સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને વ્યવહારમાં ચરિતાર્થ કરવા પોતપોતાની રીતે સંઘર્ષ કરતા દરેક નાગરિકના સૂરમાં સૂર મેળવી મેઘાણીની કવિતા “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”ને યાદ કરીને આ શબ્દાંજલિ…
અશોક ચક્રની નીચે અસ્ફુટ ચ્હેરો છે,
ઉન્મુક્ત ઝંડો અકથ ઢાંકનારો સહેરો છે!
અઠંગ અડ્ડા નવા રંગરૂપે વિસ્તરતા,
કશે છે ધામ, કશે બાગ બાગ ડેરો છે!
દરેક જીભ ઉપર ‘સ્વસ્તિ’, ‘સ્વસ્તિ’ ઉચ્ચારણ,
બધી જ વાણી ઉપર સરસતીનો પ્હેરો છે!
ચચરતું કોણ ભરે રામબાણ બાજરિયું?
જનોઈવઢ પડેલો ઘાવ ખૂબ ગહેરો છે!
વિગત એ શૌર્યકથાની કદીક ઊકલશે,
રુધિરનો ડાઘ હજી રાજઘાટે ઘેરો છે!
e.mail : spancham@yahoo.com