જો ગાંધી અને આંબેડકર ના હોત, તો શું થયું હોત? પ્રકાશ આંબેડકરનું એક જરૂરી ભાષણ, ગાંધી અને આંબેડકર ભારતીય ઇતિહાસના એવા બે મહાનાયકો છે, કે જેમને તે સમયની પરિસ્થિતિએ એકબીજાની વિરુદ્ધ ઊભા કર્યા. પરંતુ, આ બંને મહાનાયકોએ ભારતનાં નવનિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. આ બંને પોતપોતાનાં મિશનની સાથે સતત ચાર દાયકા સુધી ભારતની રાજનીતિમાં કેન્દ્રસ્થાને રહ્યા. ભારતના શોષિત-વંચિત વર્ગને સમાજનાં કેન્દ્રમાં લાવવા માટે આ બંનેએ પોતપોતાની રીતે પ્રયત્નો સાધ્યા. આજે દેશ એક નવા સંકટમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે આ સમયે આ બંને મહાપુરુષનાં યોગદાનને એક નવી રીતે સમજવાની જરૂરિયાત છે. આ પરિપ્રેક્ષ્યમાં બાબાસાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકરે મહાત્મા ગાંધીના શહીદ દિવસ(૩૦ જાન્યુઆરી, ૨૦૧૮)ના રોજ ગાંધીજી દ્વારા સ્થાપિત ઐતિહાસિક સેવાગ્રામ આશ્રમમાં, એક મુખ્ય વક્તા તરીકે ભાષણ આપ્યું હતું. આજે આંબેડકર જયંતી પર આ ભાષણ એટલું જ પ્રાસંગિક છે કે જેટલું ત્રણ મહિના પહેલાં હતું. તેમણે પોતાનું આ ભાષણ મરાઠી ભાષામાં આપ્યું હતું. જેનો હિન્દી વાટે ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.
– સંપાદક
•••
હું જે વાત કહેવા જઈ રહ્યો છું, તે કદાચ કેટલાક લોકોને સારી લાગે અને ઘણા ખરા લોકોને મારી વાત ખરાબ પણ લાગી શકે છે. કારણ કે, ઇતિહાસ દરેક ઘટનાનો સાક્ષી હોય છે અને ઇતિહાસ આ વાતનો પણ સાક્ષી છે.
બાબાસાહેબ આંબેડકર હોય, મહાત્મા ગાંધી હોય, આ બંનેનું પોતપોતાનું એક મિશન હતું. તે મિશનને પૂર્ણ કરવાના હેતુથી આ બંને પોતપોતાની રીતે ચાલતા રહ્યા. તેમની કાર્ય કરવાની પદ્ધતિમાં પણ બદલાવ થયેલો જોવા મળે છે. મારું એવું કહેવું છે કે તે સમયે કેટલીક પરિસ્થિતિઓ એવી હતી કે જેનાં કારણે આ બંને મહાનુભાવો એકબીજાની સામે ઊભા રહ્યા. આજે જ્યારે 60-70 વર્ષ બાદ આપણે પાછળ વળીને જોઈએ છીએ અને વિચારીએ છીએ કે જો આ બંને સાથે હોત તો શું થયું હોત. તે સમયે આ બંને મહાનુભાવોએ જે ભૂમિકા ભજવી, જો તે ના ભજવી હોત, તો ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ હોત. બંનેની ભૂમિકા સમજવા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે. મારું માનવું છે કે આ બંનેની ભૂમિકા તે સમયની પરિસ્થિતિઓને અનુરૂપ અને ઐતિહાસિક હતી. આ વાતને તે સમયના લોકોએ પોતાની પર અસર પાડનાર પ્રભાવના સ્વરૂપમાં વ્યક્ત કરી છે. પરંતુ, સાચી વાત તો એ છે કે તે સમયે જો આ બંને મહાનુભાવોએ તેમની ભૂમિકા ના ભજવી હોત તો શું થયું હોત?
હાલની પરિસ્થિતિને જોઈએ તો આપણા લોકોની જે તકરાર છે, તે તો જૂની છે, તેને હું નવી તકરાર નથી માનતો. તે સમયમાં પણ હિંદુ મહાસભા હતી અને આર.એસ.એસ. સ્થપાઈ ચૂક્યું હતું. આ સંગઠનોની વિચારધારા તે સમયમાં જે હતી તે આજે પણ એ પ્રકારની જ છે. તેમાં કોઈ જ પ્રકારનો બદલાવ નથી આવ્યો. આ સંગઠનોના જે ‘ઠેકેદારો’ છે, હું અહીં જાણીજોઈને ઠેકેદાર શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું. કારણ કે ઠેકેદારની એવી ઈચ્છા હોય છે કે સમગ્ર વ્યવસ્થા તેમના નિયંત્રણમાં રહે. તે ઠેકેદાર જ હોય છે કે જે સમગ્ર વ્યવસ્થાને પોતાના હસ્તગત કરવા ઈચ્છતો હોય છે. તે સમયની વ્યવસ્થા એક રીતે આ ઠેકેદારોને હસ્તગત હતી. તે વ્યવસ્થાને તે ઠેકેદારોના હાથમાંથી લઈને તેને સામાન્ય માણસ માટેની વ્યવસ્થા બનાવવા માટેના પ્રયાસો ગાંધી-આંબેડકર કરી રહ્યા હતા.
એક રીતે જોઈએ તો બાબાસાહેબનો રસ્તો થોડો સરળ જોવા મળી રહ્યો છે. તેમના માટે પથ સરળ એટલા માટે હતો કે તે સમયમાં અસ્પૃશ્યો-અછૂતો ગામડાંની બહાર રહેતા હતા. તેમના પર આ પ્રકારના ઠેકેદારોનો કોઈ અંકુશ નહોતો. જ્યારે ઠેકેદારોનો અંકુશ ગામડાંની અંદર રહેતા લોકો પર હતો. પ્રત્યક્ષ રીતે આપણે જોઈએ તો તેમને એક નામ આપી શકાય તેમ હતું, તેમને એક ઓળખ આપી શક્યા હોત અને તેઓ માટેનું એક આંદોલન પણ શરૂ કરી શક્યા હોત. પરંતુ, આજે પણ એક એવો વર્ગ છે કે જેને આપણે આકાર આપી શક્યા નથી, અને આજે આપણે તેને ઓ.બી.સી. વર્ગ તરીકે ઓળખીએ છીએ. આ પણ એક વર્ગ છે કે જે તે સમયમાં વ્યવસ્થાની બહાર હતો. પરંતુ, ગામડાંની અંદર અને ઠેકેદારોના અંકુશમાં રહેતો હતો. આ પ્રકારે બંને વર્ગમાં એક ‘ગામડાંની અંદર’ હતો અને બીજો ‘ગામડાંની બહાર’ હતો. છતાં, આ બંને વર્ગ તે સમયમાં વ્યવસ્થાની બહાર જ હતા. અને જ્યાં સુધી આ બંને વર્ગમાં ચેતના આવે નહિ, જાગૃતિ આવે નહિ ત્યાં સુધી કાલની આઝાદીનો અર્થ તેમના માટે સમજવામાં મુશ્કેલ હતો.
ત્યારે એક સીધો પ્રશ્ન સામે એ ઊભો હતો કે શું આવનારી આઝાદી આ ગુલામોનાં હાથમાં હશે કે પછી ઠેકેદારોના હાથમાં? અને તે સમયે અસ્પૃશ્યોના સવાલોને લઈને બાબાસાહેબ આંદોલનમાં ઊતરે છે. બીજી બાજુ સવાલ એ હતો કે ગામડાંમાં રહેતા હોય છતાં પણ વંચિતની સ્થિતિમાં રહેનાર આ વર્ગને આંદોલનમાં કેવી રીતે લાવવો? આ આંદોલનમાં જોડાવવાના હેતુ માટે એ જરૂરી હતું કે આ સમાજને ઠેકેદારોના વિરોધમાં ઉતારવામાં આવે. પરંતુ, તે સમયની પરિસ્થિતિમાં આ કાર્ય તરત થઇ શકે તેમ નહોતું. અને ત્યારે એ જરૂરી હતું કે આ વર્ગને ઉતારવા માટે ઠેકેદારોને ફટકો પાડીને આગળ વધવામાં આવે. આ પ્રકારની ધારા મહાત્મા ગાંધીએ તે સમયમાં ચલાવી હતી કે જે ગાંધીજીનું અમૂલ્ય યોગદાન ગણાય છે. જે સમસ્યા સામે આપણે આજે પણ લડી રહ્યા છીએ પરંતુ, જેનું સમાધાન આજે પણ નથી મળી રહ્યું અને ગાંધીજીએ તે સમયમાં આ સમસ્યાનું સમાધાન એક હદ સુધી શોધી કાઢ્યું હતું.
ભારતના મધ્યમ વર્ગ અને મધ્યમ જાતિઓ પર ધાર્મિક આડંબરો અને કર્મકાંડોનું દબાણ ઊભું કરીને તેમને પોતાની જાળમાં ફસાવવાનું કાવતરું વર્ષોથી ચાલતું આવ્યું છે, જેનાથી આપણે આજ સુધી છૂટી શક્યા નથી. આપણા માટે આ જ એક મોટો પ્રશ્ન છે કે જેની સામે આપણે આજ સુધી સંઘર્ષ કરી રહ્યા છીએ. તેવામાં આ વર્ગને આ પ્રકારનાં કર્મકાંડો/આડંબરોમાંથી મુક્ત કરાવવા માટે અને તેમનામાં તે પ્રકારની ચેતનાનું નિર્માણ કરવાના હેતુથી અથવા જો બીજા શબ્દોમાં કહીએ તો આપણા નવા મનુષ્યને ઘડવાની પ્રક્રિયા અંતર્ગત નવાં નેતૃત્ત્વનું નિર્માણ કરવું પડશે. આ હેતુ સંબંધિત જે કાંઈ પણ પ્રયોગો ગાંધીજી દ્વારા કરવામાં આવ્યા, તે આપણા માટે આજે પણ એટલા જ જરૂરી છે. પણ, આ પ્રયોગોને લઈને ગાંધી અને આંબેડકરના વિવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જો આપણે તે સમય પર નજર કરીશું તો જાણવા મળશે કે આઝાદી પૂર્વેના તે સમયે માત્ર થોડા ઘણા લોકોના હાથમાં જ આઝાદીનાં આંદોલનની કમાન હતી. અને આ કમાન સામાન્ય માણસોના હાથમાં કેવી રીતે આવશે તે મુદ્દાને લઈને આંબેડકરે પોતાના આંદોલનની દિશા નિર્ધારિત કરી હતી. તે સમયે આંબેડકરે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આઝાદીના આંદોલનમાં અમારી ભાગીદારી કેટલી છે? જ્યારે તમે સહભાગી લોકતંત્રની વાત કરો છો ત્યારે તેમાં અમારો ભાગ કેટલો છે? આ વાતને લઈને તે સમયે આંબેડકરનો સંઘર્ષ સતત ચાલુ રહ્યો અને આજે પણ આ મુદ્દો ચર્ચામાં કેન્દ્રસ્થાને છે, અને આજે પણ આ મુદ્દો તેટલો જ વિવાદાસ્પદ છે. જો આ વિવાદ ના થયો હોત તો ભારતની રાજનીતિના કેન્દ્રમાં બાબાસાહેબ અને ગાંધીજી એક સાથે થઇ શક્યા હોત, આ વાત આજે વધુ જરૂરી લાગી રહી છે.
