ગાંધી આપણા સાહિત્યને, આપણી આખી સંસ્કૃતિના સારને કોસિયા સુધી, સામાન્યજન સુધી પહોંચાડવા માગતા હતા. સામાન્યજન સુધી કઈ ભાષા, કયું સાહિત્ય પહોંચે? માત્ર સરળ ભાષા? પ્રોઢ શિક્ષણ સારુ ભાષાને સરળ બનાવીને તૈયાર કરેલું સાહિત્ય કે સામાન્યજન સુધી પહોંચતું નથી? અને કબીર, જ્ઞાનેશ્વર, ત્યાગરાજ અને નરસિંહની ભાષા હંમેશાં સરળ નહોતી, છતાં એ કેમ સામાન્યજન સુધી પહોંચી? કારણ એમની વાણી માત્ર સરળ ભાષા નહોતી, સરળ દયની ભાષા હતી. ઋજુ દય ઉપર ઝિલાયેલું જ્ઞાન ઋજુ દયના સામાન્યજન સુધી પહોંચે છે. સામાન્યજન સુધી પહોંચવા માત્ર ભાષાને જ નહિ, અંતરને સ્વચ્છ કરવાની જરૂર હોય છે. કોસિયા પાસે પહોંચનાર સાહિત્ય માત્ર કોસના દોરડા સુધી જ પહોંચનાર નહિ, પણ કોસિયાના અંતરને સીંચનાર હોવું જોઈએ.
મારી જનોઈ પ્રસંગે ગાંધીબાપુ તરફથી મને મળેલાં પુસ્તકો પર એમણે કરેલું લખાણ મને આજે સિત્તેર વર્ષ પછી પણ યાદ છે. 'અનાસકિતયોગ' પર લખેલો સંદેશ કોઈ સૂત્ર જેવો અર્થગંભીર હતો. તેમાં લખ્યું હતું: ''તારે વિષે જે આશાઓ રાખી છે તે પૂરી કરજે.'' જીવનના દરેક વળાંક વખતે આ સૂત્રે મને પડકાર્યો છે. આજે ગુજરાતી સાહિત્યના પ્રમુખ પદેથી બોલી રહ્યો છું ત્યારે આજના સંદર્ભમાં બાપુની એ આશા, આકાંક્ષા, અપેક્ષા શી હશે? એ અપેક્ષાને જરા ગૌરવશાળી શબ્દોમાં રજૂ કરવી હોય તો એમ કહી શકાય કે ગિરાગુર્જરીને આપ સૌ મળી વિશ્વગુર્જરી બનાવો. જે ભાષા સામાન્યજનના અંત:સ્તલ સુધી પહોંચી શકે એ જ વિશ્વની ક્ષિતિજો આંબી શકે. ગુજરાતી ભાષાને આપણે વિશ્વની ક્ષિતિજો માપનાર કેમ ન બનાવી શકીએ?
વિશ્વની ક્ષિતિજો માપનાર સાહિત્ય કેવું હોય? એ એવું હોય કે જેની આડે કોઈ વંડી કે વાડ ન આવતી હોય. જે ભાષાનું સાહિત્ય જાતિના, સંપ્રદાયના, ધર્મના, રંગના, લિંગના, સ્વાર્થના કે રાષ્ટ્રના ભેદોને ભૂંસી શકે તે ભાષા વિશ્વની ભાષા બને. વિશ્વસાહિત્યકારનું સાહિત્ય વિશ્વના બરનું હોવું જોઈએ અને એને માટેની મુખ્ય શરત એ છે કે સાહિત્યકારનું વ્યકિતત્વ અ બરનું હોવું જોઈએ. આપણે ત્યાંની ભાષાઓમાં વ્યાસ, વાલ્મીકિ, કબીર, તુલસી, જ્ઞાનેશ્વર, ચૈતન્ય વગેરે અવા વ્યકિતત્વવાળા થઈ ગયા કે જેમનું વાડંમય જાગતિક સ્તરનું હતું. સાહિત્યકાર કરતાં એનું સાહિત્ય ઊંચું હોઈ શકે કે નહીં અ વિવાદમાં પડ્યા વિના અને સાહિત્ય અને સાહિત્યકારના ચારિત્ર્યને કશો સંબંધ હોય કે નહિ એ પ્રશ્ન તમારા નિર્ણય પર છોડી, હું અહીં મારો અ વિશ્વાસ વ્યકત કરવા માગું છું કે આપણે જો ગુજરાતી સાહિત્યને વિશ્વસ્તરનું બનાવવું હશે, અને બનાવવું છે – તો આપણે આપણા વ્યકિતત્વ પણ વિશ્વસ્તરનાં કરવા પડશે, આપણા સંકુચિત વાડા તોડવા પડશે. તેમ કરવામાં આપણી અસ્મિતા ઘટવાની નથી, બલકે તે વધુ ઊંચી ઊઠશે.
