્યું. મનીષા રામરક્ખા કહે છે, ‘ફિજીના ગદ્ય સાહિત્યની પ્રથમ રચના કદાચ પંડિત અયોધ્યાપ્રસાદ શર્મા દ્વારા રચિત ‘કિસાન સંઘ કા ઇતિહાસ’ છે જે બે ખંડોમાં વિભાજિત છે.’ (ફિજી મેં હિન્દી સંઘર્ષ; સમાજ ઔર સાહિત્ય, સ્મારિકા, પૃષ્ઠ ૨૫૮). ટૂંકી વાર્તા, નવલકથા, એકાંકી, નાટક નગેરે સાહિત્યસ્વરૂપો પર રચનાઓ થવા લાગી. નવી પેઢીની રચનાઓમાં ગિરમીટકાળના સંઘર્ષની સાથે પ્રગિશીલ નવી પેઢી દ્વારા પરિવારના વડીલો-વૃદ્ધો પ્રત્યે તેમના બદલાતાં વલણ અને દીકરીઓનાં લગ્નની સમસ્યા જેવા સામાજિક વિષયોનો પણ સમાવેશ થયો.
ફિજીમાં વ્યવસ્થિત રીતે નવલકથાલેખનની શરૂઆત જોગિન્દ્રસિંહ કંવલથી થઈ. જોગિન્દ્રસિંહ કંવલની નવલકથાઓ ‘સવેરા’ (૧૯૭૬), ‘ધરતી મેરી માતા’ (૧૯૭૮), ‘કરવટ’ (૧૯૭૯) અને ‘સાત સમંદર પાર’ (૧૯૮૩) ફિજીના હિન્દી ગદ્ય સાહિત્યની ઐતિહાસિક રચનાઓ છે. એમની નવલકથાઓમાં ફિજીના પ્રવાસી ભારતીયોની મુશ્કેલીઓ અને એમની મહત્ત્વાકાંક્ષાઓના વિવિધ અનુભવોનું વર્ણન છે. એમની રચનાઓએ ફિજીના જનજીવનનું વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું છે એટલે તેઓ ફિજીના પ્રેમચંદ કહેવાય છે. ‘મેરા દેશ, મેરે લોગ’ નિબંધસંગ્રહથી તેમણે લેખનની શરૂઆત કરી હતી. તેમના વાર્તાસંગ્રહનું નામ ‘હમ લોગ’ (૧૯૯૨) છે. તેઓ કવિતાઓ પણ લખતા હતા. એમનો કવિતા સંગ્રહ ‘યાદોં કી ખુશબૂ’ છે. તેમણે અંગ્રેજીમાં પણ સાહિત્યસૃજન કર્યું છે.
જોગિન્દ્રસિંહ કંવલ મૂળ ભારતમાં નિવાસ કરતા હતા. પણ એમના જન્મના એક વર્ષ પછી ૧૯૨૮માં એમના પિતા ફિજી જતા રહ્યા. જોગિન્દ્રસિંહે પોતાનો અભ્યાસ પંજાબમાં જ પૂરો કર્યો અને તેઓ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાઈ ગયા પણ ૧૯૫૮માં પિતાની સલાહથી તેઓ ફિજી જતા રહ્યા અને ત્યાં જ વસી ગયા. ફિજીમાં તેઓ એક કૉલેજના પ્રિન્સિપાલ હતા અને અન્ય અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. ફિજીનાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને કવયિત્રી અમરજીત કૌર એમનાં ધર્મપત્ની છે. જોગિન્દ્રસિંહને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે.
ફિજીના હિન્દી સાહિત્યકારોમાં ડૉ. વિવેકાનંદ શર્માનું વિશેષ સ્થાન છે. ૧૯૩૯માં નાંદી ફિજીમાં એક ખેડૂત કુટુંબમાં જન્મેલા વિવેકાનંદે ફિજીમાં સ્નાતક થયા પછી ભારત આવીને એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ફિજીના રાજનેતાની સાથે ધાર્મિક કાર્યકર્તા પણ હતા. હિન્દી ભાષાના વિકાસમાં એમનો અમૂલ્ય ફાળો હતો. ડૉ. શર્મા ફિજીના એ.ડી. પટેલના સહયોગી હતા જેમણે રાજનીતિમાં એમની રુચિ જાગ્રત કરી. તેઓ ચૂંટણી લડ્યા, જીત્યા અને યુવા ખેલ મંત્રી થયા.