મને એવું લાગે છે કે વર્ષ ૧૯૨૦ની આસપાસના સ્વતંત્રતાના આંદોલન પર જ્યારે આપણે નજર નાખીએ છીએ ત્યારે એવો નજારો આંખ સામે આવીને ઊભો રહે છે કે જેમાં આઝાદીના આંદોલનમાં પ્રમુખ ભૂમિકા ભજવનાર કોંગ્રેસે ધાર્મિકતાની જડતામાંથી મુક્ત થઈને આઝાદીના આંદોલનની કમાન ભારતનાં મધ્યમવર્ગ અને નિમ્નવર્ગનાં હાથમાં સોંપી. આ ભારતનો તે સમયનો રાજનૈતિક ઇતિહાસ છે. જેના પરિણામસ્વરૂપે આજે આપણે અહીં સુધી પહોંચી શક્યા છીએ. જો આ દ્રષ્ટિકોણથી તે સમયનો રાજનૈતિક ઇતિહાસ જોવામાં આવે તો આપણને એ વાતનો ખ્યાલ આવશે કે આઝાદી પૂર્વેના તે સમયથી લઈને આઝાદી સુધી આંબેડકર અને ગાંધીએ માત્ર પોતાનું સ્થાન જ નથી છોડ્યું પરંતુ, દરેક વખતે સ્વતંત્રતા સંગ્રામનાં કેન્દ્રસ્થાને રહ્યા અને એકબીજાને પ્રેરકબળ પૂરું પાડતા રહ્યા. બંને એકબીજા સામે ઊભા રહ્યા છતાં તેમના સંવાદની સમયે બંને એકસાથે જોવા મળ્યા.
આપણે એ સમજવું પડશે કે અંગ્રેજો ખતરનાક પ્રકારના કુટનીતિજ્ઞ હતા. તેમણે પૂરા વિશ્વ પર રાજ કર્યું અને પૂરા વિશ્વને લૂંટ્યું હતું. તેમણે જ્યાં-જ્યાં રાજ કર્યું હોય તેવા લગભગ અડધા દેશોમાં હું ફરી ચૂક્યો છું. ત્યારે મેં એ જોયું છે કે તે સમયે (આઝાદી પૂર્વે) ભારતમાં જેટલાં પણ વિકાસનાં કાર્યો થયાં હતાં, તેટલાં વિકાસનાં કાર્યો તે સમયે અંગ્રેજોનાં તાબા હેઠળ રહેલાં કોઈ પણ દેશ/પ્રદેશમાં થયાં નથી. તે અંગ્રેજરાજનાં ભારતની એક વિશેષતા હતી. જો તમે કહેશો કે અંગ્રેજો ધૂર્ત હતા તો હું કહીશ કે અંગ્રેજો ધૂર્ત હશે. એવું બની શકે કે તે સમયે અંગ્રેજોએ ભવિષ્યનો વિચાર કરીને એવો અંદાજ સ્થાપિત કર્યો હોય કે આવનારા સમયમાં દુનિયાની વ્યવસ્થામાં ભારતનો પ્રભાવ વધશે.
આ સાથે જોડાયેલી એક ઘટના જણાવું, એક વખત હું ડરબન કોન્ફરન્સમાં ગયો હતો. તે કોન્ફરન્સમાં મેં એ વાતનો પ્રસ્તાવ મૂક્યો કે અંગ્રેજોએ જેટલા પણ પોતાના ગુલામ દેશોને લૂંટ્યા છે, તેની તેમણે કિંમત ચૂકવવી પડશે. આ પ્રસ્તાવની આગેવાની પણ મેં જ કરી હતી. આ મુદ્દાને લઈને ભારતની તે સમયની સરકારે મને પૂછ્યું કે તમે આ શું વાત કરી રહ્યા છો? મેં કહ્યું કે હું કિંમત માંગી રહ્યો છું અને આ તેમની (અંગ્રેજો સાથેની) વાત છે. તો સરકારે મને કહ્યું કે તમે આ મુદ્દો ઉઠાવી શકો નહિ. કારણ કે અંગ્રેજોએ આપણને લૂંટ્યા જ નથી. તો મેં પૂછ્યું કે અંગ્રેજોએ આપણને લૂંટ્યા જ નથી તેવું તમે કેવી રીતે કહી શકો? તો મારા આ પ્રશ્નના જવાબમાં સરકારે મને કહ્યું કે આપણને યુરોપિયન દેશોએ લૂંટ્યા નથી પરંતુ, આજે આ તમામ દેશો આપણા પર નિર્ભર છે. માટે, આપણે તેમનું નેતૃત્ત્વ કરી શકીએ છીએ. માટે હું કહી રહ્યો છું કે અંગ્રેજો ધૂર્ત હતા અને તેમણે યોગ્ય સમયે અહીંથી પરત જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મારું કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે શું આપણે તે ઇતિહાસમાં જ અટકેલા રહીશું? જે પથ પર મહાત્મા ફૂલે, મહાત્મા આંબેડકર અને મહાત્મા ગાંધી ચાલ્યા હતા તે પથ પર ચાલીને આ ઘટનાને નૈતિકતા સાથે જોડી શકીશું કે નહિ? તે વર્તમાનનો પ્રમુખ સવાલ છે. જો આપણે નૈતિક રાજનીતિ તરફ જવું હશે તો આપણે સમાન અવસર તરફ ધ્યાન આપવું પડશે કે જેમાં તમામનો સમાવેશ થઇ શકે. આને નજરઅંદાજ કરીને આપણે આગળ વધી નહિ શકીએ. સાયમન કમિશનથી લઈને બાબાસાહેબ સુધીના તમામ લોકોએ એવું કહ્યું હતું કે અહીં આરક્ષણ હોવું જોઈએ. જો તે સમયે ગાંધીજીએ આ વાતનું સમર્થન કર્યું હોત તો સ્વતંત્રતા આંદોલનમાં તેમનું નેતૃત્ત્વ કદાચ જ માન્ય રાખવામાં આવ્યું હોત તે વાત પર મને શંકા છે. કારણ કે જે પ્રકારે મધ્યમ જાતિઓમાં ગાંધીજીના વ્યક્તિત્ત્વનો વ્યાપ થયો હતો તે જોતાં એવું લાગે છે કે જો તે સમયે ગાંધીજીએ આરક્ષણને સમર્થન આપ્યું હોત, તો તેમનું નેતૃત્ત્વ સમાપ્ત થઇ ગયું હોત.