આપણને એકબીજાંથી અલગ રાખનારી વાડો ગમે તેટલી સગવડવાળી હોય, ગમે તેટલી લોભામણી હોય, પણ તે આપણને સીમિત અને સંકુચિત જ રાખે છે. વાડો તોડવાનું કામ આપણને ક્રાંતિકારી લાગી શકે. આ ક્રાંતિ એવી છે કે જેની શરૂઆત આપણી જાતથી જ થાય છે અને આગળ જતાં એ વર્તુળ વધતું જશે. આપણે જાણ્યે-અજાણ્યે આપણી આસપાસ કૂંડાળાં બનાવતાં હોઈએ છીએ. એ કૂંડાળું પોતાના અહંકારનું હોઈ શકે, બીજી વિષે દ્વેષનું કે ઇર્ષ્યાનું હોઈ શકે, પ્રતિસ્પર્ધાનું હોઈ શકે. જે સાહિત્યકાર, કર્મચારી કે હોદ્દેદાર આવાં સંકીર્ણ કૂંડાળામાં ફસાયેલો રહેશે તે ગમે તેટલી નામના સાથે પણ કૂપમંડૂક જ રહેશે. એને પૃથ્વીની ક્ષિતિજ સૂઝશે જ નહીં. ગાંધી આપણને કહી ગયા છે કે સત્યને પ્રેમ સિવાય બીજી કોઈ રીતે પહોંચવું અશકય છે. પ્રેમ પૂરેપૂરો ત્યારે જ વ્યકત થઈ શકે જયારે માણસ પોતાની જાતને શૂન્યવત્ બનાવી દે. આ પહેલું સોપાન.
આદિવાસી સાહિત્ય અને બિનઆદિવાસી સાહિત્ય, દલિત સાહિત્ય કે બિનદલિત સાહિત્ય, મુસ્લિમ સાહિત્ય-બિનમુસ્લિમ સાહિત્ય-આ અને આવાં વિશેષણો જે બધાનું વિશેષ્ય, 'સાહિત્ય' છે, તેને સંકુચિત કરે છે, સીમિત કરે છે. એ તમામ સીમાઓથી મુકત થઈ અને તમામનો ઉમળકાભેર સમાવેશ કરી આપણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ અને સમર્થ બનાવવું છે. વિશ્વસ્તર પર જવા માટેનું એ બીજું સોપાન હશે.
ત્રીજું સોપાન આપણું ઓશિયાળાપણું કાઢવાનું છે-ખાસ કરીને શાસન પ્રત્યેનું ઓશિયાળાપણું. શાસન આપણને આર્થિક મદદ આપતું હોય, માન-મરતબા કે પુરસ્કારો આપતું હોય તો એની ગરજ આપે. તેથી આપણે સ્વતંત્રતા ગીરવી મૂકી ન શકીએ. વિશ્વગુર્જરી બનાવનાર સાહિત્યકાર ખમીરવંતો તો હોવો જ જોઈએ ને? (ગાંધીનગર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૪મા અધિવેશમાં તારીખ ૨૧ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ આપેલા અઘ્યક્ષીય ભાષણના સંકલિત અંશો)
આવતી કાલે: સાહિત્યકારના ખમીર અને સમાજના ગંભીર પ્રશ્નો અંગેની સાહિત્યકારની અપેક્ષિત નિસબત અંગેના નારાયણભાઈ દેસાઈના વધુ વિચારો.