એમની રચનાઓમાં ‘ભારતીય સંસ્કૃતિ વિશ્વકોશ’, ‘અનજાન ક્ષિતિજ કી ઓર’ નવલકથા, ઉપરાંત અન્ય કૃતિઓમાં ‘પ્રશાંત કી લહરેં’, ‘જબ માનવતા કરાહ ઊઠી’, ‘ફિજી મેં સનાતન ધર્મ કે સૌ સાલ’ અને ‘સરલ હિન્દી વ્યાકરણ’નો સમાવેશ થાય છે.
તેઓ ફિજીની અનેક શિક્ષણસંસ્થાઓ સાથે સંલગ્ન હતા. ફિજીમાં એમણે અનેક નાટકોનું નિર્માણ કર્યું અને હિન્દી અને હિન્દુ ધર્મને પ્રોત્સાહિત કરવા માટે રેડિયોનો ઉપયોગ કર્યો. ઇંદ્રધનુષ, અતીત કી આવાજ અને હનુમાનકથા જેવા રેડિયો-કાર્યક્રમ તૈયાર કર્યા. એમને ફિજી તથા ભારતના અને વિશ્વ હિન્દી સન્માન મળ્યાં હતાં. એમના કથન અનુસાર ‘ભાષા મતલબ સંસ્કૃતિ, સંસ્કૃતિ કા મતલબ પહચાન હૈ’, ‘હમારી સભ્યતા કી રક્ષા કે લિયે હિન્દી કો સંચાર કા માધ્ય બનાએં જો હમેં હમારી પહચાન દેતા હૈ |’ (રોહિણી કુમાર, ડૉ. વિવેકાનંદ શર્મા, ફિજી કા હિન્દી સાહિત્ય – એક સંચયન, પૃષ્ઠ ૨૧૮).
ફિજીનાં સર્વાધિક પ્રતિષ્ઠિત સ્ત્રી-રચનાકાર કવયિત્રી અમરજીત કૌરના ચર્ચિત કાવ્યસંગ્રહો ‘ચલો ચલે ઉસ પાર’ (૧૯૯૨), ‘ઉપહાર’ (૨૦૦૩) અને ‘સ્વર્ણિમ સાંજ’ (૨૦૦૬) છે. ૬૧ વર્ષથી ફિજીમાં સ્થાયી થયેલાં અમરજીત કૌર ફિજીના બા શહેરની ખાલસા કૉલેજમાં સંગીત અને હિન્દીનું અધ્યાપન કરતાં હતાં. ફિજીની અનેક સામાજિક, ધાર્મિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાયેલાં અમરજીત કૌરે પોતાની કવિત્વશક્તિ અને હિન્દી ભાષા અને સંસ્કૃતિના માધ્યમથી પ્રવાસી સાહિત્યજગતને પ્રભાવિત કર્યું છે.
‘ફિજીના હિન્દી કાવ્યજગતમાં અમરજીત કૌરની રચનાઓ ફિજી દ્વીપમાં વસેલા ભારતીયોના વિચાર, જીવનમૂલ્યો, સંવેદનાઓ, ધર્મ અને સંસ્કૃતિને વાચકો સમક્ષ રજૂ કરે છે.’ (સરિતાદેવી ચંદ્ર, પ્રવાસી કવયિત્રી અમરજીત કૌર, ફિજી કા હિન્દી સાહિત્ય – એક સંચયન, પૃ. ૧૧૦). અમરજીત કૌરનું ‘બિદેસિયા’ ગીત ગિરમીટિયા નારીની વ્યથાનું માર્મિક ચિત્રણ કરે છે. –
‘ફિરંગિયા કે રાજુઆ મા છૂટા મોરા દેસુઆ હો
ગોરી સરકાર ચલી ચાલ રે બિદેસિયા
ભોલી હમેં દેખ આરકાટી ભરમાયા હો
કલકત્તા પાર જો પાંચ સાલ રે બિદેસિયા …’
ફિજીમાં શુખ-શાંતિની કામના તેઓ આ રીતે કરે છે :
હિન્દૂ મુસ્લિમ ચીની ભાઈ, કાઈ બીતી સિખ ઈસાઈ,
સુખદુઃખ સબ મિલકર સહતે, ગોરે કાલે જહાં રહતે,
વહ ફિજી દેશ પ્યારા હૈ, વહ ફિજી દ્વીપ ન્યારા હૈ.