આ અવસરનો ફાયદો ઉઠાવીને ઠેકેદારો એવું કાવતરું ઘડી શક્યા હોત કે જેનાથી આવનારા સમયમાં બહુજન નેતૃત્ત્વ સામે આવી શકે નહિ. આ જોતાં નિમ્ન જાતિઓનું નેતૃત્ત્વ તો ત્યારે જ સમાપ્ત થઇ ગયું હોત. હું એવું નથી કહેતો કે સંઘર્ષ નથી થયો, ભારે સંઘર્ષ થયો પરંતુ, જે આ સંઘર્ષમાંથી બહાર નીકળ્યા તેનાથી આરક્ષણની મૂળનીતિને સહેજ પણ ધક્કો પહોંચ્યો નથી. અથવા તો આરક્ષણની સંકલ્પનાને જરા પણ ક્ષતિ પહોંચી નથી, તે જેમ હતું તેમ જ રહ્યું. તે અલગ વાત છે કે તેની ક્રિયા પદ્ધતિ દોષપૂર્ણ હતી. એટલા માટે જ હું કહું છું કે પૂના પેક્ટ દરમિયાન આરક્ષણની નીતિના મૂળ તત્ત્વો ગાંધી-આંબેડકરનાં વિવાદ છતાં પણ કાયમ રહ્યા. તેની ક્રિયા પદ્ધતિ પર આ બંને મહાનુભાવોએ સમાધાન કર્યું. મારો પ્રશ્ન એ છે કે જો આ સમયે ગાંધીજીએ આનો વિરોધ ના કર્યો હોત તો એ વાતની શું ખાતરી હતી કે કોઈ અન્યએ આ વાતનો વિરોધ ના કર્યો હોત? સાચું કહું તો આ વાતની કોઈ ગેરંટી જ નહોતી. જો આ વાતની ગેરંટીને જાણવી હોય તો તે સમયનાં હિંદુ મહાસભાના ઇતિહાસને સમજવો પડશે. હિંદુ મહાસભાના તે સમયની પ્રમુખ વ્યક્તિઓ પૈકીના એક એવા મુંજેને જ જોઈ લો. તેમનું કહેવું હતું કે ‘કોઈએક એવી વ્યક્તિ કે જે બહુજનો પૈકીની છે અને તેણે આપણા તમામ સવર્ણોની લીડરશીપને ધ્વસ્ત કરી નાખી છે’, કે જેણે રસ્તાના માધ્યમથી ગામડાંનાં શોષિતોનાં હાથમાં ગામડાંનું નેતૃત્ત્વ સોંપ્યું. શોષિતોનું આ નેતૃત્ત્વ આપણા લોકોને ધ્વસ્ત કરી નાખશે. આપણી સંકલ્પનાને નષ્ટ કરી દેશે, તે આપણા વર્ચસ્વને, મનુસ્મૃિતને ધ્વસ્ત કરી રહ્યું છે. તે સમયે મુંજે જેવી વ્યક્તિઓ આ પ્રકારનું જ વિચારતા હતા.
આ સંપૂર્ણ પરિસ્થિતિને સામે રાખીને જ્યારે આપણે વિચાર કરીએ છીએ તો જે પણ ઘટનાઓ ઘટી, તે સમયે લોકોએ તેના પર પણ જે મત રજૂ કર્યા તેને આજના સમયમાં સમજવામાં કોઈ જ ફાયદો નથી. પરંતુ, આપણે આજે એ વિચારવું પડશે કે તે સમયમાં જે કાંઈ પણ થયું, જો તે ના થયું હોત તો શું થયું હોત? કદાચ તેની જગ્યાએ કોઈ અન્ય ઘટના ઘટી હોત.
