આંબેડકરજયંતી વિશેષ
સતયુગમાં
કોરોના જેવા જીવલેણ રોગને
ધર્મ સંગાથે
પીળા પીતાંબર જેવો પાવન નાતો હતો.
તે સમયે
એકલા શૂદ્રો માટે
લૉક ડાઉન હતું.
થોડાં દિવસનું નહીં, જિંદગીભરનું
કહેવાય છે કે,
સતયુગમાં રામરાજ્ય હતું.
ને,
રામરાજ્યમાં
ધર્મના ઠેકેદારોએ કડક એડવાઈઝરી
જાહેર કરી હતી.
શૂદ્રનો સ્પર્શ કરવો નહીં,
માસ્કને બદલે ગળામાં કુલડી લટકાવવી,
કમરમાં ઝાંખરાં બાંધવાં,
ગામમાં પ્રવેશવું નહીં.
અરે …
શૂદ્રના પડછાયાને પણ
અપવિત્ર જાહેર કરી,
જરૂર પડે તો સેનિટાઈઝરની જેમ
પવિત્ર જળની છાંટ લેવાતી.
લોકો કહેતાં કે,
બ્રહ્મદેવતા કોપાયમાન થતા
ત્યારે ગામમાં
મહામારી જેવો રોગ ફેલાતો
કારમો દુષ્કાળ પડતો
ભયાનક પૂર આવતું
ગામ ભયભીત બની ફફડી ઊઠતું
ને પછી
દેવતાઓને રીઝવવા
કર્મકાંડ
અને
હોમહવન થતાં.
પશુના બલિ ચડાવતા
થાળીને બદલે શંખનાદ ફૂંકાતો
મંત્રોચ્ચારના મહાયજ્ઞમાં
દેવોને બત્રીસ ભાત્યનાં વાનાંનો અર્ધ્ય ધરાતો.
ને,
રોગનું, પૂરનું,
અને દુકાળનું
નિવારણ શોધાતું.
અંતે
ઘંટ વગાડી જાહેર કરતા
કે,
આવી પડેલી આપત્તિનું
એક માત્ર નિમિત્ત શૂદ્ર હતો.
હે ધર્મપ્રેમીઓ
હે ધર્મધુરંધરો
હે પ. પૂ. ધ. ધૂ. 1008
તમારા ધર્મમાં
સતયુગની લૉક ડાઉન જેવી સ્થિતિ
ભોગવી ચૂકેલો શૂદ્ર
માણસ હતો
કે !!
(કવિમિત્ર નરેન્દ્ર વેગડાને અર્પણ)
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 14 ઍપ્રિલ 2020