(‘ઉપહાર’ કાવ્યસંગ્રહ પૃષ્ઠ ૧૬૩)
અમરજીત કૌરના કાવ્યસંગ્રહ ‘સ્વર્ણિમ સાંજ’ ને ‘રાષ્ટ્રકવિ મૈથિલીશરણ ગુપ્તા પ્રવાસી ભારતીય સાહિત્ય પુરસ્કાર’ મળ્યો છે.
સંક્ષેપમાં કવયિત્રી અમરજીત કૌરની કવિતાઓ ફિજી પ્રવાસી ભારતીય સમાજનું દર્પણ છે જે ફિજીવાસીઓના ભૂત, વર્તમાન અને ભવિષ્યને પ્રતિબિંબિત કરે છે.
ફિજીના અન્ય હિન્દી સેવકોમાં અનુભવાનંદ આનંદ, ઈશ્વરીપ્રસાદ ચૌધરી, કાશીરામ ‘કુમુદ’, કેશવન નાયર એસ., ગુરુદયાલ શર્મા, જ્ઞાનીદાસ, બાબૂરામ શર્મા ‘અરુણ’, રઘવાનંદ શર્મા, રામનારાયણ, રામનારાયણ ગોવિન્દ ઉલ્લેખનીય છે.
ફિજીમાં ‘ફિજી હિન્દી’ અથવા ‘ફિજીબાત’ ભાષાને પોતાની રચનાઓ દ્વારા લિપિબદ્ધ કરીને સાહિત્યજગતમાં એને મહત્ત્વપૂર્ણ સ્થાન અપાવનાર લેખક પ્રોફેસર સુબ્રમનીનું ફિજીના સાહિત્યકારોમાં અનન્ય સ્થાન છે. તેઓ ‘ફિજી હિન્દી’ના પિતામહ કહેવાય છે. ‘સાહિત્યિક વિશ્વકોશ અનુસાર સુબ્રમનીનું ફિજીના સાહિત્યકારોમાં અદ્વિતીય સ્થાન છે, કારણ કે એમની સાહિત્યિક રચનાઓ હિન્દી ને અંગ્રેજી બંને ભાષાઓમાં છે.’ (ડૉ. સુભાષિની કુમાર, પ્રો. સુબ્રમની – ફિજી હિન્દી કે પિતામહ, ફિજી કા હિન્દી સાહિત્ય – એક સંચયન, પૃષ્ઠ ૨૨૪).
૧૯૧૨માં સુબ્રમનીના પિતા રામા, કેરળથી ‘ગેંજીસ’ નામના જહાજમાં ગિરમીટિયા તરીકે ફિજી ગયા હતા. પ્રો. સુબ્રમનીનો જન્મ ૧૯૪૩માં થયો હતો. નાનપણથી તેઓ અંગ્રેજી માલિકને ત્યાંથી પિતા દ્વારા લાવેલા અંગ્રેજી પુસ્તકો વાંચતા હતા. માત્ર ૧૧ વર્ષની વયમાં જ સુબ્રમની રામાયણનાં પદોનું લયમાં ગાન કરતા જે સાંભળીને શ્રોતાઓ રસતરબોળ થઈ જતા હતા. ‘રામચરિતમાનસ’ ગ્રંથનો તેમના પર ખૂબ પ્રભાવ છે. પ્રો. સુબ્રમની હાઈસ્કૂલના અધ્યાપકથી શરૂ કરીને શિક્ષા મંત્રાલયમાં અંગ્રેજી ભાષાના શિક્ષણ અધિકારી, યુનિવર્સિટી ઑફ સાઉથ પેસિફિકમાં અંગ્રેજીના પ્રાધ્યાપક, વિભાગાધ્યક્ષ, ડીન, ઉપકુલપતિ તરીકે કાર્યરત હતા. તો પેસિફિક રાઇટિંગ ફોરમના ડાયરેક્ટર પણ હતા. અત્યારે તેઓ યુનિવર્સિટી ઑફ ફિજીમાં અંગ્રેજીના પ્રોફેસર છે.