હું ફરી એક વખત ઇતિહાસ તરફ જોઉં છું. હાલમાં જ ભીમા કોરેગાંવના શહીદોના અભિવાદન માટે આવેલા લોકોને ખરાબ રીતે પીટવામાં આવ્યા. અંગ્રેજોએ તેમની સેનામાં અસ્પૃશ્યોની ભરતી તો કરી હતી, પરંતુ જેવો પેશ્વાઓ પર તેમણે વિજય પ્રાપ્ત કર્યો કે તરત જ અંગ્રેજોએ તેમની સેનામાં અસ્પૃશ્યોની ભરતી બંધ કરી દીધી. આપણે આ ઇતિહાસને બારીકાઇથી જોવો પડશે, જે લોકોએ અંગ્રેજોને સત્તા સ્થાપિત કરવામાં મદદ કરી તે લોકોને જ અંગ્રેજોએ હાંસિયામાં ધકેલી દીધા, અને પોતાના વિરોધી એવા પેશ્વાઓને પ્રમુખતા આપી. આપણે આ ઇતિહાસને શરૂઆતથી જોવો અને સમજવો પડશે. જો ભૂલથી પણ આ નેતૃત્ત્વ હિંદુ મહાસભાના હાથમાં જતું રહ્યું હોત તો તેમણે અંગ્રેજોને કાંઇક એ પ્રકારનું આશ્વાસન આપ્યું હોત કે તમે અહીં વધુ 60 વર્ષ રાજ કરો અને ત્યારબાદ જતા રહેજો. તો શું ત્યારે અંગ્રેજોએ આ લોકોના આ આશ્વાસન પર વિશ્વાસ મૂક્યો હોત? આ એક વિચારવા જેવી બાબત છે. તેમણે કોને પ્રમુખતા આપી હોત અને કોની સાથે ઈમાનદાર રહ્યા હોત? એવા લોકો પ્રત્યે કે જેઓ નિઃશસ્ત્ર છે, જેની પાસે કોઈ આર્થિક સત્તા નથી અને કોઈ ધાર્મિક સત્તા પણ નથી. અથવા એવા લોકો પ્રત્યે કે જેમની પાસે સામાજિક-આર્થિક-ધાર્મિક-રાજનીતિક સત્તા પહેલાંથી જ હાજર છે. આ પાસાં પર પણ વિચાર કરવો જોઈએ.
આ બધું કરવા પાછળ ગાંધી-આંબેડકરનો એક માત્ર હેતુ એ હતો કે સામાન્ય જનતા પણ સત્તામાં સહભાગી થઇ શકે. ક્યારેક એવું પણ જોવા મળે છે કે ઇતિહાસની કેટલીક વ્યક્તિઓ એકબીજાંની વિરોધી પણ હોય. પરંતુ, તેમનો વિરોધ પણ કોઈ સાધ્યની પ્રાપ્તિ માટે જ હોય છે. જે આપણે સમજવું પડશે. માટે મારું માનવું છે કે આપણી વચ્ચે સંવાદનો સેતુ બંધાયેલો રહેવો જોઈએ. આજે પણ આપણે કેટલાંક એવાં નિર્ણય લેવા પડશે કે જે સંવાદનાં માધ્યમથી જ શક્ય બનતાં હોય. જ્યારે આપણે હાલની સ્થિતિ જોઈએ છીએ અને તે જોતાં જો આપણને એવું લાગતું હોય કે અહીંની સત્તા બહુજનોના હાથમાં જ હોવી જોઈએ તો આપણે એ સમજવું પડશે કે દેશનો આર્થિક સ્ત્રોત કોના હાથમાં છે. ગાંધીજીએ ટ્રસ્ટીશીપનાં નિર્ણયની વાત મૂકી હતી. જે અંતર્ગત ગાંધીજીનું માનવું હતું કે ટ્રસ્ટીશીપ હેઠળ સાધનો પર કોઈ એકનો અધિકાર નહિ રહેતા જેની પાસે આર્થિક સંસાધન છે, તેઓને આનો ‘ટ્રસ્ટી’ ઘોષિત કરવામાં આવે છે. એટલે કે તે પોતાની જાતને માલિક નહિ પણ ટ્રસ્ટી સમજે.
બીજી બાજુ બાબાસાહેબનું એવું માનવું હતું કે દેશમાં જેટલાં પણ સંસાધન છે, તે માત્ર કેટલીક વ્યક્તિઓના હાથમાં નહિ રહેતા સરકારનાં નિયંત્રણમાં રહે. મારું એવું કહેવું છે કે ભલે આ મુદ્દામાં બે મહાનુભાવોનો વિરોધાભાસ પ્રગટ થાય છે પરંતુ, સાધનો પર વ્યક્તિગત અધિકાર હોવો જોઈએ નહિ. એ વાતને લઈને આ બંને મહાનુભાવોની સહમતિ જોવા મળે છે. કારણ કે જો ચીજવસ્તુઓ સરકારનાં નિયંત્રણમાં હોય તો જનતા તે સરળતાથી માંગી શકે છે. ગાંધીજીનાં નિર્ણય મુજબ ટ્રસ્ટીશીપ (ટ્રસ્ટ) બન્યા બાદ સંસાધનો પર આપોઆપ સૌનો અધિકાર થઇ જાય છે. કુલ મળીને સંપત્તિ પર વ્યક્તિગત અધિકાર હોવો એ મુદ્દે બંને મહાનુભાવોનો સમાન વિરોધ જોવા મળે છે. આવનારી વ્યવસ્થામાં સાધનોની વહેંચણી કેવી રીતે થશે? આ અંતર્ગત જે યોજના હતી, તેમાં એકનું એવું માનવું હતું કે સંસાધન સાર્વજનિક હોવા જોઈએ. પણ, આ મુદ્દાને લઈને બંને મહાનુભાવો એકમત હતા કે સંપત્તિ વ્યક્તિગત હોવી જોઈએ નહિ. વર્તમાનમાં જો આપણે આ વાત સમજીએ તો આંબેડકર તે સમયમાં કહ્યા કરતા હતા કે આપણે સંપત્તિને ‘શેઠ’ અને ‘પુરોહિતવાદ’ની જડતામાંથી મુક્ત કરીને સાર્વજનિક સંપત્તિમાં પરિવર્તિત કરી નાખવી જોઈએ. જ્યારે ગાંધી એવું માનતા હતા કે શેઠનો જે નિર્ણય છે તેને ટ્રસ્ટીશીપમાં બદલી નાખવો જોઈએ. એવામાં જ્યારે આપણે આ બંને મહાપુરુષને એકબીજાની વિરુદ્ધ ઊભા કરીને તેને સામાજિક મુદ્દાના સ્વરૂપમાં વિચલિત કરવાના પ્રયત્નો કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ બંનેએ પોતાનું સ્થાન નથી છોડ્યું અને અંત સુધીમાં તેઓ રાજનીતિમાં કેન્દ્રસ્થાને બની રહ્યા. જેના માટે તેઓ લડી રહ્યા હતા તે વર્ગની સાથે રહ્યા અને તે વર્ગને અહીંની વ્યવસ્થાનાં માલિક બનાવવા માટે અને આ વ્યવસ્થામાં યોગ્ય સ્થાન મળે તે માટે આ બંને મહાનુભાવોએ ખૂબ જ પ્રયાસ કર્યા.
