ભારતીય સિનેમાનાં જાણીતા દિગ્દર્શક અને લેખક એવા કુંદન શાહ(જન્મ ૧૯ ઓક્ટોબર, ૧૯૪૭)નું તારીખ ૭ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ હદયરોગના હુમલાથી નિધન થયું છે. કુંદન શાહ ૬૯ વર્ષના હતા.
કુંદન શાહે એક દિગ્દર્શક તરીકે ફિલ્મ્સ અને ટેલિવિઝનની દુનિયામાં ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. તેમણે ‘નુક્કડ’ (૧૯૮૬), ‘વાગલે કી દુનિયા’ (૧૯૮૮), ‘પરસાઈ કહતે હે’ (૨૦૦૬) જેવી ધારાવાહિક બનાવી અને વર્ષ ૧૯૮૩માં દિગ્દર્શિત કરેલી ફિલ્મ ‘જાને ભી દો યારો’ માટે તેમને ‘દિગ્દર્શકની પ્રથમ શ્રેષ્ઠ ફિલ્મ’ના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. કુંદન શાહ પૂનાની Film and Television Institute of India (FTII)ના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.
અહીં પ્રસ્તુત છે સિનેમા, રાજકારણ અને સમાજ સંબંધિત કુંદન શાહના કેટલાક વિચારો: કુંદન શાહ એક ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે મેં અત્યાર સુધી જે કોઈ પણ ફિલ્મનું લેખનકાર્ય અને દિગ્દર્શન કર્યું છે તે તમામ ફિલ્મ્સ બનાવવાનો વિચાર મને ન્યૂઝપેપરમાંથી આવ્યો છે. આપણે ન્યૂઝપેપર વાંચીએ છીએ, ગુસ્સો આવે છે. એક એવો વિચાર આવ્યો હતો કે આ સમગ્ર વાતાવરણ રાજકીય છે અને તેને લોકો સુધી કેવી રીતે રજૂ કરવામાં આવે તે વિચાર થકી મેં અત્યાર સુધીની મારી તમામ ફિલ્મ્સ બનાવી છે (ખાસ કરીને ‘જાને ભી દો યારો’). કારણકે મારી પાસે એક જ હથિયાર છે અને તે છે કોમેડી, તે કોમેડીનો ઉપયોગ કરીને અને વ્યંગ્યનો ઉપયોગ કરીને તમે જે-તે વિષયને દર્શકો સુધી પહોંચાડી શકો તે એક મજાની વાત છે.
જે કોઈ ફિલ્મનું નિર્માણ રાજકીય કટાક્ષના આધાર પર કરવામાં આવે છે ત્યારે તે રાજકીય કટાક્ષ થકી શું રાજનેતાઓ પર કોઈ અસર થાય છે? આ પ્રશ્નના જવાબમાં કુંદન શાહ જણાવે છે કે રાજકીય વ્યંગ્યની રાજનેતાઓ પર પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ રીતે ચોક્કસ અસર થાય છે. પરંતુ, તેમાં સમસ્યા એ છે કે આ અસર માત્ર એક સ્તર પર જ થાય છે. જેમ કે હવે હું કોઈ એક ફિલ્મનું નિર્માણ કરું છું તો તેનાથી સમાજ નહિ બદલાય પણ એ મારી ફરજ છે કે હું કોઈ એક એવી ઘટનાનું નિર્માણ કરું કે જેની સાથે સમાજ જોડાયેલો હોય. અને આ વાત ખાસ કરીને વર્તમાનમાં લાગુ પડે છે. હું એક નાની વ્યક્તિ છું અને હવે એ મારું કર્તવ્ય બની ગયું છે કે મારે દરરોજ અર્થશાસ્ત્ર વાંચવું જ જોઈએ, કારણ કે હાલનાં સમયમાં મારું જીવન હવે આ અર્થશાસ્ત્ર જ સંચાલિત કરે છે અને માટે હવે હું સાહિત્ય નથી વાંચતો.