પ્રોફેસર સુબ્રમની પોતાના સાહિત્ય દ્વારા ફિજીના નિમ્નવર્ગીય સમાજની સંવેદનાઓ અને પ્રવાસી જીવનના સંઘર્ષોને વાચકો સમક્ષ યથાર્થ રૂપે રજૂ કરે છે. એમણે અનેક સાહિત્યિક અને સાહિત્યેતર પુસ્તકોની રચના કરી છે. જે ફિજીના કૌટુંબિક જીવન, સાંસ્કૃતિક, આર્થિક, રાજનીતિક, ધાર્મિક વાતાવરણ, ઇતિહાસ તથા લોકોનું ચિંતન દર્શાવે છે. તેમણે પોતાની રચનાઓ દ્વારા ફિજીના જનસમુદાયને જાગ્રત કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે.
પ્રો. સુબ્રમનીની રચના-દૃષ્ટિ વિભિન્ન સાહિત્યસ્વરૂપોમાં પ્રવૃત્ત થઇ છે. એમણે અંગ્રેજીમાં વાર્તાઓ, નાટક, સમીક્ષા, સંપાદકીય વગેરેની રચના કરી છે. પણ એમનું સૌથી મોટું પ્રદાન ફિજી હિન્દીની બે બૃહદ્ નવલકથાઓ છે. ફિજી હિન્દીમાં સાહિત્યિક લેખનનો પ્રથમ અને અદ્વિતીય પ્રયાસ છે એમની નવલકથા ‘ડઉકા પુરાણ’. બીજી નવલકથા ‘ફિજી મા’ની રચનામાં એમનું લેખન વધારે નિખરી ઊઠ્યું.
‘ડઉકા પુારણ’ ફિજી હિન્દી સાહિત્યની ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. સન ૨૦૦૧માં સ્ટાર પબ્લિકેશન, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત આ નવલકથા ‘ફિજી હિન્દી’નો પ્રામાણિક દસ્તાવેજ છે. ‘ડઉકા પુરાણ’ એક ઐતિહાસિક અને મનોરંજક પુરાણ છે, જે ફિજીના ભારતીય મૂળના લોકોના અતીતને સજીવ કરે છે. આ નવલકથા ફિજીના ગ્રામવાસીઓનાં જીવન, મંડળીઓની સ્થાપના, તહેવાર, ગ્રામથી શહેરનું નિર્માણ, ગ્રામોફોન, રેડિયો, સિનેમા વગેરે એમના જીવનમાં કેવી રીતે આવ્યાં તેની વિસ્તૃત કથા છે.
પ્રો. સુબ્રમની ફિજીને ‘રામચરિતમાનસ’નો દેશ કહીને સંબોધિત કરે છે અને પોતાના ગામ લંબાસાને અયોધ્યાપુરી માને છે. તુલસીદાસના ભાષા સંબંધી વિચારોનો પ્રભાવ પ્રો. સુબ્રમનીની નવલકથા ‘ડઉકા પુરાણ’માં જોવા મળે છે. ભાષા સાથે સુબ્રમનીજીએ નવલકથાના શિલ્પવિધાનમાં પણ ગોસ્વામી તુલસીદાસના ‘રામચરિતમાનસ’નો સમન્વય કર્યો છે. ‘રામચરિતમાનસ’ની સાત કાંડમાં વિભાજિત કથાની જેમ ‘ડઉકા પુરાણ’ની કથાવસ્તુને પણ સુબ્રમનીજીએ સાત અધ્યાયમાં વિભાજિત કરી છે. નવલકથાનો નાયક ફિજીલાલ સાચા પ્રેમ અને એક મહાન નેતાની શોધમાં ફિજીનાં ગામ અને શહેરોની યાત્રા પર જાય છે.
પ્રો. સુબ્રમનીની ૧૦૨૬ પુષ્ઠની નવલકથા ‘ફિજી મા’ ૨૦૧૭માં પ્રકાશિત થઈ.
પ્રોફેસર સુબ્રમનીની જેમ રેમંડ પિલ્લઈ ફિજીના સૂવા સ્થિત બહુજાતીય રાષ્ટ્રીય વિદ્યાલય યુનિવર્સિટી ઑફ સાઉથ પૅસિફિકમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. તેમણે ફિજી હિન્દીમાં ‘અધૂરા સપના’ નાટકની રચના કરી છે. શેરડીનાં ખેતરોમાં મજૂર તરીકે કામ કરનારા ભારતીયોનાં જીવનને કેન્દ્રમાં રાખીને એમણે ગદ્યમાં અનેક રચનાઓનું સૃર્જન કર્યું છે. એમની રચનાઓ ફિજી, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં ચર્ચિત અને સન્માનિત થઈ છે. રેમંડ પિલ્લઈએ અંગ્રેજીમાં પણ લેખન કર્યું છે.