આમ પણ આપણે જોઈએ છીએ કે ભારતમાં આઝાદીના સમયે શૂદ્ર અને અતિશૂદ્ર કોઈ પણ રાજનીતિક વ્યવસ્થામાં ભાગીદાર નહોતા અને ના તો કોઈ રાજ્યવ્યવસ્થાનો ભાગ હતા. એક રીતે જોતા તેઓ અધિકારોથી વંચિત હતા. અને તેવામાં આ લોકોને આ વ્યવસ્થાનો ભાગ બનાવવા, અને તેના માલિક બનાવવાના ભરપૂર પ્રયાસોમાં લાગેલા ગાંધીજીને આ ચળવળ રોકવા માટે એક નહિ પણ ત્રણ-ત્રણ વખત મારી નાખવા માટેના પ્રયાસો થયા હતા. મને એવું લાગે છે કે અહીંની મૂળ સામાજિક સંરચના વર્ચસ્વવાદી પ્રકૃતિની હતી. જેમાં ‘અન્ય’ માટેની જગ્યા બનાવવા માટે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આની પૂર્તિ માટે જે પણ પ્રક્રિયાઓનો ઉપયોગ થઇ શકે તેમ હતો તે તેઓએ કર્યો. જો આજે આપણે તેને ખંખેરીશું તો તેમાંથી કેટલીક વાતો આપણને અપ્રાસંગિક લાગશે અને કેટલીક પ્રાસંગિક લાગશે. બદલતા સમયની સાથે જો આપણે આ ઘટના તપાસીશું તો આ ઘટના પ્રતિગામી પણ લાગી શકે છે અને કેટલીક હદ સુધી આ પ્રાસંગિક પણ લાગી શકે છે. તેવામાં આપણે એ નિષ્કર્ષ નીકાળવા લાગીએ છીએ કે પ્રતિગામી વ્યવસ્થામાં આ લોકો બંધબેસતા કેમ નથી. ત્યારે મને એવું લાગે છે કે આપણે તે સમયની વ્યવસ્થા કરતાં વધારે એ લોકોનાં કાર્ય કરવાનાં બિંદુ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મને એવું લાગે છે કે તેમનું કેન્દ્રબિંદુ એ જ હતું કે અહીંની વર્ણવાદી, વર્ચસ્વવાદી, નિષેધાત્મક વ્યવસ્થામાં બહુસંખ્યક લોકોનું સ્થાન બનાવીને તેમને તેમાં સ્થાન અપાવવા ઇચ્છતા હતા અને આ કામ તે સમયમાં થયું છે, એવું હું માનું છું.
વર્તમાન પરિસ્થિતિને જોતાં હું એટલું જ કહીશ કે ધર્મના નામે જે ઝઘડા થઇ રહ્યા છે તેને સ્પષ્ટતાની સાથે સમજવામા આપણે નિષ્ફળ રહ્યા છીએ, જ્યારે ગાંધી-આંબેડકર આ મુદ્દાને સફળતાપૂર્વક સમજી શક્યા હતા. મારી માન્યતા એવી છે કે ધર્મ એ વ્યક્તિનો અંગત વિષય હોવો જોઈએ. પણ, લાંબા સમયથી આ વિવાદનો વિષય રહ્યો છે કે ધર્મને વ્યક્તિ સુધી જ સીમિત રહેવું જોઈએ કે પછી સમગ્ર દેશનો એક જ ધર્મ હોવો જોઈએ. દેશનો એક જ ધર્મ હોવો જોઈએ તેવી માંગ દેશમાં અલગ-અલગ સમયે ઉઠતી રહી છે અને કેટલાક લોકો આજે એ નિર્ણય પણ લઇ શક્યા નથી કે દેશનો એક જ ધર્મ હોવો જોઈએ કે નહિ.
