ખણખોદ
ચાલુ હતી મારા પાડોશમાં
હું જ્યારથી એનો પાડોશી બન્યો ત્યારથી.
એ પહેલી વાર મળ્યો,
એણે મારા નામની સાથે પૂછ્યું હતું, “કઈ બાજુના છો?“
ફરી મળ્યા ત્યારે મને કહે, “પટેલ લાગો છો.”
મેં ના પાડી,
એટલે એ માથું ખંજવાળતા
ઊંડા વિચારમાં ખૂંપી ગયો.
બે દી’ પછી ફરી દરવાજામાં મળ્યો.
નેઇમ પ્લેટ પર નજર નાખતા કહે;
“અરે … તમે પરમાર એટલે દરબારમાં આવો …નહીં ?”
મેં નકારમાં ડોકું હલાવ્યું
એનો ચહેરો ઝંખવાણો પડી ગયો.
મને ગમ્યું નથી એવું લાગતા.
એણે કહ્યું, “આ તો અમસ્તા જ પૂછ્યું.”
એની ખણખોદ ચાલું હતી.
મને જોતા એની અંદર પડેલો
જાતિવાદી કીડો સળવળી ઊઠતો.
થોડો દિવસ પછી ફરી નીચે મળ્યો
મારી બાજુમાં આવી કહે.
“તમે ભગવાનમાં માનો કે નહીં”
મેં કહ્યું “ના”
ના, સાંભળી મૂંઝવણમાં મૂકાયો.
પણ મને પાકી ખાતરી હતી
ફરી મળશે, ફરી પૂછશે
આ ખાસ પ્રકારની પ્રજાતિનું
રોજનું કામ છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 26 ઑક્ટોબર 2020; પૃ. 06