બ્રિજ વિલાસલાલની ‘મારિત’ નામની લઘુનવલકથા ‘ફિજી હિન્દી’માં પ્રકાશિત રચના છે જે ફિજીમાં ઘણી ચર્ચિત છે.
મહેશચંદ્ર શર્મા ‘વિનોદ’ ઉર્દૂ, હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર હતા. તેઓ લેખક, કવિ અને પત્રાર તરીકે ઘણા પ્રસિદ્ધ હતા. તેમનો સૌથી મોટો ફાળો ‘શાંતિદૂત’ સાપ્તાહિકમાં નિયમિત રૂપે તિરલોક તિવારીને નામે ‘થોરા હમરો ભી તો સુનો’ સ્તંભમાં ફિજી હિન્દી શૈલીમાં દેશ અને સમાજની સમસ્યાઓ પર કટાક્ષલેખનનો હતો જે વાચકોમાં ઘણો લોકપ્રિય હતો.
ફિજીના અંગ્રેજી લેખકોમાં બ્રિજ વિલાસલાલનો ઘણો મોટો ફાળો છે. પ્રોફેસર બ્રિજ વિલાસલાલના અધ્યયનનું ક્ષેત્ર ફિજીનો ઇતિહાસ છે. એમના અનેક સંશોધનગ્રંથો પ્રકાશિત થયા છે. એમનાં ચર્ચિત પુસ્તકોમાં ‘મિસ્ટર તુલસીસ સ્ટોર’, ‘અ ફિજીયન જર્ની’, ‘ચલો જહાજી’, ‘ઑન અ જર્ની’, ‘ન્યૂ ઇન્ડેંચર ઇન ફિજી’, ‘ગિરમીટિયા : ધ ઓરિજિન ઑફ ફિજી ઇંડિયન્સ બ્રોકન વેવ્સ’, ‘એ હિન્દી ઑફ ફિજી આઈલૅન્ડ’, ‘ઇન ધ ટ્વેન્ટિએથ સેન્ચુરી’, ‘ઑન ધ અધર સાઇડ ઑફ મિડનાઇટ’ વગેરે છે.
જોગિન્દ્રસિંહ કંવલે પોતાના અનુભવો ‘માઈ રૂટ્સ’ નામના નિબંધમાં વર્ણવ્યા છે. એમનાં અંગ્રેજી પુસ્તકોમાં ‘ધ મોરનિંગ’, ‘ધ ન્યૂ માઇગ્રેન્ટ્સ’, ‘લવ સ્ટોરી’ અને ‘મૅની રેઇનબોસ ઑફ લવ’ છે.
ડૉ. સુભાષિની કુમાર કહે છે, ‘અંગ્રેજી સાહિત્યમાં રેમંડ પિલ્લઈ, સુબ્રમની અને સતેન્દ્ર નંદન ઇંડોફિજિયન ડાયસ્પૉરિક સાહિત્યના ત્રણ સ્તંભ છે.’ (ફિજી કા હિન્દી સાહિત્ય – એક સંચયન, પૃષ્ઠ ૨૦).
ફિજીમાં વસતાં ગુજરાતીઓમાં મોટા ભાગના વેપાર-ધંધામાં જોડાયેલા છે એટલે ગુજરાતી સામયિકમાં એમની પ્રવૃત્તિ વિશે લેખ લખે છે. ગુજરાતીના પ્રસિદ્ધ લેખક અને ગાયક આનંદીલાલ અમીન હતા. જેમનું ૨૦૧૮માં મૃત્યુ થઈ ગયું. તેઓ બા શહેરનાં વિદ્યાલયોમાં હિન્દી અને સંગીતના શિક્ષક હતા. એમના સંગીત, ભાષા અને સંસ્કૃતિના ફાળા માટે ફિજી સરકારે એમને ફિજીનો ‘મેડલ ઑફ ઑર્ડર’ પુરસ્કાર આપ્યો હતો.