રાજનીતિનો ધર્મની સાથે શું સંબંધ હોય? જે દિવસે આપણે આ નિર્ણય કરી શકીશું ત્યારે દેશમાં નવા પ્રકારની રાજનીતિ અને વ્યવસ્થાનો ઉદય થશે તેવું મારું માનવું છે. દેશમાં આજે પણ કેટલાક એવા વર્ગ છે કે જેઓને વર્ચસ્વવાદી, શોષણકારી વ્યવસ્થા ફાયદાકારક લાગે છે, જેનાં કારણે તેઓ તેના પ્રચાર-પ્રસારમાં જોડાયેલા છે. અત્યારે તેવા જ લોકોની સરકાર રચાયેલી છે. એટલે કે તેઓ સત્તાનાં કેન્દ્રમાં આવી ગયા છે. ધર્મ પ્રત્યેક મનુષ્ય માટે જરૂરી છે કે નહિ તેનો નિર્ણય વ્યક્તિ જાતે કરે તેવી આઝાદી હોવી જોઈએ. જો મને એવું પૂછવામાં આવે કે શું ધર્મ રાજ્ય માટે જરૂરી છે? તો મારો જવાબ હશે કે બિલકુલ નહિ. કારણ કે જ્યારે કોઈ કહે છે કે દેશને કોઈ ખાસ ધર્મની જરૂરિયાત છે ત્યારે એ પ્રશ્ન ઊભો થાય છે કે કયા ધર્મની સંહિતા દેશમાં લાગું કરવામાં આવશે? તેવામાં દેશની અંદર જ એક વિવાદ ઊભો થાય છે અને અનેક સમૂહ પક્ષ-વિપક્ષમાં ઊભા થઇ જાય છે, જે સ્વાભાવિક પણ છે. જ્યાં સુધી મને લાગે છે કે આ દેશની અંદર દેશનો એક ધર્મ હોવો જોઈએ, આ એજન્ડા માત્ર આર.એસ.એસ.નો જ હતો. તે પહેલાં દેશમાં લગભગ એક પ્રકારની શાંતિ જ પ્રવર્તતી હતી. પૂર્વનાં વિસ્તારોમાં આર.એસ.એસ. આનો એકમાત્ર ઠેકેદાર હતો. પણ, હવે ધર્મની રાજનીતિ ઘણા ઠેકેદાર કરી ચૂક્યા છે અને તે લોકો પોતાના ધર્મની નીતિઓ બનાવીને બીજાઓ પર થોપવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારથી આપસમાં લડાઈ શરૂ થઇ ગઈ છે.
પૂર્વમાં જ્યારે ધર્મની રાજનીતિ ચાલી રહી હતી ત્યારે એ મુદ્દો ઉઠ્યો હતો કે શું હિંદુ ધર્મ એ દેશનો ધર્મ હોવો જોઈએ. શરૂઆતમાં લોકોને લલચાવવા માટે આ લોકોએ અન્ય ધર્મોને પોતાનામાં સમાવેશ કરવાની, કેટલાક ધર્મોને નિયંત્રણમાં રાખવાની અને પાબંદી લગાવવાની વાત કરી. જેમાં સામ, દામ, દંડ, ભેદની કૂટનીતિ પણ સામેલ હતી. પરંતુ, જ્યારે તેઓ આ કરવામાં નિષ્ફળ રહ્યા, અને આવું કશું ક કરી શક્યા નહિ, ત્યારે તેઓ અલગ રીતે રીએક્ટ/વ્યવહાર કરવા લાગ્યા. ત્યારથી એ વાત સામે આવવા લાગી કે આ લોકો કયા હિંદુ ધર્મની નીતિઓ લાગું કરવાના છે? વધુમાં, પોતાની જાતિઓને થોપવા માટે અલગથી શક્તિનું નિર્માણ કરવામાં આવ્યું, કે જેવું મધ્યપૂર્વનાં દેશોમાં પણ આપણે જોઈએ છીએ. મધ્યપૂર્વનાં દેશોમાં આ પ્રકારની શક્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. તે પ્રકારે અહીં પણ શરૂઆત થઇ ચૂકી છે. જેનું સૌથી મોટું નુકસાન અહીંની રાજનૈતિક શક્તિઓને ભોગવવું પડશે. રાજનૈતિક વ્યવસ્થાને ઈજા પહોંચાડવાનાં કારણે દેશનું પ્રશાસનિક માળખું વેરવિખેર થઇ જશે.
જેના હાથમાં આ દેશની જનતાએ દેશની કમાન સોંપી છે, આજે જ્યારે તે પોતે જ આ લડાઈમાં સામેલ છે ત્યારે આવી સ્થિતિમાં દેશની શાંતિ ખતરામાં પડે એ વાત સ્વાભાવિક જ છે. સોવિયેત રશિયાનું જ્યારે વિઘટન થયું ત્યારે તેમાં એક ધ્રુવીય (ધ્રુવ પ્રદેશનો) વ્યવસ્થાની જગ્યાએ બહુધ્રુવીય વ્યવસ્થાનું નિર્માણ થયું. આ પૂર્વે જ્યારે રશિયા બહુધ્રુવીયથી એકધ્રુવીયમાં પરિવર્તિત થયું અને સોવિયેત સંઘ અસ્તિત્ત્વમાં આવ્યો હતો, આ સંપૂર્ણ પરિઘટનામાં સૌથી વધુ નુકસાન નૃજાતીય (નૃ એટલે માણસ એટલે કે માનવજાતનો માનવ સંબંધી) અલ્પસંખ્યકોને જ થયું. આ નૃજાતીય અલ્પસંખ્યકોમાં એ ઝઘડો શરૂ થયો કે હવે અમારી વધુ સારી રીતે રક્ષા કોણ કરશે? રશિયા કે પછી અમેરિકા? પોતાના રક્ષકની શોધમાં તેઓએ પોતાનો ઇતિહાસ શોધવાનો શરૂ કર્યો. તેઓ પોતાની ભાષા અને સંસ્કૃિત શોધવા લાગ્યા. ત્યારે તેઓએ આવું જ કહેવાનું શરૂ કર્યું કે અમારી સંસ્કૃિત, ભાષા તથા અમારી વસતિ હવે ખતરામાં છે. આ મુદ્દો ઉઠાવીને તેમણે લડાઈની ઘોષણા કરી અને આ લડાઈ ત્યાં સુધી ચાલું રહી કે જ્યાં સુધી સંયુક્ત રાષ્ટ્રીય સંઘે આંતરરાષ્ટ્રીયસ્તર પર આ વાત કબૂલ કરતાં વૈશ્વિક એજન્ડા તરીકે આ પ્રકારનાં ભેદભાવો નષ્ટ કરવાની સ્વીકૃતિ ના આપી ત્યાં સુધી. ત્યારે જઈને નૃજાતીય અલ્પસંખ્યકોમાં શાંતિ કાયમ થઇ. આઝાદી બાદ જે પ્રકારની વ્યવસ્થા આપણે ભારતમાં બનાવી તેમાં શોષિતો-વંચિતો અને અલ્પસંખ્યકનું શરૂઆતથી જ ધ્યાન રાખવામાં આવ્યું હતું. પરંતુ, આજે જે પ્રકારની ધર્મની રાજનીતિ અહીં શરૂ થઇ છે તેનાથી ફરી વખત અલ્પસંખ્યકની ચેતના જાગી છે. જેના કારણે આજે દરેક અલ્પસંખ્યક સમૂહની સાથે સંબંધ રાખનાર વ્યક્તિ પોતાના સમુદાય માટે દેશની રાજનીતિમાં ભાગીદારીની માંગ કરી રહ્યો છે. તેઓ પોતાના ધર્મની રાજનીતિ માટે પણ સામે આવી રહ્યા છે.