વધુમાં કુંદન શાહ તેમની પ્રથમ ફિલ્મ ‘જાને ભી દો યારો’ અત્યારે કેટલી પ્રસ્તુત છે તેના જવાબમાં જણાવે છે કે હું એવું સહેજ પણ નથી કહેતો કે ‘જાને ભી દો યારો’ રિલીઝ થઇ તે સમયમાં ભ્રષ્ટાચાર નહોતો, પણ અત્યારે તો જાણે સમગ્ર વાતાવરણ જ પલટાઈ ગયું છે અને ભ્રષ્ટાચારમાં બેફામ વધારો થયો છે. માટે મારી ફિલ્મ ‘જાને ભી દો યારો’ વર્તમાનમાં વધારે પ્રસ્તુત છે.
ભારતીય જનતાના કોમેડીના ટેસ્ટ વિશે કુંદન શાહ જણાવે છે કે અત્યારે આપણા દેશમાં કોમેડીનો પર્યાય માત્ર એક જ છે અને તે છે ‘સબ ટીવી ચેનલ’. અત્યારે ‘સબ ટીવી’ દર્શકોને કોમેડી ઠૂંસી રહ્યું છે અને ઠૂંસી-ઠૂંસીને કહી રહ્યું છે કે લો આ કોમેડી છે. ‘સબ ટીવી’ કહે છે કે અમે દર્શકોને કોમેડી પીરસી રહ્યા છીએ અને દર્શકો પણ આમાં શું કરે તેઓ પણ તે જ વસ્તુ જુએ છે કે જે તેમને પીરસવામાં આવે છે. અને કોમેડી એ આખરે કોમેડી જ હોય છે. વર્તમાનમાં સામાજિક દ્રષ્ટિકોણવાળી ફિલ્મ બનાવવી અત્યંત જરૂરી છે કારણ કે જે રીતે આપણા શરીરને ખોરાકની જરૂરિયાત હોય છે, તે રીતે આપણા મગજને પણ કંઈક આ પ્રકારના સામાજિક દ્રષ્ટિકોણવાળા ખોરાકની જરૂરિયાત છે. જે રીતે ન્યૂઝપેપર જરૂરી છે તે પ્રમાણે આ સામાજિક દ્રષ્ટિકોણવાળી ફિલ્મ પણ જરૂરી છે. અને ઘણાં લોકો આ ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. જે પૈકીનો એક હું પણ છું. જો લોકો કહેશે કે આ પ્રકારની સામાજિક હેતુને લઈને ફિલ્મ બનાવવાથી સમાજમાં કોઈ પણ પ્રકારનો બદલાવ નથી આવ્યો છતાં પણ પ્રયત્ન કરવો જરૂરી છે.
આગળ, ટેકનોલોજીના મુદ્દાને લઈને કુંદન શાહ જણાવે છે કે અત્યારે ટેકનોલોજીના કારણે પરિવર્તન આવવાનું શરૂ થઇ ગયું છે અને હવે તો ભવિષ્યમાં આર્ટીફિશિયલ ઇન્ટેિલજન્સ થકી વિશ્વભરની જનતાને ભારે નુકસાન થવાનું છે કારણ કે તેમાં ઓટોમેશન છે અને રોબોટીક્સ છે. ટેકનોલોજીથી વર્કર બેરોજગાર થઇ જશે માટે તેમના માટે વૈકલ્પિક રોજગારી ઊભી કરવી પડશે. અને તમે ટેકનોલોજીને રોકી પણ નહિ શકો. જુઓ, અર્થશાસ્ત્ર એ ટેકનોલોજી સાથે જોડાયેલું છે. ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર એ બંને ફિલ્મમેકિંગ સાથે જોડાયેલાં છે. જે રીતે આપણે બધાં જ વર્તમાનમાં એકબીજા સાથે જોડાયેલા છીએ.
અને અંતમાં, કુંદન શાહે ફિલ્મ ‘જાને ભી દો યારો’ કેવી રીતે બનાવી તેની સંપૂર્ણ પ્રક્રિયા અને યાત્રા વિશે લેખક જય અર્જુન સિંહનું અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલું પુસ્તક ‘જાને ભી દો યારો’ અચૂક વાંચવું ઘટે.
e.mail : nbhavsarsafri@gmail.com