માણસો કરતાં મકાનો વિશે લખવું સહેલું છે. સમયની સાથે માણસો બદલાય છે. એમની પ્રકૃતિ, સ્વભાવ, ભાવને ભૂતકાળના થથેડા લાગે છે. મકાનોની વાત જુદી છે, એ બદલાતા નથી કાલાતીત બની જાય છે. કંઈક કેટલી યાદો, કિસ્સાઓ, પ્રસંગો, ઘટનાઓ એમની અંદર જીવતા હોય છે. શ્રીકાંત શાહના અફલાતુન નાટક કોરી જગ્યાની સબંધમાં આવી જ વાત બહુ ‘સટલી’ ને સચોટ કહેવાઈ છે. નાટકનું મુખ્ય પાત્ર ઘરના એક ચાર બાય ચારના ખૂણા પાસે બેસીને ત્યાં બનેલી ઘટનાઓ વાગોળે છે, માણસની જગ્યા સાથેની મુહબત્ત, અને એ નાટક અને એવા બીજા ઘણા યાદગાર નાટકો જ્યાં કાગળ પરથી ઉતરીને જીવતા થયા છે, એ જગ્યા એટલે સ્ટુડન્ટ હોલ. ને અ વાત છે મારી એ જગ્યાએ સ્ટુડન્ટ હોલ સાથેની મુહબત્તની ……
વિદ્યાનગર નામના ગામમાં, જ્યારે ભારત આવું ત્યારે બે જગ્યાની અચૂક મુલાકાત લેવાય : એક ભાઈકાકા લાયબ્રેરી ને બીજું સ્ટુડન્ટ હોલ. … આ ગામમાં સરદાર પટેલ યુનિવર્સિટી મકાનો બનાવે છે, પણ એની આસપાસ રસ્તા બનાવવાનું મોટે ભાગે ચૂકી જાય છે ! શાસ્ત્રી મેદાનને આ નાનકડા ગામનું દિલ કહેવાય, પણ એની ધડકનો સાંભળવી હોય તો સમી સાંજે કે રાતના ભોજન બાદ સ્ટુડન્ટ હોલ પર એક આંટો મારવો. હવેના સમયની તો ખબર નથી, પણ એ દિવસોમાં વરસતા વરસાદ હોય કે કડકડતી ટાઢ હોય, સ્ટુડન્ટ હોલના ધૂળિયા ને ભૂતિયા માહોલમાં કોઈ ને કોઈ નાટકનું રિહર્સલ થતું જ હોય.
1992ના ઉનાળાના દિવસોમાં ચાની લારી પર મિત્ર હેમાંગ દેસાઈ કોઈ નાટકમાં એક રોલ મળે એ વિષે વાત કરે છે, હું કદાચ બી.એસસી.ના બીજા કે ત્રીજા વર્ષમાં ભણતો હોઈશ, ને એ સાંજે સ્ટુડન્ટ હોલ પર અમિત મહેતા સાથે મુલાકાત થાય છે. 27મી માર્ચના વિશ્વ રંગ ભૂમિ દિવસ માટે તેઓ ચાર સફરજનનાં વૃક્ષો કરાવતા હોય છે. સાથે સાથે ભાવનગરના કલાપ્રેમી નાગરો સાથેનો પ્રથમ પરિચય, પાયલ મહેતા, બીજલ મહેતા (ને હવે દેસાઈ, લગ્ન બાદ બીજલ અહીં સિડનીમાં રહે છે !) ધવલ ઓઝા ને અમે, ઉર્ફે અમીત મહેતા …
એક દાયકાથી વધુ લાંબી ચાલેલી એ સફરની શરૂઆત અહીંથી, સ્ટુડન્ટ હોલથી શરૂ થાય છે. સરકારી જાંબલી રંગની વિંગ્સ ધરાવતું સ્ટુડન્ટ હોલનું સ્ટેજ મારા નાટ્ય જીવનનો એક અતુટ હિસ્સો બની જાય છે. મૂળે હિન્દી વિભાગ અને યુનિવર્સિટીના નાટ્ય વિભાગ દ્વારા સ્ટુડન્ટ હોલનો વહીવટ થાય. હિન્દી ભાષી નવનીત ચૌહાણ અને એમનું હમ લલિત કળા મંચ અહીં નાટકોના રિહર્સલ કરે, અમીતભાઈ એમના મુંબઈના દિવસોના મિત્ર અને નાટ્ય વિભાગના કર્તાહર્તા એવા કિરણ ભોકરી પાસેથી હોલની ચાવી લાવે ને અમે ગુજરાતી નાટકો ભજવીએ. એક કે બે ટ્યુબ લાઈટ હોય, ધૂળવાળી ફરસ પર સાંજ-બ-સાંજ પાત્રો જીવતા થાય. ઘટનાઓ ક્રમાનુસાર ઘટે રાખે, મેકઅપથી માંડીને વસ્ત્રોની ચર્ચાઓ, ને શાસ્ત્રી મેદાનની સાવ સ્મશાનવત્ ઘેરી ચૂપકિદીમાં સ્ટુડન્ટ હોલમાં નિયમિત રિહર્સ્લ્સ ને દેકારો ચાલુ જ હોય …
એક ટીપું સૂરજનું, સૂર્ય વિનાનું આકાશ, કોરી જગ્યાનો સબંધ, નરોત્તમ સંઘવીની નોંધ પોથી, એકાંતની અડોઅડ, એક રાતો પીળો લંબ ચોરસ દિવસ, ચતુષ્કોણ ને આવા કંઈ કેટલાં ય નાટકો જ્યાં લાંબી ને યાતનામય છતાં ય અમારા સૌ માટે યાદગાર એવી પ્રસવ પીડા બાદ જન્મ્યાં છે. અહીં દેવાંગી સાથે પહેલો પરિચય, ને ત્યાર બાદ અનેક ઝગડાઓ થયા છે, અહીંથી નાટકો માટેની સ્પોટ લાઈટો ઊંટ લારીમાં લઈને ટાઉનહોલ ગયા'તા, ઇકબાલ મુનશી નામના એક ભેજાગપ સર્જકના નાટકમાં પ્રથમવાર અમારા પછીની એક નવી પેઢી જોઈ, અહીં સ્ટુડન્ટ હોલમાં કમલબાબુ ને કનુ પટેલ ને પ્રદીપ કુમાર ને કુમાર ભોઈ ને લલિત ઠાકર ( જેમની સાથે એક સરસ નાટક ભજવ્યું ‘આધા તેલ આધા પાની’) ને મન્સૂરી સાહેબ ને અંકિત જોશ ને ધીમંત ઢેબર ને જીગર દવે ને સુરશ પટેલ ને વૈભવ જોશી ( ને એમના સાગરિત કિરણ જોશ) ને આવા કંઈ કેટલા ય સહ -સર્જકો, કલાકારો સાથે સંવેદના સભર યુવાનીના બેફામ દિવસો વિતાવ્યા છે, ને મારી જેવી આ બધાની પણ બેશુમાર યાદો સ્ટુડન્ટ હોલના એ ભેજવાળા, ટપકતા અંધારા ખૂણામાં નાટકોમાં વપરાયેલી પ્રોપર્ટી સાથે પડી હશે.
કાશ કોઈ કલાપ્રેમી વી.સી.સાહેબ કે નામાંકિત સી.એલ.પટેલ સાહેબ આ સ્ટુડન્ટ હોલને નવું કલેવર આપે, લાકડાનું સ્ટેજ બને (એક્ટિંગ કરવાની મજા લાકડાના સ્ટેજ પર વધુ આવે, એક ગ્રીપીંગ મળે, મારો અંગત મત ) બહાર એક કાફેટેરિયા, અંદર સરસ વાતાનુકુલિત ઓડીટોરિયમ ને સારા માઈલી લાઈટું, થોડું લેન્ડ સ્કેપીન્ગ ….. કાશ હવે પછી આ કલાકારની આંખો પર સમયનો મોતિયો બાઝે એ પહેલાં એ ઇમારતની કાયાપલટ અનુભવી લેવાનું મન થાય. ને સ્ટુડન્ટ હોલ ઉપરાંત નહેરુ હોલ ને રોયલ હોટેલ ને ઓલ્ડ હોસ્ટેલને નારાયણ ક્લબ ને રાણક ને દોસ્ત આ ગામ ઇમારતો ને એમની સાથે જોડાયેલી ચોત્રીસ કરોડ યાદોથી ધબકે છે …
Wednesday, 28 November 2012