આમ તો ‘હિંદુ’ શબ્દના ઉચ્ચારણમાં જ તમામને જોડી દેવામાં આવે છે. જ્યારે આપણે એ વાતને ભૂલવી જોઈએ નહિ કે જેનો આમાં સમાવેશ કરવામાં આવે છે, તેઓની પોતાની એક ઓળખ છે. આ દેશમાં પ્રત્યેક જાતિ તેના પોતાનામાં એક રાષ્ટ્ર છે. દરેક જાતિમાં રાષ્ટ્રના તત્ત્વ સામેલ છે. મૂળ સવાલ એ છે કે આપણા રાષ્ટ્રનું સ્વરૂપ કયું છે? રાષ્ટ્રનું સ્વરૂપ એ છે કે તેની પાસે પોતાની એક આગવી ઓળખ, પોતાના કાયદા, પોતાની સંસ્કૃિત તથા પોતાની એક અલગ પ્રશાસનિક વ્યવસ્થા હોય છે. શું આપણને આ ચાર વસ્તુઓ દરેક જાતિમાં મળે છે કે નહિ? તે અલગ વાત છે કે ઘણી વસ્તુઓનું હવે પ્રતિસ્થાપન થઇ ચૂક્યું છે. પરંતુ, ભૂતકાળમાં આ તમામ વસ્તુઓ દરેક જાતિમાં જોવા મળતી હતી, માટે અહીં પ્રત્યેક જાતિ તેના પોતાનામાં એક રાષ્ટ્ર છે. કેટલાક લોકો આ વાતને ફરી વખત પ્રગટ કરી રહ્યા છે. હિંદુ સમાજના પ્રત્યેક વર્ગ દ્વારા અથવા આજકાલના કિનારાના સંગઠન, જે પોતાની વાત મનાવવા માટે લોકો પર પોતાના વિચારો થોપી રહ્યા છે. તેઓનું એવું માનવું છે કે જે વ્યવસ્થા ચાલી રહી છે, તેને અમે નહિ માનીએ અને આનાથી અલગ પોતાની વ્યવસ્થા બનાવીશું. હું અહીં એક વ્યવસ્થાની અંદર રહેલી બીજી વ્યવસ્થાની વાત નથી કરી રહ્યો. હું અહીં તે વ્યવસ્થાની સમાંતર નવી વ્યવસ્થા બનવવાના પ્રયાસ કરનાર લોકો વિશે વાત કરી રહ્યો છું. આ રીતે જે નવા સંગઠન છે, તે દેશમાં એવું વાતાવરણ બનાવી રહ્યા છે કે આપણને નવા કાયદાની જરૂરિયાત છે. મને લાગે છે કે આ સૌથી મોટો દગો છે.
ભારતમાં જે સમયે રાષ્ટ્રીયતાની ભાવના આવી તે સમયે કોઈને આ વાતનું જ્ઞાન નહોતું કે આનું સંપૂર્ણ સ્વરૂપ શું હશે. છતાં પણ પ્રક્રિયામાં રહીને એટલું તો નક્કી જ કરી લીધું હતું કે ધર્મની રાજનીતિને કબૂલ નહિ કરવામાં આવે. જેવું મેં અગાઉ કહ્યું હતું તે પ્રમાણે અંગ્રેજ ધૂર્ત હતા, તેમણે પૂરી દુનિયાને લૂંટી અને નમૂના તરીકે એક એવા દેશને છોડ્યો છે, જે એવું કહેતો ફરી રહ્યો છે કે અંગ્રેજોએ અમને લૂંટ્યા નથી પણ અમારો વિકાસ કર્યો છે. આજે ફરી દેશમાં તે વિકાસનાં નામ પર જ રાજનીતિ ચાલી રહી છે અને તેનાથી આપણે બચવું પડશે. આધુનિક રાષ્ટ્રનાં નિર્માણમાં ધર્મ માટે કોઈ જગ્યા નથી. રાષ્ટ્રને ધર્મની કોઈ જરૂરિયાત નથી, આવનારી પેઢી માટે આ સંપૂર્ણ રીતે અપ્રાસંગિક થઇ ચૂક્યું છે.
સંકલન અને સંપાદન – ડૉ. મુકેશ કુમાર
મરાઠીમાંથી હિન્દી અનુવાદ – ગજાનન એસ. નિલામે
ગુજરાતી અનુવાદ – નિલય ભાવસાર