આમ ૧૪૩ વર્ષ પહેલાં ભારતથી હજારો માઈલ દૂર દ્વીપસમૂહોના દેશ ફિજીમાં ગિરમીટિયા, જહાજી, કુલી, મજૂરો તરીકે ગયેલા, સ્વેચ્છાએ ફિજીમાં સ્થળાંતર કરી ગયેલા ભારતીય વંશના પ્રવાસી ભારતીઓની સાંસ્કૃતિક ઓળખ, હિન્દી ભાષાની સુરક્ષા અને સન્માનની ભાવના આજે પણ ત્યાંની તુલસી રામાયણની પરંપરામાં, મંદિરોના ઘંટનાદમાં અને ધાર્મિક એકતામાં ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાની છાપરૂપે ત્યાંનાં ગામો અને શહેરોની ગલીઓમાં જોવા મળે છે. ફિજી સાચા અર્થમાં અનેક જાતિઓ, સંસ્કૃતિઓ અને ધર્મોનો દેશ કહેવાય છે. કારણ કે ત્યાં ફિજિયન અને ભારતીય સંસ્કૃતિના અદ્ભુત સંગમનાં દર્શન થાય છે.
સંદર્ભસૂચિ :
· સ્મરિકા, ૧૨વાં વિશ્વ હિન્દી સમ્મેલન, ફિજી, ૨૦૨૩, વિદેશ મંત્રાલય, ભારત સરકાર.
· રાજભાષા ભારતી, જનવરી ૨૦૨૩, ૧૨વાં વિશ્વ હિન્દી સમ્મેલન ફિજી, ૨૦૨૩, ભારત સરકાર ગૃહ મંત્રાલય, રાજભાષા વિભાગ.
· ફિજી કા હિન્દી સાહિત્ય – એક સંચયન, સંપાદક ડૉ. સુભાષિની કુમાર.
· ફિજી હિન્દી સાહિત્ય એવં સાહિત્યકાર : એક પરિદૃશ્ય, સુભાષિની લતા કુમાર / ફિજી.
· મૉરીશસ : ભારતીય સંસ્કૃતિ કા અપ્રતિમ તીર્થ, સંપાદક રાકેશ પાંડેય, રાજપથ પ્રકાશન, દિલ્હી, સંસ્કરણ ૨૦૦૩.
· The Diverse Indian Diasprtas, Prof, Dr. Nilufer Bharucha University of Mumbai.
· હિંદી વિશ્વ, બુધવાર, ૧૫ ફરવરી ૨૦૨૩ – ફિજી મેં આયોજિત ૧૨વેં વિશ્વ હિન્દી સમ્મેલન પર કેન્દ્રિત દૈનિક સમાચાર પત્ર
· વિમલેશ કાંતિ વર્માનો લેખ, ફિજી કા સૃજનાત્મક હિન્દી સાહિત્ય, સાહિત્યકુંજ જટ્ઠરૈંઅટ્ઠોહદ્ઘ.હીં
· ફિજી વિકિપીડિયા – ફિજી દેશ કા ઇતિહાસ, ભૂગોલ ઇત્યાદિ.
· Website https://girmitiya.girmit.org/new/
· Encyclopedia Britannica https://www.britanica.com place Fiji
· Nations onine project Fiji – Fifi High Comission London, Central Intelligence Agency (go) Fiji – The World Factbook, Department of Foreign Affairs & Trade DFAT Country Information Report Fiji, BBC Fiji Country Profile – BBC News, international Organization for Migration Fiji.
· Brief History of Indians in FIJI // Indian History // Documentary.
· Youtube we Belong – The Acceptance of Fijian of Indian Descent into the i-Taukei System.
· Brij V. Lal, Girmitiyas : The Origins of the Fiji Indians, 1983.
· શ્રીમતી સરોજિની હેરીસ (મૂળ ફિજીનાં વતની – પ્રવાસી ભારતીય, અત્યારે અમેરિકામાં સ્થાયી) સાથે પત્રાચાર અને પ્રશ્નોત્તરી.
· શ્રી શ્યામ શ્રોફ, ઓનરરી કૉન્સલ રિપબ્લિક ઑફ ફિજી, મુંબઈ.
***
[સાભાર સૌજન્ય : “ત્રૈમાસિક” (ફાર્બસ ગુજરાતી સભા), પુસ્તક ૮૮, અંક ૪, ૨૦૨૩; પૃ. 47 – 61]