'અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર દળવાદળની છાયા
લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતે
અકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથે
ચકળવકળ આ લોચન નિરખે પળપળના પડછાયા
વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે?
સુખની ભીની સોડમ લઈને મન મોજીલું વલખે
અલકમલકનાં રૂપઅરૂપ કાંઈ પાંપણમાં પથરાયાં'
કવયિત્રી: પન્ના નાયક
સ્વરકાર: ગાયક: અમર ભટ્ટ
આલબમ: વિદેશિની
આ ગીત ક્યારે લખાયું એવા મારા પ્રશ્નના જવાબમાં પન્નાબહેને કહ્યું કે 1985ના અરસામાં – એમણે, કવિ સુરેશ દલાલે અને નટવર ગાંધીએ વૉશિંગ્ટનમાં, લિંકન સેન્ટર પાસે, પોટૉમેક નદીના કિનારે, ઘાસ પર બેસી, વાસંતી વૈભવ માણતાં માણતાં કાવ્યો લખેલાં. એ વખતે પન્નાબહેને આ ગીત લખ્યું હતું.
અમેરિકામાં સખત ઠંડી પછી વસંત – સ્પ્રિંગ – ખૂબ માણવા લાયક હોય છે – પાનખરની જેમ જ. એમાં ય વોશિંગ્ટનમાં જાપાનની જેમ ચૅરી બ્લોસમ જોવા મળે.
નદીમાં ન્હાતાં વૃક્ષો હોય, ધરતી પર જ જળતત્ત્વ મળે ને વાદળ જ્યાં છે તે આકાશની છાયા મળે. અરૂપ એવો વાસંતી પવન અનુભવાય અને આવા વાતાવરણમાં અંદરના અગ્નિનું શું? આમ જ મને આ પાંચે તત્ત્વો આ ગીતમાં સહજ આવેલાં દેખાયાં.
સુંદરમ્નું એક ગીત હું શાળામાં શીખેલો –
'અમને રાખ સદા તવ ચરણે'
અહીં પ્રથમ શબ્દ 'અમને' હોવાથી ને લય એ ગીતને મળતો હોવાથી પ્રથમ પંક્તિનો ઢાળ એ જ લીધો છે. બીજા અંતરામાં બસંતબહાર રાગના સ્વરો તો તમે નોંધશો જ.
— અમર ભટ્ટ